બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)


બાપા સીતારામ……

હમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો.

મહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા જ કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ…

ત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે કે જો તમે ધ્યાન અને શ્રધ્ધા થી જુઓ તો અદલ બાપા ની પ્રતિકૃતિ દેખાય.

મૂળ મંદિર ની બાજુ માં એક બીજુ મંદિર છે. હજી બંધાઈ રહેલા આ મંદિર માં બાપાની ચાંદી ની મૂર્તિ છે. અને ત્યાં રામ લક્ષમણ સીતા અને હનુમાનજી નું પણ મંદિર છે તેને રામ પંચાયત નામ આપ્યુ છે. સમગ્ર પરિસર અત્યંત ચોખ્ખુ અને સુંદર છે. શાંતિ અને નિરામય સુંદરતા ની અનેરી અનુભૂતિ અહીં થાય છે. મંદિરના પ્રવેશ દ્વારની ડાબી બાજુ ચા કોફી દૂધ કાઊન્ટર છે. પાથરણા પર બેસો અને સ્વયંસેવકો આવી તમને રકાબી આપશે…અને તરત જ ગરમા ગરમ ચા તમારા સ્વાગત માટે તૈયાર છે. કોઈ પણ ભેદભાવ વગર, નયો પૈસો ય લીધા વિના મળતી આ ચા પ્રસાદી છે કે અમૃત તે તો પીધા પછી તમે નક્કી જ ના કરી શકો. અને પ્રસાદ તો એક જ વાર હોય તેમ ભૂલી તમે બીજી રકાબી પીવા મજબૂર થઈ જાવ.

અમને બાપાની સાંજ ની આરતી માં શામેલ થવાનો અવસર મળ્યો, કહો કે સૌભાગ્ય મળ્યુ. આરતી ના સમયે, ધૂપની સુગંધ માં તરબતર થઈને કોઈક અદમ્ય આધ્યાત્મિક પ્રેરણા થી તમે એવા મગ્ન થઈ જાવ છો કે એ અડધો કલાક ક્યાં વીતી જાય એ ખબર જ નથી પડતી. અને એવામાં જ આરતી પૂરી થાય અને પછી પડે હરીહર નો સાદ….આત્માનો ઓડકાર લેવાનો અવસર.

બાપાના મંદિર થી થોડે દૂર આવેલ છે અન્ન ક્ષેત્ર, નામે ગોપાલ ગ્રામ, જ્યાં સતત અવિરતપણે ચાલે છે જમાડવાની વ્યવસ્થા. અહી હરીહર નો સાદ પડતા જ બધા મંદિર માં થી ગોપાલ ગ્રામ તરફ જવા નીકળ્યા. અહીં પણ હાર બંધ પાથરણા પાથરેલા હોય છે. મારા અનુમાન પ્રમાણે જ્યારે અમે જમવા બેઠા ત્યારે ત્યાં બીજી દસેક પંગત ચાલતી હતી અને એક પંગત માં હશે પચાસેક માણસ. સ્ત્રિઓ અને સાધુઓ નો જમવા માટે નો અલગ વિભાગ હતો. પહેલા આવ્યા થાળી વાટકા અને પછી તરત બૂંદી ના લાડુ, ગાંઠીયા, રીંગણા બટેટા નું શાક, રોટલી, દાળ અને પછી ભાત……આ ભોજન નો સ્વાદ જ કાંઈક અલગ છે. જમ્યા પછી થાળી અને વાડકા જાતે ધોવાના છે, વધેલુ એંઠવાડ કુંડી માં નાખી દો એટલે એ ગાય કૂતરા માટે ભેગુ થાય, પછી સાબુ ના પાણી ના કુંડ માં સારી રીતે થાળી વાડકા ધુઓ અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ જમા કરાવો, જો બરાબર સાફ નહીં કર્યા હોય તો પાછા મળશે.

અહીં વ્યવસ્થા કેમ થાય છે, ખાવાનું બનાવવા માટે શાક ભાજી, અનાજ વગેરે ક્યાંથી આવે છે એ વિષે પૂછશો તો કોઈ કાંઈ જવાબ નહીં આપે…બધા કહેશે બાપા સીતારામ. એક મિત્ર મારફત મને જાણવા મળ્યુ કે આ બધી વ્યવસ્થા દાન પર થયેલી છે પણ કોણ શું અને કેટલુ આપે છે એ જાણવાનો પ્રયત્ન ના કરવો. અહીં ગુરૂ પૂર્ણીમા અને બાપા ની જન્મ જયંતિ પર લોકો હજારો ની સંખ્યા માં ઊમટી પડે છે. જમવાનું બનાવવા અને પીરસવા અહીં અસંખ્ય સેવા મંડળ છે. અમે જમ્યા તે દિવસે પીંગળી ગામ નું સેવા મંડળ હતુ, જુદા જુદા ગામ ના યુવાનો ભેગા થઈને આવા સેવા મંડળ બનાવે છે. અહીં આવા સો થી વધારે સેવા મંડળ છે. ટ્રેક્ટર માં ભરાઈ ને યુવાનો અહીં આવે છે અને સેવા ની સુવાસ ફેલાવી ને કોઈ પણ નામ ની કામના વગર જતા રહે છે. કોઈ મતલબ નહીં, કોઈ લાલચ નહીં ફક્ત ને ફક્ત સેવા.

બાપા ના જીવન અને તેમના વિષે થોડી વધારે વાતો આવતી કાલે….

 * * * * *


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)

  • Chirag Patel

    આવા મઝાનાં સંતોથી સીંચાતી પાવનભુમી જ પવીત્રતાનું ઝરણું વહાવે છે, અને એ અમૃત સનાતન ધર્મને પોસે છે.