સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શંકરભાઈ પટેલ


લોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ 4

સ્વામી રામતીર્થ જાપાનનો પ્રવાસ કરતા હતા ત્યારે સ્ટીમરમાં તેમને અમેરિકાના એક વૃધ્ધ પ્રોફેસર સાથે ઓણખાણ થઇ. તે પ્રોફસર અગિયાર ભાષાનો અભ્યાસ કરતો હતો. તો પણ તે બારમી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતાં. તે ઉપરથી સ્વામી રામતીર્થે તેને પૂછ્યું ;’તમે આટલી બધી ભાષાઓ તો જાણો છો. હવે આટલી ઉંમરે નવી ભાષા શીખવાની કડાકૂટ શા માટે કરો છો?’ પ્રોફેસરે કહ્યું ‘હું ભૂસ્તરવિદ્યાનો પ્રોફેસર છું. અને એ વિદ્યાનો એક અદભૂત ગ્રંથ રશિયન ભાષામાં છે. એટલે એ ભાષા શીખીને હું એ ગ્રંથનું આધારભૂત ભાષાંતર કરવાની ઇચ્છા રાખું છું.’ સ્વામી રામતીર્થે કહ્યું ‘હવે તમે મૃત્યુને દ્વારે આવી પહોંચ્યા છો. હવે શીખીને શું કરશો? ઇશ્વરનું ભજન કરો.’ પ્રોફેસરે કહ્યું ‘લોકસેવા એ જ ઇશ્વરસેવા છે.’ આ મુશ્કેલ કર્તવ્ય બજાવતાં હું નરકે જાઉં તો પણ ભલે. મને તેની પરવા નથી. મારા દેશબાંધવોને જો સુખ થતું હોય અને મારે હજાર વાર નરકવાસ ભોગવવો પડે તોપણ મને હરકત નથી. આ જન્મમાં લોકસેવા કરવાનો લાભ લેવાનો હક્ક હું છોડનાર નથી.’ જે દેશમાં આવા પ્રોફેસરો શિક્ષણ આપતા હોય તે દેશ ઉન્નત થાય એમાં શું આશ્ચર્ય? – શંકરભાઈ ત્રિ. પટેલ


અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ 5

એડિનબેરોમાં સેન્ડીનામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દીવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો. એક વખત તેણે એક ગૃહસ્થને એક દીવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચૂરણ નહોતું. તેથી પેલા છોકરાને એક શિલીંગ આપ્યો. સેન્ડી તે શિલીંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણી વાર રાહ જોઈ પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા. સાંજે તે છોકરા સેન્ડીનો નાનો ભાઈ રૂબી તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, “સાહેબ, મારા ભાઈ સેન્ડી પાસેથી આપે એક દીવાસળીની એક પેટી ખરીદ કરી હતી અને એક શિલીંગ આપ્યો હતો પણ એ શિલીંગ વટાવવા જતા તેને એક ઘોડાએ લાત મારી, એના બંને પગ ભાંગી ગયા છે. અને તે બચે તેમ નથી, વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે, હું આપને માત્ર ચાર પેન્સ આપી શકું એમ છું તો મહેરબાની કરી સ્વિકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ.” પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં, તેમને સેન્ડીની દયા આવી, તેથી તે તરતજ પેલા છોકરા સાથે તેને જોવા ગયા, તે એક ખૂણામાં છોડીયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, “રૂબી, તારી સંભાળ કોણ રાખશે?…” પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને રૂબીની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનારા આ નાનકડા ગરીબ છોકરામાંય ઇશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી?