સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડાઉનલોડ


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫ 6

દર વખતની જેમ આ વખતે પણ પાંચ સુંદર અને મહદંશે ઉપયોગી નાવિન્યસભર વેબસાઈટ્સ વિશે થોડીક માહિતિ સાથે તેમની લિન્ક. આ વેબસાઈટ્સની યાદીમાં આજે શામેલ છે ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુવિધા આપતી એક વધુ વેબસાઈટ, એનિમેટેડ મૂવિઝ બનાવવાની સગવડ માટેનું સોફ્ટવેર મફત આપતી વેબસાઈટ, જગતના અનેક જોવાલાયક સ્થળોના સુંદર પેનોરમિક દ્રશ્યો બતાવતી વેબસાઈટ વિશે થોડુંક, તો આવા જ શહેરોના અનેક રેકોર્ડ કરેલ અવાજોની ઓનલાઈન લાઈબ્રેરી, બ્રાઊઝિંગ હિસ્ટ્રી શોધવાની સગવડ આપતી વેબસુવિધા વગેરે વેબસાઈટ્સ. આપને આ સાઈટ્સ વિશેની માહિતિ કેટલી ઉપયોગી રહે છે તે અવશ્ય જણાવશો.


સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ 1

વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે. ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા – વાવાઝોડું, અગરિયાઓના મોત – આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે. પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક…


એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0 2

શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે એક વખત ફરીથી અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી સાત મહીના પહેલા અક્ષરનાદ પર ડાઊનલોડ માટે મૂકેલી, અને વાંચકમિત્રોનો પ્રેમ જુઓ કે આ પુસ્તિકાના એક હજાર ડાઊનલોડ પૂરા થઈ ગયાં. આજે તેમાં રહેલી નાની ભૂલો જોડણી વગેરેની ક્ષતિ સુધારીને એક નવા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે વાંચકમિત્રોને ગમશે.


રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8

75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે. આશા છે ભાવકોને આ ગરબા – રાસનું ઈ-પુસ્તક ગમશે.


મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ) 1

ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.


મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ) 3

આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રીના સાધક જ નથી ૫રંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનુ ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આ૫તું વિશાળ સાહિત્ય તૈયાર કર્યુ છે એ નાનીસૂની સિદ્ધિ નથી. એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિ૫ળે થાય છે. “મારુ વિલ અને વારસો” એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથાને સિદ્ધિઓના નીચોડ સમું મહામૂલ્યવાન પુસ્તક બન્યું છે.


જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.


એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ) 3

શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.


અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ) 3

શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે. યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.


મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ) 3

ભાલના મરવા પડેલા માણસો અને નપાણીયા ધરતી પર પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે. અક્ષરનાદના પુસ્તક ડાઊનલોડ વિભાગની શરૂઆત આ સુંદર પુસ્તક સાથે કરતાં ખૂબ આનંદ થાય છે. કેટલાક પુસ્તકો ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. સમયાંતરે આવા સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું.