સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દિલેર બાબૂ


મારો પ્રિય શે’ર – દિલેર બાબૂ 10

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં. તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. – દિલેર બાબૂ મને બરાબર યાદ છે 1973ની દિવાળીની એ રાત હતી. ઊચા પર્વતની ટોચ પર આવેલા વાંકાનેર પેલેસથી હું એકલો મારા ઘર તરફ જઇ રહ્યો હતો. ચારેબાજુ ગાઢ અંઘકાર હતો. અતીતના આગિયા મારી આંખોમાંથી બહાર આવીને ઓગળી જતા હતા. ત્યાં અચાનક પર્વતની તળેટીમાં વસેલું તિમિરથી ઘેરાયેલું નગર મને ઝ્ળહળતું દેખાયું અને ઉપરોક્ત સ્ફૂરી ગયો. હું પ્રસન્ન પ્રસન્ન થઇ ગયો. આ શે’ર ગુનગુનાવતો હું ક્યારે ઘેર પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ના રહ્યો. ત્યારબાદ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં પણ આ શે’ર પછી ગઝલ આગળ ન વઘી. પરંતુ જેણે જેણે આ શે’ર સાંભળ્યો તેને સ્પર્શી ગયો. કવિમિલનમાં, મુશાયરામાં આ શે’ર દ્રારા મારો પરિચય અપાતો રહ્યો. એ પછી પાંચ શે’ર પણ સ્ફૂર્યા એટલે ઘરમાં જઇ કાગળ પર ગઝલ ઉતારી લીઘી ત્યારે વાંકાનેર જન્મેલા શે’રનું સ્મરણ થયું પણ કાગળ પર સાતમો શે’ર લખવાની જગ્યા ન હતી એટલે એ શે’ર હાંસિયામાં લખ્યો. હસ્તાક્ષરમાં છપાયેલી ગઝ્લ વાંચી વાંચકોએ પૂછ્યું, હાંસિયામાં શે’ર લખવાનું પ્રયોજન શું? જેના પ્રત્યુતર અંગે આજ પર્યંત અનુત્તર રહ્યો છું. આ ગઝલમાંથી ઘણા સ્વરકારોએ ચાર અથવા પાંચ શે’ર સ્વરબઘ્ઘ કર્યા છે; આકાશવાણી-દૂરદર્શન પર પ્રસ્તુત કર્યા છે. શ્રોતાજનોને આ શે’ર ખૂબ ગમ્યો છે. હવે ના પૂછશો કે આ શે’ર મને શા માટે પ્રિય છે!  – દિલેર બાબૂ ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)