સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : દેશભક્તિ


દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ…. થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.


સરદાર પટેલની વીરહાક – મુકુલભાઈ કલાર્થી 2

સ્વતંત્રતા મેળવવા લડતી ગરીબ નિર્ધન પ્રજાને રોજેરોજ પ્રમાણસર વીરરસ અને જોમ પૂરું પાડતી એક સાચા સેનાપતિને છાજે એવી વાણીથી સરદાર વલ્લભભાઈ પટેલે લડવાની, સ્વમાનથી જીવવાની અને પોતાના હક મેળવવા મહેનત કરવાની એક અનોખી રીત શીખવી. એમણે લોકોને હિંમત અને પ્રેરણા પૂરી પાડી. એમની કટાક્ષવાણી, વિનોદ, પ્રોત્સાહન, બધુંજ સચોટ અને સ્પષ્ટ છે. તેમણે બારડોલીને પ્રેરણા અને જોશનો નવો સ્તોત્ર બનાવી દીધેલો. આજે પણ તેમની વાણી એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતના આ પનોતા પુત્રએ પોતાના કામથી જગતને એ બતાવી આપ્યું કે લોકો માટે, લોકો નો અને લોકો દ્વારા ચૂંટાયેલો એક સાચો નેતા કેવો હોય.


સલામ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 10

ગત વર્ષે મહુવા ખાતે યોજાયેલા સંસ્કૃત સત્રના એક દિવસે રાત્રે જોયું નાટક “મહોરું”. નાટક ખૂબ સ્પર્શી ગયું, પરંતુ તેથીય વધુ સ્પર્શી ગઈ એક અછાંદસ, સીધી મરમ પર ઘા કરતી, અદભુત રચના…. એ રચના માટે ખૂબ શોધ ચલાવી અને અંતે શ્રી મંગેશ પાડગાંવકરની મૂળ મરાઠી કવિતાનો શ્રી સુરેશ દલાલ દ્વારા થયેલો અનુવાદ મળી આવ્યો. 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


Gandhiji and Vinoba Bhave at Vardha 1934

જે ગાંધીને મેં જાણ્યા – વિનોબા ભાવે 7

મહાત્મા ગાંધીજીને યાદ કરવા કોઈ વિશેષ દિવસની જરૂરત ન હોય, જો કે તેમના વિચારો અથવા સિધ્ધાંતો વિશે વાંચવાની જેટલી મજા આવે છે એથી વધુ મજા તેને સમજવાની કસરત કરવાની આવે છે. વિનોબા ભાવેના આપણા રાષ્ટ્રપિતા વિશેના વિચારોનું આ સંકલન થોડાક દિવસ ઉપર વાંચવા મળ્યું. વિવિધ વિષયો અને સિધ્ધાંતો પર ગાંધીજી વિશે શ્રી વિનોબાના આ સુંદર વિચારો મનનીય અને એથીય વધુ સરળતાથી સમજી અને અનુસરી શકાય તેવી ભાવનાઓ છે.એ મહાત્મા વિશે વિનોબાથી વધુ સારી સમજણ કોઈ ન આપી શકે, આજે ગાંધી નિર્વાણ દિવસે, ગાંધીજી વિશે વિનોબાના વિચારો પ્રસ્તુત છે.


હિંદમાતાને સંબોધન – કાન્ત 1

આપણા પ્રજાસત્તાક્ દિવસે, લોકશાહીના મહોત્સવસમા પ્રજાના અધિકારની ઉજવણીના આ પ્રસંગે ઘણા વર્ષો પહેલાં કવિતા રૂપે શાળામાં ભણેલું આ સુંદર ગીત આજે પ્રસ્તુત છે, આશા છે કવિ શ્રી કાન્તની આ રચનાના શબ્દોને આપણે જીવનમાં ઉતારી શકીએ, સમાજના વિવિધ વર્ગો, ભેદભાવોને ત્યજીને ભારતીય હોવાના સ્વમાન સાથે, અધિકાર અને ફરજ સાથે જીવી શકીએ. આપ સૌ ને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.


ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’ 3

શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું અને લોકમિલાપ ટ્રસ્ટ, શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા ખિસ્સાપોથી તરીકે પ્રસિધ્ધ કરાયેલું પુસ્તક “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” ખૂબ સુંદર રીતે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા તે સન્માનને બિરદાવતો આ લેખ ખૂબ ચોટદાર છે. આ સાથે આ સુંદર પુસ્તિકામાં કેટલાક પ્રસંગો આલેખાયા છે જે આપણા સોરઠી ગ્રામજીવનની, આપણે જેને લોક તરીકે ઓળખીએ છીએ તેવા સામાન્ય માણસોની આગવી પ્રતિભા અને ખુમારીનું દર્શન કરાવી જાય છે.


ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી 8

શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે.


હીરા મુખ સે ના કહે….(મો. ક. ગાંધી) – રાજેશ ટાંક 3

આજે બીજી ઓક્ટોબરના સપરમા દિવસે શ્રી મહાત્મા ગાંધીજીને અંજલી તરીકે અક્ષરનાદ.કોમ ના વાંચક મિત્ર શ્રી રાજેશ ટાંક પ્રસ્તુત સમયમાં ગાંધીજી, તેમના વિચારોની તથા તેમણે આપણને બતાવેલા સિધ્ધાંતો વિશેના વિચારો આ કૃતિ મારફત અભિવ્યક્ત કરી રહ્યા છે. ગાંધીજીના વિચારો અને તેમની દીર્ઘદ્રષ્ટીને ખુલ્લી આંખે અને પૂરા મનથી અનુસરવું એ મારા મતે આજના દિવસે તેમને શ્રેષ્ઠ ભાવાંજલી હશે. અક્ષરનાદ ભારતના આ મહાન સપૂતને સાદર વંદન કરે છે.


ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે 5

પ્રસ્તુત સમયમાં ગાંધીજીની તથા તેમના મૂલ્યોની આજના રાજનેતાઓ દ્વારા ઉડાવાતી ઠેકડીઓ અને તેમના નામના થઇ રહેલા દુરુપયોગ પર શ્રી હરિન્દ્રભાઇ દવેએ એક પાગલનાં વિચારો દ્વારા કેટલા માર્મિક કટાક્ષો કર્યા છે? ખૂબ જ સુંદર અને નાનકડો પણ સમજવા જેવો પ્રસંગ.


શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ 8

પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]


બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન 4

ચાર વર્ષ પહેલા હું તમારી સમક્ષ ઉભો રહ્યો અને મેં તમને મારી વાત કહી, વાત કહી એ મેળાપની જે કેન્યાથી આવેલા એક યુવાન અને કાન્સાસની એક યુવતિ વચ્ચે પાંગર્યો. તેઓ બહુ સધ્ધર ન હતા, પ્રખ્યાત ન હતા, પણ એક વાત એ બંને માનતા, કે અમેરીકામાં તેમનો પુત્ર તેના હ્રદયમાં, મનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે. આ એક એવું વચન છે જે અમેરીકાને અન્ય દેશોથી અલગ પાડે છે, કે આકરી મહેનત અને ત્યાગથી આપણામાંના દરેક આપણા પોતાના વ્યક્તિગત સ્વપ્નો મેળવી શકીએ છીએ, અને છતાં એક સાથે એક અમેરીકન પરિવાર બનીને ઉભા રહીએ, એ જોવા કે આપણી આવતી પેઢી પણ તેમના સ્વપ્નો પૂરા કરી શકે. અને એ જ કારણ છે કે હું આજે અહીં ઉભો છું. કારણકે ૨૩૨ વર્ષો થી, એવા દરેક સમયે જ્યારે આ વચન તકલીફમાં મૂકાય છે, સામાન્ય પુરૂષો અને સ્ત્રિઓ, વિદ્યાર્થીઓ અને સૈનિકો, ખેડુતો અને શિક્ષકો, સફાઈ કામદાર કે પરિચારીકા દરેકમાં તેને જીવંત રાખવાની ધીરજ છે. આપણે એક નિર્ણયાત્મક સમયે મળ્યા છે, એક એવો સમય જ્યારે આપણું રાષ્ટ્ર યુધ્ધમાં છે, અર્થતંત્ર ખાડે ગયું છે અને આ અમેરીકન વચનને ફરી એક વખત પડકાર લેવાનો વખત આવ્યો છે. આજે ઘણા વધારે અમેરીકનો બેકાર છે, અને બીજા ઘણાં ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, તમારામાંથી ઘણાએ પોતાના ઘર ખોયાં છે, અને ઘણા પોતાના ઘરની કિંમતોને પડતી જોઈ રહ્યા છે. ઘણા પાસે કાર છે પણ તેને ચલાવવાનું પરવડે તેમ નથી, ક્રેડીટકાર્ડના બિલ ભરવાનું પણ હવે તમને પરવડે તેમ નથી. આ બધા પડકારો સરકારી બનાવટ નથી. પણ તેમની તરફ પગલાં લેવામાં મોડું કરવું એ વોશિંગ્ટનમાં તૂટેલી રાજકારણીય ઈચ્છા અને જ્યોર્જ બુશની ખોટી રીતરસમો છે. […]


ત્રણ પાગલપણાં – શ્રી અરવિંદ 11

મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. પહેલું પાગલપણું આ છે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને જે કાંઈ ગુણ ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અત્યંત જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાને અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે. તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવુ જોઈએ. હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે વાપરી નાખું તો હું ચોર બનું. બીજું પાગલપણું મારામાં હમણાં પ્રવેશ્યું છે કે કોઈપણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગે જવાનો મેં સંકલ્પ કર્યો છે. ત્રીજું પાગલપણું આ છે સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ – અમુક મેદાનો, ખેતરો, વનો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ સમજે છે. પણ હું સ્વદેશને માતારૂપે જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું. હું જાણું છું કે આ પતિત દેશનો ઉધ્ધાર કરવાનું બળ મારામાં છે, શારીરિક બળ નહિં પણ જ્ઞાનનું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ ચે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે. – શ્રી અરવિંદ


જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ 1

અસહકારે દેશમાં જે હવા નવી ઉભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક નવજીવનનો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડીયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતાં, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દ્રષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં નવજીવનમાં આવેલા સહી વિનાના એક લેખનું શિર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછાં વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈક નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યુ તે, નાખી નજર ન પહોચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં લહેરાતી અમે જોતાં. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક યુવતિઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દિપ્તી નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી કોઈ પણ વ્યક્તિને – કિશોરોથી માંડીને વૃધ્ધો સુધી – મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓનાં બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો અણમોલ લહાવો હતો. ૧૯૨૦-૨૧ના અરસાના એ બધાં દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના અને નવી જ્ઞાન ક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહનાં હતાં. અનાવિલ […]


ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત 3

થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લે જે વિસામો ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી ! ન લે જે વિસામો તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા તારે ઉધ્ધારવાનં જીવન દયામણાં હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી ! ન લે જે વિસામો જીવનને પંથ જાતાં તામ થાક લાગશે વધતી વિટંબણા સહેતા તું થાકશે સહતાં સંકટ એ બધાંયે હો માનવી ! ન લે જે વિસામો જાજે વટાવી તુજ આફતનો ટેકરો આગે આગે હશે વણખેડ્યાં ખેતરો ખંતે ખેડે એ બધુંય હો માનવી ! ન લે જે વિસામો ઝાંખા જગતમામ એકલો પ્રકાશજે આવે અંધાર તેને એકલો વિહારજે છોને આયખું હણાયે હો માનવી ! ન લે જે વિસામો લે જે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો તારી હૈયા વરખડીને છાંયે હો માનવી દેજે વિસામો ! ન લે જે વિસામો  – શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત (ગાંધીજીની પસંદગીની કવિતા – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી)


મુંબઈ મેરી જાન – હવે શું?

મુંબઈ આતંકવાદી હુમલાઓને દિવસો પર દિવસો જઈ રહ્યા છે. આપણે તેમાં શહીદ થયેલા ભારતના સાચા તારલાઓને, ભારતના સાચા સપૂતોને શ્રધ્ધાંજલી આપી ચૂક્યા છીએ. પણ હવે શું? તેમની કુરબાની પરથી આપણે શું શીખ્યા? તેમની કુરબાનીની આપણે શું કદર કરી? આપણે ઉપકારને ભૂલી જનારા લોકો છીએ, ગેંડા જેવી ચામડી વાળા આપણે ( જેમાં હું પણ છું) કઈ રીતે સાબિત કરીશું કે આપણે ખરેખર તેમનો ઉપકાર માનીએ છીએ. ઈનફ ઈઝ ઈનફના પોસ્ટર લઈને રેલી કાઢીને કે હ્યુમન ચેઈન બનાવીને આ થઈ શક્શે? આપણે નફ્ફટ અને નપુંસક લોકો છીએ. કોઈક આવીને આપણા જ ઘરમાં આપણા જ લોકોને મારીને, આપણા જ અસ્તિત્વને હચમચાવીને જાય છે અને આપણે તે પછી થોડાક દિવસ ફુરસદે તેમને યાદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એક નહીં અનેક વખત આપણે આમ કરી ચૂક્યા છીએ. આપણે સિસ્ટમને ગાળો ભાંડીએ છીએ, રાજકારણીઓને બન્ચ ઓફ બાસ્ટર્ડ્સ કહીએ છીએ, શહીદો માટે બે મિનિટનું મૌન પાળીએ છીએ અને પછી પાછા કામે ચડી જઈએ છીએ. થોડાક દેશભક્તિના ગીતો યાદ કરીએ છીએ અને બસ ? આ જ આપણી દેશભક્તિ? મુંબઈને આપણે ગમે તેવા હુમલાઓ, ગમે તેવી આપત્તિઓ પછી પૂર્વવત થઈ જતી નગરી કહીએ છીએ, કે આપણે મુંબઈને ગાળ આપીએ છીએ, મુંબઈ પૂર્વવત થઈ જતી નથી અમુક લોકો એવા રહી જાય છે જેમના માટે બધું પહેલા જેવું રહી જતું નથી. શું તે મુંબઈ નથી? મુંબઈ જ કેમ, અમદાવાદ, દિલ્હી, કે ભારતનું એક પણ નાનામાં નાનું નગર કેમ ન હોય …… પૂર્વવત કાંઈ રહેતું નથી. બસ જેમણે પોતાના ખોયા હોય એ જ યાદ રાખે છે બાકી આપણે પાંચ દિવસ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભૂલી જઈએ છીએ. આપણા સાચા […]


મુંબઈ મેરી જાન

૨૬ નવેમ્બર રાત્રે ૧૦.૩૦ વાગ્યે જ્યારે ટીવી પર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ગોળીબારના સમાચાર સાંભળ્યા ત્યારે કલ્પનાય ન હતી કે આ સમાચાર એક એવી કરુણાંતિકા ની શરૂઆત કરી રહ્યા છે જે આપણા “ફાઈનાન્શીયલ કેપીટલ” અને સાંસ્કૃતિક રાજધાની મુંબઈને ધરમોળી દેશે અને આખો દેશ સ્તબ્ધ થઈ આપણા પર થયેલા આ હુમલાઓને અને તેને લીધે મૃત્યુ પામેલા લોકો, શહીદ થયેલા સિપાહીઓ અને આખાંય વિશ્વમાં “ભારત અસુરક્ષિત છે” એવી ગાઈ વગાડીને કરાઈ રહેલી જાહેરાતો ભારે હ્રદયે અને મજબૂર ભાવનાઓ સાથે જોવા પડશે. કોઈ પણ બહારના કહેવાતા “ધર્મ રક્ષકો” ભારતમાં આવી આવો ખૂનામરકી વાળો ખેલ કરી, કે પોતે પોતાનો આત્મઘાત કરી સાથે ઘણાયને મારી એક ખાસ દેશ કે સંગઠનને તેની સફળતાની ઉજવણી કરવાનો મોકો આપે, એ એક ભારતીય નાગરીક તરીકે મને પોસાય તેમ નથી. મને રાજકારણીઓની નથી ખબર, કેટલાંય એવા સમાચારો આ જ સમયમાં વહી રહ્યા છે કે જે કહે છે કે જેના ભરોસે આપણે જીવીએ છીએ એ આપણા નેતાઓ આપણી રક્ષા કરવાના છે કે પોતાના ખીસ્સા ભરવામાં અને રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવામાં છે. એ બધાંય જે ભારતની સુરક્ષાને, તેના ઔચિત્યને અને ધર્મનિરપેક્ષતાને, અખંડીતતાને હળવાશથી લેવાની કોશીશ કરી રહ્યા છે (ભલે તે અંદરના હોય કે બહારથી આવી હુમલા કરતા હોય) તેમને એક જ વિનંતિ, અમને યુધ્ધ નથી જોઈતું, પણ જો કોઈ અમારી વચ્ચે આવી અમારા પર જ હુમલો કરવાનો અને અમને જ વિખેરવાનો, ઝઘડાવવાનો પ્રયત્ન કરશે તો ભારતીયો જેટલા શાંત છે એટલી જ હિંમતથી જવાબ પણ આપી શકે છે. ગાંધીજી પર ભારતને ગર્વ છે તો ભગતસિંહ સામે પણ અમારું મસ્તક નમે છે.   અમારી ધીરજની પરિક્ષા લેવાનું રહેવા દો …. નહીં તો ……… આપણા […]


ગાંધી ટોપી છે ને, એટલે ! 3

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસની સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યા. બાજુવાળા એક ભાઇના હાથમાં મૂક્યાં, પોતાનું નામ સરનામું આપ્યું અને કહ્યું ; “આટલા ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું!” પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઇ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘરે પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?” “તમારા શરીર પર ખાદી ને માથે ગાંઘી ટોપી છે ને, એટલે! *********** પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રુર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્ર્નારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, અ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,”એવા ઉદગાર ખુદ ગાંધીજીએ કાઢયા હતાં. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું, એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઇને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું. સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું. અંબાડી પર બઠેલા રાજેન્દ્ર્બાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત […]


કોણ જાણે ? – ઉશનસ

કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ? આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ? કંઈ પામશે કે પહેરવાં નાગાં ? સૂવા પામશે કે છાપરું અભાગાં ? ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ? પછી વધશે અહીં માળ ઉપર મજલો ? પારકી જમીન પર મહેનતની ફસલો ? તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ? એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે, જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?  – ઉશનસ ( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )


લોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ 4

સ્વામી રામતીર્થ જાપાનનો પ્રવાસ કરતા હતા ત્યારે સ્ટીમરમાં તેમને અમેરિકાના એક વૃધ્ધ પ્રોફેસર સાથે ઓણખાણ થઇ. તે પ્રોફસર અગિયાર ભાષાનો અભ્યાસ કરતો હતો. તો પણ તે બારમી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતાં. તે ઉપરથી સ્વામી રામતીર્થે તેને પૂછ્યું ;’તમે આટલી બધી ભાષાઓ તો જાણો છો. હવે આટલી ઉંમરે નવી ભાષા શીખવાની કડાકૂટ શા માટે કરો છો?’ પ્રોફેસરે કહ્યું ‘હું ભૂસ્તરવિદ્યાનો પ્રોફેસર છું. અને એ વિદ્યાનો એક અદભૂત ગ્રંથ રશિયન ભાષામાં છે. એટલે એ ભાષા શીખીને હું એ ગ્રંથનું આધારભૂત ભાષાંતર કરવાની ઇચ્છા રાખું છું.’ સ્વામી રામતીર્થે કહ્યું ‘હવે તમે મૃત્યુને દ્વારે આવી પહોંચ્યા છો. હવે શીખીને શું કરશો? ઇશ્વરનું ભજન કરો.’ પ્રોફેસરે કહ્યું ‘લોકસેવા એ જ ઇશ્વરસેવા છે.’ આ મુશ્કેલ કર્તવ્ય બજાવતાં હું નરકે જાઉં તો પણ ભલે. મને તેની પરવા નથી. મારા દેશબાંધવોને જો સુખ થતું હોય અને મારે હજાર વાર નરકવાસ ભોગવવો પડે તોપણ મને હરકત નથી. આ જન્મમાં લોકસેવા કરવાનો લાભ લેવાનો હક્ક હું છોડનાર નથી.’ જે દેશમાં આવા પ્રોફેસરો શિક્ષણ આપતા હોય તે દેશ ઉન્નત થાય એમાં શું આશ્ચર્ય? – શંકરભાઈ ત્રિ. પટેલ


પતંગ નું કાવ્ય – બોટાદકર

પતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ ! હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા ! પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે ! તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.  – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )   ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )   ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….