સજ્જનોનો દુકાળ નથી પડ્યો – ગોવિંદ શાહ 6


એક મોટા શહેરના છેવાડાના ગરીબ વિસ્તારમાં હું એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ઊભો હતો. ત્યાં મારી નજર એક મેલાંઘેલાં કપડાંમાં સજ્જ ગરીબ છોકરા પર પડી. તે સ્ટોરમાં ફરી બધી વસ્તુઓ ધ્યાનથી જોતો હતો. સ્ટોરમાં શાકભાજી પણ હતા. મેં મારી ચીજો ખરીદી પેક કરાવી તે દરમ્યાન દુકાનદાર – શ્રીમાન જ્હોનની નજર તે છોકરા પર પડી. તેણે છોકરાને પૂછ્યું, “દીકરા! કેમ છે? કેમ આવ્યો છે?”

છોકરો – “સાહેબ! આજે તમારી પાસે આવેલા આ ટામેટાં ખૂબ જ સારા છે. બહુ સુંદર છે.”

દુકાનદાર – “તારી મમ્મી માંદી થઈ ગયેલી. હવે તેની તબિયત કેવી છે? શું હું તને કંઇ મદદ કરી શકું?”

છોકરો – “ના સાહેબ! આજનાં ટામેટાં ખૂબ જ લાલધૂમ છે તે જોતો હતો. મારી મમ્મીની તબિયત હવે સારી છે પણ તે કામ નથી કરી શકતી.”

દુકાનદાર – “ટામેટાં તારે ઘરે લઈ જવા છે?”

છોકરો – “ના સાહેબ! અત્યારે મારી પાસે ચૂકવવાના કંઈ પૈસા નથી.”

દુકાનદાર – “તારી પાસે શું છે તે મને બતાવ જેથી હું તને આ ટામેટાં આપી શકું કે કેમ તે ખબર પડે.”

છોકરો – “સાહેબ! મારી પાસે તો ફક્ત થોડી લખોટીઓ છે જે હું મારા મિત્રો પાસેથી હમાણાં જ જીતીને આવ્યો છું.”

દુકાનદાર – “ભલે! મને તે જોવા દે અને નક્કી કરવા દે.”

છોકરાએ આથી તેના ફાટેલા પેન્ટના ખિસ્સામાંથી થોડી લખોટીઓ કાઢી કાઉન્ટર ઉપર ઢગલો કરી દીધો. દુકાનદાર આ જોઈને કહેવા લાગ્યો – “આ ના ચાલે. બધી ભૂરી અને પીળા રંગની છે. તારી પાસે લીલા રંગની લખોટીઓ ઘરે પડી છે?”

છોકરો – “ના સાહેબ! ઘરે થોડી લખોટીઓ પડી છે પણ મને લાગે છે કે લીલા રંગની તો નહિં હોય.”

દુકાનદાર – “સારું તું અત્યારે આ ટામેટાની બાસ્કેટ લઈ જા. ઘરે લીલા રંગની લખોટીઓ હોય તો જોઈ લેજે અને આ બાજુ નીકળે ત્યારે આપી જજે.”

છોકરો – “સાહેબ! તમારો ખૂબ આભાર.”

દુકાનદારની પત્ની મારી પાછળની બાજુમાં ઊભી હતી. તે મારો પેક કરેલ સામાન ઊંચકવા લાગી અને મને કહેવા લાગી કે અમારા વિસ્તારમાં આવા ચાર-પાંચ છોકરાઓ છે જે ખૂબ જ ગરીબ છે. મારા પતિને આ છોકરાઓ ખૂબ ગમે છે. અને તે તેમને આ રીતે લખોટીના બદલામાં સફરજન, નારંગી, ટામેટા વગેરે જે ચીજો જોઈએ તે બધું આપે છે. છોકરાઓ પાસે જે રંગની લખોટીઓ ન હોય તે ફરી લઈ આવવાનું કહે છે. ખરેખર આવી લખોટીઓની તેને કંઈ જરૂર જ હોતી નથી પરંતુ આ રીતે નાના છોકરાનું સ્વમાન જળવાય અને તેને સહેજ એવું પણ ન લાગે કે બધું મફતમાં આપે છે.

હું સ્ટોરની બહાર નીકળ્યો. મને મનમાં આનંદ થયો કે આવા પણ માણસો છે જે પોતાની રીતે ગરીબોને મદદ કરતા હોય છે. આવા માણસોને જોઈને મને લાગ્યું કે ખરેખર સતયુગ આવી રહ્યો છે અને હજુ સજ્જનોનો દુકાળ નથી પડ્યો.

પછી તો શહેર છોડીને મારે આજે બીજે નોકરીએ જવાનું થયું પરંતુ આ દુકાનદાર અને તેની ગરીબ છોકરાઓને મદદ કરવાની આ નવી રીત મને ખૂબ સ્પર્શી ગઈ. જેમાં કોઈ પ્રદર્શન, જાહેરત, સેવાનો આડંબર કે અભિમાન ન હોય.

ઘણાં વર્ષો પછી ફરી આ શહેરમાં હું મારા મિત્રને એક વાર મળવા આવેલ. વાતચીત દરમ્યાન માલૂમ પડ્યું કે આ દુકાનદાર શ્રીમાન જ્હોન આજે ગુજરી ગયેલ છે અને મિત્રને તેની સ્મશાનયાત્રામાં પણ જવાનું છે. મને પણ એક ઝબકારો થયો અને શ્રીમાન જ્હોનની ગરીબોને મદદ કરવાની રીતનો જૂનો પ્રસંગ યાદ આવી ગયો. મારે પણ આવી વ્યક્તિની સ્મશાનયાત્રામાં જરૂર જવું જોઈએ. તેથી હું પણ મિત્ર સાથે ગયો.

સ્માશાનયાત્રામાં ઘણા લોકો, સંબંધીઓ, મિત્રો ઉમટી આવેલ. શ્રીમતી જ્હોન પન ત્યાં કોફિનની બાજુમાં ઊભેલ હતા. આવનારા બધા એક હરોળમાં શ્રીમતી જ્હોનને મળવા ઊભા હતા. અને પોતાનો વારો આવે ત્યારે શ્રીમતી જ્હોનને મળી બે શબ્દો આશ્વાસનના આપતા હતા.

મારી આગળ પણ કેટલાક યુવાન છોકરાઓ ઊભા હતા. એક મિલિટરીના મૅજર જેવા યુનિફિર્મમાં અને બીજા કાળા સૂટમાં હતા જે કોઈ મોટી કંપનીના મૅનેજર જેવા લાગતા હતા. તેઓનો વારો આવ્યો ત્યારે તેઓએ શ્રીમતી જ્હોનને એક વહાલભર્યું ચુંબન કર્યું. દરેક યુવક કોફિનને ભાવપૂર્વક સ્પર્શ કરીને થોડા ફુલ મૂકી આંખમાં આંસુ સાથે બહરા નીકળતો હતો.

જ્યારે મારો વારો આવ્યો ત્યારે મે શ્રીમતી જ્હોનને વર્ષો પહેલાં રંગીન લખોટીઓના બદલામાં શ્રીમાન જ્હોન ગરીબ છોકરાઓને કેવી રીતે મદદ કરતા હતા તે વતની યાદ અપાવી. શ્રીમતી જ્હોનના ચહેરા ઉપર એક ચમકારો જોવા મળ્યો અને તે મારો હાથ પકડીને કોફિન આગળ લઈ ગઈ અને જણાવ્યું કે પેલા યુવાનો જે આગળ જાય છે તે એ લોકો છે જેમને જ્હોન હંંમેશ લખોટીઓ લાવવાનું કહેતા હતા. જ્હોન પાસે સંપત્તિ નહોતી પણ આ ગરીબ છોકરાઓને મદદ કરીને પોતાની જાતને ધન્ય અનુભવતા હતા. શ્રીમતી જ્હોને કોફિન પરનું કપડું હતાવતાં જોયું તો મૃતદેહની બાજુમાં કેટલીક રંગીન લખોટીઓ પણ હતી. મેં પણ થોડા પુષ્પો કોફિન ઉપર ચઢાવી શ્રીમાન જ્હોનને શ્રદ્ધાંજલિ અર્પન કરી. ફુલોની સુવાસ તો પવનની દિશા તરફ ફેલાય છે પરંતુ સજ્જનોની સજ્જનતા તો બધી જ બાજુ ફેલાય છે.

– ગોવિંદ શાહ

(‘પ્રેરણાત્મક પ્રસંગો’ માંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક ભેટ કરવા બદલ શ્રી ગોવિંદભાઈ શાહનો ખૂબ આભાર.)


6 thoughts on “સજ્જનોનો દુકાળ નથી પડ્યો – ગોવિંદ શાહ

  • ARVIND PATEL

    અતિ સુંદર લેખ. હમેશા જરૂરિયાત લોકોને મદદરૂપ થવું જોઈએ.

  • Rajul Kaushik

    કોઈની જરૂરિયાત પુરી થાય અને સ્વમાન પણ સચવાય એનાથી વધુ ઉમદા ભાવના કઈ હોઈ શકે?

  • Laynal Parmar

    બીજાં પર ઉપકાર કરી તેને ભૂલી જવામાં જ ખરી ભાવના દેખાય છે.

  • હર્ષદ દવે

    ખૂબજ સુંદર પ્રેરક અને અનુકરણીય પ્રસંગ…જમણો હાથ દાન કરે તેની જાણ ડાબા હાથને પણ ન થાય તે આનું નામ!