શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૪)


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૪

ડૉ. હિલ્ફ્સ્તેઇન, હેન્ડલર, લેવ્કોવિક્ઝ અને બાઇબર્સ્તેઇમે ક્રેંકેન્સ્ટ્યૂબમાં ડૉક્ટર તરીકે કામ કર્યું હતું. ટાઇફસ ફાટી નીકળવાની શક્યતાઓથી તેઓ સારી પેઠે પરિચિત હતા. આરોગ્ય માટે ટાયફસ જોખમરૂપ  હોવા ઉપરાંત, ઉપરથી આવેલા હુકમ પ્રમાણે બ્રિનલિટ્ઝને બંધ કરી દેવા માટેનું એક કારણ પણ બની શકે તેમ હતો! ચેપ લાગ્યો હોય તેવા કેદીઓને બળદગાડામાં ભરી-ભરીને બર્કેન્યુમાં બનાવેલી ટાયફસ માટેની ખાસ બેરેકમાં નાખી આવીને ત્યાં જ મરવા માટે છોડી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ બ્રિનલિટ્ઝ પહોંચી તેના, એક અઠવાડિયા પછી, ઓસ્કર એક દિવસ સવાર-સવારમાં દવાખાનાની મુલાકાતે ગયો, તે દરમ્યાન બાઇર્બેસ્તેઇને તેને બે સ્ત્રીઓમાં ટાયફસ હોવાની શક્યતા અંગે જાણ કરી! માથાનો દુખાવો, તાવ, બેચેની, આખાયે શરીરમાં સામાન્ય કળતર, વેગેરે જેવાં લક્ષણો શરૂ થઈ ગયાં હતાં. થોડા જ દિવસોમાં ટાઇફસના લાક્ષણિક ચાઠા દેખાવાની બાઇબર્સ્ટેનની ધારણા હતી. બંને સ્ત્રીઓને ફેક્ટરીથી ક્યાંક અલગ રાખવી પડે તેમ હતી.

ટાયફસના લક્ષણો બાબતે બાઇબર્સ્ટેને ઓસ્કરને વધારે ચેતવણી આપવી પડે એમ ન હતું.

માથાની જૂ કરડવાથી ટાયફસ ફેલાતો હતો. ‘જૂ’ની અનિયંત્રિત સંખ્યાને કારણે કેદીમાં ચેપ ફેલાઈ રહ્યો હતો. રોગ બહાર આવતાં લગભગ બે અઠવાડિયાં લાગતાં હતાં. દસ-બારથી લઈને સોએક જેટલા કેદીઓમાં ટાયફસના જંતુઓ ફેલાયા હોવાની આશંકા હતી. નવા પલંગો મુલવામાં આવ્યા હોવા છતાં પણ લોકો એકબીજાને અડી-અડીને રહેતા હતા. પ્રેમીજનો ફેક્ટરીના કોઈક છાના ખૂણે ઉતાવળે એકબીજાને મળે, ત્યારે વાયરસ જેવી ‘જૂ’ની આપ-લે થઈ જતી હતી. ટાયફસની ‘જૂ’ બહુ સફળતાપૂર્વક સ્થાનાંતરણ કરી લેતી હતી. એવું લાગતું હતું કે ‘જૂ’નો જુસ્સો ઓસ્કરને હરાવી દેવા તત્ત્પર થયો હતો!

આથી ઓસ્કરે જ્યારે જૂ-વિરોધી ફૂવારા, કપડાં ઉકાળવા માટે લૉન્ડ્રિ, ઉપરના માળે જંતુનાશક પ્લાંટ, વગેરે મંગાવવાનો હુકમ કર્યો ત્યારે એ માત્ર જડ, વહીવટી હુકમ ન હતો. ભોંયતળીયેથી આવતી ગરમ વરાળની પાઈપો દ્વારા આ યુનિટને ચલાવવાનું હતું. વેલ્ડરોએ બબ્બે શિફ્ટમાં કામ કરવાનું હતું. અને એમણે દિલ દઈને એ કામ કર્યું પણ ખરું, કારણ કે દિલ દઈને કામ કરવું એ જ તો બ્રિનલિટ્ઝની ખાનગી ફેક્ટરીઓની ખાસિયત હતી. અધિકૃત ઉદ્યોગની ઓળખ તો વર્કશોપના ફ્લોર પર સ્થાપવામાં આવેલાં મોટાં-મોટાં હિલો મશીનો દ્વારા જ થઈ શકે તેમ હતી. મોશે બેજસ્કીએ પાછળથી નોંધ્યા મુજબ, એ મશીનો યોગ્ય રીતે સ્થાપવામાં આવે એ કેદીઓના અને ઓસ્કરના હિતમાં જ હતું, કારણ કે તેનાથી જ છાવણીને એક પ્રતીતિજનક આધાર મળવાનો હતો. પરંતુ ખરું મહત્ત્વ તો બ્રિનલિટ્ઝમાં ચાલી રહેલા અનધિકૃત ખાનગી ઉદ્યોગોની હતી! હોફમેન દ્વારા ત્યજી દેવાયેલા ઉનમાંથી સ્ત્રીઓએ કપડાં ગુંથવાનું શરૂ કરી દીધું હતું. હેર ડાયરેક્ટરની ઑફિસમાં જતી વખતે એસએસનો કે પછી અન્ય કોઈ અધિકારી ફેક્ટરીમાંથી પસાર થાય, કે પછી ફચ્સ અને સ્કેનબર્ન નામના જડસું સિવિલ ઇજનેરો પોતાની ઑફિસમાંથી બહાર આવે એટલા સમય પૂરતી ફેક્ટરીની સ્ત્રીઓ પોતાનું ગુંથવાનું કામ છોડીને ફેક્ટરીના કામદારોની માફક કામ કરવાનો દેખાવ કરતી. એક કેદીએ પાછળથી કહ્યા પ્રમાણે, એ ઇજનેરો સાવ ડફોળ હતા, અને અમારા યહૂદી ઇજનેરોની બરાબરી કરી શકે તેમ હતા જ નહીં!

ઓસ્કર ભલે હવે બ્રિનલિટ્ઝમાં આવીને વસ્યો હોય, પરંતુ એ હતો તો હજુ પણ એમેલિયાના લોકો જેને ઓળખતા હતા એવો જ!  એ જ મોજમજા અને જંગલી આદતો! એક દિવસ શિફ્ટના અંતે મેન્ડેલ અને ફેફરબર્ગ વરાળની પાઇપો ફિટ કરી-કરીને પોતે પણ ગરમ-ગરમ થઈ ગયા હતા, એટલે બંને છાનામાના વર્કશોપની છત પર આવેલી પાણીની ટાંકી પર ચડી ગયા. ચૂપચાપ સીડીઓ ચડીને બંને ટાંકી પાસે પહોંચ્યા. ઉપર પાણી હુંફાળું હતું, અને એક વખત ઉપર ચડી ગયા પછી નીચેથી કોઈ તેમને જોઈ શકે તેમ પણ ન હતું.પરંતુ ઉપર ચડી ગયા પછીનું દૃશ્ય જોઈને બંને વેલ્ડરો અચંબામાં પડી ગયા! પાણીની ટાંકીની અંદર પહોળા શરીરે નગ્નાવસ્થામાં ઓસ્કર તરતો હતો!

રેજિના હોરોવિત્ઝે જે છોકરીને લાંચમાં પોતાનું બ્રોચ આપી દીધું હતું, એસએસની એ જ સોનેરી વાળવાળી છોકરી પણ સ્પષ્ટ દેખાતા ઉન્નત ખુલ્લા ઉરોજો સાથે ઓસ્કરની સાથે પાણીની સપાટી પર પડી હતી. બંને વેલ્ડરો અહીં આવ્યાની ખબર પડી એટલે ઓસ્કરે તેમની સામે સાવ નિખાલસતાથી જોયું. જાતિય શરમ તેના માટે અસ્તિત્વવાદ જેવી બાબત હતી. બહુ જ કિંમતી, પરંતુ ગળે ઉતારવા માટે અઘરી! વેલ્ડરોએ એ પણ નોંધ્યું, કે એ છોકરી બહુ જ સુંદર હતી!

ઓસ્કરની માફી માગીને બંને માથું ધુણાવતાં શાળાના છોકરાઓની માફક સીટી વગાડતાં નીચે ઊતરી ગયા. ઓસ્કર તો ટાંકી ઉપર ગ્રીક દેવ ઝીયસની માફક અલસ પડ્યો રહ્યો.

રોગચાળો ફાટી ન નીકળ્યો, એ બદલ બાઇબર્સ્ટેઇને બ્રિનલિટ્ઝના જૂ-વિરોધી યુનિટનો આભાર માન્યો. મરડો પણ ઓછો થઈ ગયો ત્યારે એણે ખોરાકને કારણભૂત ગણાવ્યો. ‘યાદ વાસેમ’ના દફ્તરે જુબાની આપતાં બાઇબર્સ્ટેઇને જાહેરમાં કહ્યું છે, કે છાવણીની શરૂઆતમાં તો રોજની ૨૦૦૦ કેલરી કરતાં પણ વધારે ભોજન આપવામાં આવતું હતું. શિયાળાથી ત્રસ્ત બીચારા આખાયે ભૂખંડમાં માત્ર બ્રિનલિટ્ઝના યહૂદીઓને જ આટલું ભરપેટ ભોજન મળતું હતું! એ સમયે લાખો કેદીઓને સૂપ તો અપાતો જ હતો, પરંતુ માત્ર શિન્ડલરના હજારેક કેદીઓ જ આટલો ઘટ્ટ સૂપ પામતા હતા!

તે ઉપરાંત કેદીઓને રાબ પણ આપવામાં આવતી હતી. છાવણીથી નીચેની તરફ જવાના રસ્તે ઓસ્કરના મિકેનિકે થોડા સમય પહેલાં જેમાં કાળાબજારની શરાબ ઢોળી દીધી હતી, તે ઝરણાની નજીક જ એક ઘંટી આવેલી હતી. વર્કપાસ ધરાવતા કોઈપણ કેદીને, ડેફના કોઈને કોઈ વિભાગના કામ માટે ત્યાં જવાની પરવાનગી હતી. એ ઘંટીમાંથી જથ્થાબંધ ભોજનસામગ્રી લઈને છાવણીમાં પાછા આવ્યાનું મન્ડેક કોર્નને બરાબર યાદ છે! કેદીઓ ઘંટીમાં જઈને પોતાના પેન્ટના પાંયચાને નીચેથી બાંધી દઈને પોતાનો કમરપટ્ટો ઢીલો કરી દેતા! સાથે આવેલો બીજો કેદી, તેના પેન્ટમાં જવનો લોટ ઠાંસી-ઠાંસીને ભરી દેતો! ફરીથી કમરપટ્ટો બાંધીને કેદી છાવણીમાં પરત આવી જતો. કિંમતી ખજાનો ભરેલા પાંયચા સાથે ચાલતાં-ચાલતાં કેદીઓ ચોકી પાસે થઈને રસોડામાં પહોંચી જતા, અને ત્યાં હાજર રહેલા લોકો પાંયચાની દોરી છોડીને લોટ તપેલામાં ભરી લેતા!

ડ્રાફ્ટિંગ વિભાગમાં મેશે બેજસ્કી અને જોસેફ બાઉએ એવા બનાવટી જેલપાસ બનાવવાનું શરૂ કરી દીધું હતું, જેના વડે કેદીઓને ઘંટી સુધી આવવા-જવાની પરવાનગી મળી રહેતી હતી. એક દિવસ ઓસ્કર ફરતો-ફરતો તેમની પાસે આવી ચડ્યો અને ગવર્મેન્ટ જનરલના રેશનિંગ અધિકારીનો સિક્કો મારેલા દસ્તાવેજો બેજસ્કીને બતાવ્યા. ક્રેકોવ વિસ્તારના કાળાબજાર સાથે ઓસ્કરે હજુ પોતાના સંપર્કો તાજા જ રાખ્યા હતા. ટેલીફોન દ્વારા ત્યાંથી માલ મગાવવાની જોગવાઈ એ કરી જ શકતો હતો. પરંતુ મોરેવિયન સરહદ પસાર કરતી વેળાએ ગવર્ન્મેન્ટ જનરલના ખાદ્યાન્ન અને ખેતીવાડીખાતાએ આપેલા પરવાનગીના દસ્તાવેજો બતાવવા પડતા હતા. ઓસ્કરે પોતાના હાથમાં રહેલા કાગળ પરના સિક્કા બતાવ્યા. “આવો સિક્કો તું બનાવી શકે ખરો કે?” એણે બેજસ્કીને પૂછ્યું. બેજસ્કી એક કસબી હતો. બહુ થોડી ઊંઘ વડે ચલાવીને એ કામ કરી શકતો હતો. ભવિષ્યમાં ઓસ્કર માટે જે કેટલાયે અધિકૃત સિક્કા બેજસ્કી બનાવવાનો હતો તેમાંનો આ પહેલો સિક્કો હતો! રેઝર બ્લેડ અને કાપવાનું નાનકડું ઓજાર તેના સાધનો હતા. તેણે બનાવેલા સિક્કા બ્રિનલિટ્ઝની આગવી અને આક્રમક અમલદારશાહીના પ્રતિક બની ગયા હતા.

ગવર્ન્મેન્ટ જનરલ અને મોરેવિયાના ગવર્નરના નામના સિક્કા ઉપરાંત, બ્રેડ, કાળાબજારનું પેટ્રોલ, લોટ, કાપડ, સિગરેટ, વગેરે લાવવા માટે બર્નો કે ઓલોમક સુધી ટ્રક દ્વારા મુસાફરી કરવા કેદીઓ માટેની ખોટી પરવાનગીઓ માટેના સિક્કા પણ તેણે બનાવ્યા હતા. એક સમયે મેરેક બાઇબર્સ્ટેઇનની યહૂદી મડળીના સભ્ય અને ક્રેકોવના દવાના વેપારી લિઓન સેલપીટરે, બ્રિનલિટ્ઝમાં એક દુકાન બનાવી હતી. બેજસ્કીએ અત્યંત કાળજીપૂર્વક બનાવેલા સત્તાધારી પક્ષના ગરૂડ અને ક્રોસના ચિહ્નવાળા રબ્બરના સિકાઓની મદદથી ઓસ્કરે વધારાના શાકભાજી, લોટ, સીરિયલ, વગેરે મગાવ્યા હતા, તેની સાથે ગ્રોસ-રોસેનથી હેસીબ્રોએકે મોકલાવેલી કેટલીક ખાદ્યસામગ્રી પણ એ દુકાનમાં રાખવામાં આવતી હતી.

ઓસ્કરની છાવણીનો એક કેદી કહે છે કે “બ્રિનલિટ્ઝએ આકરી જગ્યા છે એવું ખાસ યાદ રાખવું પડતું હતું! બાકી અન્ય જગ્યાની સરખામણીએ તો… એ એક સ્વર્ગ હતું!” કેદીઓ એક વાત બરાબર સમજતા હતા, કે બધે જ ખાદ્યસામગ્રીની અછત વરતાતી હતી; છાવણીની બહાર પણ ભાગ્યે જ કોઈ સમૃદ્ધ હતું!

અને ઓસ્કર? શું કેદીઓ પર લાગુ કરવામાં આવેલા રાશન કાપને ઓસ્કરે પોતાના ખોરાક પર પણ લાગુ પાડ્યો હતો ખરો કે?

જવાબમાં એક ઉપેક્ષિત હાસ્ય મળે છે. “ઓસ્કર? ઓસ્કર શા માટે પોતાના ભોજનમાં કાપ મૂકે? એ તો હેર ડિરેક્ટર હતો! તેના ભોજન સામે કોણ દલીલ કરવાનું હતું?” અને પછી જવાબ આપનારનું આવું વલણ આપણને જરા વધારે પડતું અણગમાપ્રેરિત લાગે તો થોડી અસંમતી દેખાય… “તમે સમજ્યા નહીં! અમે તો એ છાવણીમાં હોવા બદલ ઓસ્કરના ખુબ જ આભારી છીએ. અમે બીજે ક્યાંય જઈ શકીએ તેમ હતા જ નહીં!”

ઓસ્કરના પહેલા લગ્નની વાત કરીએ તો એ હજુ પણ તેમાં ગેરહાજર જેવો જ હતો! લાંબા સમય સુધી એ બ્રિનલિટ્ઝથી દૂર જ રહેતો હતો. તેના ખાવાપીવાની રોજિંદી સગવડ કરનાર સ્ટર્ન ક્યારેક આખી-આખી રાત તેની રાહ જોતો બેઠો રહેતો! ઓસ્કરના એપાર્ટમેન્ટમાં ઇત્ઝાક સ્ટર્ન અને એમિલિ એ બે જ વ્યક્તિ એકદમ સજાગ રહેતી હતી!

મોરાવિયાની આસપાસ ઓસ્કરની રખડપટ્ટીનું વર્ણન તેના એ હોશિયાર હિસાબનીસે શક્ય એટલી વફાદારીપૂર્વક કર્યું છે. વર્ષો પછી આપેલા એક ભાષણમાં સ્ટર્ને કહેલું કે, બ્રિનલિટ્ઝની છાવણીના યહૂદીઓ માટે એ દિવસ-રાત ભટક્યા કરતો! છાવણીના જ એક કેદીએ બનાવેલા બનાવટી દસ્તાવેજોની મદદથી માત્ર ખાદ્યસામગ્રી જ નહીં, પરંતુ છાવણીની મુલાકાતે આવેલા એસએસ અમને મારી નાખવાનું નક્કી કરે તો તેમનો સામનો કરવા અમારા માટે હથિયારો અને ગોળીઓ પણ ઓસ્કર જ ખરીદી લાવતો હતો!” ચાલાક અને આશિક મિજાજ હેર ડિરેક્ટરના આવા માત્ર ઉજળા ચરીત્રચિત્રણનો સઘળો યશ ઇત્ઝાકનાં પ્રેમ અને વફાદારીને જ આપવો ઘટે! પરંતુ એમિલી તો એ સમજતી જ હશે, કે ઓસ્કરની બધી જ રખડપટ્ટી પાછળ તેની આ પ્રકારની માનવીય અનુકંપા માત્ર જ કારણભૂત નહીં હોય!

ઓસ્કરની આવી જ એક લાંબી ગેરહાજરી દરમ્યાન, ઓગણીસ વર્ષના કેદી જેનેક ડ્રેસનર પર બ્રિનલિટ્ઝમાં મશીનની ભાંગફોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હકીકતે ડ્રેસનર કોઈ જાતનું મેટલવર્ક જાણતો જ ન હતો! પ્લાઝોવમાં તો એણે એસએસના અધિકારીઓના સોનાબાથ અને તેમના ટોવેલ, વગેરે જેવી ચીજવસ્તુઓની સંભાળ રાખવાનું, અને જૂથી ભરેલા કેદીઓના કપડાં ઉકાળવાનું જ કામ કર્યું હતું. ખરેખર તો ‘જૂ’ કરડવાને કારણે તેને ટાયફસ જ થઈ ગયો હતો, પરંતુ તેના પિતરાઈ ડૉ. શિન્ડેલે તેને ગળામાં માત્ર સોજો જ આવ્યો હોવાનું ગણાવીને તેને બચાવી લીધો હતો!

કહેવાતી ભાંગફોડ પણ એવા કારણે થઈ હતી, કે તે હંમેશા જે લેથ પર કામ કરતો હતો તેને બદલે જર્મન નિરીક્ષક ઇજનેર સ્કેનબ્રને તેને મોટા મેટલ પ્રેસ પર કામ કરવા કહેલું. એક અઠવાડિયાની મહેનતના અંતે જર્મન ઇજનેરોએ મેટલ પ્રેસને માંડ-માંડ ચાલુ કર્યું હતું! ડ્રેસનરે બટન દબાવીને મશીનને વાપરવાનું જેવું શરૂ કર્યું, એ સાથે જ તેનું વાયરિંગ બળી ગયું અને એક પ્લેટમાં ક્રેક પડી ગઈ! સ્કેનબ્રેને ડ્રેસનરને મોટા અવાજે ખખડાવ્યો, અને ઑફિસમાં જઈને એ તો નૂકસાનીનો અહેવાલ લખવા બેસી ગયો. સ્કેનબ્રનના અહેવાલની નકલો ટાઈપ થઈ ગઈ હતી, જેના પર ઓરેઇનબર્ગના વિભાગ ‘ડી’ અને ‘ડબ્લ્યુ’, ગ્રોસ-રોસેન ખાતે હેસીબ્રોએક અને ફેક્ટરીના દરવાજે અન્ટર્સ્ટર્મફ્યૂહરરનાં સરનામાં પણ લખાઈ ગયાં!

ઓસ્કર સવારે હજુ આવ્યો ન હતો, એટલે સ્ટર્ને એ અહેવાલને ટપાલમાં રવાના કરવાને બદલે ઑફિસની મેઈલબેગમાંથી બહાર કાઢીને સંતાડી દીધો. લિઓપોલ્દને તો ફરિયાદની નકલ હાથોહાથ પહોંચાડી દેવામાં આવી હતી, પરંતુ લિઓપોલ્ડ જે વિભાગમાં કામ કરતો હતો તેને આ ભાંગફોડ સાથે કોઈ લેવાદેવા હતી નહીં; અને ઓરેઇનબર્ગ અને હેસબ્રૂક દ્વારા હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી તે જેનેકને કોઈ સજા કરી શકે તેમ પણ ન હતું! બે દિવસ સુધી ઓસ્કર પાછો આવ્યો નહીં. “ક્યાંક પાર્ટી ચાલતી હોવી જોઈએ!” ફેક્ટરીના ફ્લોર પર લોકો મજાકમાં એકબીજાને કહી રહ્યા હતા. સ્ટર્ને પત્રો છુપાવી રાખ્યા હતા હોવાની જાણ કોઈક રીતે ઈજનેર સ્કેનબ્રેનને થઈ ગઈ! ગુસ્સે થઈને એ ઑફિસમાં ધસી આવ્યો, અને સ્ટર્નનું નામ પણ એ અહેવાલમાં સામેલ કરી દેવાની એણે ધમકી આપી! સ્ટર્ન બહુ જ ધીરજવાન માણસ હતો. સ્કેનબ્રને બૂમો પાડી લીધા પછી એણે સ્કેનબ્રેનને ખુલાસો કરતાં કહ્યું કે, પત્રોને બહાર મોકલતા પહેલાં, છેવટે સૌજન્ય ખાતર પણ હેર ડાયરેક્ટરને એ પત્રોની વિગતોથી વાકેફ કરવા જોઈએ. અને એટલા માટે જ એણે મેઇલબેગમાંથી એ અહેવાલો કાઢી લીધા હતા! સ્ટર્ને કહ્યું, કે મશીનોને ૧૦,૦૦૦ જર્મન માર્કનું નુકસાન થવાના કારણે હેર ડાયરેક્ટર કેદી પર નારાજ થવાના જ છે! સ્ટર્ને એ પણ કહ્યું, કે તેના મનમાં તો બસ એટલું જ હતું, કે એ પત્રમાં પોતાની નોંધ ઉમેરવાની તક હેર શિન્ડલરને મળવી જોઈએ!

આખરે ઓસ્કર કાર લઈને પાછો આવ્યો ખરો!

સ્ટર્ને તેને રસ્તામાં જ રોકીને સ્કેનબ્રનના આરોપો બાબતે જાણ કરી દીધી.

અન્ટર્સ્ટર્મફ્યૂહરર લિઓપોલ્દ પણ શિન્ડલરની રાહ જોઈ રહ્યો હતો. જેનેક ડ્રેસનરના કિસ્સાના બહાને એ પણ ફેક્ટરીમાં પોતાની સત્તા વધારવા માટે ઉત્સુક હતો! “સુનવણી દરમ્યાન હું પોતે જ આ કેસની પેરવી કરીશ,” લિઓપોલ્દે ઓસ્કરને કહ્યું. “હેર ડિરેક્ટર, તમને થયેલા નુસસાનની વિગતો તમે મને એક પત્રમા તમારી સહી સાથે આપી દેજો.”

જવાબમાં ઓસ્કરે તેને કહ્યું. ““એક મિનિટ! જે મશીન તૂટ્યું છે એ મારું છે. માટે કેસની પેરવી હું કરીશ.”

લિઓપોલ્દે દલીલ કરી હતી કે કેદી સેક્સન ‘ડી’ના અધિકારક્ષેત્ર નીચે આવે છે. ઓસ્કરે જવાબમાં કહ્યું, “પરંતુ મશીન તો યુદ્ધ મંત્રાલયના અધિકારક્ષેત્ર નીચે આવે છે. અને તે ઉપરાંત, આ કેસ હું ફેક્ટરીના ફ્લોર પર ચાલવા ન દઈ શકું.”

ઓસ્કરે બ્રિનલિટ્ઝમાં જો કપડાં કે રસાયણની ફેક્ટરી નાખી હોત તો કેસ ક્યાં લડાય તેની કોઈ જ અસર ઉત્પાદન પર ન પડે. પરંતુ આ તો હથીયારોના ગુપ્ત ભાગો બનાવતી બનાવતી ફેક્ટરી હતી. “હું મારા વર્કફોર્સને હેરાન ન કરી શકું,” ઓસ્કરે કહ્યું.

બસ, આ જ દલીલ વડે ઓસ્કર મેદાન મારી ગયો અને લિઓપોલ્દે પણ દલીલો છોડી દીધી. ઓસ્કરના સંપર્કોને કારણે અન્ટસ્ટર્મફ્યૂહરર લિઓપોલ્દ ડરી ગયો હતો. આથી એ રાત્રે ડેફના મશીનટૂલ વિભાગમાં કોર્ટ બેઠી, અને તેના સભ્ય તરીકે ઓસ્કર શિન્ડલર, હેર સ્કેનબ્રેન અને હેર ફચ્સ હતા. ટેબલની બાજુમાં એક યુવાન જર્મન છોકરીને નોંધ રાખવા માટે બેસાડવામાં આવી હતી. યુવાન જેનેક ડ્રેસનરને અંદર લાવવામાં આવ્યો ત્યારે તેણે જોયું કે એક મહત્ત્વની અને પૂર્ણ કક્ષાની કોર્ટ તેની સામે બેઠી હતી. સેક્સન ‘ડી’ના એપ્રિલ ૧૧, ૧૯૪૪ના હુકમમાં નોંધ્યા મુજબ જેનેક સામે મૂકાયેલા આરોપો કેસની પ્રક્રિયાના પહેલા અને મહત્ત્વનો તબક્કા સમાન હતા. હેસબ્રૂકને જાણ થયા બાદ ઓરેઇનબર્ગમાંથી જવાબ આવ્યો એ પછી, બ્રિનલિટ્ઝના કેદીઓ અને તેનાં માતા-પિતા-બહેનની સામે જ ફેક્ટરી ફ્લોર પર જ ડ્રેસનરને ફાંસીએ ચડાવી દેવા માટે એ આરોપો પૂરતા હતા! જેનેકે એ પણ નોંધ્યું કે એ રાત્રે શોપફ્લોર પર ઓસ્કર સાથે કોઈ જ ઔપચારિકતા કરવામાં આવી ન હતી. હેર ડિરેક્ટરે ભાંગફોડ અંગેનો સ્કેનબ્રનનો અહેવાલ મોટેથી વાંચી સંભળાવ્યો. જેનેક ઓસ્કર વિશે તો અન્ય લોકોએ કરેલી વાતો દ્વારા જ કંઈક જાણતો હતો, ખાસ કરીને તેના પિતાએ કરેલી વાતોના આધારે! અને એટલે જ આજે ઠાવકું મોં રાખીને ઓસ્કર જે વાંચી રહ્યો હતો તેનો અર્થ એ સમજી શકતો ન હતો! શું ખરેખર ઓસ્કરને મશીન તૂટી ગયાનું આટલું બધું દુઃખ હતું? કે પછી આ બધું એનું નાટક હતું!?

આરોપોનું વાંચન પૂરું થઈ ગયા પછી હેર ડિરેક્ટરે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. જવાબમાં ડ્રેસનર વધારે કંઈ કહી શકે તેમ ન હતો. એ બચાવ કરવા લાગ્યો કે આ મશીન અંગે તેને વધારે જાણકારી ન હતી. એણે ખુલાસો કર્યો કે મશીન સેટ કરવામાં તેને મુશ્કેલી પડી રહી હતી, તેનાથી થયેલી ભૂલને કારણે તેને સાચે જ ચિંતા થઈ રહી છે, અને હેર ડિરેક્ટરની મશીનરીને નૂકસાન પહોંચાડવાનો તેનો કોઈ જ આશય ન હતો, વગેરે, વગેરે! સ્કેનબ્રેને તેને કહ્યું, “હથિયારો બનાવવામાં તું કુશળ ન હોય તો તારું અહીંયાં કોઈ કામ જ નથી! હેર ડિરેક્ટરે મને ખાતરી આપી છે કે તમે બધા જ હથિયાર બનાવવાની ફેક્ટરીનો અનુભવ ધરાવો છો. અને તો પણ કેદી ડ્રેસનર, તેં આજે આટલી બેદરકારી દાખવી છે!”

ગુસ્સે થવાનો દેખાવ કરતાં ઓસ્કરે કેદીને ગુનાની રાત્રે ખરેખર શું બન્યું હતું તેનું ચોક્કસ વિવરણ આપવા માટે હુકમ કર્યો. મશીનને શરૂ કરવાની તૈયારી કરવાની વાતથી ડ્રેસનરે શરૂઆત કરી. તેની ગોઠવણ, કંટ્રોલનું ડ્રાય રન, પાવરને સ્વિચ-ઓન કરવું, અચાનક એન્જિનની ઝડપ વધી જવી, મશીનનું તૂટી જવું… જેમ-જેમ ડ્રેસનર બોલતો જતો હતો તેમ-તેમ હેર શિન્ડલરની બેચેની વધતી ગઈ, અને એ આ છોકરાની સામે ડોળા કાઢવા લાગ્યો! ડ્રેસનર જ્યારે પોતે એકાદ કંટ્રોલમાં કરેલા ફેરફાર બાબતે બોલવા લાગ્યો, ત્યારે શિન્ડલરે તેને રોકી લીધો. તેની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, અને તેની આંખો ચમકવા લાગી. શું કહ્યું તેં? એણે એ છોકરાને પૂછ્યું.

ડ્રેસનરે પોતે જે કહેલું તે ફરીથી કહ્યું, પછી મેં પ્રેશરમાં ફેરફાર કર્યો, હેર ડિરેક્ટર!

ઓસ્કર અચાનક ઊભો થઈ ગયો, અને ડ્રેસનરના જડબા ઉપર એક મૂક્કો મારી દીધો! ડ્રેસનરનું માથું સમસમી ઊઠ્યું, પરંતુ આનંદની ભાવના સાથે, કારણ કે ડ્રેસનરને તમાચો મારતી વેળાએ એ બરાબર જોઈ શકે એ રીતે ઓસ્કરે તેની સામે આંખ મીચકારી હતી! પછી એણે જેનેકને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપ્યો, અને પોતાના મોટા હાથ આમ-તેમ હલાવવા શરૂ કરી દીધા. “તમારા જેવા કમનસીબ લોકોની મૂર્ખામી!” એ સતત ત્રાડ નાખતાં બોલી રહ્યો હતો. “હું આ માની જ નથી શકતો!”

એ પાછળ ફર્યો, અને સ્કેનબ્રન અને ફચ્સ સામે જોઈ રહ્યો, જાણે એ બંને ડ્રેસનરના મિત્રો ન હોય! “મને તો એમ હતું, કે આ લોકો મશીનમાં ભાંગફોડ કરી શકે એટલા બુદ્ધિશાળી હશે! એવું હોત તો હું એમની ચામડી ઊરતડી નાખત! પણ આ લોકોને તમે શું કરી શકો? માત્ર સમયની બરબાદી જ છે આ લોકો…”

ઓસ્કરની મૂઠ્ઠીઓ ફરીથી ભીંસાઈ, અને બીજો એક મૂક્કો ખાવાના વિચારે ડ્રેસનર કોકડું વળી ગયો. “ચાલ જા અહીંથી!” ઓસ્કરે રાડ પાડી.

જેવો ડ્રેસનર દરવાજામાંથી બહાર ગયો, એ સાથે જ એણે ઓસ્કરને બીજા લોકોને કહેતાં સાંભળ્યો, કે આ બધુ ભૂલી જવામાં જ સાર છે. “મારી પાસે ઉપર બહુ સરસ માર્ટેલ શરાબ છે,” એણે કહ્યું.

ઓસ્કરે ચતુરાઈપૂર્વક વાતને આ રીતે વાળી લીધી, એટલે લિઓપોલ્દ અને સ્કેનબ્રન સંતુષ્ટ તો ન હતા, કારણ કે બેઠકનો કોઈ ઔપચારીક અંત આવ્યો ન હતો! બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, પરંતુ એ લોકો એવી કોઈ ફરીયાદ કરી શકે તેમ ન હતા, કે ઓસ્કરે સુનવણી થવા દીધી નહોતી, કે પછી સુનવણીને તેણે મજાક જેવી બનાવી દીધેલી! વર્ષો પછી આ ઘટનાનું વર્ણન કરતી વેળાએ ડ્રેસનર એવી અટકળ રજુ કરે છે કે બ્રિનલિટ્ઝે ધમાલભર્યા બનાવોની એક પછી એક એવી ઝડપી વણઝાર વડે તેના કેદીઓની જિંદગીને બચાવી લીધી હતી, કે લગભગ જાદુના ખેલ જેવું વાતાવરણ ઊભું થઈ જતું હતું! તો પણ એક નક્કર સત્ય રજુ કરતાં એમ કહી શકાય, કે એક જેલ અને એક ફેક્ટરી તરીકે બ્રિનલિટ્ઝ એક માત્ર એવું ખાસ સ્થળ હતું, જે આશ્ચર્યચકિત કરી મૂકે તેવી અને આત્મવિશ્વાસભરી ચતુરાઈ દ્વારા જ ટકી રહ્યું હતું.

.

આપનો પ્રતિભાવ આપો....