શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૦)


પ્રકરણ ૩૦

ઓકેએચ (આર્મિ હાઇ કમાન્ડ)ના સિક્કા મારેલા હુકમો ઓસ્કરના ટેબલ પર પહોંચી ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિના કારણે યુદ્ધ મંત્રાલયના ડાયરેક્ટરે ઓસ્કરને સંદેશો મોકલાવ્યો હતો, કે ‘કેએલ પ્લાઝોવ’ અને એમેલિયાની છાવણીઓને વિખેરી નાખવાની હતી. એમેલિયાના કેદીઓને વિસ્થાપિત કરવામાં આવે ત્યાં સુધી એમેલિયામાંથી પ્લાઝોવની છાવણીમાં પાછા મોકલી આપવાના હતા. ઓસ્કરે પોતે પણ, પ્લાન્ટને બંધ કરવા જરૂરી ટેકનિશ્યનોને રાખીને ઝેબ્લોસી ખાતેના પોતાના કામકાજને જેટલું બને તેટલું વહેલું સમેટી લેવાનું હતું. વધારે માહિતી મેળવવા માટે ઓસ્કરે ‘ઓકેએચ બર્લિન’ સ્થિત વિસર્જન સમિતિને અરજી કરવાની હતી.

પત્ર વાંચીને તરત જ તો ઓસ્કર મનોમન ઠંડો પ્રકોપ અનુભવતો રહ્યો!

માઇલો દૂર બેસીને, માત્ર લખી દઈને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જવાની એ પત્રની શૈલી પ્રત્યે તેને રોષ થઈ આવ્યો. ઓસ્કર અને તેના કેદીઓને એક તાંતણે બાંધી રાખતી કાળાબજારની બ્રેડ વિશે કંઈ જ ન જાણતા બર્લિનમાં બેઠેલા એ માણસ માટે ફેક્ટરીના દરવાજા ખોલીને કેદીઓને લઈ જવા દેવાનો હુકમ કરવો આસાન હતો. પરંતુ સૌથી ખરાબ તો આ ઉદ્ધતાઈ હતી કે પત્રમાં ‘વિસ્થાપન’ની કોઈ જ વ્યાખ્યા આપવામાં આવી ન હતી. ગવર્નર જનરલ ફ્રેંક તો આનાથી પણ વધારે નિખાલસ હતા, અને વર્ષના પ્રારંભમાં જ તેમણે એ મતલબનું ભાષણ પણ આપી દીધું હતું. “અંતમાં આપણે જ્યારે યુદ્ધ જીતી જઈશું ત્યારે, મારે લેવા-દેવા છે ત્યાં સુધી તો આ પોલ, યુક્રેનિયન અને બીજી બધી જ પ્રજાને આપણે ખતમ કરી ચૂક્યા હોઈશું.” માણસોનો નિકાલ કરવાની પ્રક્રિયા માટે સ્પષ્ટ શબ્દોમાં બોલવાની હિંમત ફ્રેંકમાં તો હતી; જ્યારે બર્લિનમાં તો હજુ પણ ‘વિસ્થાપન’ શબ્દ જ લખાતો હતો! અને આમ કરીને એ બધા પોતાને નિર્દોષ ઠેરવી રહ્યા હતા.

આ ‘વિસ્થાપન’ શું હતું એ એમોન બરાબર સમજતો હતો, અને ઓસ્કરની પ્લાઝોવની બીજી મુલાકાત સમયે એણે આ બાબતે ઓસ્કર સાથે સ્પષ્ટ વાત પણ કરી લીધી હતી. પ્લાઝોવના બધા જ પુરુષોને ગ્રોસ-રોસેન ખાતે મોકલાવી આપવાના હતા. જ્યારે સ્ત્રીઓને ઓસ્વિટ્ઝ મોકલી દેવાની હતી. ગ્રોસ-રોસેન એ લોઅર સિલેસિયાની ખાણવાળી વિશાળ છાવણી હતી. આખાયે પોલેન્ડની અંદર, જર્મનીમાં અને જર્મની દ્વારા જીતાયેલા અન્ય દેશોમાં પણ જેની શાખાઓ ફેલાયેલી હતી તેવી જર્મન ઈસ્ટ એન્ડ સ્ટોન વર્ક્સ નામની કંપનીમાં ગ્રોસ-રોસેનના બધા જ કેદીઓને મોકલી આપવાના હતા. જો કે કેદીઓના નિકાલની ઓસ્વિટ્ઝ ખાતેની પ્રક્રિયા વધારે સીધી અને આધુનિક હતી.

એમિલિયાને વિસર્જિત કરી નાખવાના સમાચાર ફેક્ટરીના ફ્લોર પર પહોંચ્યા અને બધી જ બેરેકોમાં ફેલાયા એ સાથે જ શિન્ડલરના કેટલાક કેદીઓને થઈ આવ્યું, કે હવે તો જરૂર તેમના આ આશરાનો અંત અવી જ ગયો સમજો! હજુ હમણાં જ આર્યન વિસ્તારમાંથી ઓસ્કર પાસે આવીને જેમની પુત્રી પોતાના માતા-પિતા માટે આજીજી કરી ગઈ એ પર્લમેન દંપતિ પોતાની બાજુના પલંગ પર બેઠેલા પડોશી સાથે વાતો કરતાં-કરતાં પોતાનો સામાન બાંધવા લાગ્યા હતા. “એમેલિયાએ અમને એક વર્ષનો આરામ આપ્યો છે, એક વર્ષનો સુપ અને એક વર્ષની માનસિક શાંતિ આપી છે. કદાચ આટલું પુરતું હશે. પરંતુ હવે તો મૃત્યુ જ જોઈએ છે.” એમના અવાજમાં યાચના સ્પષ્ટ વરતાતી હતી.

રેબી લેવાર્તોવ પણ હવે નિરાશ થઈ ગયા હતા. એમોન સાથે અધુરો રહી ગયેલો હિસાબ ચૂકતે કરવા એમણે ફરી પાછા પ્લાઝોવ જવાનું હતું. એડિથ લિબગોલ્ડ, જેને વસાહતની શરૂઆતમાં જ બેંકરે રાતપાળી માટે રોક્યો હતો, એ પણ ઓસ્કરને પોતાના યહૂદી નિરીક્ષકો સાથે ગંભીરતાપૂર્વક વાતો કરતો જોઈ રહ્યો હતો, પરંતુ ઓસ્કર કેદીઓ પાસે જઈને તેમને ખોટી આશા આપતાં કોઈ વચનો આપતો ન હતો! કદાચ બર્લિનથી આવેલા હુકમોને કારણે બીજાની માફક એ પોતે પણ નાઉમેદ અને ઢીલો થઈ ગયો હતો. ત્રણ વર્ષ પહેલાંની રાત્રે એડિથ અહીં આવી ત્યારે ઓસ્કર તેને પયગંબર લાગ્યો હતો. હવે એ પયગંબર રહ્યો ન હતો!

અને એ જ રીતે, ઉનાળાના અંતે પોતપોતાનો સામાન બાંધીને કેદીઓ પ્લાઝોવ જવાના રવાના થઈ રહ્યા હતા ત્યારે પણ તેમની વચ્ચે એક એવી અફવા ફરતી થઈ હતી કે ઓસ્કર તેમને પાછા ખરીદી લેવાની વાત કરી રહ્યો હતો. ઓસ્કરે ગારદે અને બેંકર સાથે પણ આ વાત કરી હતી. તેના મોંમાંથી આ પ્રકારની વાતો જ નીકળતી સંભળાતી હતી. એ જ આત્મવિશ્વાસ અને પૈતૃકભાવોથી સભર અવાજ… પરંતુ જેરોઝોલિમ્સ્કા સ્ટ્રીટમાં આવેલા વહીવટીભવન પાસે ઊભા રહીને ખાણોમાંથી પરત આવેલા અવિશ્વાસભરી નજરે તાકી રહેતા નવાંગતુકોની ટોળેટોળાંની નજરોમાં ઝાંખીને જોઈએ, તો એવું લાગે કે ઓસ્કરે તેમને આપેલાં પેલાં વચનોથી લથબથ તેમની સ્મૃતિ હવે તેમના પર એક વધારાનો બોજ માત્ર બની રહેવાની હતી!

પિતા દોલેકના પ્રયાસોથી આખું કુટુંબ ગયા વરસે એમેલિયા જવામાં કામિયાબ રહ્યું હતું, પરંતુ હવે તેમણે પ્લાઝોવમાં પાછા આવી જવું પડ્યું હતું. છ વર્ષનો પુત્ર રિચાર્ડ અને માતા રેજિના પણ! અગીયાર વર્ષની થઈ ગયેલી નિયુસિયા ફરી એક વખત ઊંચી-ઊંચી બારીઓમાંથી ઓસ્ટ્રિઅન ટેકરીઓ તરફ જતી ટ્રકોને અને ટેકરી પરના સ્મશાનગૃહમાંથી નીકળી રહેલા કાળા-કાળા ધુમાડાને જોતી બ્રશમાં તાર પરોવી રહી હતી. આગલા વર્ષે તેઓ છોડીને ગયા ત્યારે હતું, પ્લાઝોવ એવુંને એવું જ રહ્યું હતું! ક્યારેક આ બધાનો પણ અંત આવશે એવું માનવું નિયુસિયાને માટે અશક્ય હતું; પરંતુ તેના પિતા તો એવું જ માનતા હતા કે ઓસ્કર જરૂર એવું કોઈ લિસ્ટ બનાવશે અને જરૂર તેમને આ મુશ્કેલીમાંથી છોડાવશે! કેટલાકના મનમાં ઓસ્કરનું એ લિસ્ટ સામાન્ય ગણતરી કરતાં ઘણું વધારે મહત્ત્વનું હતું. એ એક લિસ્ટ હતું, ‘સ્વિંગ લો સ્વીટ ચેરિઅટ’ ગીતમાંનો રથ હતું, આકાશમાંથી નીચે ઉતરી આવીને તેમને બચાવી શકે તેવો રથ!

આ બધાની વચ્ચે ઓસ્કરે એમોનની જ વિલામાં બેસીને યહૂદીઓને ક્રેકોવથી દૂર ક્યાંક લઈ જવાનો પ્રસ્તાવ તેની પાસે મૂક્યો. ઉનાળાના અંતની એ એક નિઃસ્તબ્ધ રાત હતી. ઓસ્કરને આવેલો જોઈને એમોન ખુશ થઈ ગયો હતો. એમોનની તબીયતને કારણે બ્લેન્ક અને ગ્રોસ, બંને ડૉક્ટરોએ તેને ચેતવણી આપી હતી, કે જો એ ખોરાક કે શરાબના સેવન પર કાપ નહીં મૂકે તો ચોક્કસ મરી જવાનો! આ ચેતવણી પછી એમોનની વિલામાં આટલા મોડા કોઈ મુલાકાતી આવતા ન હતા.

એમોનના શરાબ પીવા પર મૂકાયેલા નિયંત્રણોને અનુસરીને, નવા પ્રમાણે પેગ ભરીને પીતાં બંને બેઠા હતા એ સમયે ઓસ્કરે તેને આ વાત કરી, કે એ પોતાની ફેક્ટરીને ચેકોસ્લોવેકિયામાં ખસેડવા માગતો હતો. પોતાની સાથે એ પોતાના કુશળ કારીગરોને પણ લઈ જવા માગતો હતો. પ્લાઝોવમાં કામ કરતા અન્ય કેટલાક કામદારોની કુશળતાની પણ તેને જરૂર પડે તેમ હતી.

મોરેવિયા અને ઓસ્ટબાહ્નમાં કોઈક દૂરના સ્થાને યોગ્ય જગ્યા શોધવા માટે અને ક્રેકોવથી દક્ષિણ-પશ્ચિમે સ્થળાંતર કરવા માટે એ વિસ્થાપન સમિતિની મદદ માગવા ઇચ્છતો હતો. એમોન જો તેને સહકાર આપે તો એ તેનો હંમેશા ઋણી રહેશે એવી વાત પણ એણે એમોનને જણાવી. ઋણ ચૂકવવાની વાતે એમોન હંમેશા ઉત્સાહિત થઈ જતો હતો! લાગતી-વળગતી સમિતિઓ પાસેથી ઓસ્કર જો જરૂરી પરવાનગી મેળવી શકે, તો એ પછી કેદીઓના નામનું લિસ્ટ બનાવવાની છૂટ આપવાની એણે ઓસ્કરને ખાતરી આપી.

આટલું નક્કી થયા પછી એમોને પત્તાની રમત રમવાની ઇચ્છા વ્યક્ત કરી. બ્લેકજેકની ફ્રેન્ચ રમત તેને પ્રિય હતી. આવી રમતમાં એમોનને ખુશ રાખવા ખાતર, પરંતુ તેને જાણ ન થાય એ રીતે હારી જવાનું અન્ય જુનિયર અધિકારીઓ માટે અઘરું હતું! વધારે પડતી ખુશામતને પણ અહીં કોઈ અવકાશ રહેતો ન હતો. આ કારણે આ રમતને સાચે જ રમવી પડતી હતી, અને એમોનને એ જ માફક આવતી હતી. પરંતુ સાથે-સાથે ઓસ્કર એ સાંજને બરબાદ થવા દેવા પણ માગતો નહોતો. લિસ્ટ મંજુર કરાવવા માટે એણે એમોનને બહુ મોટી કિંમત ચૂકવવી પડવાની હતી.

ડૉક્ટરોએ જુગાર રમવામાં પણ સંયમ રાખવાની સલાહ આપી હોય એમ, કમાન્ડન્ટે ૧૦૦ ઝ્લોટીની નોટો વડે નાની બાજી લગાવવાનું શરુ કર્યું. જો કે એમોન હારતો રહ્યો, અને શરુઆતનો દાવ ૫૦૦ ઝ્લોટીની રકમ સુધી પહોંચ્યો, ત્યારે ઓસ્કરને એક એક્કો અને એક ગુલામ રૂપે ‘નેચરલ’ મળ્યું, જેનો અર્થ એ થાય, કે એમોન હારે તો તેણે ઓસ્કરને દાવની બમણી રકમ ચૂકવવી પડે!

આ કારણે એમોન થોડો ગમગીન જરૂર થઈ ગયો હતો, પરંતુ ગુસ્સે નહોતો થયો! એને હેલન હર્શને કોફી લાવવા માટે કહ્યું. હેલન કમરામાં આવી, કોઈ સદ્‌ગૃહસ્થના નોકરની માફક કાળા રંગનાં ઇસ્ત્રીબંધ કપડાં પહેરીને! પરંતુ તેની જમણી આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. એ એટલા નીચા કદની હતી કે તેને મારવા માટે પણ એમોને વાંકા વળવું પડતું હશે! હેલન હવે ઓસ્કરને ઓળખતી હતી પણ એણે આ વખતે ઓસ્કર સામે જોયું નહીં. એકાદ વરસ પહેલાં ઓસ્કરે તેને અહીંથી છોડાવવાનો વાયદો કર્યો હતો. જ્યારે-જ્યારે એ વિલામાં આવતો ત્યારે સમય કાઢીને એ અંદરની લોબીમાં સરકી જતો, અને રસોડામાં જઈને હેલનના ખબર પૂછી લેતો હતો. આનો કંઈક અર્થ જરૂર હતો, પરંતુ એ અર્થ હેલનના જીવનને હજુ સુધી અંદરથી સ્પર્શી નહોતો શક્યો. હજુ થોડાં અઠવાડિયાં પહેલાં જ સુપ પૂરતો ગરમ નહોતો ત્યારે…

સૂપ, દિવાલ પરના ડાઘ, કુતરા પર બેસતી માખો, આ બધી બાબતે એમોન બહુ જ ચીકણો હતો. એક વખત તો એણે ઈવાન અને પેત્રને બોલાવીને, બર્ચ-વૃક્ષોની પાસે લઈ જઈને હેલનને ગોળી મારી દેવાનો હુકમ પણ કરી દીધો હતો!

ફ્રેંચ વિન્ડોમાંથી એમોન હેલનને જોઈ રહ્યો હતો. પેત્રની મોઝર પિસ્તોલની સામે ઊભી રહીને હેલન ઊચા શ્વાસે એ યુવાન યુક્રેનિયન સામે આજીજી કરતી હતી, “પેત્ર, તું જાણે છે આ તું કોને ગોળી મારી રહ્યો છે? હું હેલન છું. હેલન, જે તને કેક ખવડાવે છે! તું મને ગોળી નહીં મારે, ખરુંને?” અને પેત્રેએ ભીસેલા દાંતે એ જ રીતે તેને જવાબ આપેલો, “મને ખબર છે, હેલન! હું તને મારવા નથી માગતો, પણ હું તને નહીં મારું તો એ મને મારી નાખશે.” હેલને બર્ચના થડ પાસે પોતાનું માથું અડાડી રાખ્યું. એમોનને એણે ઘણીવાર પૂછેલું, કે શા માટે એ તેને મારી નથી નાખતો? પરંતુ આજે તો એ સામે ચાલીને મોતને ગળે વળગાડીને એમોનને હેરાન કરવા જ માગતી હતી! પરંતુ તેના માટે એ આસાન ન હતું. એ એટલી બધી ધ્રુજી રહી હતી કે એમોન એ જરૂર જોઈ શક્યો હશે! હેલનના પગ ધ્રુજતા હતા! અને ત્યાં જ બારીમાંથી આવતો એમોનનો અવાજ તેને સંભળાયો, “એ કુતરીને પાછી લઈ આવ. એને મારવા માટે આપણી પાસે ઘણો સમય હશે. એ પહેલાં તેને હજુ વધારે પાઠ ભણાવી શકાશે.”

કોઈ પાગલની માફક એમોનની ક્રુરતાના ઝટકાઓ વચ્ચે ભલે નાનકડા, પરંતુ એવા પણ તબક્કા આવી જતા હતા જ્યારે એમોન પોતે દયાળુ માલિક હોવાનો અભિનય પણ કરી લેતો હતો! એક સવારે એણે હેલનને કહેલું, “તું તો હવે ખરેખર હોશિયાર થઈ ગઈ છે… યુદ્ધ પછી તારે કોઈ ભલામણ જોઈતી હોય કહેજે! તને મદદ કરવામાં મને ખુશી થશે! હેલન જાણતી હતી કે આ બધી માત્ર વાતો જ હતી, કોઈ દિવાસ્વપ્ન જેવી! એણે પોતાના કાન બહેરા કરી લીધા હતા, કાનના પડદા કોઈ વિસ્ફોટમાં તૂટી ગયા હોય એમ! એ જાણતી હતી કે પોતે વહેલી કે મોડી, એમોનના સ્વભાવગત ગુસ્સાનો શિકાર બનીને મરવાની જ હતી!

જે પ્રકારનું જીવન એ જીવી રહી હતી, તેમાં કોઈપણ મુલાકાતીનું સ્મિત તેને માત્ર ક્ષણીક રાહત સમાન જ લાગતું હતું! આજે રાત્રે પણ એ હેર કમાન્ડર પાસે ચાંદીની ખાસ્સી મોટી કિટલી ભરીને કોફી મૂકી એ આજ્ઞાંકિતપણે ચાલી ગઈ હતી. એમોન હજુ પણ ખાંડ નાખેલા કપમાં કોફી રેડીને પી રહ્યો હતો. ઓસ્કર સામે રમીને એક કલાકમાં જ એ ૩૭૦૦ ઝ્લોટી જેટલો દેવાદાર બની ગયો હતો. પોતાના ભાગ્ય પ્રત્યે એ રોષપૂર્વક ફરિયાદ પણ કરતો જતો હતો. ઓસ્કરે એને દાવ લગાવવામાં થોડો ફેરફાર સૂચવ્યો. “ચેકોસ્લોવેકિયા જઈશ ત્યારે મોરાવિયામાં મારે એક નોકરની જરૂર પડવાની જ છે.” એણે કહ્યું. “ત્યાં હેલન હર્શ જેવી હોશિયાર અને તાલીમબદ્ધ નોકરાણી મને મળી જાય એ શક્ય નહીં બને… ત્યાંની બધી છોકરીઓ તો ગમાર હોય છે.” ઓસ્કરે સૂચન કર્યું. “આપણે એક વધારે બાજી રમી લઈએ. બે ગણી રકમ અથવા કંઈ જ નહીં. તમે જીતો તો હું તમને ૭૪૦૦ ઝ્લોટી ચૂકવીશ. તમને જો ન્યૂટ્રલ મળે તો ૧૪,૮૦૦ ઝ્લોટી ચૂકવીશ. પણ હું જીતું, તો તમારે મને મારા લિસ્ટ માટે હેલન હર્શને આપી દેવાની…”

એમોન આ બાબતે વિચાર કરવા માગતો હતો. “શું વિચારો છો?” ઓસ્કરે કહ્યું. “એ તો આમ પણ ઓસ્વિટ્ઝ જવાની જ છે!” પરંતુ અહીંયાં વાત આસક્તિની હતી. એમોનને હેલનની એટલી આદત પડી ગઈ હતી કે એ તેને એટલી સરળતાથી પોતાના હાથમાંથી જવા ન દે!

એમોને જ્યારે પણ હેલનના અંત બાબતે વિચાર્યું હતું, દરેક વખતે એણે અંગત રસ લઈને પોતાના હાથે જ તેનું મોત આણવાનું વિચાર્યું હતું. આ એક બાજી જો એ રમે, અને હારી જાય, તો એણે કોઈ વિયેનીઝ ખેલાડીની માફક પોતાની આ જીગરજાન સ્ત્રીની હત્યા કરવાનો આનંદ ત્યાગ કરવાના દબાણમાં આવી જવું પડે તેમ હતું! પ્લાઝોવની છાવણી સ્થપાઈ તેની શરૂઆતમાં જ ઓસ્કરે હેલનને એમેલિયા મોકલી આપવા માટે એમોનને કહ્યું હતું. પરંતુ એમોને એ સમયે તો તેનો ઇનકાર જ કર્યો હતો. હજુ એકાદ વર્ષ પહેલાં જ તેને લાગતું હતું કે પ્લાઝોવ તો હજુ ઘણા દસકા સુધી ટકી રહેશે, અને પોતે અને આ નોકરાણી વૃદ્ધાવસ્થા સુધી સાથે જ રહેવાના! સિવાય કે એમોનની બુદ્ધિને હેલનમાં કોઈ ખોટ જણાય, અને અચાનક જ બંને વચ્ચેના સંબંધોનો અંત આવી જાય! એક વર્ષ પહેલાં કોઈએ માન્યું પણ ન હોત કે લ્વોવ શહેરની સીમાએ રશિયનોના પહોંચી જવાને કારણે તેમની વચ્ચેના સંબંધોનો અકાળે અંત આવી જશે. અને ઓસ્કરની વાત કરીએ, તો તેણે તો બહુ જ હળવાશપૂર્વક આ દરખાસ્ત મૂકી હતી. એમોન પાસે પોતાની દરખાસ્ત મૂકતી વેળાએ ઓસ્કરને જરા પણ લાગ્યું ન હતું, કે કોઈ માનવજીવને બચાવવા ખાતર આજે તો ઈશ્વર અને દાનવ સામસામે દાવ લગાવી રહ્યા છે! પોતે કયા અધીકારપૂર્વક એ છોકરી માટે દાવ લગાડ્યો હતો એવો સવાલ એણે પોતાની જાતને પણ નહોતો કર્યો! જો એ હારી જાય તો હેલનને છોડાવવાનો અન્ય કોઈ માર્ગ પણ ભાગ્યે જ બચવાનો હતો! પરંતુ એ વરસે એવું ઘણી બાબતોમાં બન્યું હતું કે કોઈપણ માર્ગ ભાગ્યે જ હાથવગો રહ્યો હતો! પોતાના ખુદના ભવિષ્યનો માર્ગ પણ ઓસ્કરને હવે તો જટીલ લાગતો હતો!

ઊભા થઈને કમરામાં આંટા મારતો ઓસ્કર એમોનનું અધિકૃત લેટરહેડ શોધવા લાગ્યો. એમોન હારી જાય તો શું કરવું તેની બધી જ શરતો એણે એમોનની સહીવાળા કાગળમાં લખી લીધી. “આ સાથે, કેદી હેલન હર્ષનું નામ, ઓસ્કર શિન્ડલરના ડેફ વર્ક્સની સાથે વિસ્થાપિત કરવાના કુશળ કારીગરોના કોઈ પણ લિસ્ટમાં ઉમેરવા માટે હું અનુમતિ આપું છું.”

હવેની બાજીમાં એમોન ડીલર હતો, અને એણે ઓસ્કરને એક અઠ્ઠો અને એક પંજો આપ્યા. ઓસ્કરે તેને વધારે ડીલ કરવા માટે કહ્યું. આ વખતે તેને એક પંજો અને એક એક્કો આવ્યા. હવે કંઈક કરવું પડશે એવું એને લાગ્યું. એ પછી એમોને પોતાના માટે ડીલ કર્યું. પહેલાં એક ચોક્કો આવ્યો, અને પછી એક રાજા આવ્યો.

“હે ઈશ્વર!” એમોને કહ્યું. આમ તો એ બહુ સદ્ગૃહસ્ત માણસ હતો. ખરાબ ભાષા વાપરવા બાબતે એ બહુ ચોખલિયો હતો. “હું હારી ગયો.” એ થોડું હસ્યો, પણ એને ખરેખર બહુ આશ્ચર્ય ન થયું. “મારાં પહેલાં પત્તાં.” એને ખુલાસો કરતાં કહ્યું, “એક તીડી અને એક પંજો હતાં.” એક ચોગ્ગો આવ્યો હોત તો હું બચી જાત! પણ આ એક રાજા મારી પાસે એવો આવી ગયો…!”

અંતે, એણે ઓસ્કરને કાગળ પર સહી કરી આપી. એ સાંજે પોતે જીતેલી બધી જ ચિટ્સ ઊંચકીને ઓસ્કરે એમોનને પરત કરી દીધી. “બસ, આપણે બધાએ અહીંથી જવાનો સમય આવે ત્યાં સુધી એ છોકરીનુ ધ્યાન રાખજો.”

રસોડાની અંદર રહેલી હેલન હર્શને જાણ ન હતી કે પત્તાની રમતે આજે તેને ઉગારી લીધી હતી!

એ સાંજે ઘટેલી આ ઘટનાની વત ઓસ્કરે સ્ટર્નને કહી હતી. આ કારને જ કદાચ ઓસ્કરની યોજનાની વાતો વહીવટીભવન અને વર્કશોપ સુધી ફેલાવા લાગી હતી. “શિન્ડલર પાસે એક લિસ્ટ છે. ગમે તેમ કરીને તેમાં પોતાનું નામ લખાવી દો.”

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.

.

આપનો પ્રતિભાવ આપો....