આ ઈમારત – શિરીષ શાહ ‘પ્રણય’ 1


૧. મૂળથી આ થડ સુધી…

મૂળથી આ થડ સુધી પહોંચાય તોયે છે ઘણું,
પર્ણ-ફૂલો-ફળ સુધી વહેંચાય તોયે છે ઘણું.

રિક્તતા, ખાલીપણું, સંતોષની અવહેલના,
માનવીથી માનવી પોંખાય તોયે છે ઘણું.

કાકલૂદી ક્યાં સુઘી કરતો રહું પ્રારબ્ધની,
તે લખેલી ચોપડી વંચાય તોયે છે ઘણું.

તેં લખાવી’તી કવિતા, તે પ્રમાણે મેં લખી,
અક્ષરો મારા પ્રદર્શિત થાય તોયે છે ઘણું.

અંતરે ઉરના ઉમળકા છો ‘પ્રણય’ ના અવતરે,
આંખમાંથી અશ્રુઓ વેરાય તોયે છે ઘણું.

૨. સિડનીની સહેલ..

અહીંયા તો સઘળું સીઘુંને સરળ હોય છે,
ન કોઈ મુશ્કેલી, દુઃખ કે દરદ હોય છે.

આખો દિવસ છો ને ગરમી પડ્યા કરે,
સાંજ પડતા વર્ષાને વાદળ હોય છે.

ચારે તરફ વૃક્ષ ને વનરાજી હોય છે,
વૃક્ષો પર ભતભાતનાં ફળ હોય છે.

પવનના ઝપાટા સતત વાગ્યા કરે,
ન ધૂળ, ન ડમરી કે દળ હોય છે.

દિલમાં માયાને મમતા હોય છે,
દરેકનું દિલ ખૂબ કોમળ હોય છે.

મનથી બધાંને હળવાશ હોય છે,
આનંદની જ સઘળી પળ હોય છે.

બુદ્ધિની સાથે સાથે બળ હોય છે,
સૌના ઉધમમાં સદા કળ હોય છે.

ચારેતરફ દરિયો ને પર્વતો ઘણાં,
ફરવાને માટે અનેક સ્થળ હોય છે.

અહીં કે ત્યાં કોઈના મન ન તપાસો,
મન તો માનવી માત્રનું અકળ હોય છે.

૩. સદાયે સ્નેહ સીંચું છું…

મને લાગે તરસ તો હું સદા દરિયો ઉલેચું છું,
છતાંયે ના મળે સંતોષ તો વાદળને ખેંચું છું.

ભલેને અવનવું લાગે, ભલેને અટપટું લાગે,
મને સમજાય ના તો હું તમારા દિલને વાંચું છું.

મળે સઘળું તમારા વિન ભલેને આભ આખુંયે,
સકળ સૃષ્ટિને તરછોડ તમારી પાસે પહોંચું છું.

વિધાનો કેટલાંયે આપના અહીં મૌન જેવા છે,
તમે બોલો કે ના બોલો, તમારામાં જ રાચું છું.

ભલે હો દૂર કે પાસે,અમોને શો ફરક પડશે?
તમારી યાદમાં ને યાદમાં હું આંખ મીંચું છું.

મનન કરવું-સ્મરણ કરવું ને યાદોમાં જ તરફડવું,
ઉઘડતી એ કળીમાં હું ‘પ્રણય’ ને સ્નેહ સીંચું છું.

– શિરીષ શાહ ‘પ્રણય’

(‘આ ઈમારત’ ગઝલ સંગ્રહમાંથી સાભાર. સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શિરીષભાઈ શાહનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક shirishila1907@gmail.com પર કરી શકાય છે.)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “આ ઈમારત – શિરીષ શાહ ‘પ્રણય’