નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૪ – કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા, દર્શન ગાંધી 2


પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા અને દર્શન ગાંધી. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન!

૧૩. વરલી મટકાંનો જુગારી

નિયમિત દવા – કસરત, ખુલ્લી હવામાં ૪૫ મિનિટ ઝડપથી ચાલવું, વગેરે ડૉક્ટરે કહેલું.

ગામ બહાર પસાર થતી નહેરનો રસ્તો – પોલીસે રેડ પાડી. જુગાર રમતાં રમાડતાં લોકો ઘટનાસ્થળેથી ભાગ્યા હતાં જે પૈકી એક ઈસમને પોલિસે પકડી પાડ્યો હતો. બાતમી સાચી હતી.

કાયદેસરની કાર્યવાહી થઈ.. બંધ બારણે!

– કિશોર ટંડેલ

૧૪. ચુકાદો

જજ હોવા છતાં, વીસ વર્ષ પછી આરોપીના પીંજરામાં એ સોનાના દાંતવાળા બિહામણા ચહેરાને જોઈને, મારી અંદરથી લખલખું પસાર થઈ ગયું. ચહેરો ઘૃણાથી લાલચોળ થઈ ગયો. એ જ માણસ હતો જેણે મને ચૌદ વર્ષની કુમળી વયે અભડાવીને મારા કૌમાર્યને તારતાર કરી નાખ્યું હતું, જેનાં લીધે મારી ઊંઘ હરામ થઈ ગયેલી અને પુરુષ સહજ સ્પર્શથી કાયમ માટે મને ઘિન્ન થઈ ગઈ. ત્યારે ભયના ઓથાર હેઠળ મારી ચીસ દબાઈ ગયેલી અને તે અટ્ટહાસ્ય કરતો રહેલો પણ આજે અટ્ટહાસ્ય કરવાનો વારો મારો છે.

પુરાવાના અભાવમાં થતી દલીલોના અંતે ચુકાદો લખવા મેં મક્કમતાથી કલમ તો ઉઠાવી પણ ચુકાદો લખતા ક્ષણિક મારો હાથ પણ ધ્રૂજી ગયો.

– આલોક ચટ્ટ

૧૫. વિચારોનાં વમળ

“દીકરો આવ્યો છે.” વીણાનાં સાસુ વીણાના કાન પાસે જઈ બોલ્યા.

વીણાએ સાવ ધીરેથી કહ્યું, “ખબર છે.”

નટખટ નણંદ શ્રુતિએ મજાક કરતાં કહ્યું, “ભાભી, તમે જ્યોતિષ છો કે અગાઉથી ખબર પડી ગઈ?” બધાં ખડખડાટ હસી પડ્યા. વીણા હજુ વિચારોનાં વમળમાં અટવાયેલી હતી.

“ખબર તો હોય જ ને મારી ગૃહલક્ષ્મી છે.” માથે હાથ ફેરવતાં ફેરવતાં વીણાના સાસુ માયાબહેન બોલ્યાં.

“ખબર તો હોય જ ને આ વખતે પહેલી વાર નવમાં મહિને દાખલ કરી એટલે…” આટલું બોલતાં તો વીણાની આંખમાંથી ટપ ટપ ટપ કરતાં આંસુ દડી પડ્યાં. ને બધાના વિચારોનાં વમળમાં ઘુમરાઈ રહી હતી ત્રણ ન જન્મેલી દીકરીઓ.

– ધર્મેન્દ્ર કનાલા

૧૬. આસ્થા

છેલ્લા બે મહિનાથી રાજેશનું ખાવું પીવું એક પથારીમાં જ થતું હતું. આંગણે આવેલા ફકીરે સરલાને સલાહ આપી કે તમને જેના પર શ્રદ્ધા હોય એ ભગવાન પાસે પગપાળા દર્શન કરવા પહોંચી જાઓ.

અનાયાસે સરલાના પગલાં પિયર તરફ વળી ગયા.

– દર્શન ગાંધી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૪ – કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા, દર્શન ગાંધી