પાંચ ગઝલરચનાઓ.. – શૌનક જોષી 3


શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની ‘પાસવર્ડ’સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..

૧.

હું મને ખુદને મળું છું આયનામાં,
સાચું કહું તો વિસ્તરૂં છું આયનામાં.

જોઉં જ્યારે પણ, મને દેખાઉં છું હું,
જાણે હું કાયમ કહું છું આયનામાં.

કૃષ્ણ થઈને હું જ ઉપદેશું મને,
પાર્થ થઈને સાંભળું છું આયનામાં.

જન્મથી લઈને મરણની છે સફર,
હું સતત ડગલાં ભરૂં છું આયનામાં.

આંખમાં રાખી છે મેં તારી છબી,
આંખને જોયા કરૂં છું આયનામાં.

બસ વિચારોની કરૂં છું ભીડ ભેગી,
એ પછી જંગે ચઢું છું આયનામાં.

૨.

કોઇને નાનો ગણાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.
કોઇ માણસને દુભાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.

ફૂલ છે સુંદર, તો એને દૂરથી જોયા કરો,
હાથ જ્યા એને લગાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.

હાથ પકડીને તું જેનો, ચાલતા શીખી ગયો,
ચાલમાં એને હરાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.

કોઇની મુસ્કાનનું કારણ બની જો તું શકે,
એવો મોકો તે ગુમાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.

આંખ મીંચીને ભરોસો તારી વાતોમાં કરે,
વાતમાં એને ફસાવ્યો, ત્યાં ગ્રહણ ચાલું થયું.

૩.

જીંદગી એના ભરોસે એ રીતે જીવાય નૈ,
એમ કૈ’ ઈશ્વર કરે તેથી બધું થઇ જાય નૈ.

કોઇ વેળા હાથમાં તલવાર પણ લેવી પડે,
હાથમાં કરતાલ લઇ ને જંગને જીતાય નૈ.

કોઇ શત્રુ આ જમાનામાં હવે ક્યાંથી મળે?
હાથ ઝાલી દોસ્ત પણ મંઝીલ સુધી લઇ જાય નૈ.

જે મળ્યા દુઃખ દર્દ એનો સામનો કરવો પડે,
ભૈ, બધા દર્દો ઉપર ગઝલોનું સર્જન થાય નૈ.

એ દિવસ તું માનજે કે તું હવે જીવતો નથી,
હો સજન, વરસાદ હો ને તોય તું ભીંજાય નૈ.

૪.

બધ્ધાનું સાંભળવાનું તો ક્યાથી ફાવે?
મરી મરી ને જીવવાનું તો ક્યાથી ફાવે?

તેં આપી છે પાંખો ને વિસ્તાઅર ગગનનો,
તું કે’ તેમજ ઉડવાનું તો ક્યાથી ફાવે?

તલવાર આપી જેણે ને પહેરાવ્યાં બખ્તર,
તેની સામે લઢવાનું તો ક્યાથી ફાવે?

સત્ય અહિંસાના ઉપદેશો આપી દઉં પણ,
જાતે ગાંધી બનવાનું તો ક્યાથી ફાવે?

૫.

એ સમંદર પાર પણ લઇ જાય કંઇ કહેવાય નૈ,
ને કિનારે નાવ ડુબી જાય કંઇ કહેવાય નૈ.

જે હવાને શ્વાસરૂપે ઓળખે છે તું અહીં
એ હવા વંટોળ પણ થઇ જાય કંઇ કહેવાય નૈ.

જેમના નક્શે કદમ પર તું સતત ચાલ્યા કરે,
એ જ પોતે માર્ગ ભુલી જાય કઇ કહેવાય નૈ.

કેંદ્ર છે બ્રહ્માંડનું પણ છે તો એ તારો જ ને?
આ સૂરજ પણ ક્યારે તૂટી જાય, કંઇ કહેવાય નૈ.

જેમને તું માર્ગના પથ્થર ગણીને અવગણે,
એ તને મંઝીલ સુધી લઇ જાય કઇ કહેવાય નૈ.

– શૌનક જોષી


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “પાંચ ગઝલરચનાઓ.. – શૌનક જોષી

 • હર્ષદ દવે

  સુંદર રચનાઓ છે…અભિનંદન
  આયનામાં જંગે ચડશો તો ગ્રહણ ચાલુ નહિ થાય
  કદાચ ગાંધી બનવું ન ફાવે પણ ભીંજાયા વગર ચાલે નૈ
  હવા છો ને વંટોળ બને પણ તે પથ્થર નથી તેથી તેની અવગણના
  કરવી પાલવે નહિ…આનંદો

 • Dr. Hardik Nikunj Yagnik

  ખૂબ સરસ કવિ અને એથીયે સારો માણસ એવા શૌનકને સફળતાના આ પડાવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ