શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૪)


પ્રકરણ ૧૪

પોલીસમેન ટોફેલ અને એસએસની ટેક્સ્ટાઇલ ફેક્ટરી ઓસ્ટફેઝરના દારુડિયા અમલદાર બૉસ જેવા વિવિધ સ્ત્રોત તરફથી ઓસ્કરને અફવાઓ સાંભળવા મળી હતી, કે વસાહતમાં આથી પણ વધારે સઘન લશ્કરી કાર્યવાહી થવાની હતી. કાર્યવાહીનો અર્થ કંઈ પણ કરી શકાય તેમ હતો. લ્યૂબિનથી આવેલી કેટલીક કમાન્ડો ટૂકડીઓને એસએસ દ્વારા ક્રેકોવમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. વંશીય સુધારણાના ક્ષેત્રે આ ટૂકડીઓએ બહુ નક્કર કામગીરી નિભાવી હતી! ટોફેલ દ્વારા ઓસ્કરને એવી માહિતી આપવામાં આવી હતી હતી, કે એણે ઉત્પાદનમાં કાપ મૂકવો ન હોય, તો જુન મહિનાની પહેલી અઠવાડિક રજા સબાથ પછી રાત્રે કામ કરનારા કર્મચારીઓ માટે ફેક્ટરીમાં જ થોડી પથારીઓની કામચલાઉ વ્યવસ્થા કરી રાખવી.

એ સૂચના અનુસાર ઓસ્કરે પોતાની ઓફિસ અને યુદ્ધસામગ્રી વિભાગમાં ઉપરના માળે ડોરમિટરીની વ્યવસ્થા કરી રાખી હતી. રાતપાળીને કારણે અમુક કામદારો ખુબ ખુશ હતા. અન્ય કેટલાક લોકોનાં પત્ની, બાળકો, માતા-પિતા, બધાં વસાહતમાં રહેતાં હતાં. ઉપરાંતમાં બ્લાઉસિન નામે ઓળખાતું પેલું પવિત્ર ગણાતું વાદળી સ્ટીકર તેમના ઓળખપત્ર પર લાગેલું હતું.

ત્રીજી જૂનના દિવસે ઓસ્કરનો ઓફિસ મેનેજર અબ્રાહમ બેંકર લિપોવા સ્ટ્રીટ ખાતે કામ પર હાજર ન થયો. સેક્રેટરીએ ફોન પર શિન્ડલરને આ બાબતની જાણ કરી, ત્યારે ઓસ્કર સ્ત્રેસ્કિગો સ્ટ્રીટમાં પોતાને ઘેર કોફી પી રહ્યો હતો. સેક્રેટરીએ બેંકરને વસાહતમાંથી બહાર નીકળતાં અને ઘોડાર પાસે રોકાયા વગર છેક પ્રોકોસિમ ડિપો સુધી જતાં જોયો હતો. તેની સાથે એમાલિયાના બીજા કામદારોનું ટોળું પણ હતું. રાઇક, લેસર, વગેરે મળીને લગભગ બારેક કર્મચારીઓ તેની સાથે હતા.

ઓસ્કરે ગેરેજમાંથી પોતાની કાર મગાવી. નદી પાર કરીને લ્વોવ્સ્કા તરફ પ્રોકોસિમ સુધી એ ગયો. દરવાજા પાસે ઊભેલા ચોકિદારોને તેણે પોતાનું ઓળખપત્ર બતાવ્યું. ડિપોનું મેદાન પશુઓ માટેના કતારબંધ ડબ્બાઓથી ભરેલું હતું. કતારબંધ ઊભેલા વસાહતના વધારાના માણસોથી સ્ટેશન પણ ઊભરાતું હતું. લોકો પણ કદાચ મૂક અને શિસ્તબદ્ધ પ્રતિભાવ આપી રહ્યા હતા, જે. કદાચ યોગ્ય પણ હતું! આજે પહેલી વખત ઓસ્કરે આટલા લોકોને ડબ્બાની આટલી નજીક ઊભેલા જોયા હતા. આવા દૃશ્યની માત્ર વાત સાંભળવી એ જૂદી બાબત હતી, પરંતુ એ દૃશ્યને નજરે જોવું અત્યંત આઘાતજનક હતું. પ્લેટફોર્મના છેડે ઊભા રહીને એ સાવ જડ બનીને બધું જોતો રહ્યો. ત્યાં જ સામે તેનો ઓળખીતો એક ઝવેરી મળી ગયો. “બેંકરને જોયો ક્યાંય?” એણે પૂછ્યું. “એ તો આમાંના એકાદ ડબ્બાની અંદર જ છે, હેર શિન્ડલર.” ઝવેરીએ જવાબ આપ્યો. “આ લોકો તમને ક્યાં લઈ જાય છે?” ઓસ્કરે તેને પૂછ્યું. “એ લોકો તો કહે છે કે, અમે એક લેબર કેમ્પમાં જઈએ છીએ. લ્યૂબિન પાસે… કદાચ ત્યાં આનાથી તો ખરાબ નહીં હોય…” દૂર દેખાતા ક્રેકોવ તરફ હાથ હલાવતાં ઝવેરી બોલ્યો.

શિન્ડલરે ખિસ્સામાંથી સિગરેટનું પેકેટ અને દસ-દસ ઝ્લોટીની થોડી નોટો કાઢીને ઝવેરીના હાથમાં આપી. બિચારા લોકોને કંઈ જ લીધા વગર ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમનો સામાન પહોંચતો કરવાનો વાયદો એમણે કર્યો હતો. આગલા વર્ષના અંતે, એસએસના બજેટ અને બાંધકામ વિભાગના એક સમાચારપત્રમાં લ્યૂબિનના દક્ષિણ છેવાડે આવેલા બેલઝેકના એક કેમ્પમાં કેટલાંક સ્મશાનોના બાંધકામ માટે ભાવો મંગાવવામાં આવ્યા હતા. શિન્ડલરને પેલા ઝવેરીનો વિચાર આવ્યો. ત્રેસઠ-ચોસઠની ઉંમર હશે! નીચો-દૂબળો; ગયા ઉનાળે તો કદાચ ન્યૂમોનિયામાં સપડાયો હતો!. કરચલીઓવાળો જીર્ણ કોટ, આ ઋતુ માટે તો બહુ જ ગરમ પડે એવો! અને એની પારદર્શક અને તીણી આંખોમાં પીડા સહન કરવાની સીમિત શક્તિ! ૧૯૪૨ના એ કાળઝાળ ઉનાળામાં પણ આવો એક માણસ અને પેલી અસાધારણ ઘનક્ષમતા ધરાવતી ભઠ્ઠીઓ વચ્ચેના સંબંધ વિશે ધારણા કરવી મુશ્કેલ હતી! ક્યાંક કેદીઓ વચ્ચે વ્યાપક રોગચાળો ફેલાવવાનો તો એમનો વિચાર નહોતોને! તેઓ એવી જ કોઈ રીત અજમાવવાના હતા કે શું? ડબ્બાની અંદર ભરેલા લોકો, ડબ્બાની ઉપરના ભાગે લોખંડની પટ્ટીઓથી બનાવેલી જાળીઓમાંથી ઓસ્કર સામે નીચેની તરફ ડોકિયા કરતા હતા. તેમના ચહેરાઓ જોતો-જોતો, એન્જિનથી શરૂ કરીને જાનવર ભરવાના વીસથી પણ વધારે ડબ્બા સુધી તો, બેંકરના નામની બૂમો પાડતો-પાડતો શિન્ડલર ફરી વળ્યો. અબ્રાહમ બેંકર આ તબક્કે એટલો નસીબદાર હતો, કે તેનું નામ લઈ-લઈને બૂમો પાડતા ઓસ્કરના મનમાં એ સવાલ ન થયો, કે પોતે શા માટે આ એક જ નામની બૂમો પાડી રહ્યો હતો! શા માટે એણે બૂમો પાડવાનું બંધ ન કર્યું, કે પછી ઓસ્ટબાહ્‌નના આ ડબ્બાઓમાં સવાર એવા બેંકર જેટલા જ ઉપયોગી બીજા કેટલાયે લોકોનું નામ ઓસ્કર શા માટે બોલતો ન હતો! પ્રોકોસિમમાં લોકોની સંખ્યા જોઈને તો કોઈ અસ્તિત્વવાદી પણ હારી ગયો હોત, આટઆટલા લોકો દ્વારા પોકારાતા નામોના અવાજોથી એ આઘાત જ પામ્યો હોત!

પરંતુ આ બાબતે શિન્ડલર તો એક નિર્લેપ દાર્શનિક જેવો હતો. પોતાના માણસોને એ બરાબર ઓળખતો હતો. એ બેંકરનું નામ જાણતો હતો. “બેંકર! બેંકર!” એણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. લ્યૂબિનથી આવેલા, લોકોની હેરફેરમાં નિષ્ણાત એક યુવાન એસએસ અધિકારી તેને સામો મળી ગયો. એણે ઓસ્કરનું ઓળખપત્ર જોવા માગ્યું. ઓસ્કરે તેના ડાબા હાથમાં કેટલાયે નામોથી ભરેલી લાંબી યાદી જોઈ.

“મારા કામદારો આ ડબ્બામાં છે.” શિન્ડલરે કહ્યું. “એ બધા આવશ્યક ઔદ્યોગિક કામદારો છે. મારો ઓફિસ મેનેજર પણ તેમાં જ છે. આ તે કેવી મૂર્ખતા છે… યુદ્ધ સરંજામ વિભાગે મને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને એ કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે જરૂરી એવા મારા કામદારોને તમે અહીંયાથી ઊઠાવી જાઓ છો!”

“એ માણસો તો તમને પાછા નહીં મળી શકે!” એ યુવાને કહ્યું. “યાદીમાં એમના નામો છે જ!” એસએસ અધિકારી અનુભવના આધારે જાણતો હતો, કે એ યાદીમાંના આ બધા જ લોકોનું અંતિમસ્થાન એક જ હતું.

એક સમજદાર, પરંતુ પૂરતા સંપર્કો ધરાવતા માણસની માફક ઓસ્કરે પોતાના અવાજને જરા ધીમો પરંતુ સખત બનાવ્યો. પોતાના બધાં જ શસ્ત્રો એ હાલને હાલ વાપરી નાખવા માગતો ન હતો. “તમે જાણો છો, કે આ યાદીમાં છે એ મારા લોકોની જગ્યાએ, બીજાને તાલીમ આપતા મને કેટલો સમય જશે? મારી ‘ડ્યૂત્સે ઇમેઇલ ફેબ્રિક’ ફેક્ટરીમાં શસ્ત્રો બનાવવાનો વિભાગ મારા જ નામેરી એવા જનરલ શિન્ડલરના ખાસ રક્ષણ હેઠળ કામ કરે છે. રશિયન મોરચે લડી રહેલા તમારા ઉચ્ચાધિકારીઓ જ નહીં, પણ શસ્ત્રસરંજામ મંત્રાલય પણ ઉત્પાદન અટકવાના મુદ્દે તમારી પાસે ખુલાસો માગશે.” યુવાન અધિકારીએ માથું ધુણાવ્યું. બદલી થઈને આવેલો એ બિચારો અધિકારી ત્રાસી ગયો હતો. “આવી વાતો આ અગાઉ પણ મેં સાંભળી છે, સર.” એણે કહ્યું તો ખરું, પણ અંદરથી એ ચિંતિત હતો. ઓસ્કાર એ સમજી ગયો હતો, એટલે એણે તેના તરફ ઝૂકીને હળવા પરંતુ ધમકીભર્યા અવાજે વાત કરવાનું ચાલુ જ રાખ્યું હતું. “તમારી એ યાદી બાબતે હું દલીલ કરવા માગતો નથી,” ઓસ્કરે કહ્યું. “તમારા ઉપરી અધિકારી ક્યાં છે?”

એ યુવાને એક એસએસ અધિકારી સામે ઇશારો કર્યો. ત્રીસેક વર્ષની ઉંમરના એ માણસના ચશ્માંની ઉપરના ભાગે કપાળ પર પડેલી કરચલીઓ નજરે પડતી હતી. “શું નામ છે તમારું હેર અન્ટર્સ્ટર્મફ્યૂહરર?” પોતાના કોટના ખિસ્સામાંથી એક નોટબૂક કાઢતાં ઓસ્કરે તેને પૂછ્યું. એ અધિકારી પણ યાદીની ચોકસાઈ બાબતે દલીલો કરવા લાગ્યો. તેને તો યહૂદીઓની આ ભરમાર અને તેમને આ રીતે જાનવરોના ડબ્બાઓમાં ભરીને તગેડી મૂકવાની રીત એકદમ સુરક્ષિત, તાર્કિક અને સંપૂર્ણપણે યોગ્ય જ લાગતી હતી. પરંતુ શિન્ડલર હવે તેની સામે કડક બની રહ્યો હતો. “આ યાદીની મને પણ ખબર છે.” એણે કહ્યું. “પણ હું તમારું નામ જાણવા માગું છું. હું તો સીધી ઓબરફ્યૂહરર સ્કર્નર અને શસ્ત્રસરંજામ મંત્રાલયના જનરલ શિન્ડલરને આ બાબતે જાણ કરવા માગું છું.”

“શિન્ડલર?” એ અધિકારીએ પૂછ્યું. પહેલી વખત એણે ઓસ્કર સામે ધ્યાનથી જોયું. આ માણસના કપડાં તો કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો લાગે છે, ઓળખ ચિહ્નો પણ પહેરેલા છે અને જનરલના કુટુંબનો છે. “મને લાગે છે કે,” શિન્ડલરે તેને હળવા સ્વરે કહ્યું, “આવતા અઠવાડિયે તમે દક્ષિણ રશિયામાં જતા રહેશો તેની હું તમને ખાતરી આપી શકું તેમ છું!”

આગળ-આગળ પેલો સૈનિક અને તેની પાછળ બાજુ-બાજુમાં ચાલતા શિન્ડલર અને પેલો અધિકારી કેદીઓની હરોળ અને જાનવરોના ડબ્બાની વચ્ચેની જગ્યામાં ચાલવા લાગ્યા. એન્જિનમાંથી વરાળ છૂટી રહી હતી અને કેબિનમાંથી બહાર ઝૂકેલો ઇજનેર ટ્રેઇન સામે જોતો ઉપડવાની રાહ જોઈ રહ્યો હતો. એસએસ અધિકારીએ પ્લેટફોર્મ પર ઊભેલા ઓસ્ટબાહ્‌નના અધિકારી પાસેથી પસાર થતી વેળાએ ટ્રેનને થોભાવવા માટે જણાવ્યું. છેવટે તેઓ પાછળના એક ડબ્બા પાસે જઈ પહોંચ્યા. બેંકરની સાથે એ ડબ્બામાં બીજા બારેક લોકો હતા. કોઈ એક જ સ્થળે જવા માટે સાથે નીકળ્યા હોય એમ તેઓ એક સાથે જ એ ડબ્બામાં ચડ્યા હતા. દરવાજાનું તાળું ખોલવામાં આવ્યું, અને અંદરથી ઓફિસના બેંકર અને ફ્રેંકેલ, અને રાઇક, લેસર અને ફેક્ટરીના બીજા લોકો કૂદીને નીચે આવી ગયા. આ મુસાફરીમાંથી છૂટવા બદલ પોતે કેટલા ખુશ થયા હતા તેની કોઈને જાણ ન થાય, એ ખાતર બધા એકદમ ચૂપચાપ ઊભા રહી ગયા. અંદર રહી ગયેલા લોકો મોકળાશથી મુસાફરી કરવા મળશે એ આનંદે ચિચિયારીઓ પાડવા લાગ્યા. એસએસ અધિકારીએ પેલી યાદીમાંથી એમિલિયાના કામદારોના નામો એક પછી એક, પેન વડે ભાર દઈ-દઈને, છેકી નાખ્યા અને તેની સામે ઓસ્કર પાસે સહી કરાવડાવી.

અધિકારીનો આભાર માનીને શિન્ડલર પોતાના કર્મચારીઓ સાથે જવા માટે પાછો ફર્યો ત્યારે અધિકારીએ શિન્ડલરના કોટની બાંય ઝાલીને તેને અટકાવ્યો. “સર,” એ બોલ્યો. “અમને તો કોઈ જ ફરક નથી પડતો એ સમજી લો. આ લોકો હોય કે બીજા લોકો હોય, અમને કંઈ પડી નથી.”

ઓસ્કરને પહેલી વખત મળ્યો, ત્યારે જે અધિકારી ગુસ્સામાં હતો એ હવે શાંત લાગતો હતો, જાણે પરિસ્થિતિની કોઈ કળ એને મળી ગઈ હોય એમ! “તમને એમ છે કે તમારા આ બાર-તેર બટકા લુહારો એટલા બધા મહત્ત્વના છે? અમે તો બીજા બાર-તેર બટકા લુહારોને એમની જગ્યાએ ભરતી કરી લઈશું, એટલે તમારી બધી જ લાગણીવેડાનો બદલો લેવાઈ જશે. આ તો આ યાદીમાં છેકછાક થાય છે, બસ એટલું જ છે.” અધિકારીએ ખુલાસો કર્યો.

બાંઠિયા અને જાડિયા બેંકરે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું, કે આ ટોળકીએ જૂની પોલિશ સેવિંગ બેંકમાંથી વાદળી સ્ટીકર મેળવી લેવાની ઉપેક્ષા કરી હતી. તેની વાત સાંભળીને શિન્ડલરે ગુસ્સે થઈને તેમને તરત જ બેંકનો સંપર્ક કરવાની સૂચના આપી. પરંતુ તેના એ ગુસ્સાની પાછળ, ખરેખર તો બ્લૂ સ્ટીકરના અભાવે, પ્રોકોસિમ સ્ટેશને એકઠા કરાયેલા લોકોના ટોળાની સામે ઓસ્કરની હતાશા છૂપાઈ હતી. એ ટોળું, હવે પોતાનું શું થશે છે એ જાણવા માટે રાહ જોતું હજુ પણ ઊભું હતું. ભારેખમ એંજિન દ્વારા ઢસડી જવાતા જાનવરો ભરવાના એ ડબ્બા છેક ક્ષિતિજ સુધી લંબાતા દેખાતા હતા. જાણે લોકોને એ કહી રહ્યા હતા, આપણે હવે એક સરખા જાનવર છીએ.

આપનો પ્રતિભાવ આપો....