આપણું પર્યાવરણ – વિમલા હીરપરા 3


પર્યાવરણ કે વાતાવરણ જે એક કામળો – આવરણ છે એ સમુદ્રની સપાટીથી લગભગ બસો માઇલ ઉપર સુધી વાયુના રુપમાં પૃથ્વીને વિંટળાયેલું છે; એ સૂર્યના પ્રખર કિરણો સામે આપણું રક્ષણ કરે છે. એ ઓઝોન, ઓક્સિજન (પ્રાણવાયુ જે આપણે શ્વાસમાં લઇએ છીએ), કાર્બન ડાયોકસાઇડ કે અંગાર વાયુ, હિલિયમ જેવા વિવિધ વાયુઓનું બનેલુ છે, એને લીધે પૃથ્વી પર માનવજીવન શક્ય બન્યું છે.

આજથી હજી ત્રણસો વરસ પહેલા સુધી માનવજીવન સરળ હતું. રોજબરોજનું કામ હાથ મહેનતથી થતું. જરુર પડે તો પાલતુ પ્રાણીઓની મદદ લેવાતી. જેમ કે ખેતીમાં બળદ કે ઘોડા, માલવહન કે વાહનવ્યવહારમાં ઉંટગાડી, બળદગાડી, ઘોડાગાડી, ગધેડા, ખચ્ચર વગેરે ઉપયોગમાં આવતા. વસ્તુનું ઉત્પાદન સ્થાનિક પ્રજા પૂરતું મર્યાદિત રહેતું. બધું જ હાથમહેનતથી થતું એટલે જરુરિયાત જેટલું પેદા કરીને લોકો આરામથી રહેતા. ઉપરાંત આ પશુઓના મળમૂત્ર, રસોઇમાં વપરાતા છાણા લાકડાની રાખનું ખાતરમાં એમ જ રુપાંતર થઇ જતું. વસ્તી થોડી ને ખુલ્લી જગ્યા વધારે એટલે ઘરઆંગણે લીમડા, પીપળા એવા ઘટાદાર વૃક્ષો ઉછેરાતા. એની છાયામાં ગાયભેંસ ને બળદો બંધાય ને ઉનાળામાં એરકંડિશનની ગરજ સારે, એની છાયામાં લોકબેઠક પણ જામે. સ્વભાવિક આવા વાતાવરણમાં તન મન તંદુરસ્ત જ હોય. હવા પાણી ચોખ્ખા હોય એટલે ‘પ્રદૂષણ’ કઈ બલા છે એવું વિચારવાની નોબત આવે જ નહિ ને.

એ અરસામાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા. વસ્તી થૌડી એટલે કદાચ મશીનની જરુર પડી હશે. ગમે તેમ પણ એકવાર શરુઆત થઇ ને શ્રમનો બચાવ થયો એ સાથે દસ ગણું ઉત્પાદન માણસને માફક આવી ગયું. પછી તો માલના ઉત્પાદન માટે કાચો માલ જેને માટે ધરતીમાથી ખનીજ શોધવાની ને કાઢવાની પ્રકિયા ચાલી. એ માટે મશીનો, એની હેરફેર માટે વાહનો ને એમાથી જરુરી કે કયારેક બીનજરુરી ચીજોનું ઉત્પાદન. એ માલના વેચાણ માટે યુરોપના સાહસિકો વહાણવટે ચડ્યા ને આખી દુનિયા ફરી વળ્યા. મોટાભાગની દુનિયા હજુ પ્રાથમિક અવસ્થામાં જીવતી હતી. એ ભોળી ને અજ્ઞાન પ્રજાને બજાર બનાવી દીધી. પરિણામે સ્થાનિક ઉદ્યોગો ભાંગી ગયા. લોકો પણ આ કારખાનામાં બનતા નવા માલની ચમકથી અંજાઇ ગયા, આ નવા વેપારીઓએ પોતાની કૉલોનીઓ ઉભી કરીને સ્થાનિક પ્રજાને બાનમાં લઇ લીધી. જ્યાં કાચો માલ હતો ત્યા લોકોને લાલચ કે બળજબરીથી સ્થાળંતર કરાવ્યું. અમેરીકામા હબસી લોકો ને આપણા દેશમાથી આફ્રિકામાં જનાર ગીરમીટીયા કહેવાતા જેને બ્રિટીશરો બળજબરી કે લાલચથી લઇ ગયેલા.

પણ આ સુખ સગવડ ને સરળજીવન ને આશિર્વાદરુપ લાગતી પ્રગતિની કિંમત કેટલી આકરી ચૂકવવી પડશે એ તો જેમ સમય જતો ગયો એમ લોકોને સમજાવા લાગ્યું. કોલસા ને સલ્ફર જેવા ખનીજોની ખાણોમાં કામ કરતા મજુરો ‘બ્લેક લંગ’ એટલે કાળા કાળજા કે ક્ષયના મરીઝ બનવા લાગ્યા તો અનેક લોકોને આવા બીજા રસાયણોને લઈને શ્વાસોચ્છવાસની તકલીફ થવા લાગી. અગાઉ ન હોય એવા રોગોથી આવા ક્ષેત્રમાં કામ કરતી ને આજુબાજુ રહેતી પ્રજામાં શારીરિક તકલીફો શરુ થઇ. જાગૃત પ્રજાએ તો તરત સંશોધન કરીને કારણ શોધી કાઢ્યા ને ત્યારે દુનિયાને જાણ થઇ કે આ પ્રગતિમાં એમણે મેળવવા કરતા કેટલુ ગુમાવ્યું છે.

આ અવિરત ચાલતા મશીનોથી હવામાં ધુમાડારૂપે જે ઝેરી વાયુ હવામાં ભળે છે એનો નિકાલ એક મોટી સમસ્યા છે. એક જેટવિમાન, એક કોલસાથી ચાલતી રેલ્વે ને કાર, મોટરસાઇકલ જેવા વાહનો ને કારખાનાના ચિમનીના ધુમાડા. ક્યાં કાપ મૂકવો? તો કુદરતનુ રસોડુ એટલે કે વૃક્ષો પર કાર્બન ડાયોકસાઇડનું ઓક્સિજનમાં રુપાંતર કરવાની જવાબદારી હતી. એ સમતુલન માણસે પોતે જ ખોરવી નાખ્યુ છે. વધતી જતી વસ્તીને ખોરાક ને રહેઠાણ પૂરા પાડવા જંગલોનું આડેધડ નિકંદન કાઢી નાખ્યુ છે. વાયુ કે વાતાવરણને દૂષિત કર્યા પછી આપણે જળાશયોને લપેટામાં લીધા છે. અવિકસીત દેશોમાં તો જાગૃતિને અભાવે કે જાણવા છતા ય એસીતેસી કરીને કારખાનાનું વપરાયેલુ રસાયણયુક્ત પાણી કે ઓઇલ ને ગટરનું દૂષિત પાણી નદીઓમાં છોડવામાં આવે છે. એમાં સ્થાનિક લોકો નહાય, કપડા ધોવે ને પીવાનું પાણી ભરે!

વિકસીત દેશોમાં નિયમો છે તો ખરા ને પાલન પણ થાય પણ અમુક રાસાયણિક કચરો છે જેનો નિકાલ કરવો બહુ અધરો ને લગભગ અશક્ય છે. પાવર પ્લાન્ટ, અણુમથકો, ઓઇલ રિફાઇનરી એવા ઉદ્યોગોમાં વપરાતું ઇંધણ – એને નિકાલ માટે છેવટે ખાસ પીપમાં ભરીને જમીનમાં દાટવામાં આવે છે. છતાં ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફતો સામે કોઇ ગેરંટી નથી. જીની બોટલમાંથી બહાર નીકળી ગયો છે. એને નાથવાના પ્રયત્ન થાય છે.

એવી બીજી વસ્તુ તે પ્લાસ્ટીકની બેગ ને બોટલ. એનો નિકાલ અશક્ય છે. એ સડતુ કે કોહવાતું નથી. આજ સુધીની એની સગવડ અને વપરાશની સરળતાને લઇને એનો એટલો બધો ઉપયોગ થયો છે કે વિકસીત દેશોમાં ડમ્પયાર્ડ એનાથી છલકાઇ ગયા છે. હવે બધા સરવાળાનું પરિણામ જુઓ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું વધી ગયું છે કે સૂર્યના સીધા કિરણોથી અત્યાર સુધી આપણી રક્ષા કરતા ઓઝોન વાયુના આવરણમાં મોટુ ગાબડું પડી ગયું છૈ. જો આપણે જાગૃત નહિ થઇએ તો આપણા પુરાણમાં પ્રલય વિષે જે આગાહી છે કે પાપ વધશૈ ત્યારે સુર્ય એટલો પ્રકાશશે કે જીવમાત્રને બાળી નાખશે. બીજુ પરિણામ એ કે સદીઓથી સૂતેલો ઉતરધ્રુવનો બરફ ઓગળવા લાગ્યો છે. એની નીચે સૂતેલો કાર્બન ડાયોક્સાઇડ નામનો ‘કુંભકર્ણ ‘ જાગી ગયો છે ને પ્રદૂષણના ગુના તરીકે માણસને હડપ કરવા હાકોટા કરી રહ્યો છે. બરફ ઓગળવાને કારણે દરિયાઇ જીવો ઉપર જોખમ ઉભુ થયું છે તો અમુક નાશ પણ પામ્યા છે. ઉપરાંત દરિયાની સપાટી વધવાને કારણે દરિયા કિનારાના દેશો અને ટાપુ ડૂબવા લાગ્યા છે. માલદીવ ટાપુ એનું જીવંત ઉદાહરણ છે. તો પ્રગતિની દોડમાં જળ, સ્થળ ને નભ; ત્રણેયને બાનમાં લઇ લીધા છે.

આજે વિકસીત દેશો તો જાગૃત થયા છે ને ઘટતા પગલા લે છે પણ અવિકસીત દેશોમાં હજુ પણ લોકો અજ્ઞાન છે. હજુ એમને માટે પર્યાવરણ કરતા રોજીરોટી વધારે મહત્વની છે. હવે આ ટેકનોલોજીએ જીવનમાં જે સુખ સગવડ આપ્યા છે એને છોડીને પાછા ભૂતકાળમાં તો આપણે જઇ શકીએ એમ નથી. જાણવા છતાંય આપણે બસ, કાર કે સ્કૂટરને છોડીને ગાડામાં મુસાફરી કરવાના નથી કે રસોડામાં ગેસને બદલે લાકડાનો ચૂલો ફુંકવાના નથી. વૃક્ષ વાવીએ તો પણ એનો ઉછેર સમય માગી લે. આ બધુ રાતોરાત તો થઇ શકે નહિ. આપણે એટલુ કરી શકીએ કે વાતાવરણને નુકશાન કરતી ચીજોનો ઉપયોગ બંધ કરીએ. પૃથ્વી પરથી વિદાય થતા સ્વજનની યાદમાં એકાદ વૃક્ષ વાવીએ તો એ એક પર્યાવરણની સેવા સાથે જનારને સાચી અંજલિ થશૈ.

એક હળવી વાત કે બધા સજીવોમાં માણસ અલગ છે. માણસ સિવાય બધા પશુંપંખી વિદાય થાય ત્યારે પ્રકૃતિને કંઇક પાછુ આપતા જાય છે. એનું શરીર બીજાનો ખોરાક બને, એનુ ચામડુ ને હાડકા પણ કામ આવે. કહેવત છે ને કે હાથી જીવતો લાખનો ને મરે તો સવા લાખનો. પણ માણસ! અંત સમયે બિમાર પડે તો લાખનો ખર્ચ તો કરાવે ને મરે તો એની અંતિમક્રિયામાં બે-ચાર વૃક્ષોનો ભોગ લેતો જાય ને દાટો તો છ ફુટ જમીન પર કાયમનો કબજો જમાવીને સૂઇ જાય! એટલે કે માણસ જીવતો લાખનો ને મરતા સવા લાખનો ખર્ચ કરાવે.

– વિમળા હિરપરા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આપણું પર્યાવરણ – વિમલા હીરપરા

  • ભરત ગજેરા

    વાહ…!!! પર્યાવરણની સાદા, સરળ શબ્દમાં અદ્ભુત માહીતી આપતો આપનો લેખ, આપણા સૌ માટે આંખ ઉઘાડનારો છેજ. પ્રગતિ અને પૈસાની ભુંડી લ્હાયમાં, આજનો માનવી પોતાનીજ ઘોર ખોદી રહ્યો છે,!!એ વાસ્તવિક્તાનો આપે હૂબહુ ચિતાર દોરી આપ્યો છે. ભગવાન સૌ માનવીને સદ્બબુદ્ધિ આપે એજ પ્રાથના.

  • राजकुमारी यादव

    हमरा पन्तपरधान जी कह रहे है की पर्यावरण नहीं हम बदलते जा रहे है, क्या यही सच है?

  • હર્ષદ દવે

    પર્યાવરણને જાળવવાની આપણી માનવતાભરી જવાબદારીને સાવ સરળ શબ્દોમાં સહજભાવે રજૂ કરી અંતે ચોટદાર કોરડો વીંઝી જાગૃત કરતો લેખ. કાંઈ ન કરો પણ નડો તો નહીં…પણ માણસ દૃષ્ટિ હોવા છતાં દૂરંદેશીભરી દૂરદૃષ્ટિ ધરાવતો નથી અને લીલા છમ વૃક્ષની ઊંચી ડાળી પર બેસી નિષફિકરપણે જેના પર બેઠો છે તે વૃક્ષની જ ડાળ કાપે છે…શું થશે આ રળિયામણી, શાતાદાયક પ્રકૃતિનું, આ ધરતી માતાનું…આપણાં સહુનું…જાગૃત થઈશું કે પછી…