શ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન 2


ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એમના પિતા સિદ્ધાર્થ લીચ્છવી કુળનાં રાજા હતા. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં, માતાએ ચૌદ અત્યંત શુભ સ્વપ્નો જોયાં હતાં.

ભગવાન મહાવીરના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય છે. પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ, બીજો જન્મ પામ્યા એ, ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ, ચોથો વિશિષ્ટ જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ અને પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ. આ પાંચે પ્રસંગોએ આખુંયે જગત આનંદવિભોર બની જાય છે. એથી જ એણે ‘કલ્યાણક’ કહેવાય છે.

બાળપણથી જ વર્ધમાન અત્યંત તેજસ્વી હતા. ત્રિશલાનો લાડકો નાનકડો કુમાર જન્મ્યો ત્યારથી માંડીને પિતાની યશકીર્તિ વધવા લાગી, ભંડારોમાં ધન ભરાવા લાગ્યું, લોકપ્રીતિ વધવા લાગી અને સુખ સમૃદ્ધિ તો ટોચની શિખરે ચઢવા લાગી. આમાં ચોતારફથી બધું જ વધતું જોઇને માતાપિતાએ કુમારનું નામ ‘વર્ધમાન’ એવું રાખ્યું.

એકવાર એક મુનિની તત્ત્વજીજ્ઞાસાનું સમાધાન વર્ધમાનનાં દર્શનમાત્રથી જ થઇ જતાં તેમને સંમતિ પણ કહેવા લાગ્યા. એક બીજા પ્રસંગે રમતમાં લીન બાળકો પર એક ઝેરીલો સાપ ધસી આવે છે. બીજાં બાળકો તો ભયભીત થઈને ભાગી ગયાં. પરંતુ બાળક વર્ધમાને એ સાપને વશ કરી લીધો. આવી જ રીતે એમને એક વખત એક મદોન્મત્ત હાથીને પણ વશ કરી લીધો હતો.

શ્વેતામ્બર પરંપરા પ્રમાણે મહાવીરનાં લગ્ન થયાં હતાં અને એમને એક પુત્રી પણ હતી. પરંતુ દિગંબરની માન્યતા પ્રમાણે મહાવીરનાં લગ્ન થયાં ન હતાં. તેઓ અંતર્મુખી પ્રકૃતિના હતા અને હંમેશા આત્મચિંતનમાં નિમગ્ન રહેતા. તેઓ નાની વયમાં જ ગૃહત્યાગ કરવા ઇચ્છતા હતા, પરંતુ માતાપિતાના અનુરોધ પ્રમાણે એ જીવતા રહ્યા ત્યાં સુધી તેમણે ગૃહત્યાગ ન કર્યો. ૩૦ વર્ષની ઉંમરે પોતાના મોટાભાઈ નંદીવર્ધનની અનુમતિ સાથે તેમણે ગૃહત્યાગ કર્યો અને તેઓ પરિવ્રાજક સંન્યાસી બન્યા.

મહાવીરે ૧૨ વર્ષ સુધી કઠોર તપસાધના કરી. પ્રગાઢ આત્મ તન્મયતાને લીધે એમને પોતાનાં દેહ, વસ્ત્ર, આહાર આદિની પણ સુધ ન રહેતી. આવી સ્થિતિમાં એમનું એક માત્ર વસ્ત્ર પણ કોણ જાણે ક્યારે શરીર પરથી ખસીને પડી ગયું! આ ૧૨ વર્ષોમાં તેઓ અડધાથી વધારે સમય નિરાહાર રહ્યા તથા પ્રકૃતિ અને અજ્ઞાની માનવી દ્વારા આવી પડેલાં અનેક કષ્ટો એમણે નિર્વિકારભાવે સહન કર્યાં. તેઓ અનેક અભાવનીય પ્રતિજ્ઞાઓ અને માનસિક સંકલ્પો સાથે ભિક્ષાટન કરવા જતા. પરંતુ તેમની સંકલ્પશક્તિ અને સત્યપ્રતિષ્ઠાને કારણે અમાનવીય પરિસ્થિતિઓ યથાર્થ બની જતી.

ગામ નગરને પોતાનાં ચરણ કમળથી પાવન કરતા દેવાધિદેવ મહાવીર એકવાર એવા ઘોર જંગલમાં આવી ચડ્યાં. ત્યાં એક ભયંકર સર્પ પોતાના રાફડામાં અડ્ડો જમાવીને બેઠો હતો. આ સર્પ તો એવો કાતિલ હતો કે એની દ્રષ્ટિ જ્યાં પડે, ત્યાં સૃષ્ટિ નાશ પામતી. એની દ્રષ્ટિમાં જ એવું ઝેર હતું. એથી ‘દ્રષ્ટિવિષ’ સર્પ તરીકે ઓળખાતો. આ સર્પ જે વનમાં રહેતો, ત્યાં માનવ તો શું પશું પંખી કે ઢોરઢાંખર પણ ભૂલેચૂકે ન આવતાં! જો આવ્યાં અને સર્પની નજરે ચડ્યાં તો ખેલ ખતમ! સો એ સો વર્ષ ત્યાં ને ત્યાં પૂરાં! મનના બધા કોડ રહી જાય અધૂરા! શૂરા અને પૂરા મલ્લો પણ એની પાસે બની જાય બેસૂરા!

આવા આ વનવગડે મહાવીરદેવ શું ભૂલા પડ્યા? ના.. ભૂલા તો નહોતા પડ્યા, પણ ભૂલા પડેલા એક ભાવુક આત્માને ઊંઘમાંથી ઊઠાડવા જાણી જોઈને આવ્યા હતા.

સર્પનું નામ હતું ચણ્ડકૌશિક! એ ‘ચણ્ડ’ એવા ટૂંકા નામેય જાણીતો! ક્ષમા અને ધૈર્યની સાક્ષાત જ્યોતિસમા મહાવીર દેવ જ્યાં આ સર્પના રાફડા પાસે આવી ઊભા, ત્યાં તો ચંડ પ્રચંડ બની ગયો, ભાન ભૂલીને ફુત્કાર કરવા લાગ્યો. પણ મહાવીર ડરે? આ કાંઈ માનવ થોડો હતા? એ તો મહામાનવ પણ નહીં, પરંતુ સર્વોત્તમ કોટિનો આત્મા-તીર્થંકર પરમાત્મા હતા. ફૂંફાડાથી એ સહેજ પણ મૂંઝાયા નહીં, પરંતુ સ્થિર નયનોથી સાપને નિરખી રહ્યાં. મહાવીરદેવની આ સમતાને જોઈને ચંડ તો ચોંકી ઊઠ્યો. એણે ગુસ્સાના જુસ્સામાં આવીને જોરથી મહાવીર દેવને ચરણ – અંગૂઠે ડંખ દીધો ને અંગૂઠેથી દૂધની ધવલધાર જેવું લોહી નીકળ્યું.

આ શું? ચંડ તો વિચારમાં જ પડ્યો. લાલ લોહીને બદલે આ સફેદ દૂધ જેવું લોહી કેમ? એને લાગ્યું કે આ કોઈ સામાન્ય માનવી નથી, પણ કોઈ દૈવી પુરુષ જણાય છે! અને.. સ્થિર નયને ‘ચંડ’ મહાવીર દેવના મુખકમળનો પરાગ પીવા માંડ્યો.

પોતાની ૧૨ વર્ષની તપસ્યા બાદ એમણે મુંડન કરાવેલાં મસ્તકવાળી શૃંખલાબદ્ધ રાજકન્યાના હાથે ભોજન સ્વીકારવાનો માનસિક સંકલ્પ કર્યો. આ સંકલ્પ રાજા ચેટકની પુત્રી ચંદના, જે વિચિત્ર પરિસ્થિતિમાં મસ્તકમુંડિત અને શૃંખલાબદ્ધ બનેલ, એના દ્રારા અપાયેલ ભિક્ષાન્નથી પૂર્ણ થયો. ચંદના પછીથી મહાવીરના સંન્યાસિની સંઘના પ્રથમ સાધ્વી બન્યાં.

પૂર્ણ જ્ઞાન – કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મહાવીરે ધર્મોપદેશનો પ્રારંભ કર્યો. વેદવેદાંગમાં પારંગત ગુણશીલસંપન્ન ઈન્દ્રમૂર્તિ ગૌતમ નામના બ્રાહ્મણ એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા, પરંતુ મહાવીરના શાંત, સૌમ્ય અને જ્ઞાનદિપ્ત મુખના દર્શન માત્રથી એમના શિષ્ય બની ગયા. અગિયાર ગણધર અને અસંખ્ય અનુયાયીઓને આપેલા મહાવીરના ઉપદેશોનું સંકલન કરીને ગૌતમે દ્રાદશાંગરૂપ-શાસ્ત્રોની રચના કરી. ભગવાન મહાવીરે પોતાના ઉપદેશ તત્કાલીન લોકભાષા અર્ધમાગધીમાં આપ્યા હતા. એમની ઉપદેશ-સભા સમવસરણ કહેવાતી એમાં પશુપક્ષીઓથી માંડીને દેવતાઓ સુધીના બધાંને સ્થાન રહેતું.

મહાવીરે સાધુ, સાધ્વી, પુરુષ ગૃહસ્થભકત (શ્રાવક) તથા મહિલા ગૃહસ્થભક્ત (શ્રાવિકા) એમ ચતુર્વિધ ધર્મસંઘની સ્થાપના કરી, જે આજે પણ અસ્તિત્વમાં છે. ૭૨ વર્ષની વયે આસો માસની અમાવસ્યા અર્થાત દીપાવલીના દીવસે નાલંદાની નજીક પાવાપુરી ગામમાં ભગવાને દેહત્યાગ કર્યો.

– સંકલિત (‘રામકૃષ્ણ જ્યોત’ સામયિકના માર્ચ ૨૦૧૮, અંક ૧૨માંથી સાભાર.)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “શ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન