બે કાવ્યો – પ્રહલાદ પારેખ 2


૧. બનાવટી ફૂલોને..

તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.

ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?

ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું:
તમારાં હૈયાના ગહન મહીં યે આવું વસતું;
‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?’

2. એક છોરી

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળે પળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી!
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં!
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કારી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી!

– પ્રહલાદ પારેખ

પ્રહલાદ જેઠાલાલ પારેખ (૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨) અનુગાંધીયુગીન કાવ્યધારાના અગ્રણી કવિ, પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એમની કવિતાના મુખ્ય વિષયો છે. ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા એમની કવિતાના મુખ્ય લક્ષણો છે. ‘બારી બહાર’ તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “બે કાવ્યો – પ્રહલાદ પારેખ

  • chiman paTel 'chaman'

    સરસ! કાવ્ય વાંચનમાં વિવિધતા મળી! કુદરતાના ખોળે કવિતાઓ જ મળે.. આવા કવિ જવ્વલે વાંચવા આજકલ મળે!

  • હર્ષદ દવે

    બનાવટી ફૂલોને એ અનુભૂતિ નો અનુભવ કેવી રીતે થાય…એ તો એક છોરીએ બનાવેલી હૃદય મહીંની દેરી માં જ શક્ય બને…સિર્ફ એહસાસ હૈ યે… શેષ કાવ્યાન્તે જીજ્ઞેશ ભાઈએ કંડાર્યું જ છે…