બ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ 17


Brahmaputra from flight window

(‘નવનીત સમર્પણ’ સામયિકમાં જૂન ૨૦૧૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલો લેખ.)

છેલ્લા લગભગ દસેક મહીનાથી, જ્યારથી વિવિધ રાજ્યોના જલમાર્ગ વાહનવ્યવહાર નિગમ સાથે કન્સલ્ટન્ટ ઈજનેર તરીકે જોડાયો ત્યારથી અનેક રાજ્યોમાં નદીઓની મુલાકાતે જવાનું થાય છે, એ નદીઓનો વિગતે થયેલો અભ્યાસ તપાસવા, એમાં મુસાફરો અને માલસામાનની હેરફેરની શક્યતાઓ જોવા અને ખર્ચનો અંદાજ કાઢવા લગભગ દર અઠવાડીયે ઉડતો રહું છું, બે નદીઓએ મને ખાસ આકર્ષ્યો છે, બ્રહ્મપુત્રા અને બરાક. થોડાક મહીના પહેલા બરાક નદીના વિકાસને લગતો નમામિ બરાક કાર્યક્રમ યોજાઈ ગયો. તો મારા બ્રહ્મપુત્રના અભ્યાસ માટે ગત મહીને આસામ જવાનો અવસર મળ્યો, બ્રહ્મપુત્રાને ખોળે.. વર્ષોથી બ્રહ્મપુત્રા વિશે કેટકેટલું સાંભળતો આવ્યો છું. એક મરીન ઈજનેરને રસ પડે, કામ કરવાનો પડકાર મળે એવી અનેક ખાસિયત બ્રહ્મપુત્રામાં છે, એટલે આસામ અને બ્રહ્મપુત્રાને જોવાના ઉત્સાહની સાથે વ્યવસાયિક પડકાર માટેની ઉત્સુકતા પણ હતી. કેન્દ્ર સરકાર એની ‘એક્ટ ઈસ્ટ’ પોલિસી હેઠળ પૂર્વોત્તરના એ રાજ્યોના વિકાસ માટે તત્પર છે, એમાંય આસામના સમગ્ર વિસ્તારને પોષતી – મારતી બ્રહ્મપુત્રાને નાથવાનો અને એના દ્વારા પરિવહન શરૂ કરી વિકાસનો નવો માર્ગ ખોલવો જરૂરી છે – રાજકીય રીતે પણ અને એ વિસ્તારના લોકો માટે પણ..

વહેલી સવારની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અનેરી ઉત્કંઠાએ ચડ્યો, સહકર્મચારીઓએ કહેલું કે ફ્લાઈટમાંથી માઉન્ટ એવરેસ્ટને નિહાળવાની તક મળશે, એ અપેક્ષાએ વિન્ડો સીટ માંગી પણ બુકિંગ કરનાર મહામાનવે બીજી તરફની સીટ આપી. જો કે સદભાગ્યે પ્લેન ઘણું ખાલી હતું, એટલે જેવું કેપ્ટને કહ્યું કે આપણી ડાબી તરફ તમે જે પહાડો જોઈ રહ્યા છો એ હિમાલયના છે અને એમાં સૌથી ઉંચો માઉન્ટ એવરેસ્ટ પણ દેખાય છે કારણકે વાતાવરણ ચોખ્ખું છે, હું કૂદીને સામેની તરફની સીટ પર પહોંચી ગયો. અહા, ઋષિરાજ પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટ સફેદી ઓઢીને જાણે હાથ હલાવીને અભિવાદન કરતા હોય, એને જોવામાં એવો તલ્લીન થઈ ગયો કે ફોટો પાડવાનું જ ભૂલી ગયો. એ અદ્રુત દ્રશ્ય જાણે મનમાં ફ્રેમ થઈ ગયું છે. કેટકેટલી સદીઓથી એ અહીં એમ જ, સાવ નિશ્ચિંત ખડો છે! યુગોથી એ અહીં ભારતના એક મોટા વિસ્તારને જાણે આશિર્વાદ આપતો ઉભો છે. વિમાનની બારીમાંથી એ ઓઝલ થયો ત્યાં સુધી એને જોયા કર્યું, પછી મારી સીટ પર જઈને વિમાનમાંથી જ બ્રહ્મપુત્રાના ફોટા પાડ્યા, પણ ત્યાં સુધી તો વિમાને ગૌહતી તરફનું ઉતરાણ શરૂ કરી દીધેલું.

આમ દિલ્હીથી ગૌહતીનો વિમાન પ્રવાસ મજેદાર રહ્યો, વિમાનમાંથી બ્રહ્મપુત્રા ક્યારેક સૂર્યપ્રકાશમાં એક ચળકતી લીટી જેવી દેખાયા કરે તો ક્યારેક લાકડા પરના ઘસરકા જેવી પાતળીય થઈ જાય. ઉગતા સૂર્યને અજવાળે એનો વસ્તાર જોવાની અનેરી મજા આવી, ગૂગલ અર્થમાં એના વળાંકો અને પહોળા – સાંકડા થતા વહેણ વિશે ઘણી વખત ડેસ્કટૉપ ચર્ચાઓ કરેલી, પણ વિમાનમાંથી કરેલું આ દર્શન એ કહી ગયું કે સ્ક્રીન દેખાડી તો શકે, પણ ફીલ કરાવી શકે નહીં. એ દર્શન પણ અદ્રુત રહ્યું. બ્રહ્મપુત્રા વિશ્વની સૌથી ઉંચી નદી છે, જે હિમાલયમાં માનસરોવરના ઉત્તર પૂર્વમાંથી ૫૩૦૦ મીટરની ઉંચાઈએ નીકળે છે. વળી એ ભારતની એકમાત્ર પુરુષ નદી છે, બીજી બધી નદીઓ, જેવી કે ગંગા, યમુના, નર્મદા, મહી માતા તરીકે પૂજાય છે, પણ બ્રહ્મપુત્ર માટે એવું નથી. તિબેટમાં શરૂ થઈને, ભારતમાં યુવાન થતી આ ધસમસતી નદી બાંગ્લાદેશમાં જ્યારે સાગરને મળે છે ત્યારે પૂર્ણ પરિપક્વ સ્ત્રી થઈ જાય છે. તિબેટમાં એ ત્સાંગપો, ભારતમાં પ્રવેશે ત્યારે સિયાંગ, અરુણાચલ પાર કરીને લોહિત અને બ્રહ્મપુત્રા, બાંગ્લાદેશમાં જમુના અને મેઘના જેવા અનેકવિધ નામે ઓળખાય છે. ગૌહતી ઉતરીને હોટલમાં ચેકઈન કર્યું, અમારી આસામ ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટની ઑફિસ પહોંચ્યો ત્યાં સુધીમાં તો સાડા બાર વાગી ગયા હતા. સ્ટાફના મિત્રોને મળ્યા, જમ્યા અને પછી નીકળ્યા ગૌહતીને બે ભાગમાં વહેંચતી બ્રહ્મપુત્રાને જોડતી કડીરૂપ ફેરી સર્વિસનો અભ્યાસ કરવા.

ગૌહતી બ્રહ્મપુત્રાની બંને તરફ વિકસ્યું છે, પણ એ બંને ભાગને સાંકળતો ફક્ત એક જ પુલ છે. બ્રહ્મપુત્રામાં પુલ બાંધવો એ ટેકનિકલ રીતે ખૂબ પડકારભર્યું કામ છે. ઉપરાંત એક કિનારેથી બીજા કિનારે જવા વર્ષોથી ફેરી સર્વિસ ચાલે છે જે હવે જોખમી થઈ રહી છે, ફેરી વર્ષો જૂની છે, ધોવાઈ રહેલા કિનારાને લીધે ફેરીમાં બેસવાની પદ્ધતિ પણ ખૂબ જોખમી છે અને એને ચલાવવામાં પણ અનેક તકલીફો છે, જેના ઉકેલ શોધવાની જવાબદારી અમારી ટોળકીને મળી છે. આ આખી સિસ્ટમ સમજવા અધિકારીઓ સાથે ઉત્તરથી દક્ષિણ ગૌહતી જવા બ્રહ્મપુત્રાને એ ફેરીમાં પાર કરી, ઉપરાંત સામા પ્રવાહે પણ થોડો પ્રવાસ કર્યો, સામેના કિનારે આવેલ ટર્મિનલ પણ જોયું, સ્થાનિકો પાસેથી પણ માહિતી મેળવી અને સાંજ સુધીમાં એ નાનકડો પ્રવાસ પૂરો કરી હોટલ પહોંચ્યો. રાત્રે મુખ્ય મુદ્દાઓ ટપકાવી મોડેથી સૂતો, બીજે દિવસે જવાનું હતું મારા સૌથી મોટા પડકાર તરફ, જોરહાટ.. જ્યાંથી વિશ્વના નદીના સૌથી મોટા ટાપુ માજુલી સુધી જવા – આવવાના એકમાત્ર રસ્તા એવી ફેરીસર્વિસની અનેકવિધ તકલીફો ઉકેલવા માટે રસ્તા શોધવાના હતા.

મૂળ નામ બ્રહ્મપુત્રા આવ્યું છે લગભગ દસમી સદીમાં લખાયેલ મનાતા કલિકા પુરાણમાંથી, કલિકાપુરાણમાં એને અમોઘા ગર્ભસંભુતા એ નામે સંબોધાઈ છે. અશોકાષ્ટમીને દિવસે આ પવિત્ર નદીમાં ડૂબકી લગાવતી વખતે બોલાતો શ્લોક છે,

ब्रह्मपुत्रा महाभागा शांंतनु कुलनंंदना,
अमोघा गर्भसंंभुता पापांग लोहित्या मे हरा

(હે બ્રહ્મપુત્રા, હે શાંતનુના કુળનંદન, હું તને પ્રણામ કરું છું. હે લોહિત, મારા પૂર્વજન્મોના બધા પાપોનો નાશ કરજો.)

કહેવાય છે કે સગર રાજાએ આ નદીને જોઈને એક ઋષિને એ વિશે પૂછ્યું હતું, ઋષિએ એમને કહેલું એ મુજબ બ્રહ્માનો પુત્ર એટલે બ્રહ્મપુત્રા. શાંતનુની પત્ની અમોઘાને બ્રહ્મા દ્વારા જળસ્વરૂપ એક પુત્ર થયો જેને શાંતનુએ ચાર પર્વતોની વચ્ચે રાખ્યો, આ પર્વતો હતા કૈલાશ, ગંધમાદન, જરુન્દી અને શમ્બવાર્તક. બાળક મોટો થતો ગયો અને તળાવ વધતું રહ્યું, નામ હતું બ્રહ્મકુંડ, વિશ્વામિત્રએ પિતા ઋષિ જમદગ્નિના કહેવાથી માતા રેણુકાનું મસ્તક કાપી નાંખ્યુ હતુ, એ પાપે કુહાડી તેમના હાથમાં રહી ગયેલી. એ પાપ ધોવા માટે ઋષિઓએ હિમાલયમાં તપ કરવા જવાનું સૂચવ્યું, એ મુજબ પરશુરામ જ્યારે બ્રહ્મકુંડ પહોંચ્યા ત્યારે તેમણે પોતાની કુહાડીથી કામરૂપદેશના લોકોને મદદ કરવા પહાડનો એક ભાગ ખોદી આપ્યો અને બ્રહ્મકુંડમાંથી એ નદી બ્રહ્મપુત્રા નામે વહી. કહે છે કે પરશુરામની કુહાડીએ લાગેલા લોહીથી એ પાણીનો રંગ લાલ થઈ ગયો, જેથી એનું નામ લોહિત એવું પણ પડ્યું. વળી એને બૂઢા લોહિત પણ કહે છે. ભારતથી બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને આખરે બંગાળના અખાતમાં સમુદ્રને મળે છે, વાયકા છે કે બ્રહ્મપુત્રને ગંગા સાથે લગ્ન કરવા હતા, એનો પ્રેમ તપાસવા ગંગાએ વૃદ્ધાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી એક વાયકા આપણી ઓખાહરણ વાળી વાતને અદ્દલ મળતી આવે છે જે આસામના તેજપુર સાથે સંકળાય છે.

ફ્લાઈટ સવારની હતી, જોરહાટ જવા ગૌહતી એરપોર્ટ પહોંચવુ જરૂરી હતું, અને ગૌહતીમાં સાંકડા રસ્તાઓમાં ભયાનક ટ્રાફિક એટલે કામાખ્યા દેવી મંદિર જવાનો સમય જ ન રહ્યો, રસ્તામાંથી જે એ મંદિરના દર્શન કર્યા અને એરપોર્ટથી જોરહાટની ફ્લાઈટ ઉપડી, આ વખતે વિન્ડો સીટ ડાબી તરફ જ હતી એટલે સતત હિમાલય દેખાતો રહ્યો. જોરહાટ એરપોર્ટ પર જ મને લેવા આસામ ઈનલેન્ડ વોટરવેઝના માજુલી માટેના ઈજનેર શ્રી ઋતુલ તમુલી આવેલા, પ્રાથમિક પરિચય અને કાર્યક્રમની ચર્ચા પછી એમની ગાડીમાં જોરહાટથી નીમાતી ટર્મિનલ સુધીનો પ્રવાસ કર્યો. પંદર કિલોમીટરના એ પ્રવાસમાં આસામના જીવન વિશે તેમને અનેક પ્રશ્નો પૂછ્યા, ખૂબ જ સરળ અને કાર્યક્ષમ માણસ. નિમાતી પહોંચીને બ્રહ્મપુત્રાને કિનારે બેસી ચા પીધી. મારી પાસે દોઢ દિવસ હતો, પૂરતા ડીઝલ સાથે એક ફેરી મને મળેલી અને હતા બે વિકલ્પો, જો એ દિવસે નીમાતીથી અફાલા પ્રવાસ કરું તો બીજે દિવસે નીમાતીથી કમલાબાડી જવાનું થાય, અને બીજે દિવસે સાંજે દિલ્હીની ફ્લાઈટ હતી. ગૌહતીથી એવું સૂચન મળેલું કે કમલાબાડી વધુ તકલીફવાળો ભાગ છે, એટલે એ પહેલા જોવાનું નક્કી કર્યું.

અમે ફેરીમાં બેસીને કમલાબાડી જવા નીકળા. એ નીમાતી ટાપુ પરની જગ્યા છે જ્યાંથી ફેરી સર્વિસનો ઉપયોગ લોકો કરી શકે છે. ટાપુ સાથે વાહનવ્યવહારનું આ એકમાત્ર માધ્યમ છે. સાડા ત્રણસો વર્ગ કિલોમીટરમાંં ફેલાયેલા આ ટાપુની વસ્તી દોઢેક લાખની છે, પણ એ ફક્ત નદીમાર્ગે જ જમીન સાથે જોડાયેલ છે. એની એક તરફ સુબંસરી નદી છે અને બીજી તરફ બ્રહ્મપુત્રા. સુબંસરીની મુલાકાત હવે કરવાની છે, અને એ તરફથી માજુલીની પણ.. નીમાતીથી ફેરી શરૂ થઈ અને સાથે સાથે મારી નોંંધપોથી પણ ખુલી.

બ્રહ્મપુત્રા ખૂબ બદલાતી નદી છે, એનું વહેણ સતત બદલાતું રહે છે અને રેતીના ઢુવા સતત બનતા – ધોવાતા રહે છે, એટલે ફેરી માટે કોઈ એક નિશ્ચિત માર્ગ શક્ય નથી, એના લીધે કોઈ પણ એક વહેણમાં પરિવહન વ્યવસ્થા ખૂબ મુશ્કેલ છે. કિનારાઓ ધોવાયા કરે છે, એને નાથવાના મહાકાય પ્રયત્નો પણ વ્યર્થ ગયેલા છે એટલે ટર્મિનલ પણ એક જ સ્થળે ટકતા નથી, દર વર્ષે એ જગ્યા બદલવી પડે છે. વળી અહીં ખૂબ કાંપ ઠલવાય છે જેથી પાણીમાં પૂરતી ઉંડાઈ રહેતી નથી, ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ કે અહીં સેડિમેન્ટ લોડ વિશ્વમાં સૌથી વધુ છે. મેં ગૂગલ પર અને ટ્રાવેલર્સટ્રેક એપ્લિકેશન પર મારો ફેરીનો પ્રવાસ ટ્રેક કર્યો તો જોયું કે જે રસ્તે અમે નદીમાં જતા હતા એ જગ્યાઓ પર ગત વર્ષે રેતીના ઢુવા હતા. આ ઢગલા પાણીની સપાટીથી ત્રણથી ચાર મીટર સુધી ઉંચા હોય છે. દર વર્ષે માર્ચમાં અહીં પૂરની શરૂઆત થઈ જાય છે, હિમાલયના પહાડોમાં બરફ ઓગળે એટલે નદીમાં પાણી વધે, ઉંડાઈ ઓછી હોય એટલે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળે અને તારાજી સર્જે, આ પ્રક્રિયા વરસાદના મહીના પૂરા થાય ત્યાં સુધી – સપ્ટેમ્બર સુધી ચાલે, અને ત્યાર પછી પાણી ઉતરે ત્યારે અગાઉ બનેલા રેતીના ઢુવા એક જગ્યાએથી વહેણને લીધે બીજે જતા રહ્યા હોય એટલે જળમાર્ગ સમૂગળો બદલાઈ જાય. વળી અહીં પ્રવાહનો વેગ પણ એટલો બધો કે જે રસ્તે પ્રવાહની સાથે જવામાં એક-દોઢ કલાક થયો એ જ રસ્તે પાછા આવવામાં સાડા ત્રણ કલાકથીય વધુ સમય થયો. માજુલી ઉતરીને ત્યાંના લોકો સાથે વાતો કરી, એમની જરૂરતો જાણી. ટર્મિનલમાં પણ કોઈ સગવડ નહીં, વર્ષોથી સરકાર તરફથી પણ કોઈ મદદ મળેલી નહીં, હોડીઓ પણ વર્ષો જૂની, કટાયેલી અને મહામુશ્કેલીએ ચાલતી.

Sunset on Brahmaputra at 3.30 PM

કમલાબાડી ટર્મિનલથી અમે વળતી મુસાફરી શરૂ કરી. અમારી હોડીની ગતિ ૬ નૉટ હતી, (૧૧ કિલોમીટર પ્રતિ કલાક) અને સામે વહેતા પાણીની ગતિ ૪ નૉટ, (લગભગ ૭.૫ કિલોમીટર પ્રતિ કલાક), એટલે અમારી કુલ ગતિ હતી સાડા ચાર કિલોમીટર પ્રતિ કલાક, અઢી વાગ્યે કમલાબાડીથી નીકળતી છેલ્લી ફેરીની સાથે અમારી બોટ પણ નીકળી. થોડુંક ચાલ્યા અને સાડા ત્રણની આસપાસ સૂર્યાસ્તનો થયો, આકાશ કેસરી રંગે રંગાઈ ગયું. એક તરફ પહાડો, બીજી તરફ મેદાનો અને વચ્ચે વહેતી બ્રહ્મપુત્રા.. એક સેઈલર ચા બનાવીને લઈ આવ્યા, ઋતુલભાઈએ કેળા, પાણીની બોટલ અને વેફર્સ વગેરે પણ રાખેલું, એ ખાતા ખાતા, હોડીમાં વાહનો પાર્ક કરવાની જગ્યાએ ખુરશીમાં બેઠા બેઠા અમે વાતોએ વળગ્યા. ચીન તરફથી બ્રહ્મપુત્રામાં નાખ્યા હોવાનું મનાતા કોઈક કચરાને લીધે બ્રહ્મપુત્રાનું પાણી ટ્રીટમેન્ટ પછી પણ પીવા માટે યોગ્ય રહ્યું નહોતું એનો એમને ખૂબ ગુસ્સો હતો. ફેરીમાં અને ટર્મિનલ વગેરેમાં શક્ય સુધારાઓ અંગે પણ અમે ઘણી ચર્ચાઓ કરી. એકાદ કલાક પછી બોટમેને ગીત લલકાર્યું અને અમે વાતો બંધ કરી એ સાંભળતા બેઠા. નિબિડ અંધકારમાં હોડીની મોટરની સાથે બ્રહ્મપુત્રાના પાણીનો અને એ ગીતનો અવાજ, અનોખો અનુભવ હતો. એ હોડી અંધકારને ચીરતી ચાલી રહી હતી, ચારેક વાગ્યા અને અંધારા સાથે ચોતરફ ધુમ્મસ ઉતરી આવ્યું. હોડી ચાલતી રહી અને ગીત ગવાતું રહ્યું, અમેય એ ગીતને માણતા બેઠા જ રહ્યા. એ હતું ભૂપેન હઝારીકાએ લખેલું અને ગાયેલું,

અસોમ આમાર રુપોહી, ગુનોર નાહી સેહ,
ભારતોરે પૂર્બો દિક્ષાર ક્ષૂર્યો ઉઠા દેક્ષ..

ઋતુલભાઈ કહે, આસામ એક સમયે કામરૂપ દેશ કહેવાતો, અહીં સુખ અને સંતોષ હતાં, એમણે ગીત વિશે, ભૂપેનદા વિશે, એમના ભાઈ જયન્તાદા વિશે, એ ગીતોમાંની ઝળકતી આસામની સંસ્કૃતિ અને લોકજીવન વિશે ઘણી વાતો કરી, જયન્તા હઝારીકાનું એકાદ ગીત મેં એમને સંભળાવવા કહ્યું, અને એમણે જયન્તાદાનું ખૂબ જૂનું ગીત સંભળાવ્યું.

“તુમાર મોરોમી મૂર, દેહોત તુલીલે ધોઉ,
બકુત દિલે જે મોઉ, કિજે મીઠા મીઠા..”

મારે વર્ષોથી અનેક બંગાળી સહકર્મીઓ છે, અને જો બંગાળી સમજી શક્તા હોઈએ તો અસમિયા સમજવી સહેલી થઈ રહે છે, એટલે ઘણી ખબર પડતી હતી, તે છતાં એ કહે તમે ભૂપેનદાનું આ અંગ્રેજી ગીત સાંભળ્યું છે?

We’re in the same boat brother
If you shake one end, you’re gonna rock the other
It’s the same boat brother
Well the Lord looked down
From His holy place
He said lordy me
What a sea of space
What a spot to launch the human race
So He built Him a boat of a mixed up crew
With eyes of black and brown and blue
Oh that’s how come that you and I have just one world and just one sky
Cause it’s the same boat brother
We’re in the same boat brother
If you shake one end, you’re gonna rock the other
It’s the same boat brother

અમે એ લલકાર્યું, બ્રહ્મપુત્રાના પાણી ખળખળીને જાણે અમારી સાથે તાલ પૂરાવતા હતા, કિનારાની નજીક પહોંચ્યા એટલે સીટીઓ અને બેટરીના પ્રકાશનો ખેલ શરૂ થયો, એ નિશ્ચિત ઈશારાઓ એ અંધારામાં જ હોડી ટર્મિનલ પર લાંગરી ત્યારે સાંજના છ વાગ્યા હતા. ગાડીમાં બેસીને હોટલ પહોંચ્યા અને ચેકઈન કર્યું ત્યારે સાડા છ થયેલા, જાણે આપણે ત્યાં રાતના દસેક વાગ્યા હોય એવો માહૌલ. ઋતુલભાઈ કહે, “હવે હું ઘરે જઉં..” મેં કહ્યું, ‘બેસોને.. આમેય હું એકલો જ છું, વાતો કરીએ..”

Pollution in Brahmaputra from China

એમણે ફિશ મંગાવી, મેં સેન્ડવિચ અને વેફર્સ, એમના પરિવારની અને સંઘર્ષની વાત એ કરતા ગયા. કહે, માજુલીમાં નદીકિનારે એમનું ખેતર હતું, પણ નાના હતા ત્યારે એક પૂરમાં એ આખો ભાગ જ ધોવાઈ ગયો, ખેતર ગયું, ઘર ગયું, અને સાથે પરિવાર ભાંગવાને આરે પહોંચ્યો, એમના પિતા તકલીફોથી હારીને લતે ચડ્યા અને એમણે સંઘર્ષ શરૂ કર્યો. ભણતા, કામ કરતા અનેક વર્ષો પછી આજે એ થોડાક થાળે પડ્યા છે. રાજકીય વાતો પણ નીકળી, એ કહે, પહેલાની કેન્દ્ર સરકારની પોલિસી ‘લુક ઈસ્ટ’ હતી, પણ આ રાજ્યોના વિકાસ તરફ કોઈએ ધ્યાન જ ન આપ્યું, હવે એક્ટ ઈસ્ટ પોલિસી છે, કેન્દ્ર સરકાર અહીં વિકાસના ઘણાં કામ શરૂ કરી રહી છે. અનેક વિભાગોને નોર્થ ઈસ્ટ માટે અલાયદા પ્રોજેક્ટ કરવાનું કહેવાયું છે. વળી આસામના અત્યારના મુખ્યમંત્રી સર્વાનંદ સોમવાલ પણ માજુલીના જ છે, અહીંની આગવી તકલીફો એમણે જાતે જોઈ અને ભોગવી છે, એટલે આ વિસ્તારનો વિકાસ શરૂ થતો દેખાય છે. સર્વાનંદજીની ખાસીયત એ છે કે તેઓ આ આખાય વિસ્તારમાં તેમના કામ બદલ જાણીતા છે. એડવાન્ટેજ આસામ સમિટથી પણ એમને ઘણી અપેક્ષાઓ છે જેના લીધે બ્રહ્મપુત્રાના વિકાસના નવા દરવાજા ખુલશે.

એ કહે, આસામના લોકો માને છે કે નદીમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ. સર્જનહાર બ્રહ્માના સર્જન પર બીજું કોઈ કંઈ બાંધવા જાય તો એ થોડા સાંખી લે? અને બ્રહ્મપુત્રા તો વળી વિચક્ષણ નદી છે. જેટલી રૌદ્ર એટલી જ વિશાળ, એનો સૌથી સાંકડો પટ એક કિલોમીટરથી મોટો છે. લગભગ નવ વાગ્યા સુધી અમે વાતો કરતા રહ્યા. એ ગયા ને હું સૂવા પડ્યો, પણ સાડા ચાર વાગ્યે બારીમાંથી આવતા સૂર્યપ્રકાશે જગાડી દીધો. જાણે આપણે ત્યાં સાડા આઠ થયા હોય એમ, મને થયું કે હું મોડો પડ્યો છું, પણ ઘડીયાળ મારી સાથે સહમત નહોતું. સાત વાગ્યે તૈયાર થઈ સામાન લઈને ઉતર્યો તો હોટલનો બધો સ્ટાફ સૂતેલો. એમને ઉઠાડીને બિલ / બ્રેકફાસ્ટ માટે પૂછ્યું, દસ જ મિનિટમાં ફ્રૂટ જ્યૂસ અને કોર્નફ્લેક્સ તૈયાર કરી આવ્યા. નાસ્તો કર્યો તો ઋતુલજી રાહ જોઈને ઉભા જ હતા, અને પ્રવાસ શરૂ થયો નીમાતીથી અફાલાના માર્ગ પર.

આ પ્રવાસ પ્રમાણમાં સરળ રહ્યો કારણકે માર્ગમાં ક્યાંય રેતીના ઢુવા નથી આવતા, વળી અહીં ઉંડાઈ પણ ઘણી છે. પણ પ્રવાહની સામે જતા હોઈ સમય ઘણો લાગી ગયો. ચીન તરફથી નખાયેલ મનાતો કચરો દિવસના પ્રકાશમાં સ્પષ્ટ દેખાતો હતો. મેં એને હોડી પર લઈને પાણીમાં નાખી એક જીઓટેકનિકલ ઈજનેરની સમજણ મુજબ જોયો. એ પાણીમાં ન ઓગળે એવું ફોમ જેવું હતું જે કોઈક નબળા ગ્રેડનો સિમેન્ટ કે ફ્લાય એશ જેવું કંઈક હોવાની શક્યતા લાગી. અફાલા કમલાબાડી કરતા પ્રમાણમાં નાનું છે પણ આ તરફ માછીમારો વધારે છે. અહીં પણ એ જ તકલીફો અને સાધનોની તંગી વરતાઈ. વળતો પ્રવાસ પરસેવા અને ભારોભાર ગરમીની વચ્ચે થયો. કિનારે આવીને ગાડીમાં ગોઠવાયા અને ત્યાંથી એરપોર્ટ તરફ. રસ્તે ગાડીમાં ભૂપેનદાનું ‘દિલ હું હું કરે..’ વાગતું રહ્યું. એરપોર્ટ પહેલા ગાડી રોકાવીને ઋતુલભાઈએ સૂચવી એ જગ્યાએથી આસામ ચા ના પડીકા ખરીદ્યા, હર્બલ ટી – મસાલા ટી – ગ્રીન ટી..

એરપોર્ટ પર પહોંચ્યો તો ઋતુલભાઈ કહે, સરકાર ગમે તે કરે, કે ન કરે, પણ તમે તમારા સૂચનોમાં સ્પષ્ટ રહેજો. જે જરૂર છે એ જરૂર છે જ, અને જે શક્ય નથી એ સૂચવીને પણ કંઈ થઈ શકવાનું નથી. તમે અંધારામાં હોડીમાં મુસાફરી કરી છે, એના જોખમ જોવા જ અમે તમને બપોરે કમલાબાડી જતા ન રોક્યા, મજુલી પર કોઈને રાતવરાત મેડિકલ જરૂરત પડે તો પ્રાથમિક સગવડો તો છે, પણ એ સિવાય ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. માર્ચ પછી પૂરને લીધે દિવસો – મહીનાઓ સુધી એ ફેરી બંધ રહે છે, એ બધી તકલીફોને નાથવાનું શક્ય બને એવા સૂચન કરજો જેથી લોકોને કમસેકમ પ્રાથમિક સગવડ તો મળે.. મેં કહ્યું, એક કન્સલ્ટન્ટ તરીકે મારું કામ લોકોને માટે સગવડો વધારવાના સૂચન કરવાનું છે જ, સરકાર તરફથીય મને એ જ કામ અપાયું છે, એટલે મારા તરફથી તમે નિશ્ચિંત રહો.

જોરહાટથી વાયા કલકત્તા અને ગૌહતી થઈને પ્લેનમાં દિલ્હી પહોંચ્યો ત્યારે રાતના બે વાગ્યા હતા. પણ બ્રહ્મપુત્રાનો એ નાદ સતત મનમાં ગૂંજતો રહ્યો, સાદ પાડીને એ હજુ બોલાવે છે.. ઋતુલભાઈએ પણ કહ્યું છે, ‘હવે તમારી અંગત ફુરસદે આવો, નીમાતી પર રાત રહેવાની વ્યવસ્થા હું કરી આપીશ, ચારેક દિવસ લઈને આવશો તો આખું નીમાતી અને આસપાસના વિસ્તારો ફરીશું અને તમને ગમે છે એમ બ્રહ્મપુત્રાને કિનારે રાત્રે નીમાતીના મિત્રોની ગીતોની મહેફિલ જમાવીશું. એ મહેફિલ માટેય પાછું જવું તો છે જ!

તા.ક. ફેબ્રુઆરી ૨૦૧૮માં એડવાન્ટેજ આસામ સમિટમાં થયેલ કરાર મુજબ બ્રહ્મપુત્રામાં ‘ઓલા’ કંપની દ્વારા આઠ સીટની ફેરી સર્વિસની ટ્રાયલ ગૌહતીમાં કરવામાં આવી છે. એ શરૂ થઈ બીજા વિસ્તારો સુધી પણ વિસ્તરશે એવી પૂરેપૂરી અપેક્ષા છે. વળી રાત્રે પ્રવાસ કરી શકાય એ માટે સિગ્નલની સગવડો, સુવિધાજનક અને સુરક્ષિત બોટ હોય, ઓપરેટર્સને ટ્રેનિંગ મળે એ પ્રકારની સગવડો જે અહીં હોવી જરૂરી છે એ માટે પણ કામ થવું જોઈશે.

– જીજ્ઞેશ અધ્યારૂ

નવનીત સમર્પણમાં પ્રસિદ્ધ થયેલા આ લેખને મળેલી અદ્વિતિય લોકચાહના, અનેક જાણીતા – અજાણ્યા, મિત્રો – વડીલોના ઈ-મેલ, ફોન, વોટ્સએપ દ્વારા મળેલા પ્રોત્સાહક સંદેશા બદલ નવનીત સમર્પણના શ્રી દીપકભાઈ દોશી અને સર્વે વાચકોનો હ્રદયપૂર્વક આભાર. નિકટ ભવિષ્યમાં ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પ્રવાસ વિશે પણ વિગતે લખવાનું મન છે. ઈશ્વરેચ્છા બલિયસી..

* * * * * * *

શું તમે અક્ષરનાદનું ફેસબુક પેજ ફોલો કર્યું? વેબસાઈટ પર પ્રસ્તુત થતા લેખ ઉપરાંત અનેકવિધ પ્રકારનું સાહિત્ય હવે પ્રસ્તુત થશે અમારા ફેસબુક પેજ પર પણ..
લાઈક કરો


Leave a Reply to sagar mehtaCancel reply

17 thoughts on “બ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ

  • Archita Pandya

    માનસી યાત્રા કરાવવા બદલ ખૂબ આભાર. ખૂબ સુંદર લેખ. કુદરતી સૌંદર્ય અને જીવનસંઘર્ષ એક સાથે! વાંચવાનો અનુભવ આટલો સરસ હોય તો પ્રવાસ તો અહા! ચીનનો કચરો! ગુસ્સો આવ્યો. માજુલીના લોકોની તકલીફ! કષ્ટદાયક.

  • latakanuga

    આહા… સડસડાટ આખો લેખ વાંચી જે રોમાંચ થયો એ એનુભવ ક્યારે મળે એવી ઈચ્છા તિવ્રતમ જાગી.
    ખૂબ અદભુત

  • sagar mehta

    ખુબજ રસપ્રદ વર્ણન… આનંદમઆનંદમ …. લખતા રહેજો… સાગર

  • મેહુલ સુતરીયા

    જાણે આપની સાથે હું પણ પ્રવાસ કરી રહ્યો હોય એવું લાગ્યું! ખૂબ મઝા આવી. બ્રહ્મપુત્રા નદીને અને આસમને જોવાની તાલાવેલી લાગી છે.આપને અનુકૂળતા હોય તો મને પણ આપની સાથે પ્રવાસમાં લઈ જશો તેવી વિનંતી.આપ ભાગ્યશાળી છો કે આપને આવા સુંદર સ્થળ એક ફરજના ભાગરૂપે ફરવા મળે છે. હજુ વધુ લખતા રહો તેવી આશા સાથે…. આભાર

  • Lata Hirani

    બ્રહ્મપુત્રની રોમાંચક સફર અને ત્યાના લોકોનું ‘સફર’ તમે સરસ શબ્દોમાં વર્ણવ્યું છે. વાંચવાની મજા આવી. ઈશ્વરને પ્રાર્થીએ કે ત્યાના લોકોની હાલાકી ઘટે એવું કઈક થાય…. જો કે બ્રહ્મપુત્ર પુરુષ નદી કેમ છે એ એટલું સ્પષ્ટ ન થયું.
    લતા હિરાણી

  • Hitesh Patel

    સરસ, જાને સ્વ પ્રવાસ કર્યો હોય એવુ લાગ્યુ. દરેક વિગત નજર સામે બનિ હોય અવુ લાગ્યુ.

  • ગોપાલ ખેતાણી

    જીગ્નેશભાઈ, તમે આસામથી આવ્યા બાદ તમારી જોડે આ સફરની કથા સાંભળી હતી. પણ અહીં તમે જે રસાસ્વાદ કરાવ્યો એ તો અદભૂત છે. આશા રાખું કે બાકીની વિઝિટના અનુભવો પણ તમે જલ્દીથી વહેંચો.

  • Dinesh Pandya

    જીજ્ઞેશ ભાઈ
    ‘નવનીત સમર્પણ’ (જુન-18) નો તમારો “બ્રહ્મપુત્રના પ્રવાહ માં…” લેખ
    બહુ ગમ્યો. અભિનંદન!

  • Mansukhal Gandhi

    બહુ સુંદર વર્ણન કર્યું છે. પણ્ મુળ તો સરકારી રીતરસમ, એટલે માત્ર ૨-૩ દિવસનોજ કાર્યક્રમ….. આમાં ઉપરછલ્લું કે વિગતવાર કેટલું કામ થાય્.. ? તો પણ તમારા રિપોર્ટને અગત્યતા મળે તેવી આશા.

    મનસુખલાલ ગાંધી

    • Jignesh Adhyaru Post author

      પ્રિય મનસુખભાઈ,

      દરેક પ્રોજેક્ટનો ક્ષેત્રની કન્સલ્ટન્ટ કંંપનીઓ દ્વારા શક્યતાઓ તપાસવા ફિઝિબિલિટી અને એ જો અપ્રુવ થાય તો એક ડીટીએલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બને છે. મારું કામ એ રિપોર્ટની વિગતો તપાસવાનું હતું. મારી પહેલા એ ઑફિસથી જ પૂરું થઈ જતું કારણ કે કન્સલ્ટન્ટના ડેટા સાચા જ છે એમ માની લેવાતું, પણ મેં કન્સલ્ટન્ટ તરીકે કામ કરેલું હોવાથી એ કઈ રીતે બને છે એ ખબર હતી, એટલે જે જગ્યા પર કામ કરવાનું છે ત્યાં ગયા વગર એની જરૂરત કઈ રીતે સમજી શકાય એમ વિચારીને ત્રણ દિવસના સાઈટ વિઝિટની રસમ ઉમેરાવી અને એને અધિકારીઓએ તરત જ મંજૂરી આપી હતી. અભ્યાસ વિગતે, ઉંડાણપૂર્વક અને પૂરેપૂરી ટેકનીકલ સમજ ધરાવતી ક્ષેત્રના અનુભવધારી વ્યક્તિઓ દ્વારા જ થયો છે..

  • સુરભિ રાવલ

    સુંદર પ્રવાસ વણઁન ની શૈલી..
    અમે પણ સ શબ્દ વિહાર કરી લીધો..

  • Anila Patel

    અતિ સુંદર બ્હ્મપુત્રા પ્રવાસનું વર્ણન અને એનાથીયે અધિક સુંદર બધા ફૉટોગ્રાફ્સ.

  • Harshad Dave

    અભિનંદન…પ્રવાસ તમારી દૃષ્ટિએ, તમારી સાથે માણવાનો થયો, તમારા શબ્દોમાં યાત્રા કરી! સુસ્પષ્ટ, સુંદર અને સ્વચ્છ તસ્વીરો લેખની જેમ માહિતી સભર છે. સદેહે અવલોકવાનું મન થઇ જાય છે. તમારા પ્રવાસો યાત્રામાં પરિણમે છે! બંગાળી ભાષા પણ તમે જાણો છો! ન.સ. નો અંક તમારા પ્રવાસ વર્ણનથી સમૃદ્ધ બન્યો.

  • Pravin Shah

    બહુ જ સરસ લેખ. જીગ્નેશભાઈ, બ્રહ્મપુત્રા નદી વિષે ઘણી નવી માહિતી જાણવા મળી. માજુલી ટાપુ વિષે વાંચ્યું હતું,પણ ત્યાં જવા માટે બ્રહ્મપુત્રા નદી ઓળંગવામાં પડતી તકલીફો વિષે તમારા લેખથી ખબર પડી. તમે ઘણો સરસ અભ્યાસ કર્યો, અને તમારો સુઝાવ પણ ત્યાંના લોકોને ખૂબ ઉપયોગી થઇ પડશે જ.