શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧) 5


પ્રકરણ ૧

સ્યૂડેનલેન્ડ નામે ઓળખાતા ચેકોસ્લોવેકિયાના જર્મનભાષી વિસ્તારમાંથી ઉત્તર દિશા તરફ કુચ કરી રહેલી જનરલ સિગ્મન્ડ લિસ્ટની હથિયારધારી ટૂકડીએ, પોલેન્ડના એક રત્ન સમા અત્યંત સુંદર એવા ક્રેકોવ શહેરને ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના દિવસે બંને દિશાએથી હુમલો કરીને કબજે કરી લીધું હતું.

અને ઓસ્કર શિન્ડલરે પણ એ અરસામાં જ આ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ શહેર તેના માટે આવતા પાંચ વર્ષ સુધી સોનાના ઈંડા દેતી મરઘી સાબિત થવાનું હતું. એક મહિનાની અંદર જ રાષ્ટ્રીય સમાજવાદ પ્રત્યે ઓસ્કર પોતાની નાખુશી સ્પષ્ટ કરી દેવાનો હતો. છતાં પણ, નવા રેલવે જંક્શનને કારણે, અને હજુ સુધી નફો કમાઈ આપતા ઉદ્યોગોને કારણે, એ એટલું સ્પષ્ટ જોઈ શકતો હતો, કે નવા રાજ્યતંત્ર હેઠળ ક્રેકોવ જરૂર સમૃદ્ધ થઈ જવાનું! અહીં આવીને તે એક સેલ્સમેન મટીને ઉદ્યોગપતિ બની જવાનો હતો.

કોઈનું રક્ષણ કરવાના આવેશમાં આવી જવાની શિન્ડલરની વૃત્તિનાં મૂળિયાં તો તેના આખા કુટુંબના ઇતિહાસમાંથી શોધવા જઈએ, તો પણ મળી શકે તેમ ન હતાં! ફ્રાન્ઝ જોસેફના ઓસ્ટ્રિઅન રાષ્ટ્રમાં, ૨૮ એપ્રિલ, ૧૯૦૮ના દિવસે પહાડી મોરાવિઅન વિસ્તારમાં શિન્ડલરનો જન્મ થયો હતો. તેનું વતન ઝ્વિતાઉ એક ઔદ્યોગિક શહેર હતું. કેટલીક વ્યાવસાયિક તકો સાંપડતાં શિન્ડલરના પૂર્વજો સોળમી સદીની શરૂઆતમાં વિએનાથી આવીને ઝ્વિતાઉમાં વસેલા.

ઓસ્કરના પિતા હાન્સ શિન્ડલર સાંસ્કૃતિક દૃષ્ટિએ પોતાને એક ઓસ્ટ્રિઅન જ ગણાવતા હતા, અને અહીંની બાદશાહી સગવડો અપનાવી લીધા પછી, પાર્ટીઓમાં, ટેલીફોન પર, ધંધામાં કે પછી અંગત લોકો સાથેની વાતચીત દરમ્યાન પણ જર્મન ભાષાનો જ ઉપયોગ કરતા હતા. અને તે છતાંયે, ૧૯૧૮માં, માસેરિક અને બેનેસની આગેવાની હેઠળના ચેકોસ્લોવેક ગણતંત્ર સાથે, પોતાના કુટુંબ સમેત ભળી જતી વેળાએ પિતા શિન્ડલરે, કે પછી તેમના દસ વર્ષના પુત્ર ઓસ્કરે કોઈ પ્રકારનું માનસિક દબાણ અનુભવ્યું ન હતું. ઓસ્ટ્રિયા અને જર્મની વચ્ચેની રહસ્યમય સમાનતા અને રાજકીય અલગાવ વચ્ચેની ખાઈને કારણે, બાલ્યાવસ્થામાં પોતાને ખૂબ જ દુઃખ ભોગવવું પડ્યું હોવાનો અહેસાસ હિટલરને પુખ્ત ઉંમરે થયો હતો. પરંતુ પોતાનો અમૂલ્ય વારસો છીનવાઈ જવાની એવી કોઈ માનસિક અસ્વસ્થતા ઓસ્કર શિન્ડલરને સતાવતી ન હતી! ચેકોસ્લોવેકિયા એટલું તો સામાન્ય અને અણઘડ પ્રજાતંત્ર હતું, કે જર્મન ભાષા બોલવાવાળી પ્રજા, પોતે લઘુમતીમાં હોવા બદલ ગર્વ વ્યક્ત કરતી હતી! પછી આગળ જતાં મંદી અને કેટલીક રાજકીય બાલિશતાઓને કારણે ચેક અને જર્મનભાષી પ્રજા વચ્ચેના સંબંધોમાં ભલેને થોડી તિરાડો પડવાની હોય!

કોલસાની રજથી છવાયેલું ઝ્વિતાઉ નામનું એ નાનકડું શહેર ઓસ્કરનું વતન હતું, જીનિક્સ પર્વતમાળાની ઉત્તરે આ શહેર આવેલું હતું. શહેર ફરતો અડધો ભાગ તો ઉદ્યોગોએ રોકી પાડ્યો હતો, જ્યારે બાકીના અડધા ભાગમાં લાર્ચ, સ્પ્રશ અને ફરના વૃક્ષોનું જંગલ હતું. જર્મનભાષી પહાડી ચેક લોકોની બહુમતી હોવાને કારણે ત્યાં એક જર્મન ગ્રામર સ્કૂલ ચાલતી હતી, જ્યાં ઓસ્કરે શિક્ષણ લીધેલું. અહીં તેણે માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં એડમિશન લીધેલું. ત્યાંના ઔદ્યોગિક વિસ્તારને અનુરૂપ એવા માઇનિંગ, મિકૅનિકલ, સિવિલ, વગેરે શાખાઓના ઇજનેરોને તૈયાર કરવા માટે જ આ અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હતો. શિન્ડલરના પિતા એ વિસ્તારમાં ખેતીકામના સાધનો બનાવવાનો એક પ્લાન્ટ ધરાવતા હતા, અને પિતાનો વારસો સાચવવાની તૈયારી રૂપે જ ઓસ્કરને ત્યાં શિક્ષણ આપવામાં આવેલું. શિન્ડલર કુટુંબ કૅથલિક હતું. એ જ સમયગાળા દરમ્યાન વિએનામાં વિજ્ઞાનનું શિક્ષણ લીધા પછી, હાઇસ્કુલની છેલ્લી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાન એમોન ગેટેનું કુટુંબ પણ કૅથલિક જ હતું.

ઓસ્કરની માતા ખુબ જ ઉત્સાહપૂર્વક ધર્મનું પાલન કરતી હતી. દર રવિવારે સેંટ મોરીસ ચર્ચમાં મોટી પ્રાર્થનાના પ્રસંગે પ્રગટાવેલા ધુપની ખુશબૂથી તેમનાં કપડાં તરબતર રહેતાં. પિતા હાન્સ શિન્ડલર, સ્ત્રીઓને ધાર્મિક રસ્તે વાળી દેનારા પુરુષોમાંના એક હતા. એમને પોતાને તો કોગ્નેક (ફ્રૅંન્ચ બ્રાન્ડી) અને કૉફીહાઉસ જ પસંદ હતાં. બ્રાન્ડીભીના શ્વાસ, ઉમદા તમાકુ અને નરી ઐહિકતા, એ રાજાશાહીમાં માનનારા હાન્સ શિન્ડલર તરફથી ઓસ્કરને મળેલી દેન હતી.

શહેરના ઔદ્યોગિક વિસ્તારની સામેની દિશામાં, બાગ-બગીચાવાળા એક આધુનિક બંગલામાં તેનું કુટુંબ રહેતું હતું. કુટુંબમાં ઓસ્કર અને તેની બહેન એલ્ફ્રિડ, એમ બે બાળકો હતાં. પરંતુ, તેના કુટુંબ અંગેની સામાન્ય જાણકારી સિવાય, તે સમયના તેમના ઘરની અંદરના હાલચાલ જાણવા મળી શકે તેવા કોઈ સાક્ષી મળતા નથી. જેમ કે, એટલી માહિતી મળે છે, કે પિતાની માફક પુત્ર પણ ધર્મ પ્રત્યે સાવ બેદરકાર હતો, અને શ્રીમતી શિન્ડલરને એ બાબતનું બહુ જ દુઃખ હતું.

પરંતુ એક હકીકત એ પણ ખરી, કે ઘરની અંદરનું વાતાવરણ બહુ કડવાશભર્યું તો નહીં જ રહેતું હોય! પોતાના બાળપણ વિશે ઓસ્કર જે કંઈ થોડીઘણી વાત કરે છે, તેમાં કોઈ દુઃખદ ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેમના બગીચામાં ફરનાં વૃક્ષો પર સૂર્યપ્રકાશ છવાયેલો રહેતો હતો. ઉનાળાની શરૂઆતના એ દિવસોમાં પ્લમનાં ફળો પાકતાં. જુન મહિનાની સવારનો માત્ર થોડોક સમય જ પ્રાર્થના પાછળ ફાળવી શકાય તો પણ, બંગલે પાછા ફરતી વેળાએ પાપ જેવી ખાસ કોઈ ભાવના તેના મનમાં રહેતી ન હતી. પિતાની કાર ગેરેજમાંથી બહાર તડકામાં કાઢી, તેમાં બેસીને ઓસ્કર ધમાલ કરતો રહેતો, કે પછી પોતે જે મોટરસાયકલ બનાવી રહ્યો હતો તેના કાર્બ્યૂરેટરને બંગલાની એક બાજુએ બેસીને ઘસ્યે રાખતો! ઓસ્કરને કેટલાક મધ્યમવર્ગી યહૂદી મિત્રો પણ હતા, જેમનાં માતા-પિતા પણ તેમને એ જ જર્મન ગ્રામર સ્કૂલમાં મોકલતા હતા. યિદિશ ભાષા બોલતાં એ બાળકો મૂળ પરંપરાગત યહૂદી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોવા છતાં, તેઓ મધ્ય અથવા પૂર્વીય યહૂદીવંશના અણઘડ અને રૂઢિચુસ્ત બાળકો જેવાં ન હતાં. તેઓ તો એકાધિક ભાષા પર પ્રભુત્વ ધરાવતા અને વિધિવિધાનોમાં ખાસ રૂચી ન ધરાવતા આધુનિક યહૂદી વેપારીઓના સંતાનો હતા. આજના યહૂદીઓમાંથી ૮૦% યહૂદીઓ મધ્ય અથવા પૂર્વીય યહૂદીવંશના હોય છે જેઓ બેબિલોનિઅન યહૂદી પરંપરાઓને બદલે પેલેસ્ટીનિઅન યહૂદી પરંપરાઓનું, અને અન્ય કેટલાક યહૂદીઓ યિદ્દિશ પરંપરાઓનું પાલન કરતા હોય છે. તેમનાં જીવનનાં કેટલાંક ચોક્કસ અને અણધાર્યાં પાસાંઓ વડે જ તેઓ અલગ તરી આવતા હોય છે.

હેનાના મેદાનોની બરાબર સામે આવેલી બેસ્કિડી હિલ્સ વિસ્તારના એવા જ એક યહૂદી કુટુંબમાં, સિગ્મન્ડ ફ્રોઇડનો જન્મ થયો હતો, અને એ પણ ઝ્વિતાઉ ખાતે કટ્ટર જર્મન કુટુંબમાં થયેલા હાન્સ શિન્ડલરના જન્મના થોડા સમય પહેલાં જ!

ઓસ્કરનો એ પછીનો ઇતિહાસ, બાળપણમાં ગોઠવાયેલાં કેટલાંક ચોકઠાં સમો ભાસે છે. બાળપણમાં શાળામાંથી ઘેર પાછા ફરતી વેળાએ ઓસ્કરે કેટલાંક યહૂદી બાળકોને મારપીટથી બચાવ્યાં હતાં. આવું કંઈ ન પણ બન્યું હોય, એમ માનવું પણ સહજ લાગે છે. એ ઘટનાનો ઉલ્લેખ અહીં ન કરવામાં જ સાર છે, કારણ કે આવી કોઈ ઘટના ઘટી હશે તો પણ એ રમત-રમતમાં જ ઘટી હશે! અને તે ઉપરાંત, લોહી નીંગળતા નાકવાળા કોઈ યહૂદી છોકરાને બચાવી લેવાની એકાદ ઘટનાથી કશું પુરવાર નથી થઈ શકતું! હિમલરે ખુદે પોતાની હત્યાટૂકડીઓ સામે ફરિયાદ કરતાં કહ્યું હતું, કે દરેક જર્મનને એક-એક યહૂદી મિત્ર છે! પક્ષના બધા સભ્યો કહે છે કે “યહૂદી લોકોનો તો જડમૂળથી સર્વનાશ કરી નાખવો છે.” ચોક્કસ, એ તો આપણા મુસદ્દામાં છે જઃ યહૂદીઓનું નિકંદન કાઢી નાખવું, સર્વનાશ- અમે એ બધું જ સંભાળી લઈશું. પરંતુ આમ કહ્યા પછી એ જ પ્રતિષ્ઠિત એંસી મિલ્યન જર્મનો, પગ ઘસતાં અમારી પાસે આવે છે, અને એ બધા જ જર્મનોને કોઈને કોઈ આબરૂદાર યહૂદી મિત્ર હોય છે. અને એ કહે છે, કે બીજા બધા યહૂદીઓ ભલે નાલાયક હોય, પરંતુ અમારો આ યહૂદી મિત્ર તો આબરૂદાર જ છે!”

તે છતાં, હિમલરના આ ઓથાર હેઠળ રહીને પણ, યહૂદીઓને બચાવવા માટે ઓસ્કરે જે ઉત્સાહ બતાવ્યો હતો, તેની પાછળના કારણો શોધવા ઊંડા ઉતરીએ, તો શિન્ડલરના પડોશમાં રહેતા એક ઉદારમતવાદી યહૂદી રેબી (ધર્મગુરુ) ડૉ. ફેલીક્સ કેન્ટોર આપણને મળી આવે છે ખરા!

રેબી કેન્ટોર, યહૂદીઓ પ્રત્યે ઉદારતા દાખવવાના સમર્થક એવા જર્મન અબ્રાહમ જેગરના અનુયાયી હતા. તેમણે એવું જાહેર કરેલું, કે જે રીતે એક જર્મન હોવું એ સન્માનને લાયક બાબત છે, એ જ રીતે એક યહૂદી હોવું એ પણ કોઈ ગુનો નથી, એ પણ સન્માનને લાયક બાબત જ છે! રેબી કેન્ટોર ગામડાના કોઈ રૂઢીચુસ્ત ગુરુ ન હતા. આધુનિક પોષાક પહેરવાની સાથે-સાથે તેઓ ઘરમાં જર્મન ભાષાનો ઉપયોગ પણ કરતા હતા. પોતાના પ્રાર્થનાના સ્થળને પણ તેઓ “સિનાગોગ” જેવા જૂનવાણી નામે નહીં, પરંતુ “ટેમ્પલ” જેવા આધુનિક નામે ઓળખાવતા હતા. તેમના ટેમ્પલમાં યહૂદી ડૉક્ટરો, ઈજનેરો અને ઝ્વિતાઉની ટેક્સ્ટાઈલ મિલોના માલિકો પણ આવતા હતા. મુસાફરી દરમ્યાન આ મિલમાલિકો, અન્ય વ્યાવસાયિકો સાથે વાતચીત કરતાં એવું ગર્વથી કહેતા કે, “અમારા રેબી ડૉ. કેન્ટોર છે –પ્રાગ અને બર્નોથી પ્રકાશિત થતાં માત્ર યહૂદી સામયિકોમાં જ નહી, પરંતુ ત્યાંના સ્થાનિક દૈનિક અખબારોમાં પણ તેઓ લેખો લખે છે.”

રેબી કેન્ટોરના બે પુત્રો પણ તેમના જર્મન પડોશી હાન્સ શિન્ડલરના પુત્ર ઓસ્કરની સાથે, એ જ શાળામાં અભ્યાસ કરતા હતા. બંને છોકરાઓ એટલા તો તેજસ્વી હતા, કે આગળ જતાં, પ્રાગની જર્મન યુનિવર્સિટીના બહુ જુજ યહૂદી પ્રોફેસરોમાંના બે તરીકે તેમની નિમણુક થઈ હતી. લશ્કરી ઢબે ટૂંકા વાળ રાખતા એ જર્મનભાષી વિલક્ષણ યુવકો સમર ગાર્ડનમાં ઘુંટણ સુધીના પેન્ટ પહેરીને ત્વરાથી આવ-જા કરતા હોય, ત્યારે રેબી કેન્ટોર પોતાની વાડની ઓથે ઊભા રહીને તેમને જોઈ રહેતી વેળાએ, જાયગર, ગ્રીટ્સ અને લાઝારસ જેવા ઓગણીસમી સદીના જર્મન-યહૂદી ઉદારમતવાદીઓની અપેક્ષા મુજબ જ બધું થઈ રહ્યું હોવાનું અનુભવતા હશેઃ અમે એક સંસ્કારસંપન્ન જીવન જીવી રહ્યા છીએ, અને અમારા જર્મન પડોશીઓ અમને માનની નજરે જુએ છે…!

ઓસ્કરના પિતા તો વળી ચેક રાજકારણીઓ અંગે એવી અપમાનજનક ટિપ્પણી પણ કરતા હોવાની વાત સાંભળવા મળે છેઃ “અમે તો ધર્મનિરપેક્ષ વિદ્વાનો છીએ! અમે તો તાલમુદનું ઉપયોગી ભાષાંતર કરનારા… વીસમી સદી અને પૌરાણિક આદિવાસીકાળ, એ બંનેના અમે વંશજ છીએ! અમે આક્રમણકારી નથી, અને કોઈના વિરોધી પણ નથી.” જોકે આગળ જતાં, ૧૯૩૦ના મધ્યમાં, રેબી કેન્ટોરે હાન્સ શિન્ડલર વિશેની પોતાની સુખદ માન્યતાઓને બદલવી પડી હતી, અને પોતાના પુત્રો આગળ જતાં જર્મન ભાષાની ડૉક્ટરેટની ડીગ્રી મેળવવાની લાલચે જર્મનીના રાષ્ટ્રીય સમાજવાદીઓના હાથમાં વેચાઈ ન જાય તેની પણ જોગવાઈ તેમણે કરી લીધી હતી. તેઓ સમજી ગયા હતા, કે વીસમી સદીમાં એવી કોઈ જ ટેકનોલોજી શોધાઈ ન હતી, કે એવી કોઈ ધર્મનિરપેક્ષ વિદ્વતા અસ્તિત્વમાં આવી ન હતી, કે જેના આધારે, જર્મન વહીવટકર્તાઓને સ્વીકાર્ય હોય એવા યહૂદી ધર્મગુરૂના એક વંશજ તરીકે મળી શકે તેનાથી વધારે સહાયતા, કોઈ પણ યહૂદીને મળી શકે! ૧૯૩૬માં આખું જ કેન્ટોન કુટુંબ બેલ્જિયમ ખાતે ચાલ્યું જાય છે. એ પછી શિન્ડલરના કુટુંબને રેબીના કુટુંબની કોઈ જ ભાળ મળતી નથી! તરુણ ઓસ્કરને માટે પોતાનો વંશ, પોતાનું લોહી કે પોતાની માટી જેવી બાબતોનું કોઈ જ મહત્વ ન હતું. એ તો એવા કિશોરોમાંનો એક હતો, જેમને મન પોતાની મોટરસાઇકલ એ જ આ સૃષ્ટિનું સર્વસ્વ હતું! અને સ્વભાવે એક મિકેનિક એવા પિતા પણ, મોટરસાયકલના ધણધણતા એન્જિન પ્રત્યેના પોતાના પુત્રના ઉત્સાહને પ્રોત્સાહન પણ આપતા હતા. હાઇસ્કુલના છેલ્લા વર્ષે ઓસ્કર પોતાની ૫૦૦ સીસીની લાલ રંગની ગલોની મોટરસાઇકલ પર સવાર થઈને ફરતો હતો. તેનો એક મિત્ર એરવિન ટ્રેગેત્સ, મનોમન એક ઊંડી લાલસા સાથે ઓસ્કરની લાલ રંગની ગલોની મોટરસાઇકલને ગામની શેરીઓમાં થઈને, ફટ-ફટ અવાજ કરતી ચોકમાં ફરવા નીકળેલા લોકોનું ધ્યાન ખેંચતી ચાલી જતી જોઈ રહેતો! કેન્ટોરના કિશોરોની માફક, એ ગલોની પણ એક અજબ ચીજ હતી! ઝ્વિતાઉ કે મોરાવિયામાં જ નહીં, પરંતુ આખા ચેકોસ્લોવેકિયામાં ૫૦૦ સીસીની એ પહેલી ગલોની મોટરસાઇકલ હતી!

૧૯૨૮ની વસંત હતી. ઓસ્કરની કિશોરાવસ્થાનો એ છેલ્લો તબક્કો હતો. ઉનાળાની શરૂઆતમાં જ યુવાન ઓસ્કર પ્રેમમાં પડીને લગ્ન કરવાનું નક્કી કરી લેવાનો હતો. ઈટલીની બહાર અને આખા ઉપખંડમાં ૨૫૦ સીસીની મોટો-ગઝી મોટરસાઇકલોની સંખ્યા માત્ર ચાર જ હતી, જે આંતરરાષ્ટ્રીય રેસર એવા ગેસલર, હાન્સ વિકલર, ધ હંગેરિયન જૂ અને પોલ કોલાઝકોવ્સ્કી પાસે જ હતી, ત્યારે પોતાની ૨૫૦ સીસીની મોટો-ગઝી પર સવાર થઈને ઓસ્કર ગામના ચોકમાં ફરવા નીકળતો હતો! એ સમયે ગામમાં એવા લોકો પણ હશે જ, જે માથું ધુણાવતાં કહેતા હશે, કે હેર શિન્ડલર પોતાના છોકરાને બગાડી રહ્યા છે!

પરંતુ ઓસ્કર માટે તો એ સૌથી મનગમતો અને ધમાલિયો ઉનાળો હતો. એ બેફિકર યુવાન, આખું માથું ઢંકાઈ જાય એવી ચામડાની હેલમેટ પહેરીને મોટો-ગઝીના એંજિનને ધણધણાવતો ફરતો હતો! એક એવા કુટુંબનો એ વંશજ હતો, જેને માટે ઓસ્ટ્રિયા અને હંગેરીના રાજવી ફ્રેન્ઝ જોસેફની યાદમાં એકાદ મીણબત્તી સળગાવવી, એ તેમના રાજકીય શિષ્ટાચારની પરાકાષ્ઠા હતી! રસ્તાના વળાંક પરના પાઇન વૃક્ષોની ફરતે ફર્યે રાખતો એક યુવાન, એકાધિક અર્થઘટનો ધરાવતા તેના લગ્ન, આર્થિક મંદી અને દૂર્ભાગ્યપૂર્ણ રાજકારણની વચ્ચે તેણે વિતાવેલા સત્તર વર્ષ! પરંતુ એ મોટરસાઇકલ સવારના મોં પર જાણે એનો કોઈ જ ઓથાર ન હતો! કંઈ હતું, તો બસ, પવનની ઝાપટોને કારણે માર-માર ચાલતી બાઇકના અસવારના સપાટ થઈ ગયેલા ચહેરા પરની વાંકીચૂકી કરચલીઓ …! કારણ કે અસવાર હજુ સાવ નવો-સવો હતો, હજુ એ રીઢો નહોતો થયો, એક પણ સિદ્ધિ હજુ સુધી એના નામે ચડી ન હતી. પરંતુ આવનારા સમયમાં એ યુવાન, જૂના અને રીઢા થઈ ચૂકેલા ઘણા રેસરોને માત આપવાનો હતો, અને તેના માટે એ રાહ પણ જોઈ શકે તેમ હતો!

બર્નો અને સોબેસ્લેવ નામના બે ચેક શહેરોની વચ્ચે મે મહીનામાં યોજાયેલી માઉન્ટેઇન રેસ એ તેની પહેલી હરીફાઈ હતી. રેસ બહુ ઊંચી કક્ષાની હતી, અને ધનાઢ્ય હેર હાન્સ શિન્ડલરે પોતાના પુત્રને આપેલું મોંઘુંદાટ રમકડું કંઈ ગેરેજમાં પડ્યું-પડ્યું કાટ ખાવાનું ન હતું. પોતાની લાલ રંગની મોટો-ગઝી સાથે રેસમાં ઊતરેલો ઓસ્કર ત્રીજા સ્થાને રહ્યો હતો. અન્ય બે હરીફોની, વધારાની ઇંગ્લિશ બ્લેકબર્ન મોટર લગાડેલી ટેરટ બાઇક તેની આગળ નીકળી ગઈ હતી.

બીજા પડકાર માટે એણે ઘરથી દૂર, સેક્સન સીમાએ આવેલી પહાડીઓ વચ્ચે અલ્ટવેટર સર્કિટ પસંદ કરી હતી. જર્મન ૨૫૦ સીસી ચેમ્પિઅન વેલફ્રાઇડ વિંકલર અને તેનાથી પણ જૂનો હરીફ કર્ટ હેન્કલમેન પોતાની વૉટર-કૂલ્ડ ડીકેડબ્લ્યૂ સાથે રેસમાં ઊતર્યા હતા. હોરોવિટ્ઝ, કોચર અને ક્લિવોર સહિતના બધા જ રેસરો આ સેક્ષન હોટશોટ રેસમાં સામેલ હતા. ટેરટ અને બ્લેકબર્ન્સ મોટરસાઇકલો ફરી એક વખત આ રેસમાં સામેલ થઈ હતી. સાથે-સાથે કેટલીક કોવેન્ટરી ઈગલ્સ મોટરસાઇકલો પણ સામેલ હતી. ઓસ્કર સહિત ત્રણ મોટો-ગઝીએ આ રેસમાં ભાગ લીધો હતો. તે ઉપરાંત ૩૫૦ સીસી અને બીએમડબ્લ્યૂ ૫૦૦ સીસી વર્ગની મોટરસાઇકલોનાં મોટાં-મોટાં નામો પણ એ રેસમાં મોજુદ હતાં.

એ દિવસ સ્પષ્ટપણે ઓસ્કરનો હતો, તેનો સૌથી શ્રેષ્ઠ દિવસ! રેસના પહેલા લેપ દરમ્યાન એ લીડરોની નજીક જ રહ્યો, અને શું થઈ શકે તેમ છે એ જોતો રહ્યો. એક કલાક પછી વિંકલર, હેન્કલમાન અને ઓસ્કરે સેક્ષનોને પાછળ રાખી દીધા, જ્યારે બીજા મોટો-ગઝીવાળા હરીફો કંઈક યાંત્રિક ખામીને લીધે બાજુ પર થઈ ગયા. વિંકલરની આગળ નીકળી જતી વેળાએ, ઓસ્કરની સામેથી પસાર થઈ રહેલી સડક અને પાઇનના વૃક્ષોની સાથોસાથ, એટલી જ ઝડપથી અને એ દૃશ્યો જેવી જ અસ્પષ્ટતા સાથે તેના મનમાં એવા વિચારો પણ ચાલી રહ્યા હતા, કે આવનારા સમયમાં કદાચ એ ફેક્ટરી-ટીમના રાઇડર તરીકેની કારકિર્દી પણ અપનાવી લે! અને એવું બને તો પોતાનો રખડપટ્ટીનો શોખ પણ એ રીતે પોષી શકાય એ શક્ય બને!

બન્યું એવું, કે રેસના જે લેપને એ છેલ્લો માનતો હતો, તેમાં હેન્કલમાન અને બંને ડીકેડબ્લ્યૂની બાજુમાં થઈને ઓસ્કર આગળ નીકળી ગયો, અને લાઇન ક્રોસ કરીને રેસ પૂરી થયેલી માનીને ધીમો પડી ગયો. રેસના અધિકારીઓએ ચોક્કસપણે એવો કોઈક છેતરામણો ઇશારો કર્યો હશે, કારણ કે દર્શકોના ટોળાએ પણ એમ જ માની લીધેલું કે રેસ પૂરી થઈ ગઈ છે! અચાનક જ ઓસ્કરને ખ્યાલ આવ્યો કે રેસ હજુ પૂરી નથી થઈ, અને કોઈ શિખાઉ જેવી ભૂલ તેણે કરી નાખી હતી! પરંતુ એટલી વારમાં તો વેલફ્રાઇડ વિંકલર અને મિતા વીકોડિલ છેલ્લા લેપમાં તેની બાજુમાંથી પસાર થઈ ગયા, અને સાવ થાકી ગયેલો દેખાતો હેન્કલમાન પણ બહુ થોડા અંતરે તેનાથી આગળ નીકળી ગયો અને ઓસ્કર પાસેથી ત્રીજુ સ્થાન પણ ખુંચવી ગયો!

રેસ આવી રીતે હારી જવા છતાં પણ, ઘેર પહોંચ્યા પછી ધામધુમથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર-જીતની ઔપચારિકતાને અવગણીને જોવા જઈએ, તો હકીકતમાં એણે યુરોપના શ્રેષ્ઠ ખેલાડીઓને એ રેસમાં ચોક્કસપણે હરાવી દીધા હતા!

ટ્રેગેટ્સના અનુમાન મુજબ મોટરસાઇકલ રેસર તરીકેની ઓસ્કરની કારકિર્દી આટોપાઈ જવા પાછળ આર્થિક કારણો જવાબદાર હતા. આ અનુમાન બહુ પ્રામાણિક હોવાનું માની શકાય તેમ છે. કારણ કે એ ઉનાળામાં, માત્ર છ મહીનાની ઓળખાણમાં એક ખેડૂતની પુત્રી સાથે એણે ઉતાવળે લગ્ન કરી લીધા, અને પોતાના અન્નદાતા એવા પિતાની નારાજગી પણ વહોરી લીધી.

હેનાના મેદાનોમાં ઝ્વિતાઉથી પૂર્વ દિશાએ આવેલા એક ગામડાની વતની એ યુવતી, કોન્વેન્ટ શાળામાં ભણેલી હતી. પોતાની માતાના સંયમના જે ગુણો પ્રત્યે ઓસ્કરને માન હતું, એવા જ ગુણો એણે આ યુવતીમાં પણ જોયેલા. નાના ગામડામાં રહેતા હોવા છતાં પણ યુવતીના વિધુર પિતા ગામડિયા નહીં, પરંતુ એક પ્રશિષ્ટ ખેડૂત હતા. વારંવાર થતી લડાઈઓ અને ઉપજાઉ મેદાનોને સૂક્કાભઠ્ઠ કરી દેતા કેટલાયે દુકાળોની વચ્ચે, ત્રીસ-ત્રીસ વર્ષોથી ચાલતા યુદ્ધમાં પણ તેના ઓસ્ટ્રિઅન પૂર્વજો ટકી શક્યા હતા. ત્રણ સદીઓ બાદ, જોખમના આ નવા જ દૌરમાં એ કુટુંબની એક પુત્રી ઝ્વિતાઉના એક બાલિશ છોકરા સાથે લગ્ન કરવાનું અવિચારી પગલું ભરી બેઠી હતી. ઓસ્કરના પિતાની જેમ છોકરીના પિતાને પણ આ લગ્ન પ્રત્યે ભારોભાર અણગમો હતો.

હાન્સને આ લગ્ન ગમ્યા ન હતા, કારણ કે ઓસ્કરના લગ્નમાં પોતાના નિષ્ફળ લગ્નજીવનની ભાત ઊઠતી એ જોઈ શકતા હતા. એક વિલાસી પતિ, તોફાની મનોવૃત્તિવાળો એ યુવાન, જીવનની શરૂઆતથી જ આ ગભરુ, ઉદાર અને નિષ્કપટ એવી છોકરી પાસેથી શાતા મેળવવાની અપેક્ષા રાખતો હતો.

ઝ્વિતાઉમાં જ એક પાર્ટીમાં ઓસ્કર એમિલીને મળી ગયો હતો. એમિલી, ઓલ્ટ-મોલ્સ્ટાઇન નામના પોતાના ગામથી એક સખીને મળવા માટે આવી હતી. ઓસ્કરે પણ તેનું ગામ જોયું હતું. એ વિસ્તારમાં એણે ઘણાં ટ્રેક્ટરો વેચ્યાં હતાં. ઝ્વિતાઉ પરગણાના ચર્ચમાં જ્યારે તેમના લગ્નની જાહેરાત કરવામાં આવી, ત્યારે કેટલાક લોકોને તો એ કજોડું જ લાગ્યું હતું! એમના લગ્ન પાછળ પ્રેમ-સબંધ હોવાની શક્યતાને માનવા પણ કોઈ તૈયાર ન હતા. તેઓ તો આ લગ્ન પાછળ રહેલો અન્ય કોઈક હેતુ શોધવામાં લાગી અડ્યા હતા! એક શક્યતા એ છે, કે એ ઉનાળામાં શિન્ડલરની ફાર્મ-મશીનરીની ફેક્ટરી મુશ્કેલીમાં આવી ગઈ હતી, કારણ કે એ સમયે તેમની ફેક્ટરીમાં, ખેડૂતો માટે જૂના ગણાતાં, વરાળથી ચાલતાં ટ્રેક્ટરો જ બનતાં હતાં. પોતાની કમાણીનો ખાસ્સો હિસ્સો ઓસ્કર ધંધામાં જ પાછો રોકી રહ્યો હતો, અને એમાં આ લગ્નમાં તેને દહેજ પેટે પાંચ લાખ રાઇસમાર્ક મળવાની વાત આવી હતી. દહેજ જેવા સર્વસ્વીકૃત રસ્તે મળેલી, અને આર્થિક તંગીમાં મદદરૂપ બને એવી આવડી મોટી રકમ કોઈપણને કામમાં આવી શકે એ હકીકત છે! જો કે હકીકતે, સાચી વાત તો હતી, કે એ ઉનાળે ઓસ્કર ખરેખર પ્રેમમાં પડ્યો હતો, અને તેના વિશે ઊડેલી આવી અફવા પાછળની લોકોની શંકા તદ્દન બિનપાયદાર નીકળી હતી. ઓસ્કર ક્યારેય પગભર થઈ શકશે, કે પછી એક સારો પતિ પૂરવાર થશે, એવી કોઈ ખાતરી એમિલીના પિતાને ન હતી. એટલે બન્યું એવું, કે એ પાંચ લાખ માર્કના વાયદામાંથી ખરેખર તો બહુ મામુલી રકમ ઓસ્કરને આપવામાં આવી હતી. જો કે, દેખાવડા ઓસ્કર શિન્ડલરને પરણીને, ઓલ્ટ-મોલ્સ્ટાઇનના ગુંગળામણભર્યા વાતાવરણમાંથી છૂટકારો મેળવીને એમિલી પોતે તો રાજી જ હતી! તેના પિતાને કોઈ મિત્ર હોય તો એક માત્ર ગામના પાદરી જ હતા. તેમના ચાના કપ ભરી-ભરીને અને રાજકારણ અને અધ્યાત્મ પર તેમના નિખાલસ મંતવ્યો સાંભળીને જ તો એમિલી મોટી થઈ હતી. હા, યહૂદીઓ સાથેના મહત્વના સંપર્કો શોધવા જઈએ, તો એમિલીના બાળપણમાં હજુ મળી આવે ખરા! એમિલીનાં દાદીની સારવાર કરનાર ગામના ડૉક્ટર, અને રીફ નામના એક દુકાનદારની પૌત્રી રીટા, જે એમિલીની સખી હતી, એ બંને યહૂદી હતાં. એમિલીના પિતાના પાદરી મિત્ર તેમના ખેતરની મુલાકાતે આવ્યા, એ વેળાએ એક વખત એમણે એમિલીના પિતાને ટોકેલા પણ ખરા, કે એક યહૂદી છોકરી સાથે તેમની કૅથલિક પુત્રીની આ મિત્રતા સૈદ્ધાંતિક દૃષ્ટિએ તેમને બરાબર લાગતી ન હતી!

એમિલીએ તો જીદના માર્યાં પાદરીની આ સલાહનો વિરોધ કર્યો હતો! રીટા રીફ સાથેની તેની મિત્રતા ૧૯૪૨ના એ દિવસ સુધી ટકી રહી, જે દિવસે સ્થાનિક નાઝી અધિકારીઓએ રીટાને તેની દુકાનની સામે જ રહેંસી નાખી! લગ્ન પછી ઓસ્કર અને એમિલી ઝ્વિતાઉમાં એક એપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં. ઓસ્કર માટે તો ત્રીસીનો એ દાયકો, ૧૯૨૮ના ઉનાળાની અલ્ટવેટર સર્કિટમાં તેણે કરેલી યશસ્વી ભૂલના ઉપસંહાર જેવો જ બની રહ્યો હતો. ચેકોસ્લોવેકિયા આર્મિમાં એણે મિલિટરીમાં સેવા આપી. મિલિટરીમાં તેને ટ્રક ચલાવવાની તક જરૂર મળી, પરંતુ એટલાથી જ મિલિટરીની જિંદગી પ્રત્યે પોતાને અણગમો હોવાનો ખ્યાલ તેને આવી ગયો હતો. પોતે યુદ્ધવિરોધી હતો એટલે નહીં, પરંતુ યુદ્ધમોરચાની અગવડોના કારણે! યુદ્ધમાંથી પાછા ફર્યા પછી ઓસ્કર એમિલીને અવગણવા લાગ્યો હતો. કોઈ અપરિણીતની માફક મોડી સાંજ સુધી એ કાફેમાં જ બેસી રહેતો, અને એવી-એવી સ્ત્રીઓ સાથે વાતો કરતો બેઠો રહેતો, જે ન તો સીધીસાદી હતી, કે ન ભલીભોળી! ૧૯૩૫માં કૌટુંબિક વ્યવસાયમાં દેવાળું ફૂંકાયું, અને એ જ વર્ષે તેના પિતા, પોતાની પત્ની લ્યૂઇસા શિન્ડલરને છોડીને અલગ એપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યા ગયા. આ કારણે ઓસ્કરને પિતા પ્રત્યે નફરત થઈ આવી. પોતાની ફોઈના મોઢે, અને કાફેમાં બેસીને જાહેરમાં પણ હાન્સની બદબોઈ કરતાં, પિતાએ તેની ભલીભોળી માતા સાથે દગાબાજી કરી હોવાનું એ બોલવા લાગ્યો. અને છતાં, પોતાના ખોડંગાતા લગ્નજીવન અને માતાપિતાના તૂટી ચૂકેલા લગ્નજીવન વચ્ચેની સામ્યતા સામે જાણે એણે આંખો જ બંધ કરી લીધી હતી!

પોતાના અનેક વ્યાવસાયિક સંપર્કો, મોજીલો સ્વભાવ, વિક્રયકળાના ભાગ રૂપે તેણે વહેંચેલી ભેટો અને શરાબ પીવા છતાં પણ છાકટા ન થવાની ક્ષમતાને કારણે, મંદીના વાતાવરણ વચ્ચે પણ તેણે મોરાવિઅન ઈલેક્ટ્રોટેકનીકમાં સેલ્સ મેનેજર તરીકે નિમણૂક મેળવી લીધી. કંપનીની હેડઓફિસ પ્રાંતિક રાજધાની બર્નોના સાવ શુષ્ક વિસ્તારમાં હતી. બર્નો અને ઝ્વિતાઉ વચ્ચે ઓસ્કર આવ-જા કરતો રહેતો હતો. આમ પણ પ્રવાસી જિંદગી તેને ગમતી હતી. અલ્ટવેટર સર્કિટમાં વિંકલર પાસેથી પસાર વેળાએ પોતે મનોનમ પોતાની જાતને કરેલા તેના વાયદાઓમાંથી અડધા વાયદાઓ તો અહીં જ પૂરા થઈ જતા એ જોઈ શકતો હતો.

માતાના મૃત્યુ વખતે દોડીને ઝ્વિતાઉ પહોંચી જઈને ઓસ્કર પોતાનાં ફોઈ, બહેન એલ્ફ્રિડ અને એમિલીની સાથે જઈને ઊભો રહ્યો હતો. માતાને દગો આપનાર તેના પિતા હાન્સે, એ સમયે ગામના પાદરી સાથે કોફિનના માથા પાસે જઈને ઊભા રહી જવું પડ્યું હતું. એ સાવ જ એકલા પડી ગયા હતા. લ્યૂઇસાના અવસાને ઓસ્કર અને હાન્સ વચ્ચે કટ્ટર દુશ્મની ઊભી કરી દીધી હતી. ઓસ્કરના પિતા હોવું એ હાન્સના પક્ષે એક અકસ્માત માત્ર બની રહ્યો હતો. બાકી હાન્સ અને ઓસ્કર વચ્ચે હકીકતે તો બે ભાઈઓ જેટલું સરખાપણું હતું! ઓસ્કરને જો કે એ હકીકત સમજાતી ન હતી, પરંતુ ઘરની સ્ત્રીઓ તો આ બાબતને બરાબર સમજી ચૂકી હતી.

માતાની અંતિમક્રિયામાં સામેલ થવાનું આવ્યું એ પહેલાં જ, ઓસ્કરે કોનરાડ હેનલાઇનની ‘સ્યૂડન જર્મન પાર્ટી’નું સ્વસ્તિકનું ચિહ્ન પોતાના બાવડે પહેરી લીધું હતું. એમિલી કે તેની ફોઈ, બેમાંથી કોઈને આ ગમ્યું ન હતું, પણ કોઈએ આ બાબતને બહુ મહત્વ આપ્યું ન હતું. એ દિવસોમાં કેટલાયે ચેક-જર્મન યુવકો આવું ચિન્હ પહેરીને ફરતા હતા. માત્ર રાષ્ટ્રીય સમાજવાદીઓ અને સામ્યવાદીઓ જ આ સ્વસ્તિક પહેરતા ન હતા, કે હેનલાઇનની પાર્ટીના સભ્ય પણ બન્યા ન હતા. હકીકતમાં તો, ખુદ ઇશ્વર પણ જાણતો હતો, કે ઓસ્કર અંદરખાનેથી સામ્યવાદી કે સમાજવાદી લોકતાંત્રિક હતો જ નહીં. ઓસ્કર તો એક સેલ્સમેન હતો! અને એ સમયે એવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી, કે બાકીની બધી બાબતોમાં સામ્ય હોય, તો સ્વસ્તિકનું ચિન્હ પહેરીને જર્મન કંપનીના મેનેજરને મળવા જનાર કોઈને પણ આસાનીથી ધંધો મળી જતો હતો!

જર્મન લશ્કર સ્યૂડનલેન્ડમાં પ્રવેશ્યું એ પહેલાં ૧૯૩૮ના મહિનાઓ દરમ્યાન જ, હાથમાં ખુલ્લી ઓર્ડરબૂક સાથે આંગળીઓ વચ્ચે પેન્સીલને રમાડતા ઓસ્કરને ગંધ આવી ગઈ હતી, કે ઇતિહાસ બદલાઈ રહ્યો હતો, અને બદલાતા એ ઇતિહાસનો હિસ્સો બનવાની તીવ્ર ઇચ્છા પણ તેને થઈ આવી હતી! હેનલાઇનનો સાથ નિભાવવાનું તેનું પ્રયોજન જે હોય તે, પરંતુ મોરાવિયામાં લશ્કરના પ્રવેશ સાથે જ, રાષ્ટ્રીય સમાજવાદ વિશેના તેના  ભ્રમનું નિરસન થઈ ગયું હતું, લગ્ન પછી જે રીતે અને જે ઝડપથી લગ્ન વિશેના તેના ભ્રમનું નિરસન થઈ ગયું હતું એ જ રીતે! શરૂઆતમાં તેને એવી ધારણા હતી, કે આક્રમણની તાકાત દ્વારા સુમેળભર્યા સ્યૂડન લોકતંત્રની સ્થાપના થઈ જશે. આગળ જતાં એણે કહેલું, કે નવી સરકાર દ્વારા થતી ચેક પ્રજાની રિબામણી અને ચેક સંપત્તિની લૂંટ જોઈને હું તો ડરી જ ગયો હતો! દસ્તાવેજોની અંદર શિન્ડલરના નામે નોંધાયેલાં વ્યવસ્થાતંત્રની સામે થવાના પગલાં તો, આવી રહેલા વૈશ્વિક સંઘર્ષની બહુ શરૂઆતમાં જ તે ભરી ચૂક્યો હતો. અને રેડસ્કિન કિલ્લા પરથી માર્ચ ૧૯૩૯માં હિટલર દ્વારા બોહેમિયા અને મોરાવિયા જેવા રાજ્યોને જર્મનીના આશ્રિત જાહેર કરાયાં ત્યારે શિન્ડલરને આશ્ચર્ય થયું હતું, તેનો ઇનકાર પણ થઈ શકે તેમ નથી! હિટલરમાં રહેલા આપખુદ અને જુલમી રાજકારણીના પ્રાથમિક લક્ષણો, એ ત્યારે પણ જોઈ શક્યો હતો.

આ સિવાય, બે વ્યક્તિઓ એવી હતી, જેના અભિપ્રાયો પ્રત્યે ઓસ્કરને અત્યંત માન હતું. એક તો એમિલી, અને બીજા તેના નારાજ પિતા! અને કટોકટીની આ મહાન ઘડીએ, એ જ બે વ્યક્તિઓના અભિપ્રાયો ઓસ્કરે લીધા ન હતા, અને એ બંનેના અભિપ્રાય મુજબ હિટલર સફળ થઈ શકે તેમ ન હતો! હાન્સ અને એમિલીના અભિપ્રાયો વ્યવહારુ ન હતા, તો સામે પક્ષે ઓસ્કરના અભિપ્રાય બાબતે પણ એમ જ કહી શકાય તેમ હતું. એમિલીનું એક સાદું મંતવ્ય એ હતું, કે પોતાને ઇશ્વરના સ્થાને સ્થાપિત કરનારને સજા તો ચોક્કસ મળવાની જ! હેર શિન્ડલર સીનિઅરે ઓસ્કરની એક ફોઈ મારફતે, મૂળભૂત ઐતિહાસિક સિદ્ધાંતો પર ભરોસો રાખવાની સલાહ આપી હતી. બર્નોની બરાબર બહાર નદીનો પટ આવેલો હતો જ્યાં એક સમયે નેપોલિઅને ઑસ્ટરલિટ્ઝનું યુદ્ધ જીત્યું હતું. અને એ યશસ્વી નેપોલિયનનું પણ કેવું પતન થયું હતું? મધ્ય-એટલાન્ટિક સમુદ્રમાં એક ટાપુ પર એણે, બટાકા ઉગાડનાર એક સાવ સામાન્ય માણસ બની જવું પડ્યું હતું! આ માણસની હાલત પણ એવી જ થવાની છે. હેર શિન્ડલર સીનિઅરે કહેલું, કે ભાગ્ય એ કંઈ અનંત લંબાઈ ધરાવતું દોરડું નથી! એ તો રબ્બરનો એક ટૂકડો છે. એના જોર પર તમે જેટલા આગળ જાઓ, એટલા જ વધારે જોરથી, જ્યાં હતા ત્યાં જ પાછા ફેંકાશો! જિંદગીએ, પોતાના નિષ્ફળ લગ્ને, અને આર્થિક મંદીએ પિતા શિન્ડલરને આ જ તો શીખવ્યું હતું!

પરંતુ કદાચ તેમનો પુત્ર ઓસ્કર, હજુ સુધી આ નવા રાજ્યતંત્રનો સ્પષ્ટ વિરોધી બન્યો ન હતો. એ વર્ષે પાનખરની એક સાંજે, પોલિશ સરહદ નજીક, ઓસ્ટ્રાવા શહેરની બહાર ટેકરીઓવાળા વિસ્તારમાં આવેલા સેનેટોરિયમમાં યોજાયેલી એક પાર્ટીમાં યુવાન શિન્ડલરે હાજરી આપી હતી. પાર્ટીની યજમાન સ્ત્રી એ સેનેટોરિયમની વ્યવસ્થાપક હતી અને શિન્ડલર સાથે વ્યાવસાયિક સંપર્કો ધરાવતી હતી. કોઈક પ્રવાસ દરમ્યાન શિન્ડલરને તેની સાથે મિત્રતા થઈ ગયેલી. પાર્ટી દરમ્યાન એ સ્ત્રીએ ઓસ્કરની ઓળખાણ એક દેખાવડા જર્મન વ્યક્તિ એબરહાર્ડ ગેબર સાથે કરાવેલી. વ્યવસાય બાબતે વાતચીત કરવા ઉપરાંત તેમણે ફ્રાન્સ, બ્રિટન અને રશિયા કેવાં પગલાં લઈ શકે એ બાબતે પણ ચર્ચાઓ કરેલી. એ પછી વ્યવસાયને અનુલક્ષીને છૂટથી વાતો થઈ શકે તે માટે ગેબરના આમંત્રણને માન આપીને શરાબની એક બોટલ લઈને, બંને એક ખાલી કમરામાં સરકી ગયેલા. શરાબપાન દરમ્યાન ગેબરે, પોતે એડમિરલ કેનારિસના જર્મન મિલીટરી ગુપ્તચર વિભાગ એબવરનો એક અધિકારી હોવાની વાત પોતાના નવા મિત્ર શિન્ડલર પાસે જાહેર કરી. શિન્ડલર સામે એણે એબવરના વિદેશ વિભાગમાં કામ કરવાની દરખાસ્ત મૂકી. ઓસ્કરનો વ્યવસાય સીમા પારના પોલેન્ડ, સમગ્ર ગેલિસિયા અને સેલિસિયાના ઉપરના વિસ્તારો સુધી વિસ્તરેલો હતો. એ વિસ્તારમાંથી મિલિટરી ઇન્ટેલિજન્સની જાણકારી એબવરને મોકલવા માટે શિન્ડલર કબુલ થશે ખરો, એવો પ્રશ્ન ગેબરે તેને કર્યો. ઓસ્કર સમજદાર હોવાની, અને એ ગેબરને સહકાર આપશે એવી વાત યજમાન સ્ત્રી-મિત્રે જ ગેબરને કરી હોવાનું ગેબરે કબુલ્યું. આવા કામમાં સહકાર આપવા માટે, જે તે વિસ્તારના ઔદ્યોગિક અને મિલિટરી થાણાં વિશે જાત તપાસ કરીને, ત્યાંના રેસ્ટોરન્ટ કે બારમાં કોઈ પોલેન્ડવાસી જર્મનને નોકરી પર રાખીને કે ત્યાં યોજાતી વ્યાવસાયિક મિટિંગોમાં જઈને જાણકારી મેળવવી પડે તેમ હતી, અને એ ઓસ્કર કરી શકે તેમ હતો.

યુવાન ઓસ્કરના બચાવમાં અહીં કોઈ એમ જ કહેશે, કે કેનેરિસ માટે કામ કરવાની હા તેણે એટલા માટે પાડી હતી, કે એબવરનો એજન્ટ હોવાના નાતે મિલિટરીમાં સેવા આપવામાંથી તેને મુક્તિ મળી જાય! સામે ચાલીને આવેલી દરખાસ્તનો આ એક મોટો ફાયદો જરૂર હતો, પરંતુ આ કામ કરવા માટે એ જરૂરી હતું, કે પોલેન્ડમાં જર્મનીની ઘુસણખોરીને ઓસ્કર પોતે અંદરથી ટેકો આપતો હોય! સામે જ બેસીને શરાબ પી રહેલા એ યુવાન અધિકારીની જેમ, વર્તમાન રાજકીય હિલચાલ સાથે પણ સંમત થવું તેના માટે જરૂરી હતું, પછી ભલે વર્તમાન વહીવટકારો સાથે પોતે સંમત ન હોય! ઓસ્કરની નજરે, ગેબર પર જરૂર નૈતિકતાનું ભૂત સવાર હોવું જોઈએ! કારણ કે ગેબોર પોતે, અને એબવરમાંના તેના સાથી કાર્યકરો પોતાની જાતને તો શુદ્ધ ક્રિશ્ચિયન જ માનતા હતા! જોકે પોલેન્ડ પર આક્રમણ કરવાની યોજનામાં તેમનું ક્રિશ્ચિયન હોવું કોઈ રીતે તેમની આડે આવ્યું ન હતું, પરંતુ હિમલર અને એસએસ પ્રત્યે તેમને અનાદરની લાગણી જરૂર થઈ આવી હતી. કારણ કે તેમની દૃષ્ટિએ, જર્મન સંસ્કૃતિ પર કાબુ મેળવવાની એબવરની નેમમાં હિમલર અને એસએસ તેમના પ્રતિસ્પર્ધી હતા.

આગળ જતાં, જર્મનીનો એક સાવ અલગ જ જાસુસી વિભાગ, ઓસ્કારે મોકલેલી જાણકારીને એક ‘સંપૂર્ણ અને વિશ્વાસપાત્ર અહેવાલ’ તરીકે ગણતરીમાં લેવાનો હતો. એબવર માટેના પોતાના પોલેન્ડ પ્રવાસ દરમ્યાન, ખાસ કરીને ભોજન દરમ્યાન કે પછી કોકટેઇલ ટેબલ પર લોકોને પોતાના વ્યક્તિત્વથી મુગ્ધ કરીને ઓસ્કર તેમની પાસેથી માહિતી કઢાવી લેતો હતો. એ માહિતીનું ગેબર અને કેનેરિસ માટે શું મહત્વ હતું તે તો આપણે નથી જાણતા, પરંતુ ક્રેકોવ શહેર ઓસ્કરને બહુ માફક આવી ગયું હતું. ઔદ્યોગિક મહાનગર ન હોવા છતાં, ખૂબ જ સુંદર એવા એ મધ્યકાલીન શહેરની ફરતે ધાતુ, કાપડ અને રસાયણોનાં કેટલાંયે કારખાનાં આવેલાં હતાં.

આમ, ઓસ્કરને કારણે સ્થાનિક પોલિશ આર્મિનાં અંદરનાં રહસ્યો એકદમ ખુલ્લાં પડી ગયાં હતાં.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧)