બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 4


જયારે ચંદુએ લક્ષ્મી ફિલ્મ કંપનીની ત્રણેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું ત્યારે તેને ફિલ્મી લાઈનના ઘણા લોકો સાથે પરિચય થયો. તેમાં એક નામ અમરચંદ શ્રોફનું પણ હતું. અમરચંદ ચંદુલાલના કામથી ખુશ હતો અને ચંદુલાલનાં સ્વરૂપમાં તેને એક સારો મિત્ર પણ મળ્યો.

એકવાર અમરચંદ તેને લઈને કોહિનૂર ફિલ્મ કંપનીમાં આવ્યો. ત્યાં જ તેને ગૌહરની સાથે મુલાકાત થઇ. ગૌહર સૌરાષ્ટ્રના એક વોહરા મુસ્લિમ પરિવારમાંથી આવી હતી. સમય જતા ચંદુલાલનો તેની સાથેનો સંપર્ક થયો જે તેના અંગત અને વ્યવસાયિક જીવનમાં બહુ મહત્વનો બની રહ્યો. ૧૯૨૬ માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં ચંદુલાલે દેવારે સાથે મળીને ડાયરેક્ટ કરેલી ફિલ્મ ટાઈપીસ્ટ ગર્લ જબરદસ્ત હિટ સાબિત થઇ હતી. તેની મુખ્ય ભૂમિકામાં સુલોચના (રૂબી માયર્સ), રાજા સેન્ડો અને આર.એન.વૈદ્ય ઉપરાંત ગૌહરજાન મામાજીવાલાનો પણ સમાવેશ થતો હતો. અને પછીને વર્ષે ગૌહરની મુખ્ય ભૂમિકામાં કોહિનૂર ફિલ્મ કંપનીની એજ્યુકેટેડ વાઈફ, ગુણસુંદરી, સતી માદ્રી, સુમારી ઓફ સિંધ ફિલ્મોનું અને ત્યારબાદ બીજે વર્ષે જગદીશ ફિલ્મ કંપનીની ગૃહલક્ષ્મી, વિશ્વમોહિની અને ચંદ્રમુખી જેવી કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.

***
એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’

ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’

બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’

ચંદુલાલ કહે, ‘બસ બાપુ, આપના આશીર્વાદ સિવાય મારે બીજું શું જોઈએ… તો હું શરુ કરું આપણા પોતાના સ્ટુડિયોથી… બાપુ, સ્ટુડિયોનું નામ મેં નક્કી કરી લીધું… ‘રણજીત સ્ટુડિયો’! અને ચંદુલાલે ૩૧ વર્ષની ઉમરે ૧૯૨૯માં ગૌહર સાથે મળીને દાદરમાં (પૂર્વ) ‘રણજીત સ્ટુડિયો’ નો પાયો નાખ્યો. આ સ્થાપના જામનગરના મહારાજા અને સુપ્રસિદ્ધ ક્રિકેટર રણજીતસિંહે પોતાના હસ્તે કરી હતી… જે તેમની આર્થિક મદદ વગર શક્ય ન બન્યું હોત.

* * *

વાંચો’રણજીત મૂવિટોન’ અને પછીથી ‘રણજીત સ્ટૂડિયો’ના સરદાર ચંદુલાલ શાહની રસપ્રદ અને અનેક ઉતાર ચડાવથી ભરેલી જીવનકથા શ્રી હર્ષદ દવે અને શ્રી પ્રકાશ પંડ્યાની કલમે.. પુસ્તક પ્રથમ વખત, ઈ-પુસ્તક સ્વરૂપે અને માત્ર અક્ષરનાદ પર જ પ્રકાશિત થઈ રહ્યું છે. આજથી એ અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા