બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી 1


૧. મૌન નજરની દાદ..

હોઠો પર તારું નામ હતું, હૈયામાં તારી યાદ હતી,
લે, તું જ કહે ઉજડેલી મુજ દુનિયા કેવી આબાદ હતી?

એ પુષ્પ તણી કળીઓ જાણે કે મોટા ઘરની વહુવારૂ
ધીમું ધીમું હસવું વદવું, શી લાજ હતી, મરજાદ હતી.

પાંપણના દ્વારે લાવીને એ ધોધ, નયન ગૂંચવાઈ ગયા.
ઝીલનારનો પાલવ ટૂંકો છે એ અશ્રુની ફરિયાદ હતી.

એ છાની છાની ગુફતેગો ચોરે ને ચૌટે પહોંચી ગઈ,
ના પુષ્પ ભ્રમરને ખ્યાલ રહ્યો, વાયુની લહેર ઉસ્તાદ હતી.

શબ્દોમાં થોડો ફેર હતો પણ સાર હતો સૌનો એક જ
દુનિયાના સઘળા મઝહબની બસ ઈશ્ક ઉપર બુનિયાદ હતી.

લો, જાતા જાતા આપી દઉં અહેવાલ હું આખા જીવનનો,
આ લાંબા લાંબા જીવનમાં જીવવાની પળ એકાદ હતી.

બસ તે જ ગઝલ રચવા માટે હરરોજ મને પ્રેરી રહી’તી,
મ્હેફિલના ખૂણેથી મળતી જે મૌન નજરની દાદ હતી!

‘દિલહર’ ક્યારેય વ્યથાઓએ હૈયાનો પીછો ના છોડ્યો,
કારણ કે મુજને અંત લગી મેળાપની ઘડીઓ યાદ હતી.

૨. મૌન નજરની દાદ..

સાચે જ સમજદારીપૂર્વક આ હાલ બનાવી લીધા છે,
જીવનને સપનું સમજી મેં સપનાને સમજી લીધાં છે.

બદનામ થવાની બીક તજી, ચૂંટનારની ખફગી વ્હોરીને,
જ્યાં શક્ય હતું ત્યાં કાંટાએ ફૂલોને બચાવી લીધાં છે.

ખુદ્દાર હ્રદયની જીદ હતી, બેકાર તમાશા કોણ કરે?
હૈયાના દીપ જલાવી મેં તહેવાર મનાવી લીધા છે.

લાચાર હકીમે આખર મારી નાડ તપાસી એમ કહ્યું,
ઉપચાર હતા જે આવડતા સઘળા અજમાવી લીધાં છે.

હરરોજ મને અજવાળામાં જે પડછાયાનો સાથ મળ્યો,
એની જ કસોટી કરવાને મેં દીપ બુઝાવી લીધાં છે.

બે હાથ ઉઠાવી ચાહું છું, તું હાથ પકડ હે ઈશ! હવે,
કે તંગ થઈ જીવન પરથી મેં હાથ ઉઠાવી લીધાં છે.

બે પ્યાર ભરેલા હૈયાનાં સાચે જ થવાનાં ખૂન અહીં,
આ દુનિયાએ તો એના પણ વહેવાર બનાવી લીધાં છે.

‘દિલહર’ મૃગજળના સર્જકને જે દાદ દઉં તે ઓછી છે,
રેતીના કણકણમાં એણે ઝરણાંઓ વહાવી લીધાં છે.

– દિલહર સંઘવી

કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગૌતમી’માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. ‘કસ્તુરી’ અને ‘દિશા’ પછી મરણોત્તર સંગ્રહ ‘મનોરથ’ પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને ‘પસંદગી’નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત ‘કાવ્યકુંજ’ અંતર્ગત ‘આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો’માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.

બિલિપત્ર

હોઠ પર હરદમ બિરાજો, સ્મિતની થૈ લહર,
પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો દોસ્તો.
– ‘ગની’ દહીંવાલા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી