Daily Archives: March 6, 2018


મારા વહેલી સવારના મુલાકાતીઓ.. – નીલમ દોશી 11

ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી… એક એક તારલિયાને વીણી લઇ.. ગૂપચૂપ.. છાને પગલે.. ફરી મળવાનો વાયદો કરી.. ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘તમે સૌ પહોંચતા થાઓ.. ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય? એને માઠું ન લાગે?