Daily Archives: January 18, 2018


કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા 4

કનિક બોલ્યા, “એ વાતની તો મને અને જગતમાં સૌને જાણ છે, તમારા સર્વનાશનો શાપ અને તમે તે શાપ સ્વીકાર્યો છે. મને એ વાતનો આનંદ છે કે તમે સમર્થ હોવા છતાં એક માતાને વળતો શાપ ન આપ્યો. આ તમારો પસ્તાવો છે કે બીજુ કંઈ તેની મને ખબર નથી, પણ તમે એ શાપ સ્વીકારીને તમારું નિમિત્ત નક્કી કર્યું એ સારી વાત છે. મનુષ્યનો અવતાર લીધો છે તો મરવું તો પડશે. નામ તેનો નાશ છે, ઉલટાનું ગાંધારીએ તો તમારો રસ્તો સરળ કરી આપ્યો.”

“બરાબર આચાર્ય, મને એ ગમ્યું. તેમણે તેમનો ઊભરો મારી ઉપર કાઢ્યો. જો આ આક્રોશ તેમણે મનમાં દબાવી રાખ્યો હોત તો પૃથ્વી પર ભૂચાલ આવી જાત અને ઘણો અનર્થ સર્જાત. મેં પણ માનવસહજ ભૂલ તો કરી જ છે. ધર્મયુદ્ધમાં કોઈ એકને જીવતો રાખવાની જરૂર હતી. મારા મનમાં તેનું નામ પણ નક્કી હતું. વસ્ત્રાહરણ વખતે વિકર્ણે ધર્મની વાત કરી હતી.”