ખીચડી (વ્યંગ્ય લેખ) – સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે 5


ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, ગાય રાષ્ટ્રીય પશુ બનતાં બનતાં રહી ગઈ. રાષ્ટ્રીય ફૂલ ગુલાબ માની શકાય. રાષ્ટ્રીય સ્વર તો લતા મંગેશકર બધાને માન્ય છે જ. પણ ભારતની રાષ્ટ્રીય વાનગી કઈ હોવી જોઈએ એ વિષય પર હજુ સુધી કોઈ ચર્ચા નથી થઇ. ભારત સરકાર પણ બહુ જ અવઢવમાં છે. ક્યાંકથી એક સલાહ એવી મળી કે ‘ખીચડી’ ને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવી જોઈએ. આમ ખીચડીને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવા માટે ખીચડી રંધાવા લાગી. પછી તો બસ, પૂછવું જ શું, ખીચડીની તરફેણમાં અને વિરુદ્ધમાં ગરમા ગરમ ચર્ચા અને તર્ક-વિતર્ક થવા લાગ્યા. વાત એટલે સુધી પહોંચી ગઈ કે ખીચડી મુકાઈ ગઈ અને તે ચડવા પણ લાગી! કેન્દ્રીય પ્રોસેસિંગ મિનિસ્ટરે છેવટે જાહેર કરવું પડ્યું કે ‘કૃપા કરીને શાંતિ જાળવો, ખીચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરવામાં નથી…ઈ…ઈ… આવી રહી.

પરંતુ તેથી શું થાય? ખીચડી તો વાનગીઓમાં સહુથી સારી વાનગી છે. દેશના દરેક ખૂણે કોઈને કોઈ સ્વરૂપમાં ખીચડી પકાવવામાં આવે છે. એટલું જ નહીં, સહુએ મળીને ક્યારેક ને ક્યારેક તો ખીચડી પકાવી જ હોય છે! હું તો એમ કહું છું કે બહુ જ સારું થયું કે ખીચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર ન કરવામાં આવી. નહીં તો, બિચારીની હાલત બહુ ખરાબ થઇ જાત. તેનું સર્વમાન્ય રાષ્ટ્રીય ગૌરવ ખતમ જ થઇ જાત. દરેક પ્રાંતની ખીચડી-ખીચડી વચ્ચે તિરાડ પડી જાત. તમે જ કહો, આવી સરકારી જાહેરાતનું હજુ સુધી ક્યારેય પાલન થયું છે ખરું!

કહેવાય છે કે ખીચડીનો ઉલ્લેખ સહુથી પહેલીવાર આયુર્વેદમાં થયો. આયુર્વેદમાં ખીચડી એક હળવો ખાદ્ય પદાર્થ છે જે બીમાર અને અશક્ત લોકોને આપી શકાય છે. પરંતુ એવો ઉલ્લેખ ક્યાંય નથી કે ખીચડી સ્વાદિષ્ટ નથી અને તંદુરસ્ત લોકોએ તે ન ખાવી જોઈએ. પણ કેટલાક લોકોમાં એવી ગેરસમજ છે કે ખીચડી ફક્ત બીમાર લોકોનો જ ખોરાક છે. સાચી વાત તો એ છે કે ખીચડી બીમાર લોકોનો પણ ખોરાક છે. તંદુરસ્ત હોય કે બીમાર, બધા લોકો ખીચડી ખૂબ મોજથી આરોગે છે. ગરીબ હોય કે અમીર, બંને પ્રકારના લોકો ખીચડી ખાતા જોવામાં આવે છે. ખીચડી આમ હોય કે ખાસ બધા લોકોની ખાસ વાનગી છે.

સંક્રાંતિ એક એવું પર્વ છે જેમાં સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ખીચડી પકવવામાં અને ખાવામાં આવે છે. તે ખીચડી ખાવાનો (તહે)વાર છે. સોમવાર થી રવિવાર સુધીના વાર તો દર વર્ષે કેટલીયે વાર આવે છે પરંતુ ખીચડીવાર વર્ષમાં એક જ વાર મનાવવામાં આવે છે. તે સ્વયં એક ઉત્સવ છે. ખીચડી અને સંક્રાંતિ એકબીજા સાથે એટલા તો હળીમળી ગયા છે કે સંક્રાંતિને ખીચડી પણ કહેવામાં આવે તો ય લોકો તેનો અર્થ આ સંક્રાંતિ પર્વ છે એમ આપોઆપ સમજી જશે.

ગયા વર્ષે એક રાજકીય નેતા સંક્રાંતિના પ્રસંગે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું, ‘ખીચડી એકબીજા સાથે હળીમળીને રહેવાનું. મેળાપનું પ્રતીક છે, જ્યાં સુધી ચોખામાં કોઈ દાળ-બાળ ન મેળવવામાં આવે ત્યાં સુધી ખીચડી બનતી નથી. થોડા વર્ષો પહેલાં કેન્દ્રમાં આપણી મિશ્ર, વિવિધ પક્ષોની મળેલી સરકાર હતી. તે ખીચડી સરકાર કહેવાય. આપણે બધા હળીમળીને જ ખીચડી પકાવીએ છીએ. મિલન-મેળાપનો દેખાવ કરવા માટે રાજકારણમાં ભોજન-વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. બિન-મુસ્લિમ રાજનેતા ઇફતાર પાર્ટી આપે છે. દેખાદેખી અને બિન-હિંદુ રાજકીય નેતાઓ પણ સંક્રાંતિ ઉપર દાવત – મહેફિલનું આમંત્રણ – આપે છે.

આપણે જાણીએ છીએ કે રાજકારણના ઇતિહાસમાં, ખીચડીનો ઉલ્લેખ સહુથી પહેલાં બીરબલના સમયમાં આવ્યો હતો, બીરબલની આ ખીચડી ખૂબ જ પ્રસિદ્ધ થઇ. આજે પણ લોકો તેનો સ્વાદ માણે છે!
મારા એક મિત્ર છે. હશે પચાસ-પંચાવનની ઉંમર તે હંમેશાં બસ ‘બુદ્ધિ’ની જ વાત કરતા રહે છે. હું ન રહી શક્યો એટલે પૂછી બેઠો, ‘તમે શરૂઆતથી જ બુદ્ધિશાળી છો કે હવે થઇ ગયા છો?’ તેમણે જવાબ આપ્યો, ‘હવે થઇ ગયો છું. જ્યાં સુધી વાળ ખીચડી જેવા ન થઇ જાય ત્યાં સુધી કોઈ બુદ્ધિશાળી ન થઇ શકે ભાઈ.’

ખીચડીની વાત જ અનોખી છે. જે લોકો ચીડી (પક્ષી) ખાતા હોય તેઓ ખીચડીનો સ્વાદ શું જાણે? ખીચડી તો પોતાના પરિવારના પુલાવ અને બિરિયાની જેવી વાનગીઓને લીધે વધારે સ્વાદિષ્ટ લાગે છે, તે વધારે સ્વાદિષ્ટ બનાવી શકાય છે. જરૂર છે માત્ર મેળવણી કરવાની. મેળ કરો. ખીચડીની સાથે ચારે ય ભાઈબંધ-યાર જો સાથે હોય તો કોઈપણ વાનગી તેની સામે ટકી જ ન શકે. તમે તો જાણો જ છો – ખીચડીના ચાર યાર ઘી, પાપડ, દહીં અને અથાણું છે.

તમને નવાઈ લાગશે કે જ્યારથી પ્રાંતીય ભિખારીઓએ એવું સાંભળ્યું છે કે ખીચડી એક રાષ્ટ્રીય વાનગી બનવામાં છે ત્યારથી તેઓ કેન્દ્રની સામે પોતાનું ભિક્ષા પાત્ર લંબાવીને ઊભા રહી ગયા છે અને ભીખ પણ તેઓ કાંઇક આવી રીતે માગી રહ્યા છે: ‘દે દે, ખીચડી કે નામ પર દે દે. તેરી મેરી ખીચડી સદા પકતી રહે!’

– સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ખીચડી (વ્યંગ્ય લેખ) – સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે

  • Jayendra Pandya

    ખીચડી ને નાગર બ્રાહ્મણો અલંકારીક ભાષામાં “સુખપાવની” અને કઢીને “રસમંજરી” કહે છે.
    આમ શાહી નામથી ખીચડી-કઢી અરોગીયે ત્યારે રાજાશાહી ઠાઠથી જમણ કરવું.
    મજા પડી જશે….

    વળી ખીચડી તો સર્વ જાતિઓ અને રાજ્યોમાં પણ પ્રચલિત તો છેજ .
    એટલે લેખકનાં જણાવ્યા પ્રમાણે ખીચડી ને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરે તેમાં તો સહુનું ભલુંજ છે.
    આપનું તો પૂરું સમર્થન છે. જો લેખક જુંબેશ ચલાવે તો આપણે અક્ષરનાદ દ્વારા ઘણા બધા મત અપાવી શકીએ 🙂

  • સુબોધભાઇ

    ઉમદા વ્યકિત હોય કે વાનગી….એ કોઇ ના સર્ટિફીકેટની મૉહતાજ નથી હોતી.

  • સુરેશ જાની

    મને ખીચડી ભાવતી નથી. પણ આ લેખ ભાવ્યો ! બીરબલની ખીચડી ની વાત વાંચી કિશોરાવસ્થામાં વાંચેલી એ વાર્તા યાદ આવી ગઈ.
    હળવા મિજાજે …
    ખીચડીની વ્યુત્પત્તિ, મારી આગવી અને પોતિકી રીતે –
    ખીજ ચઢી એ ખીચડી
    કદાચ આ કોમેન્ટ ખીચડી પ્રેમીઓમાં વાવાંટોળ જગાવે તો ક્ષમાયાચના .