સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ 3


Jignesh Adhyaru article in Utsav Magazine Divyabhaskar

સાહિત્ય અને સોશિયલ મિડીયાનું જોડાણ હવે લગભગ અવિભાજ્ય બની રહ્યું છે. વધુ ને વધુ લેખકો ફેસબુક, ટ્વિટર અને બ્લોગ વગેરે દ્વારા વાચકો સાથે સતત જોડાઈ રહ્યા છે અને એથી સાહિત્ય પ્રત્યેનો સોશિયલ મિડીયામાં સક્રિય લોકોનો અભિગમ પણ બદલાયો છે. તો હકીકતે સોશિયલ મિડીયાએ સાહિત્યના ક્ષેત્રમાં ખરેખર કયા બદલાવ કર્યા છે? હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે સોશિયલ મિડીયા સાહિત્યને, સર્જકોને અને વાચકોને સ્પર્શ્યું છે.

ઈન્ટરનેટ આપણી જીવનપદ્ધતિને બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા આપણે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ, સમાચાર જાણીએ છીએ, વસ્તુઓની લે-વેચ માટે પણ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીએ છીએ, ફોટો અને વિડીયો ક્લિપ્સ જોઈએ છીએ, નવા લોકોની સાથે સંવાદ કરીએ છીએ અને આપણી જે-તે વિષય કે ઘટના વિશેની વિચાર પણ મૂકીએ છીએ. સંવાદ સાધવો એ સોશિયલ મિડીયાનો સૌથી મોટો હેતુ છે. સાહિત્યના ક્ષેત્રમાં સોશિયલ મિડીયા વાચકને તેના મનગમતા લેખક સાથે સીધી રીતે જોડી આપે છે, તો સામે પક્ષે એક લેખક માટે પણ વાચકના મનોભાવને, તેના ગમા અને અણગમાને, તેની અપેક્ષાઓને જાણવાનો સોનેરી અવસર પૂરું પાડે છે. અહીં લોકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા જ આવે છે, એટલે જેમને સાહિત્ય ગમે છે એવા લોકો સર્જકો સાથે જોડાવાના એ ચોક્કસ, અને એ રીતે સર્જક માટે પોતાના પુસ્તકો કે કળાની કોઈ પણ વસ્તુ વેચવા કે વહેંચવા માટે સોશિયલ મિડીયા હાથવગું સાધન છે. તેનો ઉપયોગ કરવાની રીત અને ક્ષમતા પર જે તે લેખકની અહીંની સફળતા નિર્ભર કરે છે.

ક્વિકલિટ વેબસાઈટનો એક લેખ કહે છે કે ઉપરછલ્લી લાઈક્સ અને એથીય ઔપચારિક પ્રતિભાવો ખરેખર સાહિત્યને હાની કરે છે, સોશિયલ મિડીયા આપણને કોઈ પણ સર્જન પર આપણી પોતાની સમજશક્તિ મુજબ નિર્ણાયક બનવા પ્રેરે છે. લાઈક્સ કે પ્રતિભાવો ખરેખર લખાણને લઈને નહીં પણ એને કોણ મૂકી રહ્યું છે તેના પર વધુ આધાર રાખે છે. સાહિત્ય ચિંતનશીલ છે જ્યારે સોશિયલ મિડીયા ફક્ત ઉપભોગ (કે એ અર્થમાં મનોરંજન) માટે છે. સાહિત્યનો હેતુ માણસની વિચારશીલતાને વેગ આપવાનો કે તેને ચિંતન માટે પ્રેરવાનો હોય છે, જ્યારે સતત આવતા નોટિફિકેશન્સ અને લાઈક્સ કે પ્રતિભાવો ઉઘરાવવાની સતત વધતી ભૂખ સર્જકને પણ સર્જન કરવાનું મૂકીને પોતે પ્રસિદ્ધ કરેલા સર્જનના પ્રચાર અને પ્રસારમાં જ સમય ખર્ચતો રાખે છે. પહેલાના સમયમાં પુસ્તક લખ્યા પછી તેની જાહેરાત અને વેચાણ પ્રકાશકો કરતા અને એથી સર્જક ફક્ત સર્જનમાં જ ગળાડૂબ રહેતો. હવે પુસ્તક પ્રકાશિત થયા પછી સર્જક પોતે જ એ પુસ્તકનું અનેક જગ્યાઓએ વિમોચન કરે / કરાવે છે, સોશિયલ મિડીયા પર સતત એ અંગે માહિતી, ફોટા, વિડીયો, પ્રતિભાવો અને વિવેચનો વહેંચે છે અને વાચકો સાથે સતત સંવાદમાં રહે છે. મૂળભૂત રીતે એ સર્જક અને વાચકને સીધા જોડી આપતું માધ્યમ છે પણ ઘણી વખત લેખકની વિચારશૃંખલાને કે તેની સર્જનાત્મકતાને તોડવા માટે પણ એ કારણભૂત બને છે. અને ક્યારેક આ વહેંચવાની અતિ, વાચકને સર્જકથી વિમુખ કરવામાં કારણભૂત બને છે.

સાહિત્ય અને સોશિયલ મિડીયા વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા હોવી જોઈએ. સોશિયલ મિડીયા પર આડેધડ ઠલવાઈ રહેલા કહેવાતા સાહિત્યને લીધે લગભગ બધી જ ભાષાઓમાં સાહિત્યની ગુણવત્તા ઘટી છે. તેને ભૌતિક સ્વરૂપે પુસ્તકો કે સામયિકોમાં વાંચવાનો અનુભવ તો જઈ રહ્યો છે જ, પણ કહેવાતા સાહિત્યના ‘ઓવરડોઝ’ને લીધે વાચકોની સાથે સાથે નવા સર્જકો પણ ગેરમાર્ગે દોરવાય છે. પ્રસ્થાપિત લેખકો, વિદ્વાન વિવેચકો વગેરેએ પોતાના સર્જનોને ફક્ત જાહેરાત અર્થે કે વહેંચવાને બદલે સાથે સોશિયલ મિડીયા પર એ અંગે વિગતે ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી કરવી જોઈએ, નવોદિતો માર્ગદર્શન લેવાને બદલે પોતાના સર્જનો જ વહેંચવામાં વ્યસ્ત રહેશે તો શીખશે ક્યારે? વાચકને બદલે સીધું જ સર્જક બનવું ભયજનક છે કારણકે એક ઉમદા વાચક જ સર્જક બનવા વિશે વિચારી શકે.

જ્યારે ફક્ત ક્લિક્સ જ પ્રસિદ્ધિની એકમાત્ર માપપટ્ટી હોય ત્યારે તેમાંથી કશું મૂલ્યવાન મેળવવું ખૂબ મુશ્કેલ બની રહે. ઘણાંનો એ અનુભવ હશે કે શીર્ષકથી પ્રેરાઈને કરેલા ક્લિક્સ પછી એ લેખમાં કશું જ વાંચવાલાયક હોતું નથી. આવા લેખને ક્લિકબેટ કહે છે. લલચામણું શીર્ષક હોય.. તમે ક્લિક કર્યું અને એમની ગરજ પૂરી.. ફક્ત આકર્ષક શીર્ષકમાં રગદોળાયેલા ખાલી ખોખાને બદલે વિગતે પોતાની વાત મૂકતા સર્જકોના લેખને આધારે ગુણવત્તા નક્કી થવી જોઈએ, સર્ચમાં એવા લેખ આગળ આવે એ ઈચ્છનીય છે. ક્વોલિટી નહીં પણ ક્વોન્ટિટીને ઓળખતા આજના સોશિયલ મિડીયામાં આ બાબતે મોટો બદલાવ જરૂરી છે જેથી સત્વશીલ સર્જનોને જ પ્રોત્સાહન મળે. આ માટે માણસોની સાથે સાથે અલગોરિધમ અને સર્ચ પેટર્ન્સ વગેરેને એ માટે બદલવા જરૂરી છે.

સાહિત્યનો અને કળાના કોઈ પણ માધ્યમનો અંતિમ હેતુ લાગણીના તાર રણઝણાવવાનો હોય છે, સોશિયલ મિડીયા એ લાગણીનો વેપાર કરી જાય છે. પહેલાના સમયમાં કોઈકને સામાન્ય ઘા વાગ્યો હોય એ ન જોઈ શક્તા લોકો આજે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વોટ્સએપ પર શેર થતા ફોટો અને વિડીયો જુએ છે. અહીં શેર થતી વસ્તુઓ સતત એ લાગણીને ઘૂંટ્યા કરે છે અને એ રીતે એ સંવેદનશીલતાને હણે છે. ફિલ જેમ્સ કહે છે, જો શેર કરવાની ક્ષમતા એ નાણું હોત તો કરુણાનો ફુગાવો હોત. તેઓ કહે છે કે સોશિયલ મિડીયા લાગણીને ચલણી નાણાંની જેમ ઉપયોગમાં લે છે, તેના સતત મારાને લીધે સાહિત્યમાં અભિવ્યક્ત થતી લાગણી વાચકને એટલી ઉત્કટતાથી સ્પર્શતી નથી જેટલી એ પહેલાના વાચકોને સ્પર્શી જતી હતી. એના કારણે લેખકો પણ પ્રસંગોને વધુ ઉત્કટ અને અણધાર્યા વળાંકોસભર બનાવવાનો સતત પ્રયત્ન કરે છે. લગભગ બધી જ લાગણીઓ એ સ્તર પર પહોંચી છે કે તેનું વર્ણન ઉત્કટ ન હોય તો વાંચન કદાચ હૈયાને ન પણ સ્પર્શે. ધીરજ ઓછી અને સંવેદનાઓ બૂઠ્ઠી થતી ચાલી છે, કોઈને લાંબુ વાંચવુ ગમતું નથી, બધાને બધું ઝડપી જોઈએ છે. સોશિયલ મિડીયાને લીધે સાહિત્યના સ્વરૂપો પણ મહત્વપૂર્ણ ફેરફારના આ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

સાહિત્યનું વાંચન (અને એને લીધે સર્જન પણ) એ રીતે બદલાતું ચાલ્યું છે કે લોકોને ઝડપી પરિણામ જોઈએ છે. કાળજીપૂર્વકના સંશોધનને અંતે વિગતે લખેલો કોઈ તાર્કિક અભ્યાસલેખ ઓછી લાઈક્સ મેળવે છે અને ટૂંકાણમાં લખેલ અર્થગાંભીર્ય વગરની શબ્દરમતો કે ટૂચકા એથી વધુ લાઈક્સ કે રિટ્વીટ કે પ્રતિભાવો મેળવી જાય છે અને એથી ટૂચકાઓ કે શબ્દરમતો કોઈ ગંભીર લેખથી વધુ પ્રતિભાવ મેળવી જાય છે. કોઈ લેખક કે સંશોધક કેટલો વખત પ્રતિભાવના કે એમ કોઈ ઓળખના અભાવમાં પોતાના રસપ્રદ અને અભ્યાસપૂર્ણ લેખ સોશિયલ મિડીયા પર મૂકશે? તરત સમજાઈ જાય અને ક્ષણભર ગમી જાય એવી રચનાઓની સામે લાંબા, માહિતીપ્રદ અને તાર્કિક લેખને સોશિયલ મિડીયા ઓછું જ પસંદ કરવાનું. થોડીક જ લાઈક્સ મળેલો લેખ ખૂબ જ વિગતે સંશોધન બાદ લખાયેલો અદ્વિતિય લેખ હોઈ શકે એ હજુ પ્રસ્થાપિત થઈ શક્યું નથી. સોશિયલ મિડીયા એ રીતે છેતરામણું અને સાચા સર્જક માટે કંઈક અંશે હતોત્સાહ કરનારું પણ ખરું.

મને લાગે છે કે સર્જક મહદંશે અંતર્મુખી હોય છે અને સોશિયલ મિડીયા પર બહિર્મુખ હોવું જરૂરી છે, અહીં સતત કંઈકને કંઈક મૂકતા રહેવું, પ્રતિભાવ અને લાઈક્સની લહાણી કરતા રહેવું, ચર્ચામાં રહેવું અને ચર્ચાઓમાં ભાગ લેવો જરૂરી બની રહે છે. તમે શું કરો છો, શું લખો છો, ક્યાં જાવ છો, કોને મળો છો, લોકો તમારા વિશે શું લખે છે એ બધું સતત મૂકતા રહેવું અંતર્મુખી સર્જકના સ્વભાવ બહારની વાત છે પણ એ સોશિયલ મિડીયાની પાયાની જરૂરત છે. સોશિયલ મિડીયા પર કાઠું કાઢવાની લ્હાયમાં મૂળ સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરતા સર્જકો પોતાની મૂળ ક્ષમતા અને એમ કરીને નવસર્જનનો અવસર ગુમાવી બેસે એવો ભય પણ અસ્થાને નથી. વીજળીને ચમકારે મોતીડા પરોવવાને બદલે એ સોશિયલ મિડીયા પર અપડેટ કરવામાં વ્યસ્ત રહે તો વિચાર ફંટાઈ કે ભૂલાઈ જવાની શક્યતા ઓછી નથી, અને એટલે જ શાંતિ, ધૈર્ય અને આરામની ક્ષણો કે જેમાં સાહિત્યસર્જન થઈ શકે, તેને સોશિયલ મિડીયા ખરેખર લેખક પાસેથી વત્તાઓછા અંશે છીનવી તો લે જ છે. સોશિયલ મિડીયા ઉગતા લેખકની બદલે પોતાની જાતને સારી રીતે માર્કેટ કરી શક્તા લોકોની ગંગોત્રી થઈ રહે એવી પૂરી શક્યતાઓ છે. એને બદલે સોશિયલ મિડીયાએ ગુણવત્તા ઓળખતા શીખવું પડશે, નહીંતર આજે દરેક ત્રીજા માણસને કવિ કે લેખક બનવું છે, કાલે એ જ રીતે ચિત્રકારો, ફોટોગ્રાફર્સ અને એમ સાહિત્ય અને કળાના બધા જ સ્વરૂપોમાં અતિની ગતિ થશે. લાઈક્સ અને ક્લિક્સને બદલે ગુણવત્તા જ માપદંડ બનાવવો જરૂરી છે. આપણા જ આદરણીય પૂર્વસૂરી લેખકો જો આજે સોશિયલ મિડીયા પર હોય તો કોણ કેટલું એક્ટિવ હોય, કોને કેટલી લાઈક્સ અને પ્રતિભાવો મળે? વિચારવા જેવું ખરું.

આપણા સર્જનો, નવલકથા હોય કે વાર્તાઓ, તેમાંથી ફિક્શનનું તત્વ સતત ઘટી રહ્યું છે અને તેમાં આસપાસની ઘટનાઓ અને લોકો વિશે વાત અને ચોક્કસ વર્ણનો સતત વધી રહ્યાં છે. હેરી પોટર હોય કે બાહુબલી, ગેમ ઑફ થ્રોન્સ હોય કે વેસ્ટવર્લ્ડ, ફિક્શન આધારિત સર્જનો ખૂબ જૂજ થઈ રહ્યાં છે, અને એ સદા સર્વદા વાચકોને પ્રિય રહ્યાં હોવાને લીધે સફળ પણ રહે છે. સોશિયલ મિડીયા કે એ બાબતે સર્ચ એન્જિન પણ સતત આપણી પર નજર રાખે છે. સોશિયલ મિડીયા આપણી સર્ચ કરેલ શબ્દો અને તેના અલગોરિધમની મદદથી તમારી વેબ વર્તણુક, તમારા ગમા, અણગમાની યાદી બનાવે છે અને તમારા રસનો વિષય જ તમને સતત બતાવ્યા કરશે. ઉદાહરણ તરીકે તમે જે. કે. રોલિંગના હેરી પોટર વિશે સર્ચ કરશો તો પછી ગૂગલ એડ ધરાવતી બધી જ વેબસાઈટ તમને હેરી પોટર વિશે, તેના પુસ્તકો, ફિલ્મો, કન્ઝ્યૂમર વસ્તુઓ વગેરે વિશે જ સતત બતાવ્યા કરશે. આમ કરીને એ લાંબે ગાળે અન્ય વિભાગો, વિચારો કે વસ્તુઓ તરફ ઉદાસીન બનાવતા જશે. તમે બીજુ કાંઈ સર્ચ કરશો તો એ ટર્મને પકડીને તમને પરિણામો બતાવ્યા કરશે અને આમ ફિક્શનનું સ્થાન વસ્તુઓ લઈ લે છે. આપણી અમુક ગમતી વસ્તુઓ કાયમ આપણને ગમશે જ એ જરૂરી નથી કારણકે પુસ્તકો હોય કે સંગીત, આપણને વિવિધતા જોઈએ છે, અને સોશિયલ મિડીયા એ વિવિધતા આપવામાં પાછું પડે છે. સામાન્ય દાખલો લઈએ તો આજથી ચાલીસ વર્ષ પહેલા જન્મેલા લોકોની સરખામણીએ આજે કેટલા દાદા-દાદી તેમના પૌત્ર-પૌત્રીઓને વાર્તા સંભળાવતા હશે? સાહિત્ય આવા સંકુલ વર્તુળમાં સંભવી શકે નહીં.

અને આખરે સોશિયલ મિડીયા વિશે કેટલાક જાણીતા લેખકોના મંતવ્યો ટાંકુ છું, ખ્યાતનામ અમેરિકન નવલકથાકાર જોનાથન એવિસન કહે છે તેમ, ‘સોશિયલ મિડીયાની મજા લઈ, એક સંવાદ સ્થાપિત કરવા તેનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે સ્વપ્રશસ્તિ માટે.. પોતાની જાતથી આગળ વધીને સાહિત્ય સાથે સંકળાઈશું તો જ એક લેખક તરીકે સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ કરી શકીશું.’ આફ્રિકન અમેરિકનોના જીવન વિશે લખતા નવલકથાકાર એરિક જેરોમ ડિકી કહે છે, ‘સોશિયલ મિડીયાની સૌથી સારી બાબત એ છે કે એ બધાને ઉપલબ્ધ છે, અને સોશિયલ મિડીયાની સૌથી ખરાબ બાબત એ છે કે એ બધાને ઉપલબ્ધ છે.’ જ્યારે ખ્યાતનામ ન્યૂયોર્ક ટાઈમ્સ લેખિકા અન્ના રેની ટોડ કહે છે, ‘સોશિયલ મિડીયા સર્જકને ખૂબ વિશાળ ચાહક અને પ્રસંશકવર્ગ ઉપલબ્ધ કરાવી આપે છે, એ તમારા વાચકો સુધી પહોંચવાનો સૌથી સરળ, હાથવગો અને સ્વતંત્ર રસ્તો છે, જે ક્યારેક નકારાત્મક પ્રતિભાવોને લીધે નાઉમેદ પણ કરી શકે છે.’

સોશિયલ મિડીયા શ્રાપના સ્વરૂપમાં આશિર્વાદ છે કે આશિર્વાદના છદ્મવેશમાં શ્રાપ એ તો ભવિષ્ય જ કહેશે પણ તેના ઉપયોગમાં પોતપોતાનો વિવેક અને ઉપયોગ માટે હેતુની સ્પષ્ટતા જ તેની ક્ષમતાઓને ખરેખર હકારાત્મક રીતે ઉપયોગી બનાવી શકે એવું મને લાગે છે.

– જીજ્ઞેશ અધ્યારૂ

(દિવ્યભાસ્કર વર્તમાનપત્રના ૨૦૧૭ દિવાળી વિશેષાંક સામયિક ‘ઉત્સવ’માં પ્રકાશિત.)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ

  • ગોપાલ ખેતાણી

    ઊંડાણપૂર્વકની આપની છણાવટ મનોમંથન કરવા મજબૂર કરે છે. જેમ આપણે સામાજીક વ્ય્વહારો નિભાવવા પડે છે તેમ હવે સોશિયલસાઈટ્સ વ્ય્વહાર પર ફરજિયાત નિભાવવા પડે છે. (ફેસબુકમાં તો ખાસ)
    દેખતે હૈં … આગે આગે ગોરખ જાગે.

  • Harshad Dave

    અભ્યાસપૂર્ણ, સમાયોચિત, સંતુલિત લેખનો ઉત્સવ પ્રસન્ન કર છે. અભિનંદન. આ ક્ષેત્રમાં સક્રિય હોઈ સમાપન વધારે માર્ગદર્શક બને તેમ કરી શક્યા હોત, સમયની પ્રતીક્ષા કરાવવાની અણગમતી આદત અનિવાર્યપણે સાહેવી જ પડે છે!

  • સુરેશ જાની

    સરસ અને ઊંડાણવાળો અભ્યાસ લેખ. ગમ્યો.
    આની હળવા હૈયે આવૃત્તિ કદાચ ગમે –

    માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો ….. અરે ! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!
    આખી રચના …..
    https://gadyasoor.wordpress.com/2009/09/20/blogger/