નમનીય નોરતા – હર્ષદ દવે 1


રઢિયાળી રાતની વાત નવલાં નોરતાંએ માંડી છે. અને રોજ દયાભાભીનો સાદ ‘એ હાલો…’ સંભળાય છે!

નોરતાની નવરાત્રીઓ શરુ થઇ ગઈ છે. આ શારદીય તહેવાર ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય છે. તેમાં આપણી ધાર્મિક ભાવના અને હિંદુ સંસ્કૃતિ વણાયેલી છે. તેમાં શક્તિને પ્રણામ કરવામાં આવે છે. એના જ એક ભાગ રૂપે ગર્ભદીપ શબ્દ ‘ગરબે’ ઘૂમતો થયો. તેમાં ભાળ્યો રાસ જેમાં લહેકાવીને લાસ્ય સાથે અંગમરોડનું લચકદાર લાલિત્ય પ્રકટતું હોય છે. સ્ત્રીપ્રધાન ગરબામાં લાસ્ય-લચક અને સૌન્દર્ય વધારે હોય છે.

શક્તિ-સ્વરૂપા દેવો તથા કૃષ્ણલીલાના મધુર કાંઠે ગવાતા ગરબામાં મનના ભાવો લયબદ્ધ બની પ્રસરે છે. લોકઢાળમાં સહજપણે મહાકાળી, અંબા, બહુચર અને આશાપુરા જેવી દેવીઓની દિવ્યશક્તિ ગરબામાં સુપેરે ગવાય છે. કેરવા, દાદરા, એકતાલ જેવા તાલોમાં સારંગ, બાગેશ્રી, કાફી કે ખમાજ જેવા રાગોની છાયા રસતરબોળ કરે છે. ઠેક અને ઠેસ સાથે તાળી સાથે એકસરખા વળાંકદાર ઘુમાવ જોઈ યુવકોનું હૃદય પણ રાસ લેતું થઇ જાય છે! તેની સાથે વાદ્યો તાન પુરાવી સહુને ડોલાવે છે.

આ આપણો સંસ્કૃતિ વારસો છે અને તે આપણા સંસ્કારને શોભાયમાન કરે છે, દીપાવે છે. તે જળવાય તેમાં આપણી ગરિમા છે.

નવ દેવીઓની પૂજા નોરતાં દરમિયાન કરવામાં આવે છે. અશ્વિન માસની શરૂઆતથી નોમ સુધીના નવ દિવસમાં દેવીઓના દિવ્ય સ્વરૂપોનું પૂજન-અર્ચન અને ગાન કરવામાં આવે છે. એ દરમિયાન ઘણાં લોકો વિવિધ વ્રત-અનુષ્ઠાન કરે છે, દુર્ગા ઘટસ્થાપન, પૂજન થાય છે અને નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. બે થી દસ વર્ષની કુમારિકાઓને ભોજન કરાવવામાં આવે છે. લ્હાણી થાય છે.

શક્તિના સ્વરૂપોમાં દુર્ગા, ભદ્રકાળી, જગદંબા (અંબા), અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંદ્રિકા (ચંડી), લલિતા, ભવાની અને મોકામ્બીકા (અંબિકા) દેવીની આરાધના કરવામાં આવે છે.
આ પર્વ સ્ત્રીઓના સન્માન, સશક્તિકરણનું પ્રતીક છે. તે નારી પ્રત્યે આદર, સૌમ્ય અને પૂજ્ય ભાવ પ્રસ્તુત કરે છે. સંસારમાં ચૈતન્ય શક્તિ સર્વત્ર સક્રિય છે. શક્તિરહિત સમાજનું અસ્તિત્વ હોઈ જ ન શકે.

પ્રત્યેક પુરુષ સ્ત્રીનો સદૈવ ઋણી રહે છે. કારણ કે માતૃસ્વરૂપા શક્તિ થકી જ સૃષ્ટિમાં તેનું અસ્તિત્વ શક્ય બને છે. તદુપરાંત એ જ શક્તિ તેની જીવનશક્તિ બની જીવનભર તેને સાથ, સહકાર, પ્રેમ, સ્નેહ આપે છે.

અંબેમાની આરતી ‘જય આદ્યાશક્તિ’ વર્ષોથી ગવાય છે. તે શિવાનંદ નામના વિપ્રે રચેલી છે. તેમાં શક્તિ-સ્વરૂપા દરેક દેવીઓની શક્તિઓની દિવ્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘આદ્યા’ એટલે આદ્ય. તેનો અર્થ છે મૂળ શક્તિ ‘અંબાભવાની’, દુર્ગા માતા. તેમના ચરણોમાં ભક્તિભાવપૂર્વક પ્રણામ…

યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુનાયક સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ તૃરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ દયારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ યાત્રીરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ નિર્વ્યારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
[દેવી ભાગવત]

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

One thought on “નમનીય નોરતા – હર્ષદ દવે