જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮) 2


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો જાહ્નવી અંતાણીએ લખેલો આઠમો ભાગ..

ચા નો અધુરો કપ છોડીને ગયેલી અનુરાધાના અધૂરા કપ સામે જોઈ અનુષા વિચારતી રહી… ‘મારી જિંદગી આમ જ આ કપ જેમ અધૂરી રહેશે કે શું! શા માટે, શા માટે મારી સાથે જ આવું થયું, ડોક્ટરે પહેલા મને એબનોર્મલ કહી અને હવે નોર્મલ, જીવન શું આવું અસમંજસમાં જ જીવવાનું! મને મારી ખોડ ખબર હતી એટલે મેં નિલયને સ્વીકાર્યો. મારી ઉમરની કોઈપણ છોકરીને શમણાંમાં એક સુંદર રાજકુમાર જ હોય તો પણ મેં નિલય પર પસંદગીની મહોર મારી.. તો ય એનો મેલ ઈગો તો જો.. મેં એક વાક્ય શું કહ્યું મારી પર ચડી જ બેઠો… મારી ખોડ અને એમની દેખીતી ખોડ.. એ બંને છે તો શરીરમાં રહેલી એક કમી જ. પરંતુ હું જો કોઈને કહું જ નહિ તો મારી કમી ખબર પડત? એ તો ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવું વર્તન કરી બેઠો. છોકરી એટલે શું સહન જ કરવાનું! માફી પણ જો એની મિત્ર અનુરાધા દ્વારા માંગી. મેં મેસેજના જવાબ ન આપ્યા તો પોતાનાથી મારી પાસે નહોતું અવાતું?’

અનુષા ચાનો કપ લઇ રસોડામાં નળ નીચે ધોવા લાગી. નળ વહેતો રહ્યો એને આવતા વિચારોની જેમ, અવિરત… ‘કેમ? કેમ અનુરાધા આવી? અને એ નહિં. એને શું મારા પર વિશ્વાસ નહોતો કે એ મનાવશે તો હું નહિં માનું! આ ડોક્ટર, હશે એની મિત્ર, પરંતુ શું જોઇને મારી પાસે આવી હશે. હું એક પેશન્ટ તરીકે એને ઓળખું છું એટલુજ, એથી વિશેષ કંઇ નહિં, અમારી પર્સનલ મેટરમાં એ દખલઅંદાજી કરવા આવી! એના મિત્રને કહેવું ન જોઈએ કે હું જાઉં એના કરતા તું જાય એ જ સારુ, આ તમારી બંનેની મેટર છે, તમે જ ઉકેલો. નિલય આવે એટલે એને કહી જ દઈશ કે આવા તારા વકીલોને મારી પાસે ન મોકલવા, તેં મને ઓળખી નહિં! મારા મનમાં ઉગી રહેલા તારા પ્રત્યેના ભાવોને તું ઓળખી શક્યો નહિં.’

હજુ આવા વિચારોની ધારા ચાલુ રહેત, ત્યાં મમ્મીની બૂમ પડી, “આ શું અનુષા? શું થયું તને? કેમ આ નળ ચાલુ છે અને તારા ચહેરા પર આ શેના બાર વાગ્યા છે કહીશ મને?”

“મમ્મી કઈ નથી”

“ના, સાચું કહે, તને ડોકટરે નોર્મલ કહ્યા પછી તારા નિલય પ્રત્યેના વિચારો બદલાયા હોય તો તું બેધડક કહી શકે છે, અમે સંભાળી લઈશું. કોઈપણ મા-બાપ પોતાની દીકરીને હાથે કરીને કૂવામાં ન જ નાંખે, તારું મન ખોલી નાખ. લગ્ન એ આખા જીવનનો સવાલ છે, એ કોઈ રમત નથી કે અધૂરી મૂકી શકાય. તારી મિત્ર સમજીને મારી પાસે દિલ ખોલી નાખ. તારા માટે તારું જીવન હવે એક સુંદર, સુરીલું સજીને ઉભેલું સ્વપ્ન સમાન છે. તારે કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી.” મીરાબેને કહ્યું.

“મમ્મા સાંભળ તો ખરી, એવું કઈ નથી. મને નિલય ગમવા માંડ્યો છે. છતાં પણ હું હજુ એક વાર અમારા બંને વિષે વિચારવા માંગું છું. અમે સાથે પસાર કરેલા નાનકડા સમયચક્રને હું વાગોળવા માંગું છું.” અનુષા, નિલયે એની સાથે કરેલા વર્તનની વાત છુપાવવા મથતી હતી અને મનોમન અનુરાધાએ કહેલી વાત કે તેણે કરેલ તેના પુરુષાતન પરની કોમેન્ટ, અને એનું પણ કદાચ ફિઝીકલી નોર્મલ હોઈ શકવું, એ આશાનો ચમકારો એના મનમાં મીઠું સ્પન્દન જગાવી ગયો હતો. નિલય વિષે ફરી વાર વિચાર કરવા મન મજબૂર કરતુ હતું. અનુરાધાના શબ્દો, “લિસન… હી લવ્ઝ યુ… એને ખૂબ પસ્તાવો થાય છે.. તું એને માફ કરી દે તો સારું… પ્લીઝ.. બાકી તો શું.. ઘણા લોકો આવા સ્ટેજમાંથી પસાર થાય છે. બટ આઈ ટેલ યુ… જો તું એને માફ નહિ કરે તો એ ક્યારેય નોર્મલ નહિં બની શકે.. એનામાં ખૂબ જ નેગેટીવીટી આવી જશે.. તને એ જરા પણ સારો માણસ લાગ્યો હોય તો ગિવ હીમ અ ચાન્સ; ગિવ હીમ અ ચાન્સ…’ એના મનમાં પડઘાયા કરતા હતા.

અનુષાએ મમ્મીને પૂછ્યું. “મોમ, તું મને એના માટે વિચારવાનો એક મોકો આપીશને? પપ્પા સમજશે ને? પપ્પા ન માને તો તું મદદ કરીશને! તું વિશ્વાસ રાખ, હું મારા મનની વિરુદ્ધ કઈ નહિં કરું, પણ જે હશે એ સાચું કહીશ.”

મમ્મી અનુષાની આંખોમાં નિલય પ્રત્યેની લાગણીની ભીનાશ અનુભવતી હકારમાં ડોકું હલાવીને પોતાના કામે લાગી. અનુષા પોતાના રૂમમાં જઈ અને નિલયને મેસેજ શું કરવો એ વિચારવા લાગી. અનુષાને રૂમમાં જતી જોઈ ડ્રોઈંગરૂમમાં વાત સાંભળી રહેલા, અનુષાના પપ્પા પ્રફુલ્લભાઈ રસોડામા જઈ અને મીરાબહેનને દીકરી વિષે પૂછી રહ્યા, “શું કહેતી હતી અનુષા? આપણે દીકરી વધારાની નથી હોં, એને ક્હી દેજે, સગાઇ થઇ છે એટલે તૂટે તો સમાજમાં બદનામી થશે એવો કોઈ ભય મનમાં રાખે નહિં. જો સામેની વ્યક્તિ એને માટે લાયક ન હોય તો જીવનને બંધિયાર બનાવવાની કોઈ જરૂર નથી. આમ પણ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે વંધ્યત્વ હવે ખામી નથી. એને દૂર કરવા માટેના ખૂબ અસરકારક પ્રયોગો થયા છે અને સફળ પણ થયા છે. આપણે ઉતાવળે નિલયની પસંદગી કરી બેઠા, મારા માટે દીકરી સાપનો ભારો બિલકુલ નથી. હું મારી દીકરીને જીવનભર સાચવી શકીશ એને યોગ્ય અને લાયક યુવક મળે તો જ પરણાવવી છે. મને તો હવે નિલય અનુષા માટે પરફેક્ટ નથી લાગતો, તું કહેતી હોય તો હું મારા મિત્ર મંથનરાયના દીકરા સુજય માટે વાત કરું? એને તો અનુષા પહેલેથી જ ગમતી હતી. પરંતુ એ માગું નાખે એ પહેલા આપણે અનુષા માટે નિલયની પસંદગી કરી લીધી હતી. શું કહે છે તું?”

“તમે શાંતિ રાખો, હું સમજુ છું. અનુષાનું મન જાણવું પડે, એમ જ કંઈ સગપણ તોડાય નહીં, ભલે આપણે સમાજથી ડરતાં નથી, પરંતુ એક વખત સગપણ તૂટે ત્યારે દીકરીનું કાચ જેવું મન પણ તૂટી જ જતું હોય કેમ કે દીકરીઓ જયારે સંબંધ બાંધે છે ત્યારે દિલથી બાંધે છે. એને તોડવો સહેલો નથી હોતો. એટલે જો અનુષાની ઈચ્છા હશે તો અને તો જ, આપણે સગપણ તોડશું. આપણા માટે એ જ મોટી ઉપલબ્ધી કે દીકરીને એનું મનગમતું આપીએ.”

મીરાંબહેનની વાતો સાંભળી, પ્રફુલ્લભાઈએ ડોકી તો ધુણાવી પરંતુ એનું મન તો એક અલગ જ વિચારયાત્રા પર ચડી ચૂક્યું હતું. હું મંથનરાયને ફોન કરીશ તો ખરો જ, અને અનુષા અને એની મા ને ખબર જ નહિ પડવા દઉં, એક વાર વાત કરી તો રાખું જ. સુજય કેટલો હેન્ડસમ અને વેલ સેટલ્ડ છે. મારી સાથે પણ એના પિતા જેવો જ વ્યવહાર કરે છે, મારે મારી દીકરી માટે યોગ્ય કરવું જ રહ્યું. બીજે દિવસે સવારે બગીચામાં છોડને પાણી પીવડાવતી વખતે, પ્રફુલ્લભાઈભાઈ વિચારોમાં અટવાયેલા રહ્યા, આપણે બાગમાં ઉગાડેલા છોડની પણ કેટલી માવજત કરીએ છીએ, એના પર ઉગેલા ફૂલોને કેટલી સુંદરતાથી સજાવીએ છીએ, તો આ અનુષા મારા જીવનબાગ પર ઉગેલું ફૂલ, હું શા માટે એને જ્યાં કોઈ ફૂલ ઉગી જ ન શકે એવા ઉજ્જડ બાગમાં રોપવા અથવા થોપવા માટે રઝળતી મૂકી દઉં. ના એવું નહિં જ બને. બગીચાના ખૂણામાં ઉગેલા સુંદર ગુલાબ પર હાથ ફેરવતા, મંથનરાયને પોતાનો મોબાઈલ પર નંબર લગાડી ચૂક્યા હતા, સામે છેડે રિંગ વાગી રહી હતી. પ્રફુલ્લભાઈ મનમાં ને મનમાં ગણગણી રહ્યા હતા, ‘દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર..’ અને સામે છેડે રિંગ વાગી રહી હતી, ટ્રીન.. ટ્રીન.. ટ્રીન…!!

..જાહ્નવી અંતાણી


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮)