Daily Archives: July 16, 2017


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) 7

અનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ !

એ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.