શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ 2


માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે ‘એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?’ કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, ‘સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?’

મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્’કે ‘કટીબંધ’જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે.

દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા ‘જન્મોત્સવ’માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે.

આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..

૧. પ્લૅનિટ અનનોન – શૉન વોંગ

૨૧મી સદીના અંત ભાગમાં ઘટતા સ્ત્રોતને લઈને માણસજાત અન્ય ગ્રહો પર નજર દોડાવે છે અને જીવનની શક્યતાઓ તપાસવા આવા જ એક ગ્રહ પર ‘એન સીડ’ નામના બીજ સાથે બે રોવર મોકલવામાં આવે છે, પછી એ ગ્રહ પર શું થાય છે, તેમને જીવનની શક્યતા મળે છે? જુઓ આ સવા નવ મિનિટની અને એક વર્ષની મહેનતે બનેલી શોર્ટ ફિલ્મ ‘અજાણ્યો ગ્રહ’

૨૦૧૪માં હોલિવુડની ઈન્ટરસ્ટૅલર ચીનમાં રીલીઝ થઈ. વિદ્યાર્થી શૉન વોંગ એનાથી ખાસ્સા પ્રભાવિત થયા, ખાસ કરીને ટાર્સ અને કેસ નામના બે રોબોટ્સથી, જુલાઈ ૨૦૧૫માં શૉને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું, નવેમ્બર સુધી તો વાર્તા પણ ફાઈનલ નહોતી થઈ. FX, ૩ડી ડિઝાઈન અને એનિમેશન, સીન બનાવવા વગેરે બધા પછી પ્રોજેક્ટ પૂરો થવાના ત્રણ મહીના પહેલા શૉને યુ.કેના અગ્રગણ્ય મ્યૂઝિક અને સાઉન્ડ ડિઝાઈન સ્ટૂડીયો સાથે આ ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીત માટે વાટઘાટો કરી અને તેમને મનાવ્યા. આખરે ૧ જૂન ૨૦૧૬ના દિવસે ફિલ્મ પૂર્ણ થઈ અને નવ દિવસ પછી ૨૦૦૦ પ્રેક્ષકો સમક્ષ રીલીઝ થઈ.

પ્લૅનિટ અનનોનને કેટલાક પ્રેક્ષકો પ્રખ્યાત હોલિવુડ ફિલ્મ વોલ-ઈની પ્રિક્વલ તરીકે પણ જુએ છે, અફલાતૂન ૩ડી એનિમેશન એને હોલિવુડની કોઈ મોટા પ્રોડક્શન હા ઉસની ફિલ્મ જોતા હોઈએ એવી મજા આપે છે, એક પણ સંવાદ ન હોવા છતાં એ પોતાની વાત ખૂબ સહજતાથી કહી જાય છે. શોર્ટફિલ્મ્સ વિશેના પ્રથમ અંકમાં ૧૯૬૫ની ફિલ્મ વિશે વાત કરી હતી, બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને ત્રિપરીમાણીય એનિમેશન સુધીની શોર્ટફિલ્મોની આ સફરને અને તેના અનેક મુકામને માણવાનો આપણો આ શ્રેણીનો પ્રયત્ન રહેશે.

https://www.youtube.com/watch?v=RicVAQctJ44

૨. બૉબ Vs કૃતિ

એક સાઇકાયટ્રિસ્ટ એના યુવાન સ્કિટ્સફ્રેનિક દર્દીને એની માન્યતામાંથી બહાર આવવામાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં દર્દી માને છે કે કોઈક વ્યક્તિ એની મિત્ર છે, પણ સાઇકાયટ્રિસ્ટ માને છે કે એ એના મનની કલ્પના છે. માનસિક બીમારી સાથેની વ્યક્તિના મનના વિશ્વને ખૂબ સુંદર રીતે દર્શાવતી અનિલ ન્યુપાનેની સરસ નેપાળી શોર્ટફિલ્મથી પ્રેરણા લઈને શીરીષ કુંદર નવા પેપર પર કરેલી એની ઝેરોક્ષ શોર્ટફિલ્મ મનોજ બાજપાઈ, રાધિકા આપ્ટે અને નેહા શર્માના અભિનય સાથે લઈને આવ્યો હતો.

આ શોર્ટફિલ્મની રીલિઝ વખતે થયેલ દાવા મુજબ એ અનિલ ન્યૂપાનેની નેપાળી શોર્ટફિલ્મ ‘બૉબ’ની ઉઠાંતરી છે જે એના મહીનાઓ પહેલા વિમીઓ પર અપલોડ થયેલી. યૂટ્યૂબ પર રીલિઝ બાદ થયેલ આ આરોપથી યૂટ્યૂબે ‘કૃતિ’ને હટાવી લીધેલી. ત્યારબાદ બોબને પણ યૂટ્યૂબ પરથી હટાવી લેવાયેલ. હવે બંને ફિલ્મો ફરીથી યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે. ફિલ્મને જોતા એ જણાઈ આવે છે કે બૉબ ક્યાંક કૃતિ કરતા વધુ સારી અને ઉંડી શોર્ટફિલ્મ છે, એ આર્ટિસ્ટિક જણાય છે જ્યારે કૃતિ જાણીતા કલાકારો અને મ્યૂઝિકને લીધે તથા બોલિવુડ કનેક્શનને લીધે કોમર્શિયલ ફિલ્મની જેમ વધુ પ્રચલિત થઈ. અહીં બૉબ અને કૃતિ બંનેની કડીઓ મૂકી છે..

બૉબ –

શીરીષ કુંદર અને મનોજ બાજપાઈ ફિલ્મના આ ઉઠાંતરીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં તદ્દન નીચી કક્ષાએ ઉતરી આવ્યા; દલીલ કરી કે વિમીઓ પર એ વિડીયો જૂની તારીખમાં તેમની ફિલ્મ પછી અપલોડ કરવામાં આવ્યો, પણ વિમીઓએ તેમની વાતનું ખંડન કરતા કહ્યું કે જૂની તારીખમાં વિડીયો અપલોડ કરવા શક્ય નથી. એટલેથી ન અટકતા મનોજ એ પણ બોલ્યા કે એક લગ્નના વિડીયો શૂટિંગ કરનાર સાથે અમારી સરખામણી કરશો? પણ બંને ફિલ્મ જોઈએ તો ખબર પડે કે ફિલ્મ ફ્રેમટુ ફ્રેમ ઉઠાવવામાં આવી છે. અનિલ ન્યુપાનેએ ઉઠાંતરી અને નુકસાનીનો કાયદાકીય દાવો કર્યો છે જેની વિશેષ માહિતી નથી. કૃતિ જો ઓરીજીનલ હોત તો એના વિશેનો મારો અભિપ્રાય તદ્દન ભિન્ન હોત પણ ઉઠાંતરી અને બેશરમ ઉઠાંતરીને કેમ વખાણવી? જુઓ અને નક્કી કરો..

કૃતિ –

૩. ૭૨

સેમસંગ નોટ ૫ દ્વારા ફિલ્માવાયેલ આ સુંદર, નાનકડી અને મજેદાર શોર્ટ ફિલ્મ દુબઈ આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા સ્થાને આવેલી. આપણા જીવનની અનેક રોજિંદી એવી બાબતો આપણે જોઈએ છીએ જે આપણી આસપાસ સહજ રીતે જ હોય પણ આપણા ધ્યાન બહાર રહી જતી હોય છે. રસ્તાના કિનારે ફુટપાથ પર બેઠેલ એક ભિખારી અને એનો કટોરો.. અને એને ભીખ માંગવાથી સ્વાવલંબન તરફ લઈ જવાનો એક સાવ સાદો પ્રયત્ન. ફિલ્મની મુખ્ય વાત છે તેનો ભાવ, એનો ઉદ્દેશ. માઈક્રોફિક્શનમાં કદાચ બહુ ચમત્કૃતિ નહીં પણ હોય તો ચાલશે પણ એનો સંદેશ અસરકારક હોવો જોઈએ અને એ ભાવક સુધી સજ્જડ પહોંચવો જોઈએ એવી મારી માન્યતાને આવી સરસ શોર્ટફિલ્મો બળ આપે છે. એ રીતે આ શોર્ટફિલ્મને મળેલ પુરસ્કાર એ બાબતની સાક્ષી છે કે એ ગમે તે કેમેરાથી બનાવાઈ હોય, અજાણ્યા કલાકારો હોય કે તદ્દન નગણ્ય સેટ હોય, પણ જો વાર્તા અને ફિલ્માંકન દમદાર હોય તો એ અચૂક સ્પર્શે જ છે. કદાચ આજની ફિલ્મોમાં સૌથી સહેલી અને સાદી ગણી શકાય પણ એથી એના સંદેશની અસરકારકતા ઓછી થતી નથી.

આવતા અઠવાડીયે પણ આવી જ મજેદાર ત્રણ નવી ફિલ્મો સાથે મળીને માણીશું અને એની ચર્ચા કરીશું. શોર્ટફિલ્મના વિશ્વમાં આ પ્રકારના અનેક પ્રયત્નો થાય છે કારણ કે શોર્ટફિલ્મ બનાવવી ફીચરફિલ્મ્સ કરતા સરળ છે, પણ એ બનાવવી એના શૂટીંગ જેટલી સરળ બાબત નથી જ એ આ ત્રણેય ફિલ્મો, પ્લેનેટ અનનોન, બોબ, કૃતિ અને ૭૨ કેજી – એ બધાયની રચનાત્મક્તા અને નાવિન્ય બતાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ