Daily Archives: March 14, 2017


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે ‘એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?’ કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, ‘સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?’

મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્’કે ‘કટીબંધ’જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે.

દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા ‘જન્મોત્સવ’માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે.

આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..