કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા


(“નવનીત સમર્પણ” ઑગસ્ટ ૨૦૧૧માંથી સાભાર)

લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં ‘ઠૂમરી’નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે. આ પ્રક્રિયા સમજાવતાં પંડિત નંદકેશ્વર ‘અભિનયદર્પણ’ માં કહે છે.

‘નૃત્ય ગીતાભિનયનં ભાવતાલયુતં ભવેત
આસ્યેદાનાલમ્બયેદગીતં હસ્તેનાર્થ પ્રદર્શયેત
ચક્ષુર્ભ્યાં દર્શયેદ ભાવં પાદાભ્યાં તાલમાચરેત’

અર્થાત – ગીતનો અભિનય જ નૃત્ય હોય છે જે ભાવ અને તાલથી યુક્ત હોય છે. આમાં મુખથી ગીતનો સહારો લેવો જોઈએ, હાથની મુદ્રાઓથી એ ગીતના શબ્દોના અર્થ દેખાડવા જોઈએ, આંખોથી ભાવ પ્રદર્શિત કરવા જોઈએ અને પગથી તાલાનુસાર ઠેકો દેવો જોઈએ.

આથી સ્પષ્ટ થાય છે કે નૃત્યનો આધાર ગીત હોય છે. કોઈ ગીતમાં સમાહિત ભાવોની વિભિન્ન અંગ-ઉપાંગોના સંચાલન દ્રારા ભાવાભિવ્યક્તિ કરવાનું કામ જ નૃત્યનું છે. સ્વર, ભાષા, તાલ અને માર્ગનો આશ્રય લઈ ગીત માનવમનની ભાવાનાને વ્યક્ત કરે છે, વાદન ગીતને સહાયક બને છે અને નૃત્ય એ ભાવનાને મૂર્ત રૂપ આપે છે. એથી તો ત્રણે અંગ બને ત્યારે સંગીત બને છે.

‘ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે’

કથક નર્તનમાં ઠૂમરી અંગનો સમાવેશ થયો એ પહેલાં કથકની નૃત્યપ્રવૃતિમાં કથાસભર, અભિનયસભર ભાવપ્રધાન નૃત્ય અને ભાવરહિત, અભિનયરહિત શુદ્ધ નૃત્ત વિભાગ જેમાં વિવિધ પ્રકારના તોડા, ટુકડા અને લય- તાલપ્રધાન પદસંચાલનોનો સમવેશ હતો. મૂળભૂત રીતે જોઈએ તો કથક નૃટ્યના નિર્માણ અને તેની ઉત્ક્રાંતિમાં પ્રાચીન મંદિર પર6પરા, મધ્યકાલીન દરબાર પરંપરા અને આધુનિક રંગમંચ પરંપરા આ ત્રણે સંયુક્ત સ્વરૂપનો ફાળો છે, કથક નૃત્યનો મૂળાધાર કથા વાચકોની પરંપરા છે. કથક જગતમાં ‘કથા કહે સો કથક કહાવે’ ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે. તદુપરાંત રામાયણ, મહાભારત, આદિ મહાકાવ્યો, જૈન વાંગ્મયપુરાણ આદિ ગ્રંથોમાં પણ કથક, કથિત, કહુગ આદિ મૂળ તથા અપભ્રંશ શબ્દોના પ્રયોગો જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયના પ્રસારહેતુ રાસધારી લોકોના રાસનૃત્યની પણ કથક નૃત્ય પર અસર જોવા મળે છે. એ જ રીતે ગાયન- નર્તન – વાદન આદિ કથાઓમાં વિકાસ એકસાથે થતા હોવાના કારણે ગાયનની દ્રુપદ શૈલીમાં તાલ – લયાત્મકતા કથક નૃત્યમાં સ્પષ્ટરૂપે દ્રષ્ટિગોચર થાય છે. કથક શૈલીનાં ઈતિહાસ પર નજર નાખતાં દેખાય છે કે મુગલકાય સુધીની તેની મંઝિલ સુધીમાં કથકનું સ્વરૂપ અધિકતર કથાધારીઓમાં જ હતું, જેમને કાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ પ્રકારની સંગીતમય સંગત સાથે કથકને બહુ પ્રેમભર્યો અભિન્ન સંબંધ હતો, જે આજના કથકમાં જ સમાહિત છે.

મંદિર પરંપરાની સંગીતત્મકતા અસરો સાથે વિકસિત કથક નૃત્યની મુગલોની દરબાર પરંપરામાં રજૂઆત, એની અદા, એની પેશગી કાંઈક નિરાળી જ બની ગઈ. ઘણા વિદ્ધવાનો એને કથકની પડતી માને છે. તો બહુ જ મોટો વર્ગ એવું માનનારો છે કે અહીંથી કથક નર્તનનો નવો ઓપ, નવું સ્વરૂપ મળ્યું છે. દરબારી માહોલમાં સ્પર્ધાત્મકતાના કારણે કથક નર્તનમાં મહત્વનાં તત્વોનો વિકાસ થયો અને બહુ પ્રબળતાથી એક વિકસિત રૂપ નિખરવા લાગ્યું. મૂળ કથા કથન પર આધારિત કથકના અભિનયની મહત્તાનો પહેલું ક્રમશ ઓછું મહત્ત્વ પામતો ગયો અને કવિતા, દોહા, ભજન, દ્રુપદ, ધમાર આદિનું સ્થાન ‘ઠૂમરી’ ઉપશાસ્ત્રીય ગાનને તેની લચીલી ગાયનશૈલીને લીધે મળવા લાગ્યું. આરાધનાભાવ કે પૂજાભાવને સ્થાને શૃંગાર ભર્યા વિષયોનો સમાવેશ પરિવર્તનરૂપે રજૂ થવા લાગ્યો. અહીંથી ઠૂમરી અને કથકની જાન- પહેચાન વધી અને બંને એકબીજાના અતૂટ હિસ્સા સમાન બન્યા, જેમાં નવાબ વાજીદઅલી શાહનો અમૂલ્ય ફાળો છે. મહારજ બિંદાદિનજી રચિત ઠૂમરીઓ વિના કથકનો ભાવસંચાર સૂનો લાગે.

કથક નૃત્યના વ્યક્તિગત પ્રદર્શનમાં કોઈ તાલ પર વસ્તુક્રમાનુસાર ઠાઠ, આમદ, સલામી, પરન, તોડા-ટૂકડા, ચક્રદાર, તિહાઈ,તત્કાર, લડી આદિ કથકની રચના વિશેષ પ્રસ્તુત કરાતી હોય છે. આ પ્રસ્તુતિ દ્રારા કલાકારનું નર્તનસોષ્ઠવ, તૈયારી, લય-તાલ પરનું પ્રભુત્વ આદિ ગુણોનો રસિકજનોને પરિચય મળે છે. ત્યાર પછી રુચિ બદલાવ અને કલાકારને વિશ્રામ મેળવવા માટે અભિનયની પ્રસ્તુતિ કરે છે જે પ્રાય: ઠૂમરી દ્રારા હોય છે. ઠૂમરી શબ્દમાં ‘ઠૂમ’ અને ‘રી’ બે અંશ છે. ઠૂમ-ઠૂમકના અને રી- અંતરંગ સખીને પોતાના મનની વાત કહેવી. ઠૂમરી વિષય નાયિકાના અંતરમનની અસંખ્ય ભાવ લહેરીઓનું ચિત્રણ હોય છે. આ પ્રયોજન માટે કૌશિકી વૃત્તિનો આશ્રય લઈ જ્યારે સ્વર, ભાષા, તાક અને માર્ગનો પ્રયોગ થાય છે ત્યારે ‘ઠૂમરી’ નામના ગીતપ્રકારની સૃષ્ટિ રચાય છે. ઠૂમરી ખમાજ, પીલુ, માંડુ, ઝિંઝોટી, તિલંગ આદિ રાગરાગિનીઓમાં બાંધેલી હોય છે અને જે ઢ6ગથી આ રાગિનીઓની થોડો – બહુ સ્વચ્છંદ પર વિહિત વિદ્યાર્થી પ્રયોગ થાય છે તે ઢંગ કથક નૃત્યવિદ્યાના ભાવ- પ્રદર્શન માટે બહુ જ પોષક બની જાય છે. ઠૂમરીમાં દીપચ6દિ, પંજાબી, અદ્ધા, કહેરવા, દાદરા આદિ તાલ આ ગાયનશૈલીના લચીલાપણાને નિખારે છે. અને એથી જ કથક ભાવપ્રદશનને એક વિશિષ્ટ આયામ પ્રાપ્ત થાય છે. ચાંચર, ધમાર, હોરી, ચૈતી, કજરી, ઝૂલા આદિ ઋતુગીતોની સાથે વ્રજભાષાનાં કવિત્ત – સવૈયા – પદ પણ કથક નૃત્યના ભાવસૌંદર્ય નિરૂપણમાં સમાહિત છે, પર6તુ જે સ્થાન ભાવપ્રદર્શનની દ્રષ્ટિએ ઠૂમરીનું છે તે અન્યોન્ય છે.

૧૭મીથી ૧૯મી શતાબ્દીના અનેક ગ્રંથિમાં વૈશ્યાઓ દ્રારા ઠૂમરીઓ ગાઈને નૃત્યાભિનય કરવાનો ઉલ્લેખ મળે છે. ઠૂમરી ગાયકીની સ્વભાવગત સ્વછંદતા કથકના અભિનયભાવને બહુ ઊંચા આયામે લઈ જાય છે. લખનઉના રાજસી જીવનની ‘નફાસત’ અને ‘નાજુક મિજાજી’ કથક નૃત્યની ઠૂમરીઓમાં વિશેષ અદબ, નિરાળી સ્વસ્થતા, લોંચ, લાલિત્યભર્યા લચકીલાપણાને ચાર ચાંદ લગાવે છે. એ પ્રકારનો દૃઢ વિશ્વાસ લખનઉના પરંપરાગત નર્તકો – ગુરુજનોનો છે અને સ્વંયસિદ્ધ અનુભવ છે. એથી જ તો એને રસિકજન ‘ભાર્વોકા આયના’ અર્થાત ‘ભાવદર્પણ’ માને છે.

એવું કહેવાય છે કે મહારાજ બિંદાદિને લગભગ ૧૫૦૦ ઠૂમરીઓની રચના કરી હતી, જેમાંથી બસોત્રણસો ઠૂમરીઓ આજે પન પ્રચલિત છે. બિંદાદિનજીની ઠૂમરીઓ શૃંગારપરક પણ છે અને ભક્તિભાવપૂર્ણ પણ છે. નાયિકા – ભેદનું વિભિન્ન ચિત્રનિરૂપણ એમની શૃંગારિક ઠૂમરીઓમાં જોવા મળે છે. શૃંગારના બંન્ને પ્રકારો સંયોગ શૃંગાર અને વિયોગ શૃંગાર એ બંને અવસ્થાઓની ભાવ ભાવનાઓનો આવિષ્કાર ઠૂમરી ભાવમાં હંમેંશા નજર આવે છે – જેમકે

૧) ખંડીતા નાયિકા : નાયિકા રાતભર પ્રતિક્ષા કરે છે; વહેલી સવારેપતિ ઘરે આવતા શંકા – કુશંકા કરતી કહે છે ‘કાહે કોમેરે ઘર આયે હો.’

૨) વાસકસજ્જિકા: પોતાના લાડલા નટવર નાગર સાથે રાસ રમવા બધી ગોપીઓ સજીધજીને કઈ રીતે તૈયાર છે તે દર્શાવે છે. ‘સબ બન ઠન આઈ શયામ તેરી પ્યારી રે.’

3) ઉત્કંઠિતા: રંગરસિયા કનૈયા સાથે જ હોરી રમવાની કામના કરતી નાયિકાનું ભાવચિત્રણ જોવા મળે છે. ‘મેં તો ખેલૂંગી ઉન સે હી હોરી ગુઈયા.’

૪) વિપ્રલબ્ધા: વાયદા છતાં ન આવ્તા પ્રિયતમની યાદમાં તડપતી નાયિકાનું હદય દ્રાવક ચિત્રણ ‘બતા દે કૌન ગલી ગયો શ્યામ.’

મૂળભૂત રીતે બિંદાદિનજી કૃષ્ણભક્ત હતા તેથી પોતાના આરાધ્યદેવની રૂપ માધુરી તથા તેમના વિવિધ ક્રિયાકલાપોને તેમણે પોતાની ઠૂમરી વિષયો બનાવ્યા. આ ઉપરાંત એમણે અવધ-નિવાસી હોવાથી મર્યાદા પુરુષોતમ રામને પણ પોતાની રચનાપદશક્તિથી ભજ્યા.

ભાવ અભિનય દ્રારા ઠૂમરીમાં ભવરંગ ભરી દેવાનો કથકશૈલીમાં એક અનોખો નિરાળો જ ઠંગ છે, અંદાજ છે. આ ઠૂમરીઓ દ્રારા નૃત્યકાર પોતાની રચનાને લય – તાલ – સૂરોના કવચમાંથી બહાર કાઢી શબ્દ શક્તિનો ત્રણે સ્વરૂપો અભિધા, વ્યંજના અને લક્ષણા દ્રારા વિવિધ અર્થઘટનોથી સજાવી – સંવારી ખીલવે છે. અને રસિકજનોને મોહિત કરે છે. કથક ભાવ જગતમાં ઠૂમરી દ્રારા બેસીને ભાવ બતાવવાની એક વિશેષ પ્રથા હતી. આ શૈલીમાં એવા એવા તો ભાવપ્રવીણ ગુરૂઓ થઈ ગયા છે કે જેમની એક આંખ હસતી તો બીજી રડતી. સ્વં. પં. શંભુ મહારાજ, સ્વં. પં. લચ્છુમહારાજ, સવ.પં. નારાયણ પ્રસાદજી આવી મહાન વિભૂતિઓ હતા.

હવે આપણે કેટલીક વિશેષ પ્રસિદ્ધ ઠૂમરીઓનાં ઉદાહરણો જોઈએ. નવાબ વાદજીઅલી શાહ ‘અખ્તરપિયા’ અને ‘કેસરપિયા’ ના ઉપનામથિ ઠૂમરી લખતા એમની જગપ્રસિદ્ધ ઠૂમરી જે સાયગલે ગાયને અમર કરી છે.

‘બાબુલ મોરા નૈહર છૂટો હી જાય
ચાર કહાર મિલ મોરી ડોલિયા ઉઠાવે
મોરા અપના બેગાના છૂતો હી જાય
અંગના સૌ પરબત ભયા
ઔર દેહરી ભઈ બિદેશ
લે બાબુલ ઘર અપનોં નૈ પિયા કે દેશ’

બાબુલ અર્થાત પોતાના પિતા, પોતાના પિયરથી હંમેશા માટે દૂર થઈ સાસરે જતી નવવધૂ અથવા તો આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય લઈ પોતાના ‘પિયા’ તરફ અર્થાત ‘પરમાત્મા’ તરફ જતા આત્માનું ક્રંદન એમ બે પ્રકારના પ્રતીકાત્મક અર્થરસ આ ઠૂમરીમાં પ્રતીત થાય છે.

આ જ રીતે રાગ તિલકકામોદમાં નિબદ્ધ લખનઉના આ નવાબની ઠૂમરી જુઓ ‘નીર ભરન કૈસે જાઉં સખી અબ.’ એક એક ઠૂમરી વિવિધ ભાવરસોનું પાન કરાવે છે. બહુ ગહન ચિંતન અને હદયભાવોનો નિચોડ એમની રચનાઓમાં જોવા મળે છે.

એક વર્ગ કહે છે કે ‘પુરુષ’ ઠૂમરી ગાવાની ‘ટેકનિક’ પર ભલે અધિકાર સિદ્ધ કરી લે, પરંતુ તે નારીનો કંઠ નથી લાવી શક્તિ કે નથી તેની ભાવભરી આકૃતિ, અને એથી જ ‘ઠૂમરી’ સ્ત્રીઓએ જ ગાવી જોઈએ. જે કે આ વાતને કથક નૃત્યજગતમાં મહાન ગુરૂઓએ ખોટી સિદ્ધ કરી છે. એમનું ગાયન, એમનું નર્તન, એમનું ભાવપ્રદર્શન જુઓ તો ત્યાં તેમને સ્ત્રીભાવ કે પુરુષભાવ નહીં, પરંતુ ફક્ત આને ફક્ત ‘ભાવ’ જ દેખાય છે, અહીં દેહભાવની ખૂબી જ નજર આવે છે. સૂફીપંથ કહે છે કે ‘પુરુષ તો એક ઈશ્વર જ છે, બાકી બધી સ્ત્રીઓ છે.’ પ્રત્યેક જિવ ઈશ્વરરૂપી ‘પ્રિયતમ’ ને મળવા ઉત્સુક હોય છે અને એથી જ પ્રત્યેકે ઠૂમરી ગાવી જોઈએ.

આમ, કથક શૈલીનું ભાવપ્રદશન મૂળભૂત રીતે લોકજીવનની સ્વાભાવિક ગતિવિધિઓ પર આધારિત છે અને ઠૂમરીઓ એમાં વિશેષ પ્રાનતત્વ સમાન છે. જેમ કુશળ નર્તક પોતાની કલ્પનાશક્તિ, રચનાશક્તિ અને સર્જંનશક્તિ દ્રારા નવા- નવા અર્થભાવોની વ્યંજના કરે છે. ઠૂમરી દ્રારા વ્યક્ત થવું કથકનું ભાવસૌંદર્ય સહુથી વિરલ અને સહજ આકર્ષક છે. એથી જ તો ફલિત થાય છે કે ઠૂમરી કથકનું ‘ભાવદર્પણ’ છે.

આપનો પ્રતિભાવ આપો....