શકુનીની રોજનીશી (ભાગ ૧૫) ભીષ્મની ડિગ્રી – જીજ્ઞેશ અધ્યારૂ 4


સાયકલ સ્પર્ધામાં થયેલ જાહેર અવજ્ઞા પછી પણ દુર્યોધનના તૂટેલા પગને લઈને અમે ઈન્દ્રપ્રસ્થમાં જ પડી રહ્યાં. યુધિષ્ઠિરે અમને બધાંયને કામો સોંપી દીધેલા, રાજસૂય યજ્ઞમાં અમારી જરાય ઈચ્છા ન હોવા છતાં અમને ‘અપિ બલાત્કારેણ’ જોતરવામાં આવ્યા હોય એવું લાગ્યું, પણ પગભાંગલા દુર્યોધનને એ બહાને રાજસૂય યજ્ઞમાં રોડા નાખવા હતાં, એટલે એ પણ પડી રહ્યો અને અમે પણ.. વળી હસ્તિનાપુરના ઉપનગર અને અમારા એક અતિમહત્વના નગર એવા કંબોજના સંથાગારની સભા માટે ચૂંટણી પણ યોજાવાની હતી, એ બહાને અમારો પોતાનો પ્રચાર થાય અને અમે અમારા ઉમેદવારો પાંડવ પક્ષમાંથી શોધી શકીએ એ કાર્ય કરવા પણ અમે ત્યાં રહી પડ્યા.

જીજાશ્રી અને ભગિની સાથે ચીફ ઓફ આર્મી સ્ટાફ અને હોમ મિનિસ્ટર મહામહિમ કુરુવર ભીષ્મ, એરફોર્સ ચીફ દ્રોણાચાર્ય, મિનિસ્ટર ઓફ એક્સ્ટર્નલ અફેર્સ મહામહીમ વિદુરજી, મિનિસ્ટર ઓફ ડિફેન્સ મહામહીમ કૃપાચાર્યજી, મિનિસ્ટર ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ સંજય, સંથાગાર અધિપતિ અને મિનિસ્ટર ફોર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અશ્વત્થામા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશનના અધિપતિ અધીરથ અને અન્ય સ્ટાફ યજ્ઞના બે દિવસ પહેલા ઈન્દ્રપ્રસ્થ પહોંચી ગયો. આખાય કાફલા માટે પંચતારક ભવનોમાં ઉતારાની વ્યવસ્થાઓ કરાઈ હતી. મદ્ય અને ધુમ્રદંડિકાઓની વ્યવસ્થા કરવાની સી.ઓ.એ.એસ ભીષ્મજીએ મનાઈ કરી હોવાથી ઘણી તકલીફો હતી. તેમના આવ્યા બાદ અમે પણ અતિથિ ઉતાર ગૃહ (ગેસ્ટ હાઉસ) માંથી ભવનમાં શિફ્ટ થયા. કર્ણ સવારની તેની પૂજા કરવા અને સનબાથ લેવા સવારથી જ ઈન્દ્રપ્રસ્થના કિનારે આવેલ એક વૉટરફોલ પાસે ગયો હતો. મેં તેને વોટ્સએપ કરી દીધું કે અમે શિફ્ટ થયા છીએ. પણ એનો મોબાઈલ આઉટ ઓફ રીચ હશે, ડબલ બ્લ્યૂ ટિક થઈ જ નહીં. એને બપોર પછી એ સમાચાર મળ્યા, આમ તો એની આવવાની ઈચ્છા નહોતી પણ અતિથિ ઉતાર ગૃહના ભાડા માટે ટી.એ/ડી.એ ભીષ્મ અપ્રૂવ કરવાના હતા, એમ ન થાય તો એ દુર્યોધને ભરવું ન પડે એટલે એ આવ્યો.

કામની ફાળવણીમાં પણ અમને અસંતોષ રહ્યો.. ભીમને ફૂડ એન્ડ બેવરેજીસ ડિપાર્ટમેન્ટ અપાયું, નકુલને સ્ટોર કંટ્રોલ અને સહદેવને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, અર્જુનને સેલિબ્રિટી વેલકમ એન્ડ મેનેજમેન્ટ કમિટી તો કૃષ્ણને ગેસ્ટના પાદપ્રક્ષાલન કાર્યની ફાળવણી થઈ.. જો કે કૃષ્ણએ આ કામ પોતે જ માંગ્યુ હતું એવી વાત આવી. દ્રુપદપુત્રીએ ગેસ્ટને લંચ અને ડિનર માટે ભીમની સાથે પોતાના સેવક સેવિકાઓ દ્વારા સર્વિસ કાઉન્ટર સંભાળ્યુ, બધાએ યુધિષ્ઠિરને ગમે એ પ્રકારે કામ સંભાળી લીધા. મેં પણ સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં હાથ નાખવાની કોશિશ કરી પણ એ પહેલેથી જ મેનેજ થઈ રહ્યું હતું.. આખરે મને ભીષ્મજીએ એચએસઈ (હેલ્થ, સેફ્ટી એન્ડ એન્વાયરોમેન્ટ ડીપાર્ટમેન્ટ) આપ્યું.

સાંજે કૃષ્ણનું આગમન થયું તો જાણે વિદેશના કોઈ મહામહિમ આવી રહ્યા હોય તેમ યુધિષ્ઠિર જાતે તેમને વાયુરથ વિરામસ્થળ (એરપોર્ટ) લેવા ગયા અને પ્રોટોકોલ તોડીને તેમને ભેટ્યા, તેમનું અને રુક્મણીનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું, રસ્તાની બંને તરફ લોકો દ્વારિકા અને ઈન્દ્રપ્રસ્થના ધ્વજ લઈને લહેરાવતા તેમનું સ્વાગત કરી રહ્યાં. દુર્યોધન, કર્ણ અને હું પ્રસાદમાંથી એ સ્વાગત જોઈ રહ્યા. જીજાશ્રી ધૃતરાષ્ટ્ર પણ ભગિનિ સહ પ્રાસાદના દ્વાર પર સમગ્ર કાફલા સાથે કૃષ્ણનું સ્વાગત કરવા ઉભા હતા. કૃષ્ણ આવ્યા એટલે પાંડવો તેમની આગતા સ્વાગતામાં સતત તેમની આસપાસ જ ગોઠવાઈ રહ્યા. સાંજની ચા માટે કે રાત્રિના ભોજન માટે પણ અમને કોઈ પૂછવા ન આવ્યું. આખરે દુઃશાસન ડિસ્પોઝેબલ ડિશમાં જમવાનું લઈને ચારેક ધક્કા ખાઈ ગયો અને અમારા બધાને પાઉં સાથે વિવિધ કંદમૂળના પકાવેલા મિશ્રણવાળું ભોજન (ભાજી) મળી રહ્યું.

બીજા દિવસે કૃષ્ણએ પાંડવો સાથે મળીને બધા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું, એસ.એચ.ઈ હેડ તરીકે મેં યજ્ઞપંડિતને કાર્બન રહિત યજ્ઞ કરવા સૂચન કર્યું, આવનારા બધાય ગેસ્ટ માટે સેફટી શૂઝ ફરજીયાત કર્યા પણ મારા સિવાય કોઈએ ન પહેર્યા અને અધોવસ્ત્રની સાથે એ સેફટી શૂઝ જોઈને બધી સેવિકાઓ મનમાં મારા પર હસી રહી.

વત્સ દુર્યોધને યુધિષ્ઠિરના સારથીના અસિસ્ટન્ટ અને તેના ખજાનચીના સાળાને કંબોજની ચૂટણીમાં અમારા તરફથી લડવા સારી એવી રકમ ઑફર કરી અને એ બંને પક્ષપલટો કરવા તૈયાર થઈ ગયા એ આનંદના સમાચાર મને કર્ણે આપ્યા. યજ્ઞ શરૂ થયો એ પહેલા સી.ઓ.પી.એસ ભીષ્મજીએ યજ્ઞનો ગેસ્ટ ઑફ ઑનરનો પદભાર કૃષ્ણને જાહેર કર્યો. વત્સ દુર્યોધનની ઈચ્છા હતી કે એ ઑનર મને મળે એટલે એણે ઉભા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો પણ જેમ ભવિષ્યકાળમાં એક સાયલન્ટ મોડ પરના પ્રધાનમંત્રીની વાત કોઈ સાંભળવાનું નથી એમ એની વાત પણ કોઈએ સાંભળી નહીં. લોકસભાની પ્રેક્ટીસથી મજબૂર દુર્યોધને પાસેથી લઈને માઈક મંચ તરફ ફેંક્યુ, પણ કૃષ્ણએ તેને કેચ કરી લીધું, તરત મિડીયાએ લાઈવ કવરેજનું ફોકસ દુર્યોધન પર કરવા માંડ્યું, અફરાતફરીનો માહોલ જોઈને ભીષ્મએ ઉભા થઈને સભાને શાંત પાડી અને વત્સ દુર્યોધનને બેસવા આજ્ઞા કરી. પછી તેમણે દુર્યોધનને તેના કૃષ્ણના વિરોધનું કારણ પૂછ્યું,

પણ દુર્યોધન કંઈ બોલે એ પહેલા તો આર્ય શિશુપાલે ઉભા થઈને કહ્યું, “હે ભીષ્મ, અન્યો પરત્વેની તમારી અંધ લાગણીથી ગ્રસિત થઈને તમે રક્તસંબંધે બંધાયેલાઓને આહત કરી રહ્યા છો આર્ય, આ કૃષ્ણને તમે જે સન્માન આપો છો એ તો સર્વથા અયોગ્ય જ છે, પણ એથી પહેલા આ સન્માન એને આપવાનો અધિકાર તમને કોણે આપ્યો? તમારી પોતાની બેચલર્સ ઑફ કોમર્સની ડિગ્રી બોગસ છે અને યુનિવર્સિટી ઑફ ગંગા નામની કોઈ સંસ્થા છે જ નહીં જેની ડિગ્રી તમે બતાવતા ફરો છો.. આ રહી એ આર.ટી.આઈ જેના પરથી સ્પષ્ટ છે કે તમારી ડિગ્રી બોગસ છે..”

કૃષ્ણ ગુસ્સે થઈને કંઈક બોલવા જાય એ પહેલા ભીષ્મ ખૂબ શાંત ભાવે બોલ્યા,

“વત્સ શિશુ, મારી ડિગ્રી વિશે કોઈ સ્પષ્ટતા કરવાની મારે જરૂર નથી કારણ કે યુનિવર્સિટી ઑફ ગંગા જવા માટે ઋષિકેશના લક્ષ્મણ ઝૂલાના પિલર નંબર ત્રેપનમાંના દરવાજામાંથી જવુ પડશે પણ તારા જેવા અશુદ્ધ મનના લોકો એને શોધી શક્શે નહીં. અને અન્ય સર્વે સભાસદોને મારે વિનંતિ કરવાની કે..

ગાલિબ ડિગ્રી રાખીયે, સદા સાથ ચિપકાય,
કા જાને કિસ મોડપે, શિશુપાલ મિલ જાય..”

પણ આર્ય શિશુપાલથી ભીષ્મનો આ જવાબ સહન ન થયો..

* * *

સોરી, પાવર ગુલ થઈ ગયો છે એટલે ડાયરી આજે અહીં જ અટકાવું..

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ અહીં ક્લિક કરીનેવાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો પંદરમો ભાગ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૫) ભીષ્મની ડિગ્રી – જીજ્ઞેશ અધ્યારૂ