ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી 2


૧. જિંદગી, તું ખૂબસૂરત છે! – ડો. હેમાલી સંઘવી

જિંદગી, તું ખૂબસૂરત છે.
એક્દમ મસ્ત છે…
હું રોજ પ્લાન કરું છું તારાથી
બહેતર બનવાનો
પણ તું મને રોજ સરપ્રાઈઝ કરે છે
સસ્પેન્સ સિરિયલની જેમ
તું અજીબ twist લઈ આવે છે.
ડાળી પર ફૂટતા નવા
ફૂલની જેમ રોજ તું ખીલતી જાય છે.
કાલના જૂના સૂર્યાસ્તને ભૂલી
તું આજના નવા સૂર્યોદય સાથે ઉગી જાય છે.
મહેંદીના પાંદડાની જેમ
પીસાઇને રંગ ચડાવતી જાય છે.
રોજ મને મળીને
થોડીક યાદો મારા ખાતામાં ઉમેરી જાય છે.
મારી અંદર તું રોજ એક
હસીન અહેસાસ ભરી જાય છે.
મને તો સમજાતું નથી
તું રોજ મારી જૂની જિંદગી મિટાવવા આવે છે
કે પછી મારી નવી જિંદગી સજાવવા આવે છે.
જિંદગી, તું બહુ અજીબ છે…
હા, એટલે જ તો તું ખૂબસૂરત છે.

૨. બા – વિપુલ પટેલ “તોફાન”

મારી બા
એ ચૂલો ને
લાકડા ફૂંકતી
મારી બા,
એ ઘરનું આંગણું ને
મનનો કચરો સાફ કરતી
એ દિવા પ્રગટાવતી ને
જીવનને જ્યોત દેતી
મારુ દફતર તપાસતીને
પાઠ સંસ્કારના ભરતી
એ દાંતિયો લઈને
મારુ જીવન સજાવતી
એ સોટી લઈને
સમાજના ઘડિયા ગણાવતી
મારી બા,
એ તહેવારે ગીતો ગાતીને
શીખવતી દુઃખને સુખથી જીરાવતી
મારી બા,
આજે નથી
ને
તોયે છે મારા વિચારોને સજાવતી
મારી બા.

૩.

એ કોણ મારાં શમણાં આડે આવીને અથડાય છે
ખુલ્લી આંખે આવો ને શું પાંપણથી ગભરાય છે

હથેળી ખોલી જોયું તો પંજામાં લાલ ગુલાબ હતું
કોણ આવી સૂતા સાપની પૂંછ અમળાવી જાય છે

કાળ અંધારી રાતમાં નહિ આવો છાનામાના તમે
જંપીને તો સુવા દો અમારી શાન પણ મૂંઝાય છે

સવારને શું મોં બતાવીશ, દીદાર કેમ આવો કર્યો
શરમ હોય તો રોકી રાખો મારી આબરૂ લુંટાય છે

કાળમીંઢના પાણા જેવા નશીબ લઈને હું જીવું છું
પૂનમ જેવી રાત છે, પણ રોજ અમાસ દેખાય છે

ઊંઘવાનું નશીબ નથી ને ચિતને પણ ચૈન નથી
શમણાઓની મોજ માટે રસમંજનની જાન જાય છે

– રમેશ ચાંપાનેરી

૪.

અમે તો રહ્યા હથેળીના માણસ, ટેરવાંથી મળવાનું નહિ ફાવે
ભીની આંખે ભેટી લો, અમને આ રૂસણા-મનામણા નહિ ફાવે

અહી આનંદનો મેળો ઝામ્યો છે, આવો તમને સમાવી લઈએ
જે મળે તે વહેંચી લઈશું, એકલાને તો સ્વર્ગ પણ નહિ ફાવે

મહેક વગરના બાગ બનાવી,પોકળ મોટાઈ બતાવવી નથી
પ્લાસ્ટીકના સંબંધો શું ધોઈ પીવાના, હેલ્લો-ફેલ્લો નહિ ફાવે

ફળદ્રુપ છે યાર હૃદય અમારું, એકવાર ટકોરા તો મારી જુઓ
આવી પડો ને આંખે વસો, ખાલી વચન ને વાયદા નહિ ફાવે

તમે આવો તો બદલાય જાય, કદાચ હસ્તરેખાઓ હથેળીની
મોટા મનથી જ એકવાર બોલો, મૂંગામંતર રહો તે નહિ ફાવે

કુદરત પણ હવે મૂંઝાય છે, કે મારો પણ મારાં વશમાં નથી
હાંક મારતો જા રસમંજન, તમે વિશ્વાસ ગુમાવો તે નહિ ફાવે.

– રમેશ ચાંપાનેરી

આજે પ્રસ્તુત છે સર્જકમિત્રોની કુલ ચાર કાવ્યરચનાઓ. ડો. હેમાલી સંઘવીનું સુંદર અછાંદસ છે “જિંદગી, તું ખૂબસૂરત છે!” અને વિપુલ પટેલ “તોફાન”નું સુંદર અછાંદસ છે “બા” તો સાથે સાથે શ્રી રમેશભાઈ ચાંપાનેરીની બે કાવ્યરચનાઓ પણ પ્રસ્તુત છે. ત્રણેય મિત્રોનો અક્ષરનાદને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી