મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ 3


શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો.

આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.

***

માધ્યમિક શાળાનાં પહેલા દિવસે, જયારે નવી સ્કૂલ, નવા શિક્ષકો, નવો અભ્યાસ, બધું જ નવું મળ્યું ત્યારે એક મિત્ર પણ નવો મળ્યો. શરૂ શરૂમાં ટુંકો વાર્તાલાપ થતો. પણ પછી અમારા બંનેના વાંચવાના શોખની સામ્યતાને કારણે એ મારો કાયમી સાથી બની ગયો.

એ મિત્રની આર્થિક પરિસ્થિતિ પણ સાવ સામાન્ય. બે રૂમ – રસોડા વાળું નાનકડું ઘર એનું રહેઠાણ. આ વાતની જયારે મને જાણ થઈ ત્યારે મને આપણા દેશની સાચી સ્થિતિ સમજાઈ હતી.

શરૂઆતમાં તો મને એ સામાન્ય મિત્રતા જ લાગી. એ વો કોઈ ખાસ સંબંધ પણ નહોતો. એ પછી હું એને મારા વસાવેલા પુસ્તકો માંથી અમુક સારાં એવા એણે વાંચવા આપતો. જાણે કોઈને સામેથી જ સોનાની લગડી મળી જાય અને એના ચહેરા પર જે ખુશી મલકાય એવી જ ખુશી રાજ (હવેથી એ મિત્રને રાજ કહીશું) એના ચહેરા પર હું જોતો. મને પણ ખૂબ જ આનંદ થતો. પછી તો આ જ ક્રમ ચાલે. એ મને પૂછે, ‘અલ્યા, કોઈ નવી બુક આવી છે ? આવી હોય તો કેજે હો…’ એની ઉત્સુકતા આગળ મારું કઈ જ ચાલે નહી અને હું એકાદું પુસ્તક એને આપી દઉં. પુસ્તકનાં બદલામાં એનાં મુખ પર જે આભારભાવ સમું નિખાલસ સ્મિત ફરી જતું એ આજે પણ યાદ આવે છે.

એ વખતની મારી ખૂબ જ મોટી ભૂલને કારણે મેં (સુરેન્દ્રનગરની) એક સરકારી – ખખડધજ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક અભ્યાસનું એડમિશન લીધેલું. સ્કૂલમાં વાંધો નહોતો, પણ શિસ્ત પાલન નબળું હતું. વિધાર્થીઓ ભણ્યા વગર સ્કૂલમાંથી રફુચક્કર થઈ જતાં. પાર્થ(મારો બીજો મિત્ર) પણ મારી સાથે પડછાયાની માફક રહેતો. મારી સંગતે એણે પણ એ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. આથી ઘણીખરી વાર, જયારે એવું નક્કી થાય કે ‘આજે સ્કૂલ બંક મારીને ભાગી જવું છે…’ ત્યારે પાર્થ ઝડપથી, કોઈની નજરે ન ચડાય એ રીતે અમારા બંનેના દફતર લઈને બહાર – ગેટ પાસે મૂકી આવતો. હું જાણે કંઈ જ નથી બન્યું એવા ભાવો પ્રદર્શિત કરીને ધીમે – ધીમે ગેટ તરફ સરકી જતો. આ કામગીરી ફક્ત રિસેસ સમયે જ થતી, જેથી ત્યાંથી વહેલા આવીને ઘરે વધારાનું વાંચન કરી શકાય. (જે કોઈ વખત શક્ય બન્યું નથી!)

ઘણીખરી વખત ઘરે જવાનું ટાળીને હું અને પાર્થ નજીકના પાણી-પુરી સ્ટોલ પર સમય ગાળતાં. એવામાં વળી જીભ લલચાય ને બે-ત્રણ ડીશ પાણી-પુરીનો ઉલાળીયો થાય તો નવાઈ નહોતી !

મારી અને પાર્થની વચ્ચે ઝઘડા પણ ખૂબ જ થયેલા. એક વાર તો અમે રીતસરનાં ઝપાઝપી ઉપર પહોચી ગયેલા. એક બીજાનાં ચહેરાં હવે પછી નહી જોવાના સમ ખાઈને એક બીજાથી દૂર ચાલ્યાં ગયાં. એ વખતે હું ઘરનાં એક ખૂણામાં જઈને રડ્યો હતો. મારા નસીબને દોષ દીધાં કે ‘આવી પાયાવિહોણી મિત્રતા મળી… મારી જિંદગી બગડી…’ અને એ જ દિવસે મારે પરિક્ષા આપવા સ્કૂલે જવાનું હતું ને બરાબર મારું સ્કૂટી બગડ્યું. સમયના અભાવે રિક્ષા કરવાનો પણ ટાઈમ નહોતો. હું મુંઝાયો. ત્યાં બે-ત્રણ મિનીટમાં જ બાઈક ઉપર પાર્થ આવી પહોંચ્યો, ‘ચાલ પરમ ! જલ્દી બેસ. આપણને મોડું થાય છે…’ એણે સાવ સહજ ભાવથી કહ્યું. હું આશ્ચર્ય સાથે ખચકાટ અનુભવતો એની પાછળ ન-છૂટકે બેસી ગયો. એ વખતે પાછળથી મને ખબર પડી કે મારા પપ્પાનાં માત્ર એક કોલથી પાર્થ દોડતો મને લેવા આવ્યો હતો ! મેં પાર્થની ખરા હ્યદયથી માફી માગી હતી. મને ખૂબ જ અફસોસ થયો, પણ એ માત્ર એટલું જ બોલ્યો, ‘આવું તો ચાલ્યા રાખે લ્યા…! એમાં માફી કે અફસોસ, કોઈની જરૂર નથી.’

આવા ઝઘડા ઘણી વાર બને. પછી અબોલા લેવાય અને બે – ત્રણ દિવસમાં તો ફરી એક સાથે થઈ જતાં.

ત્રીજો મિત્ર પણ હતો. શાંત પાણી જ જોઈ લો. પણ પેલી કહેવત “શાંત પાણી ઊંડા ઘણા” માફક એ ખૂબ જ ઊંડો હતો. હોંશિયાર પણ ઘણો. એને મારી જેમ લખવાનો શોખ હોવાથી એ મારા સંપર્કમાં આવેલો.

અમે અવાર-નવાર શહેર(સુરેન્દ્રનગર)થી દૂર આવેલા ‘ધોળીધજા ડેમ’ ફરવા નીકળી પડતાં. બપોરનો સમય હોય, પ્રકૃતિનાં તત્વો અને અમારા ચાર સિવાય એક પણ માનવતત્વ ન હોય ત્યારે ડેમની પાળી ઉપર બેસીને કલાકો સુધી અલક-મલક ની વાતો કર્યા કરતાં એ પણ કદી ભૂલાતું નથી.

ઘણીવાર કોઈ કામની અગત્યતા હોય, કોઈ મિત્રની તબિયત નાદુરસ્ત હોય ત્યારે પણ બાકીનાં મિત્રો દોડતાં આવી જાય. મારાં તો કેટકેટલાં અગત્યનાં કામો ‘તું આરામ કર, હું કરી આવીશ…’ એવું વિશ્વાસપૂર્વક કહીને પાર્થ જ કરી આવતો. આવો “પાર્થ” તો ખરેખર જ મારા માટે “સવ્યસાચી” અર્જુન હતો. હતો નહીં, બલ્કે છે.

ઘણીવાર એવું પણ બનતું કે નવરાશનો સમય હોય ને ક્યાંક નજીકમાં ફરવા જવાનો કે રેસ્ટોરન્ટમાં ડીનર કરવા જવાનો મિત્રોએ પ્લાન બનાવ્યો હોય, તો તેઓ કહે કે, ‘ઘરેથી પરમિશન લઈને જ આવજો…’ પણ ઘણા સંજોગોમાં મને ઘરેથી આવી કોઈ જ પરમિશન મળતી નહીં, ત્યારે છેવટે જવાનાં એક-બે કલાક પહેલાં ત્રિપુટી મારા ઘરે આવી જતી અને એક પછી એક જણ કંઈના કંઈક ગતગડાં કરીને મમ્મીને સમજાવે. આખરે એમની ભોળી વાતોમાં મમ્મી ફસાઈ જતી અને મને મારા મિત્રોની સાથે બહાર ફરવા જવાની પરમિશન મળી જતી.

મિત્રોની સામે હું કોઈ જ વાર મારાં ખિસ્સાં સામે જોતો નહીં. સામે એ લોકોનું પણ એવું જ રહેતું. એકબીજા વચ્ચેનો સંપર્ક ક્યારેય પણ વિચ્છેદ નથી થયો અને એટલે જ કદાચ આજે પણ અમારો નાતો અકબંધ જળવાઈ રહ્યો છે !

***

મિત્રો ! તમારા જીવનમાં – મારી પાસે છે એના કરતાં પણ વિશેષ દોસ્તી તથા એને નિભાવનાર દોસ્તાર રહેલા હશે. પણ આજે મારી જ યાદો જણાવી દીધી.

આ લખી રહ્યો છું ત્યારે જ એક મિત્રનો ફોન આવે છે કે ‘પાર્થનો અકસ્માત થયો છે… સલામત છે અને બે ફ્રેકચર આવ્યા છે…’ એ જ પળે મારું હ્યદય એક-બે ધબકારા ચૂકી જાય છે અને હું તરત જ, એજ ક્ષણે પાર્થને ફોન કરું છું. સામે છેડે પાર્થનો એ જ પરિચિત અવાજ કાનમાં ઠલવાય છે ને… હાશકારો થતાં જ હ્યદયના ધબકારા નિયંત્રિત થઈ જાય છે!

– પરમ દેસાઈ
ડી-૧૦૨, સ્પંદન સોસાયટી, સમતા-અરુણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા.
(મો. ૮૪૬૯૧૪૧૪૭૯)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ