ત્રણ કાવ્યો.. – રધુવીર ચૌધરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. નિરંજન રાજ્યગુરુ 4


(‘ગુજરાત’ દિપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર)

 સામે અને સાથે – રધુવીર ચૌધરી

તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.

જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે?
જતાં ડાબે એ વળતાં જમણે.

કોઈક વાર અથવા ઘણી વાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે,

અંધારી અશ્વની આંખને
દીશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…

હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શીવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રાતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

 જોતો રહ્યો – રાજેશ વ્યાસ મિસ્કીન

એક મુંઝારો નિરંતર દેહમાં જોતો રહ્યો,
સાવ ભૂખ્યો ડાંસ અજગર દેહમાં જોતો રહ્યો.

બ્હાર શેરીમાં ભટકતો સાવ પાગલ શખ્સ એ,
આંખ જ્યાં મીંચું હું અકસર દેહમાં જોતો રહ્યો.

દેહ જો ના હોત એની થાત ઓળખ કઈ રીતે,
હું હંમેશાં દોસ્ત ઈશ્વર દેહમાં જોતો રહ્યો.

આમ ટીપું આમ મોટા રણ સમો લાગ્યા કરું,
રોજ સૂકાતો સમંદર દેહમાં જોતો રહ્યો.

દેહ છે ત્યાં લગ બધા સંબંધ ને સંસાર આ,
હું બધા પ્રશ્નો ને ઉત્તર દેહમાં જોતો રહ્યો.

કોણ આ મિસ્કીન થઈને ઠોકરો ખાતું ફરે,
માહ્યલો સાબૂત સદ્ધર દેહમાં જોતો રહ્યો.

– રાજેશ વ્યાસ મિસ્કીન

 ખુલ્યાં અજાયબ તાળાં – ડૉ. નિરંજન રાજ્યગુરુ

અવકાશ ભીતરનો અને અવકાશ ચોગરદમ રમે,
અવકાશની અંદર ખૂલે તાળાં અજાયબ આ સમે

અણખૂટ ધારા રેશમી પીડા તણી ઝીણી રહું,
નિમીલિત નેણાં નિરખતા કીડી બિચારી ક્યાં ભમે.
હો મીન મારગ કે થયો પંખી તણો પંથી સખા!
તન તંબુડામાં રસ અહોનિશ ઝરમરે ને ઝમઝમે

અવકાશ ભીતરનો અને અવકાશ ચોગરદમ રમે,
અવકાશની અંદર ખૂલે તાળાં અજાયબ આ સમે

એ હૂંફ કોની, કોણ વાગે, કોણ સુનતા, કોણ બકતા?
કોણ કોને કરગરે? અવકાશ આખો ધમધમે.
ભીતરી ભંડાર ભાળી ચકિત ને ચકચૂર થ્યો,
શું ભાસ છે? આભાસ છે? આ ઢોલ અનહદ ઢમઢમે.
ખાલી બધું ભરપૂર થાતું ને ભરેલું શૂન્યવત
કાળની સંદુકમાં શંકા કુશંકા છે શમે….

અવકાશ ભીતરનો અને અવકાશ ચોગરદમ રમે,
અવકાશની અંદર ખૂલે તાળાં અજાયબ આ સમે

– ડૉ. નિરંજન રાજ્યગુરુ


4 thoughts on “ત્રણ કાવ્યો.. – રધુવીર ચૌધરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. નિરંજન રાજ્યગુરુ