શૅર ધ લોડ – આરોહી શેઠ 8


હમણાં થોડા સમયથી ઍરિયલ ઈન્ડિયાની જાહેરાત આવે છે. શૅર ધ લોડ. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક જાહેરાત છે. એક પિતા પોતાની પુત્રીના ઘરે જાય છે અને જુએ કે પોતની લાડકવાયી કેટલી મોટી થઈ ગઈ છે. ઘરના બધા કામ સંભાળે છે સાથે નોકરી પણ કરે છે, તેનો પતિ પણ નોકરી કરે છે! ..ફક્ત નોકરી જ કરે છે.

બીજી જ ક્ષણે પિતાને અહેસાસ થાય છે કે વર્ષોથી પોતાના ઘરમાં પણ તો આ જ થઈ રહ્યું છે. તે દિલથી પોતાની દીકરી અને પત્ની પાસે માફી માંગે છે અને ભવિષ્યમાં ઘરે જઈને મદદ કરવાનુ વચન આપે છે. આ ખાલી જાહેરાત નથી, આપણા સમાજનું પ્રતિબિંબ છે. આપણી આસપાસ નજર કરીએ. આજ તો થઈ રહ્યું છે. ઍડમાં જે લોડ છે તે ખાલી લોન્ડ્રીનો નથી. જિંંદગીનો લોડ (ભાર) શૅર કરવાની (વહેઁચવાની) વાત છે.

ભારત હવે મૉર્ડન થઈ રહ્યું છે. મૉર્ડન નથી માત્ર માઈન્ડસેટ (માનસિકતા). આજે પણ આપણે ત્યાં જેન્ડર ઈક્વાલિટી નથી. એનુ કારણ એ છે કે સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ થવા લાગી છે, પણ પુરુષને સ્ત્રીની સમકક્ષ થતા આજે પણ નથી આવડ્યુંં. લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ છે આપણી.. મોટાભાગના ઘરમાં હવે સ્ત્રીઓ જોબ કરવા લાગી છે. જવાબદારીઓ વધી છે. જોઇન્ટ ફેમિલીની પ્રથા નાબૂદ થવા લાગી છે. આવા સમયે તેની પડખે આવીને ઉભી રહે એવી એક જ વ્યક્તિ છે અને એ છે તેનો બેટર હાફ એટલે કે પતિ.

પતિની જવાબદારી ખાલી કમાવા પૂરતી સીમિત નથી. નાના નાના કામોમાં યોગદાન આપીને પત્નીનો ઘણો સમય બચાવી શકાય છે. ઘણાં પુરુષોને એમ થતુ હોય કે મને તો ઘરકામ કરતાં આવડતું જ નથી. ઍરિયલની ઍડ મુજબ લોન્ડ્રી કરી શકાય, કપડાંને ગળી કરાય, ઑફીસ થી આવતા ગ્રોસરી કરી શકાય. ટી.વી. જોતા જોતા શાક સુધારી શકાય. એક કામ એવું પણ છે જે પતિએ ન કરવુંં. ઑર્ડર આપવાનુંં.. પોતાનુ કામ જાતે કરવાનો આગ્રહ રાખો. પાણી તો જાતે લેવાય જ!

પશ્ચિમના દેશોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. હું મારા સહકર્મી સાથે વાત કરતી હતી. વાત વાતમાં જાણવા મળ્યુ કે તેમના ઘરે જમવાનું બનાવવાના દિવસો નક્કી કરેલા છે. એટલે કે વારો આવે.. પતિ વ્યસ્ત હાય ત્યારે પત્ની કુક કરે અન પત્નીની વ્યસ્તતા પતિ સાચવી લે. જવાબદારી સમજવી અને ઉપાડવી એમાંં તફાવત છે.

આપણા દેશમાં પહેલેથી છોકરીઓને ઘરનાં કામ કરતાં શીખવાડવામાં આવે છે. રસોઈ તો આવડવી જ જોઇએ. આ બધા નિયમો આપણે જાતે બનાવ્યા છે. છોકરીઓ જ કેમ? શું આજ આગ્રહ આપણે છોકરાઓ પાસે રાખીએ છીએ? સમય આવી ગયો છે.. શું ખબર ભવિષ્યમાં એવી છોકરી મળે જે અતિ વ્યસ્ત હોય!

કામનુંં વર્ગીકરણ આપ્ણાં દેશમાં વર્ષોથી થતુ આવ્યું છે. અમુક કામ છોકરીઓએ જ કરવાના. અમુક કામ છોકરા જ કરી શકે. કેમ આપણે બંનેની એકસરખો ઉછેર નથી આપી શક્તા? ૨૧મી સદીમાં પણ આપણી આ કંગાળ હાલત માટે જવાબદાર આપણે પોતે છીએ. દરેક પરિવારે પોતાનાથી શરૂઆત કરવી પડશે. ઘરના કામમાં છોકરાઓને શામેલ કરો.

છોકરીઓએ પણ જાતે સમજવાની જરૂર છે કે તે પોતે સોશિયલ સ્ટેટસ નથી. જો ઘરમાં પતિની મદદ મળતી ન હોય તો માંગતા શીખવું જોઈએ. પતિને ઘરના કામમા ઇન્વૉલ્વ કરવા જોઈએ. કામ કરવાથી કોઈ નાનુંં નથી થઈ જતુંં, બલ્કે માન વધે છે. સાથે કામ કરવાથી ઓછા સમયમા વધારે કામ કરી શકાય છે અને વધારાનો સમય સાથે મનગમતી પ્રવૃતિઓમાં ફાળવી શકાય છે..

ઘણા પરિવારમાં નિર્ણય લેવાનો અધિકાર આજે પણ ખાલી પુરુષને જ છે. પિતા, પતિ કે ભાઈની ઈચ્છા વિરૂદ્ધ કંંઇ થઈ જ ન શકે, બધામાંં મંજૂરી લેવી જોઈએ. સ્ત્રીઓને બેન્ક-બેલેન્સ અને રોકાણની અતિ-મહત્વની જાણકારીઓથી અજાણ રાખવામાં આવે છે. આ ખોટી બાબત છે. પત્ની સાથે બધુ જ શેર કરો. મુશ્કેલીના સમયે કામ આવશે અને તે આત્મનિર્ભર બનશે. તને શું ખબર પડે એમ કહી વાતને ઉડાવી ન નાંંખો. આખું ઘર ચલાવે છે, તેને સમજણ છે. પતિ જે પૈસા આપે છે તેમાંથી ઘરનું બજેટ પત્ની બનાવે છે અને મુશ્કેલીમાં રસોડાનીજ કોઈ ખાનગી જગ્યાએ છુપાવેલ વધારાની બચત મળી જાય છે. પત્નીનો ફક્ત હાથ પકડો, પાંખો તે જાતે ફફડાવશે. ઉડવુ બધાને હોય છે, જરૂર છે આકાશની.. પાંખોની..

– આરોહી શેઠ
Arohi1309@gmail.com


Leave a Reply to gopalkhetaniCancel reply

8 thoughts on “શૅર ધ લોડ – આરોહી શેઠ