દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૧) – નીલમ દોશી 7


પ્રકરણ ૧૧ – અદીઠ ભયના વાદળો…

“કદી પળ વીતાવવી મુશ્કેલ હોય છે.
બાકી યુગોમાં વીતવું સહેજે નવું નથી..”

Dost Mane Maaf Karish ne

ઇતિ, અનિકેત સિમલા પહોંચ્યા તો ખરા. પરંતુ સિમલાની ગુલાબી ઠંડીમાં ત્યાંના લીસા, પહોળા, અદભૂત માલ રોડ પર જીવનસાથીની સાથે ટહેલતાં એ ભવ્ય સૌન્દર્યમાં પણ ઇતિને કોઇ રંગીનીનો અનુભવ ન થયો. એ ઠંડક તેને શીતલતા ન જ અર્પી શકી.

આમ તો કુદરતના આ અદભૂત સૌન્દર્ય પાછળ ઇતિ દીવાની હતી. બીજો કોઇ દિવસ હોત તો નાના બાળકની માફક તે ચહેકી ઉઠી હોત. પરંતુ આજે સામે દેખાતા આ રમણીય નજારાએ, એ ધવલ, ઉત્તુંગ શિખરોએ ઇતિને આમંત્રણ ન આપ્યું કે પછી ઇતિ તે આમંત્રણનો એહસાસ ન કરી શકી ? વાતાવરણ તો બદલ્યું. પરંતુ મનની ઋતુ કયાં બદલી શકી હતી ? લાલચટ્ક ગુલમહોર પણ સાવ ફિક્કો ફસ. મનમાં જ ટહુકાઓનો તોટો હોય ત્યાં સંગીત કેમ ગૂંજે ? ભરચક રોશનીની ઝાકઝમાળમાં પણ ઇતિને તો ઘેરા અન્ધકારની જ અનુભૂતિ કેમ થતી હતી ?

આંખ ફરતે છવાતાં પાતળા ઝાકળમાં કોણ છવાતુ જતું હતું ?

સમય આકાશમાંથી આ કઇ ઉદાસીની ક્ષણો વરસતી હતી..? તે સિમલામાં હતી. તે યાદ રાખવું પડતું હતું. ઇતિના વારંવાર કહેવાથી અરૂપે ઇતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતાં પણ કયારેય લાગ્યો જ નહીં. અને પછી અરૂપનો મુડ જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.

અરૂપ માટે તે એટલું તો કરી જ શકે ને ?

પરંતુ અરૂપ માટે ઇતિ પોતાનો મુડ તો લાખ પ્રયત્ન કર્યા પછી પણ ઠીક ન જ કરી શકી.અંદર શું ખૂંચતું હતું. એ સમજાતું નહોતું. પણ સતત એક બેચેની..એક અજ્ઞાત ભય તેના મનને ઘેરી રહ્યા. .

તેના અસ્તિત્વમાં અજંપાનું એક પૂર ઉમટયું હતું. અરૂપ તેને ખુશ કરવાના પ્રયત્નો કરતો રહ્યો. પણ ઇતિનું ધ્યાન જાણે ફકત કેલેન્ડર પર જ હતું. આ પાના જલદી ફરતા કેમ નહોતા ?

તે રાત્રે ઇતિને ધ્રૂજતી જોઇ અરૂપે પૂછયું,

’ઇતિ, ઠંડી લાગે છે ? બારી બંધ કરું ? ‘

’ના, ના… કશું બંધ નહીં….. પ્લીઝ….’

ઇતિ જલદીથી બોલી ઉઠી. કોણ જાણે કેવી યે વ્યાકુળતા ઇતિના અવાજમાં હતી. અરૂપને આશ્ર્વર્ય થયું. બારી બંધ કરવા જેવા સામાન્ય પ્રશ્નમાં ઇતિ આમ એકદમ વિહવળ કેમ બની ઉઠી ? તેણે ઇતિ સામે જોયું.

ઇતિએ પડખું ફેરવી લીધું હતું. જાગતી હતી કે ઉંઘી ગઇ હતી એ અરૂપને સમજાયું નહીં.

બીજે દિવસે સવારથી ઇતિને તાવ હતો. તેને સખત ઠંડી ચડી હતી. શરીર અને મન બંને ધૂજતા હતાં. અરૂપે ડોકટરને બોલાવ્યાં હતાં. અને પોતે તેને કોલનવોટરના પોતા મૂકી રહ્યો હતો. ઇતિ મનોમન ગીલ્ટી ફીલ કરતી હતી. અરૂપ કેટલી હોંશથી પોતાને અહીં લાવ્યો છે. અને પોતે આમ…?

’અરૂપ, સોરી…મારે લીધે તારી કોઇ હોંશ પૂરી ન થઇ શકી. ’

’ઇતિ,મારે તો તું જલદી સારી થઇ જાય એટલે બધું આવી ગયું.’ ઇતિ કયારેક ઘેર ફોન કરવાનું કહેતી..

’ના, ઇતિ, તારે ઘેર અત્યારે ફોન કરીને મારે તેને તારી માંદગીના સમાચાર નથી આપવા. નાહકની તેમને પણ ચિંતા કરાવવી ? એક્વાર તું સાજી થઇ જાય..પછી બીજી બધી વાત…..’

ઇતિને થયું, અરૂપની વાત તો સાચી છે. મમ્મીને કેટલી ચિંતા થાય..? આમ પણ મમ્મીનો સ્વભાવ ચિંતાવાળો છે. અને હવે તો તેમની પણ ઉમર થઇ. અહીં તો ધ્યાન રાખવા માટે અરૂપ છે જ ને ?

ઇતિનો તાવ થોડો લંબાયો. અરૂપ સહજ રીતે જ તેની સેવામાં કોઇ કચાશ રાખતો નહીં. તેને આનંદમાં રાખવાના શકય તેટલા પ્રયત્નો કરતો રહેતો. જાગૃત અવસ્થામાં તે અરૂપ માટે અફસોસ કરતી રહેતી. પરંતુ તેના અર્ધ જાગૃત મનમાં અવારનવાર કદી ન વિસરાયેલ અનેક દ્રશ્યો ઝબકી રહેતા.

તે દિવસે અરૂપ તેની બાજુમાં જ બેઠો હતો. ઇતિ તાવના ઘેનમાં અર્ધબેભાન અવસ્થામાં કશુંક બબડતી હતી. અરૂપને આ અસ્ફૂટ શબ્દો પૂરા સંભળાતા નહોતા તો સમજાય કયાંથી ?

‘અનિ, અનિકેત, અરે, જો તો ખરો.. આ કેવું મોટું મોજું આવે છે. ચાલ, હવે દૂર નથી જવું. ‘

દરિયાના ઘૂઘવતા નીરમાં અનિકેતનો હાથ પકડી ઉભેલી ઇતિ અનિકેતને આગળ ન જવા વિનવી રહી હતી. પરંતુ અનિકેત ન જાણે કેમ આજે મસ્તીએ ચડયો હતો. ઇતિની વાત માનવાને બદલે તે વધારે ને વધારે દૂર જતો હતો. ઉછળતા મોજા તેને આહ્વાન આપી રહ્યા હોય તેમ ઇતિનો હાથ ખેંચતો તે આગળ ને આગળ… તેની પાછળ ખેંચાતી ઇતિ તેને વારંવાર વિનવી રહી હતી.

હમેશાં ઇતિની બધી વાત માનવાવાળો અનિકેત આજે જીદે ભરાયો હતો કે શું ? ધીમું ધીમું હસતો હસતો તે અટકવાનું નામ જ કયાં લેતો હતો ? અને તેની પાછળ ગયા સિવાય ઇતિને કયાં ચાલવાનું હતું ? ડરના માર્યા તેણે જોશથી અનિકેતનો હાથ પકડી લીધો.

‘અનિ, હવે બહું થયું હોં.. પ્લીઝ..મસ્તી નહીં. હવે અહીંથી પાછા વળીએ. યાદ છે ? આપણે એકવાર કોલેજમાંથી પિકનીકમાં ગયેલા અને હું તને ચીડવવા નર્મદાના પાણીમાં થોડીક જ આગળ ગઇ હતી તો પણ તેં મને કેવો લાફો લગાવી દીધો હતો..એ કંઇ હું ભૂલી નથી હોં. લાગે છે આજે મારે ય તને એક લાફો…’

અને… ઇતિનો હાથ ઉંચકાયો.

‘ઇતિ કશું થાય છે?‘ ઇતિના ઉંચા થયેલ હાથને ધીમેથી નીચે મૂકતાં અરૂપે પૂછયું.

પરંતુ ઇતિ તો…

‘અનિ, સાચ્ચે જ મારીશ હોં.‘ અનિકેત તો હસતો હસતો આગળ ને આગળ… ’અનિ, પ્લીઝ…ચાલને પાછા વળી જઇએ. આજે મને ડર લાગે છે.’

’અરે, ઇતિ દરિયો તો નાનપણથી આપણો દોસ્ત..તેનાથી વળી ડરવાનું કેવું? આજે મને દરિયો સાદ પાડે છે, બોલાવે છે. ઇતિ, તને સંભળાય છે એ સાદ? અને ખાલી દરિયો જ નહીં. ઇતિ, આ ચન્દ્ર, તારા, વાદળ બધા મને બોલાવે છે. ઇતિ, હું જાઉં?‘ અનિકેતના અવાજમાં આજીજી કેમ સંભળાતી હતી? અનિકેત આ શેની રજા માગી રહ્યો છે?

’ના, અનિ, તારે કયાંય જવાનું નથી. ઇતિને એકલી મૂકીને અનિ કયાંય ન જાય..’ ઇતિના બહાવરો.. બેબાકળો અવાજ અરૂપને પણ સંભળાયો.. પરંતુ સમજાયો નહીં.

‘ઇતિ, તું તો સાવ બુધ્ધુ જ રહી. કયારેક તો દરેક માનવીએ એકલા જવું જ પડે ને? અરે, કયારેક તો એકલા જીવવું પણ પડે છે.’ અનિકેતે ઇતિનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

અનિ.. તેનો અનિ આજે ઇતિને આમ છોડીને કયાં જવાની વાત કરે છે? આજે અનિકેતને થયું છે શું ? તેનો અનિ તેનાથી દૂર કેમ જાય ? તેને એકલા એકલા કયાં જવું છે?

’નહીં અનિ, તો હું ય આવીશ તારી સાથે. આપણે સાથે જઇશું. પેલા તારલાની બાજુમાં જઇને ગૂપચૂપ બેસી જઇશું. અને રેંટિયો કાંતતા પેલા ડોશીમાને મળીશું ? ચાંદામામાને તો મારે કેટલું ય પૂછવાનું છે. અનિ, આપણે બંને તારલા બની ચમકીશું. પછી કોઇ આપણને નહીં શોધી શકે. કોઇ નહીં. ‘

’ના, ઇતિ, એમ તારાથી ન અવાય. ત્યાં કોઇથી સાથે ન અવાય. અને આમ પણ તું તો હવે અરૂપની છે. તારે તો અરૂપ સાથે ખૂબ હોંશથી સરસ રીતે જિંદગી માણવાની છે. હું ઉપર બેઠો બેઠો તમને બંનેને આનંદથી નીરખતો રહીશ. અને ભગવાનને ય થોડા મસકા મારી તારી સિફારીશ કરતો રહીશ. કે મારી ઇતિને હમેશા હસતી રાખે. ઇતિ, હવે અહીં તો હું તારી રાહ જોઇ શકું તેમ નથી. તો ઇતિ, હું જાઉં ? ‘

અનિકેત ઇતિને વીનવતો રહ્યો. અરે, આજે અનિ તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કેમ કરે છે? કયાં જવું છે તેને ઇતિને છોડીને?

ઇતિ ના, ના કરતી રહી. પણ અનિકેતે તો આજે નિર્દય બનીને ઇતિનો હાથ એક ઝાટકે છોડી દીધો. અને પોતે દૂર દૂર પાણીમાં.. મોજાના પ્રવાહ ઉપર સવાર…. અને… અને થોડી ક્ષણોમાં તો આંખોથી ઓઝલ. ઇતિ ફાટી આંખે નીરખી કેમ રહી ? તે અનિકેતની પાછળ દોડી કેમ ન શકી ? તેને દોડવું છે. અનિકેતને રોકવો છે. પણ આ કોણે તેને પકડી રાખી છે ?

‘પ્લીઝ..પ્લીઝ…મારે અનિકેત પાસે જવું છે. અનિ, હું આવું છું તારી પાસે આવું છું. અનિ, ઉભો રહે… હું આવું છું. ‘

’ઇતિ, મને જવા દે પ્લીઝ.. જવા દે.. આ દરિયાના તરંગો મને સાદ કરે છે. આ તારલાઓ મને બોલાવે છે. વાદળો મને આવકારે છે. અને એના નિમંત્રણને હું ઠુકરાવી શકું તેમ નથી. ઇતિ, હું રાહ જોઇશ….અનંત જન્મો સુધી હું તારી પ્રતીક્ષા કરીશ. ક્યારેક કોઇ પળે તું અચાનક આવે ત્યારે મેં અહીં તારે માટે બધું જોઇ રાખ્યું હશે. તેથી તને નિરાંતે ફેરવીશ. તને કોઇ તકલીફ ન પડે તેથી મારે પહેલા જઇને મારી ઇતિ માટે સગવડ કરવી પડેને? તારા સ્વાગતની તૈયારી કરવા હું પહેલા જાઉં છું. ઇતિ, ઉગતા સૂર્યના હૂંફાળા કિરણોની સંગે આપણે હાથમાં હાથ રાખી એકમેકમાં ઓગળી જઇશું. ઇતિ, હું તારી પ્રતીક્ષા કરીશ. શબરીની માફક બોર નહીં, હું તો મારી ઇતિ માટે તારલાઓ વીણી રાખીશ. અને અંતે એક દિવસ તું આવશે..ઇતિ, તું આવશેને?‘

દૂર દૂર પાણીના તરંગો પર સરતા અનિકેતનો મૌન સાદ કયાંથી આવીને ઇતિના મનમાં પડઘાઇ રહ્યો? કયારેય નહીં ને આજે અનિકેત આવું વિચિત્ર વર્તન કેમ કરે છે ? ઇતિનો હાથ પરાણે છોડાવીને તે એકલો એકલો કયાં જઇ રહ્યો છે ? અરે, રોકો, કોઇ અનિને રોકો..મારો હાથ છોડાવીને તે કયાં જાય છે ?

ઇતિનો હાથ અરૂપના કાંડા પર જોરથી ભીંસાઇ રહ્યો. ઇતિ પરસેવે રેબઝેબ,

પોતાના હાથ પર જોરનો અનુભવ થતાં બાજુમાં બેસેલ અરૂપ સફાળો ચોંકી ઉઠયો.

’ઇતિ, ઇતિ, શું થાય છે તને ? ડર લાગે છે ? હું તારી બાજુમાં જ છું. ‘

એકાદ સેકન્ડ ઇતિની આંખો ખૂલી ન ખૂલી અને તેની નજર અરૂપ સામે પડી પરંતુ તેની આંખોમાં ઓળખાણનો કોઇ અણસાર ન દેખાયો. તેની આંખ ફરીથી જોરથી મીંચાઇ રહી.
’અનિ, તને કંઇ ભાન પડે છે કે નહીં ? કયારની વિનંતિ કરું છું કે આગળ ન જવાય. પણ આજે તું મારું કેમ માનતો નથી ? તું તો કયારેય આવો નહોતો. આજે મારું કેમ સાંભળતો નથી ? જા.તારી કિટ્ટા..હવે તું લાખ વાર બોલાવીશને તો પણ હું નહીં બોલું ..’

અને ઇતિ ખરેખર પડખું ફરીને સૂઇ ગઇ.

’પણ એમ ચેન કયાં મળવાનું હતું ? હવે અનિકેત દેખાતો કેમ નથી ? કયાં અદ્ર્શ્ય થઇ ગયો ?

‘ના, ના, અનિ, એમ રિસાઇ ન જવાય. આપણા કીટ્ટા બુચ્ચા તો અનંતકાળના…આપણા રિસામણા, મનામણા તો ક્ષિતિજને પેલે પાર પણ ચાલ્યે રાખવાના. ‘

અને ઇતિ ન જાણે શું ય બબડતી રહી. અરૂપ તેનો અસ્ફૂટ અવાજ સાંભળી રહ્યો. કશું સમજાતું નહોતું. તેના મનમાં પણ કોઇ વિચારોનું ધમસાણ મચ્યું હતું. તેની અંદર પણ કોઇ દ્વન્દ ચાલી રહ્યું હતું કે શું ?

પૂરા દસ દિવસ ઇતિની આ હાલત ચાલુ રહી. ડોકટરો અને અરૂપ ઇતિની કાળજી લેતા રહ્યા. અંતે દવાઓની અસર થઇ. ધીમે ધીમે ઇતિને થોડું સારું થયું. તાવ તો ઉતર્યો પણ નબળાઇ તો હતી જ. તાવના ઘેનમાં તે શું બબડતી હતી તેનો તેને ખ્યાલ પણ નહોતો. ફકત તેના મનને એક અસુખ પીડી રહ્યું હતું. એટલું જ તે અનુભવી શકતી હતી. ખુશ રહેવાના, સ્વસ્થ થવાના કેટલા પ્રયત્નો છતાં પરમ વિષાદની એક છાયા તેની અંદરથી નીકળી શકી નહી. અદીઠ ભયના વાદળો મનમાં સતત ગોરંભાયેલ જ રહ્યા. અરૂપનો કોઇ પ્રેમ,કોઇ સંવાદ તેને હટાવી શકયા નહીં. રહી રહીને પાછા જવાની તીવ્ર ભાવના મનમાં કેમ જાગતી હતી ? અરૂપને બે ચાર વાર કહી પણ જોયું.

’અરૂપ, ખબર નહીં કેમ.. પણ મને કોઇ અશુભના ભણકારા કેમ વાગે છે? ચાલને પાછા જઇએ.’

અરૂપ ખડખડાટ હસી પડતો, ’અરે, એ તો તું થોડી બીમાર પડી ગઇ ને તેથી તારું મન આળુ થઇ ગયું છે. અને આમ પણ આ દસ દિવસોમાં તારું શરીર કેવું નબળું પડી ગયું છે ? તું કેટલી ફિક્કી પડી ગઇ છે ? થોડી તાકાત આવે પછી જ હવે તો અહીંથી હટી શકાય. આ બધા મનના ઉધામા છે. તારો સ્વભાવ વધુ પડતો લાગણીશીલ છે. તેથી કયારેક આવું થાય. તું ચિંતા ન કર પ્લીઝ.. મારે માટે થઇને… અને જલદી જલદી સાજી થઇ જા. મને તારી બહું ચિંતા થાય છે. આમ પણ આપણા કુટુંબમાં આપણે બે જ તો છીએ.. અને આપણે બંને તો સાથે છીએ.. પછી શું?‘

ઇતિના હોઠ સખત ભીડાયા. શબ્દો તો અંદર જ રહી ગયા.

’ના, અરૂપ, આપણે બે જ નહીં… મારી દુનિયામાં ત્રીજુ કોઇ પણ છે.. તેનો એહસાસ આજે, આ ક્ષણે મને થઇ રહ્યો છે. એ હું તને કેમ સમજાવું? મને એક અસુખ સતત પીડી રહ્યું છે.. હું એક ભયંકર વેદનાના ઓથારમાંથી પસાર થઇ રહી છું તે તું નથી અનુભવી શકતો ?મારી આંખોમાં તું એ નથી વાંચી શક્તો? આ પળે મને હૂંફની જરૂર છે. અરૂપ, એ હૂંફ હું તારામાંથી કેમ નથી પામી શક્તી? તું મને કેમ સમજી નથી શક્તો? કે પછી સમજવા છતાં…?

ઇતિ વલોવાતી રહી.. અંદર જ..

વરસો પહેલાં જયારે અનિકેતથી કોઇ વાત છૂપાવવી હોય ત્યારે તે આંખો બંધ કરી દેતી.અને તો પણ અનિ જાણી જ જતો. આજે ખુલ્લી આંખોમાં… તેના અસ્તિત્વના એક એક અણુમાં જાગેલ આ ઘેરા વિષાદને અરૂપ જોઇ, જાણી કે અનુભવી નથી શક્તો? ઇતિની પરમ વેદનાની આ પળે તે કયા સુખની વાતો કરે છે?

અલબત્ત આ વેદના શેની છે તે તો પોતાને પણ કયાં સમજાય છે? પરંતુ કંઇક હતું.. ચોક્કસ હતું.. જે પોતે સમજી કે સમજાવી શકતી નહોતી અરૂપ તેની વાતને ભલે હસવામાં કાઢી નાખે. પણ તેના પ્રાણમાં નિરંતર ઉઠતી આ વ્યાકુળતા ફકત તેના મનનો વહેમ છે..! એ વાત સાથે પોતે કેમે ય સંમત નથી થઇ શકતી તેનું શું?

અંતે પંદર યુગ જેવા પંદર દિવસ પૂરા તો થયા.. ઇતિની અધીરતા પરાકષ્ઠાએ પહોંચી…

બસ… હવે ઘર કયાં દૂર હતું ? મંઝિલ સામે જ હતી. જઇને પહેલું કામ ફોન..અને તરત અનિને મળવા જવાનું. હવે તે અરૂપની કોઇ વાત નથી સાંભળવાની.. એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની.

પણ… વિલંબ થઇ ચૂકયો હતો કે શું?


Leave a Reply to shwetaCancel reply

7 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૧) – નીલમ દોશી