મિઠ્ઠુ – એન્જલ ધોળકિયા 14


નાનકડી પ્રાચી ઓફીસ કવાર્ટર્સના આંગણામાં હિંચકે બેઠી ‘લકડીકી કાઠી’ ગીત ગણગણી રહી હતી. ઓચિંતી એક આહટે એના ગુલાબી ચહેરાને વધુ ગુલાબી બનાવી દીધો!! આંખોમાં એક અદભુત ચમક અને ચહેરા પર નર્યા રોમાંચ સાથે પ્રાચી ઉભી થઇ અને બિલ્લીપગે રસોડામાંથી એક જામફળ લાવી પાળી પર મૂકીને ચૂપચાપ બેસી ગઈ. કરેણના ઝાડ અને છત વચ્ચે ઝૂલતા વાયર પર એક પોપટ આવીને બેઠો હતો. પ્રાચી મનોમન બસ ઇચ્છવા લાગી કે આ પોપટ એના ઘરનું મીઠઠું જામફળ ખાઈ ને અહીં જ રહી જાય. અને થયું પણ એવું જ! એ પોપટ જામફળ ખાઈ ત્યારે તો ઉડી ગયો. પણ બીજા દિવસે ફરી આવ્યો અને બેઠો. જાણે એની નાનકડી દોસ્ત પાસે ફરી જામફળની ઉઘરાણી કરતો હોય.

કેટલી ખુશ હતી પ્રાચી! એ દોડતી અંદર સૌને કહેવા ગઈ. એનો ઘરમાં ઘંટડી જેમ પડઘાતો અવાજ, એને આવકારતા ચહેરાઓની આકૃતિઓ ધીરે ધીરે ઓઝલ થવા લાગી અને એ દૃશ્યની જગ્યાએ પાણીનો પડદો છવાઈ ગયો!!!

એરપોર્ટના વેઇટિંગ લાઉન્જમાં બેઠેલી પચ્ચીસીએ પહોંચેલી પ્રાચીનું ઘઉંવરણું નાક અત્યારે ગુલાબી લાગતું હતું… પાણીના એ પડદા પર પાપણનું વાઈપર ફરી વળ્યું. હૃદયમાં કેટલું વજન હતું!

આટલાં વર્ષો હંમેશાં મમ્મી ડેડીના સમ્માનને જાળવવામાં કાઢ્યા. પોતાનું આખું વ્યક્તિત્વ હંમેશાં જેમની મરજીપૂર્વક ઘડાવા દીધું આજે પોતે એક તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમના પ્રત્યાઘાત જોતાં ખ્યાલ આવ્યો કે એના માતા પિતાએ એને ક્યારેય વ્યક્તિ ગણી જ નહોતી કદાચ! બાળક હતી ત્યારે એની ઈચ્છાઓ પુરી કરવામાં રચ્યા પચ્યા રહેતા મા-બાપ યાદ આવ્યા. મિઠ્ઠુને પાળ્યો ત્યારે પણ કેટલો સપોર્ટ હતો. મોટી થતી ગઈ એમ જાણે એ પોતાને ખોવા લાગી હતી. પોતે મમ્મી ડેડીની ડાહી દીકરી હંમેશાં બનેલી રહે એવું જ કરતી. અને સતત કર્યું… પણ શું મળ્યું એને?

“કેમ આટલી જાડી બુદ્ધિની થઇ ગઈ છે પ્રાચી તું! કેમ સમજતી નથી કે અમે જે કહીએ છીએ એ તારા સારા માટે જ કહીએ છીએ. અમારી લાગણીને અવગણી ને શું પામી લઈશ તું?” માતા નયનાબહેને ચીડ સાથે કહ્યું હતું.

“મમ્મી ૩ મહિનાથી હું પણ સમજાવું જ છું છતાંય તમે નથી સમજતા ને. મને U.S. માં પોસ્ટ ગ્રેજ્યુએશનની સ્કોલરશીપ મળી ત્યારથી સમજાવું છું કે આ સપનું છે મારું. તમને અને તમારી લાગણી સમજુ છું એટલે જ રોજ રડી ને ભીખ માગું છું તમારી હા ની! તમારી હા નું મહત્વ છે મારા માટે એ કેમ નથી સમજાતું તમને. તમે બેય ખુશી અને ગર્વ અનુભવો કે તમારી દીકરી પોતાના બળે એની ગમતી ડિગ્રી લે છે એ ઇચ્છું છું. આટલું અઘરું કેમ છે એ!”

“હા, અઘરું ક્યાં છે જ કંઈ. તમારે લોકોને બસ ઉડવા જોઈએ. માં બાપની લાગણી તો સમજશો જ નહીં. સતત ઢસરડા કરીને તારી જોડે જોડાયેલા રહ્યા છીએ. બંને એ નોકરી કરીને તને સારો ઉછેર મળે એમાં જીવન કાઢ્યું અને શાંતિનો વારો આવે ત્યારે તારે એકલા મૂકીને જતા રહેવું છે. તમે મા-બાપ બનશો ત્યારે ખબર પડશે તમને” એ જ જૂનું અને જાણીતું ગળગળા થવાનું હથિયાર મમ્મીએ વાપર્યું.

હંમેશા હાથ હેઠા મૂકતી પ્રાચી તે દિવસે પોતાનાં સપના માટે લડી લેવા માગતી હોય એમ કેટલીય દલીલો કરી…

બે કલાકની કરેલી બધી દલીલો, વિનવણી કે સમજાવટ છતાં મમ્મી ડેડી ટસ ના મસ ન થયા. કોઈ પણ રીતે પોતે જે જુએ છે એ સપનાં એમના હતાં જ નહીં એ દેખીતું હતું પણ એમને જોયેલા સપના અને રાખેલી આશાઓ પૂરી કરવી એ પ્રાચીની ફરજ બનતી હતી! એની માટે એને હવે ગુસ્સા અને ગુસ્સા પછી તિરસ્કારનો સામનો કરવો પડ્યો!

“હું, મારા સપના, મારી ઈચ્છા… બસ જે કહું એમાં મહેરબાની કરી હા પાડો બસ એકજ જીદ?!! બીજું કઈ જો તારે મહત્વનું જ ન હોય તો જા ને, શા માટે રોકાઈ છે. સ્વાવલંબી છે ને તું. સમજવાની ન હો તો ડુ વોટ યોર હાર્ટ સેઝ એન્ડ સ્ટોપ કન્વિન્સિંગ અસ એવરી ડે.” ડેડી ગુસ્સામાં બોલ્યા હતા.

ફરી એ મુદ્દો ન કાઢવાના દ્રઢ નિર્ણય સાથે પોતે બધી પ્રોસેસ કરવા માંડી હતી. કદાચ એમનું મન પીગળે એ હિસાબે લાસ્ટ ડેટના આગળના દિવસ સુધી રાહ જોવાય એ રીતે ટિકિટ કરાવી હતી. પણ આશાનું એકેય કિરણ પ્રાચી જોવા પામી નહોતી!

જતાં જતાં માત્ર એટલું કહી શકી કે “હંમેશાં તમારી ડાહી દીકરી બનવા કેટલીય નાની નાની ઈચ્છાઓ મારી હશે મેં તમારી ‘ના’ માં. ઘણી વાર ના નું કારણ ન સમજાયું તો પણ ના સ્વીકારી જ લીધી. આજે વાત મારા સપનાની છે. મને સપનાં જોતાં શિખવાડનાર જ સપનાં પૂરા કરવામાં કેમ બાધા બને છે!! એનું આજે મારે કારણ જાણવું છે. ૩ કલાક છે મારી ફ્લાઇટને, રાહ જોઇશ ડેડી. ” અને સડસડાટ દાદર ઉતરી ગઈ એ.

તેની મિત્ર શિવાનીના બહુ વર્ષો પહેલા કહેલા વાક્યો એને યાદ આવ્યા. “માં બાપ આપણને પાળે છે એમ આપણે પણ એમને ઉછેરીએ છીએ. તેઓ કોઈ શાળામાં શીખીને નથી આવ્યા હોતા. પેરેન્ટિંગ એક ટ્રાયલ એન્ડ એરર પ્રોસેસ છે. એમની એક્સપેક્ટશન્સ આપણે જ બાંધીએ છીએ. એટલે જ એમને સમજુ કે જિદ્દી બધું આપણે જ બનાવીએ છીએ!” પહેલી નજરે આ વાક્યો એને સ્વચ્છંદી કે અનાદરસમ લાગેલા. આજે એને એવી લાગણી થઇ આવી કે પોતે શું પોતાના માતાપિતાના ઉછેરમાં અરસપરસ આદરનું પ્રકરણ ચૂકી ગયેલી?!

ઘણાં મિત્રો લગ્ન કે કરિયર માતા પિતાનું દિલ દુભવીને કરતા અને એમને પરવાહ પણ નહોતી કે એ એમના મા-બાપને કેટલું દર્દ આપે છે. જયારે પોતે હંમેશા લાગણીને પ્રાધાન્ય આપતી. શું પામી એ? શું એણે હવે એનાં સ્વપ્નાંના દિવસો અપરાધભાવ સાથે જ જીવવાના?!! કાશ એના પ્રશ્નોના જવાબ આપવા કોઈ હોત…

એની ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થયું, ભારી હ્રદયે આગળ વધી અને મોબાઈલમાં નાની એવી બીપ આવી. “ડેડા” નામના કન્વરઝેશનમાં એક મેસેજ હતો.
“You wanted a reason right? The Only reason is that we love you. We love you a lot my doll. Please understand. 🙁 “

પ્રાચી એ પ્રોસિજર્સમાં હોવા છતાં તરત જ કશુંક ટાઈપ કર્યું જે સામે છેડે એક ઝબકારો કરી ગયું.. એ મોબાઈલમાં થયેલો LED નો ઝબકારો માત્ર નહોતો!

ડેડા, મિઠ્ઠુ એક વર્ષે જયારે ઉડી ગયેલો અને હું દિવસો સુધી રડતી રહી હતી ત્યારે તમે કહેલું કે, “પ્રાચુ, મિઠ્ઠુને હું અને મમ્મા પણ પ્રેમ કરતા જ હતા ને! ઉડવું એજ એની પ્રકૃત્તિ છે! માટે એને ઉડવા દેવું એજ એની માટે સારું છે અને એજ સાચો પ્રેમ છે…”

ડેડુ, એ સલાહ ખોટી હતી કે તમારો મિઠ્ઠુ માટેનો પ્રેમ?”

– એન્જલ ધોળકીયા


Leave a Reply to MeenaCancel reply

14 thoughts on “મિઠ્ઠુ – એન્જલ ધોળકિયા

  • nimish vora

    ખુબ સુન્દર.
    શિવાનિ ના મુખે બોલાયેલા શબ્દો ખુબ જ સુન્દર

  • Aruna Parekh

    ૅVery good story,very good message
    I myself am a mother and has learned this lesson, hard way
    Today–I think,I am better mother and I have good,mature relation with
    My daughter

  • કિશોર પટેલ

    હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા. પોપટ (કે કોઈ પણ પક્ષી) સ્વાતંત્ર્યનું પ્રતિક છે એટલે વાર્તા થોડીક ક્લ્પનીય હતી પણ વિષય-વસ્તુની માવજત સારી થઇ છે. ” પાણીના એ પડદા પર પાંપણનું વાઈપર ફરી વળ્યું.” આ કલ્પક્તા છે. તદ્દન મૌલિક વિચાર છે.અદભૂત, એન્જલજી! અભિનંદન! સુંદર સરસ વાર્તા શેર કરવા બદલ આભાર.

  • સુરેશ જાની

    જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
    તેને
    પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
    હાંસલ કરવા જેટલો વિકાસ
    તમે કરી શકો -તે
    તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

    ***
    જીવનની પ્રત્યેક ઘડી
    પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
    એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
    તમારા જીવનને
    નવી તાજગી,
    નવી તાકાત
    અને
    સર્જનાત્મકતાથી
    સભર કરી દેશે.
    ———————
    – ઓશો

  • lata kanuga

    એન્જલજી રહ્દયસ્પર્શી. કેમ આમ જ થતુ હોય છે! લાગણીનો અતીરેક મન રુંધાવા માંડે એવો.

  • shyam Tarangi

    મિઠ્ઠુ માટે ડેડઍ આપેલેી સલાહ- સાચેી કે એના માટેનો પ્રેમ? – મિઠ્ઠુ મિશે રચાયેલો પ્રપઁચ – વાર્તાને ધારદાર બનાવે છે.અભિનઁદન