કેવી રીતે ચાલે છે ઈન્ટરનેટનું અર્થતંત્ર? – હિમાંશુ કીકાણી 8


cybersafarઈન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિગમાં જોવા મળતી જાહેરાત અને ઈન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું એ તમે જાણો છો?

સામાન્ય જાહેરખબરોમાં એકસાથે અનેક લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, જ્યારે ઈન્ટરનેટ પરની જાહેરાતમાં જે વ્યક્તિ એ જાહેરખબરમાંની પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાની સૌથી વધુ શક્યતા હોય એ એક વ્યક્તિને જ નિશાન બનાવાય છે – અર્જુનના તીરની જેમ બરાબરમાછલીની આંખ પર!

એ જ કારણે, એક સમયે અલગ અલગ પીસીમાં એક જ વેબપેજ જોતી બે વ્યક્તિને જાહેરાતો જુદી જુદી દેખાય છે. આખી દુનિયામાં ઈન્ટરનેત પર જાહેરાતનું પ્રમાણ સતત વધે છે તેનાં મૂળમાં, ટાર્ગેટિંગની જબરજસ્ત ક્ષમતા અને જાહેરાત આપનારી કંપનીએ ધાર્યુ નિશાન પાર પડે તો જ રૂપિયા આપવા પડે એવી સગવડમાં સમાયેલું છે.

જાહેરાત આપતી કંપનીઓ આવું અચૂક નિશાન કઈ રીતે તાકે છે? આપણી ઓનલાઈન પ્રવૃત્તિઓનું બરાબર પગેરું દબાવીને એટલે કે ઓનલાઈન ટ્રેકિંગ કરીને!

આ જાહેરાતોને કારણે જ ઈન્ટરનેટ પરનું મોટા ભાગનું કન્ટેન્ટ કે સર્વિસ સૌને મફત મળે છે એ વાત ધ્યાનમાં રાખીને, આવો જાણીએ કે કંપનીઓ આપણી વિગતો કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે, શો ઉપયોગ કરે છે?

આ બધું વાંચતી-જાણતી વખતે એ પણ યાદ રાખજો કે ઓનલાઈન ટ્રેકિંગની આખી વાતમાં ટેક્નોલોજીની કમાલ અને આપણી પ્રાઈવસી સામેનાં ગંભીર જોખમોની ગજબની ભેળસેળ છે અને આમાં ઘણું આપણી સંમતિથી થાય છે, તો ઘણું સંમતિ વિના થાય છે!

૧. આપણે કોઈ વેબપેજ જોઈએ કે ઓનલાઈન ખરીદી કરીએ એ સાથે આપણું ટ્રેકિંગ શરૂ થાય છે.

૨. આપણે જે વેબપેજ પર હોઈએ તેના પરની આપણી બધી પ્રવૃત્તિઓની નોંધ થાય છે અને તે ઉપરાંત….

૩. આપણે નેટ પર અલગ અલગ સાઈટ્સ પર જઈએ ત્યાં બધે, આપણું પગેરું દબાવવામાં આવે છે. આપણે કઈ સાઈટ પર શું વાંચીએ છીએ, શું જોઈએ છીએ, શું લાઈક કરીએ છીએ વગેરે બધી માહિતી એકઠી કરવામાં આવે છે.

૪. આ માહિતીને આધારે, આપણ જેની ખરીદી કરીએ એવી સૌથી વધુ શક્યતા હોય એ વસ્તુ/સર્વિસની જાહેરાત બતાવવામાં આવે છે.

૫. માની લો કે એક વ્યક્તિ પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં અને બીજી વ્યક્તિ પોતાના આઈફોનમાં એક જ બુકિંગસાઈટ પર જઈને, એક જ શહેરની એક જ હોટેલમાં રૂમ બુક કરવાનો પ્રયાસ કરી રહી છે. તો બુકિંગ સાઈટ, આઈફોન પર સર્ચ કરતી વ્યક્તિને રૂમનો ચાર્જ વધુ કહે એવું બની શકે છે- એવી ધારણા સાથે કે આઈફોન વાપરતી વ્યક્તિ વધુ ચાર્જ આપતાં ખચકાશે નહીં!

ecommerceતમે કોઈ ઓનલાઈન સ્ટોર પર કોઈ ચોક્કસ બ્રાન્ડેડ વસ્તુ ખરીદી રહ્યા હો,તો તમારા લોકેશનની નજીકમાં એ બ્રાન્ડેડ વસ્તુનો વાસ્તવિક સ્ટોર હોય તો ઓનલાઈન સ્ટોર તમને ડિસ્કાઉન્ટ ઓફર કરે અથવા તમારા લોકેશનથી દૂર દૂર સુધી એ બ્રાન્ડની હરીફ કંપનીનો કોઈ સ્ટોર ન હોય તો સાઈટ પર કોઈ ડિસ્કાઉન્ટ ન મળે એવું બની શકે!

ઓનલાઈન ટ્રેકિંગના આધાર

ઈન્ટરનેટના અર્થતંત્રના પાયામાં છે ટાર્ગેટ એડવર્ટાઈઝિંગ. એટલે કે જે વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદે તેવી સૌથી વધુ શક્યતા હોય તેને જ ટાર્ગેટ બનાવીને, તે પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત તેને બતાવવી. ટાર્ગેટએડવર્ટાઈઝિંગ મુખ્યત્વે ત્રણ બાબતોથી શ્કય બને છે; આપણને ન દેખાતા ટ્રેકિંગ કોડ અને કૂકીઝ તથા ચારે તરફ દેખાતાં સોશિયલ બટન્સ.

૧. ટ્રેકિંગ કોડ

ગૂગલ, ફેસબુક અને બીજી સંંખ્યાબંધ કંપનીઓ, જે ટાર્ગેટ એડવર્ટાઈઝિંગનું પ્લેટફોર્મ પૂરું પાડે છે તે, જુદી જુદી વેબસાઈટ્સને એક ખાસ પ્રકારનો કોડ આપે છે.

આ કોડ જે તે વેબસાઈટમાં ઈન્સ્ટોલ કરવાથી, એ સાઈટસના ક્યા દેશ/શહેરના મુલાકાતીઓએ સાઈટ પર કયા પેજની મૂલાકાત લીધી, આ પેજ પર તેઓ ક્યાંંથી આવ્યા, કયા સાધન (પીસી, ટેબલેટ કે સ્માટફોન), કયા બ્રાઉઝર નો ઉપયોગ કરે છે, તેઓ સાઈટ પર ક્યાંથી ક્યાં ગયા, ક્યા પેજ પર કેટલો સમય રોકાયા, કોઈ ખરીદી કરી કે નહીં વગેરે બધી જ માહિતીએ વેબસાઈટના પબ્લિશર જાણી શકે છે (અલબત, તેઓ આપણને ઓળખી શકતા નથી).

૨. કૂકીઝ

કૂકીઝનો ઉપયોગ કરતી કોઈ વેબસાઈટની આપણે પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે, એ સાઈતને આપણા માટે કસ્ટમાઈઝ્ડ બનાવવા માટે તેમ જ આપણા વિશે વધુ માહિતી મેળવવા માટે એ સાઈટ પરથી આપણા કમ્પ્યુટરમાં અમૂક કૂકી ડાઉનલોડ થાય છે. આ કૂકી કોઈ પ્રોગ્રામ હોતા નથી, ફક્ત એક ટેકસ્ટ ફાઈલ હોય છે, જેમાં સામાન્ય રીતે જે તે સાઈટનું નામ અને આપણી આગવી ઓળખ જેવો યુનિક યુઝર આઈડી હોય છે.

એજ વેબસાઈટ પર આપણે બીજી વાર જઈએ ત્યારે પેલી કૂકીને આધારે વેબસાઈટને આપણે ઓળખી લે છે. અને આ માહિતીનો ઘણા કિસ્સામાં બીજી સાઈટ્સ પણ ઉપયોગ કરે છે.

૩. સોશિયલ બટન્સ

આજકાલ લગભગ તમામ સાઈટ્સ પર વિવિધ પ્રકારના કન્ટેન્ટને સોશિયલ સાઈટ્સ પર લાઈક કે શેર કરવા માટેનાં બટન જોવા મળે છે. આ સોશિયલ બટન્સથી જે તે સાઈટને વધુ ટ્રાફિક મળે છે અને બીજે પક્ષે, સોશિયલ નેટવર્કને જાણ થાય છે કે તમે ઈન્ટરનેટ પર કઈ કઈ વેબસાઈટની મુલાકાત લઈ રહ્યા છો!

ટ્રેકિંગ કરતી કંપની આપણને વ્યક્તિગત રીતે ઓળખી શકે?

હા અને ના. આમ તો ટ્રેકિંગ કંપનીને અલગ અલગ રીતોથી આપણા આઈપી એડ્રેસ અને વિવિધ સાઈટ પરની આપણી મુલાકાતની જ માહિતી મળે છે. પરંતું સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને ઓનલાઈન ટ્રેકર્સ બંનેને મળતી માહિતી ભેગી કરવાથી ટ્રેકિંગ કરતી કંપનીઓ માટે આપણી ઓળખ નક્કી કરવાનું સહેલું બની જાય છે. આપણે વધુમાં વધુમાં જે આઈપી એડ્રેસ પરથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોગ-ઈન થતા હોઈએ તેના આધારે ટ્રેકિંગ સાઈટ્સએ આઈપી એડ્રેસ અને નામ, ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર વગેરે માહિતીનો તાળો મેળવી શકે છે.

કૂકીઝ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે

ફર્સ્ટ પાર્ટી કૂકીઝઃ સામાન્ય રીતે આવી કૂકીઝ આપણે જે વેબસાઈટની મુલાકાત લીધી હોય એ વેબસઐટ તરફથી જ આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થાય છે. આવી કૂકીઝ મોટાભાગે આપણને ઉપયોગી હોય છે કેમ કે તેને કારણે આપણને એ સાઈટ પર આપણી ચોક્કસ પસંદ ના પસંદ મુજબનું કન્ટેન્ટ જોવાની સગવડ મળે છે.

થર્ડ પાર્ટી કૂકીઝઃ આવી કૂકી આપણે જે સાઈટની મુલાકાત લીધી હોય તેના બીજી સાઈ પરથી આવતા કન્ટેન્ટને કારણે આપણા બ્રાઉઝરમાં ઈન્સ્ટોલ થાય છે. આ કૂકીઝને આધારે અલગ અલગ સાઈટ પરની આપણી પ્રવૃત્તિ ચેક થાય છે અને તે ટાર્ગેટેડ અને રી ટાર્ગેટેડ એડવર્ટાઈઝિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

તમે કોઈ લોકપ્રિય વેબસાઈટની મુલાકાત લો તો એ સાઈટ પરના બીજી અનેક કંપનીઓના કન્ટેન્ટને કારણે તમારા બ્રાઉઝરમાં ઓછામાં ઓછી ૫૦ જેટલી ટ્રેકિંગ કૂકીઝ ઈન્સ્ટોલ જાય એવું બની શકે છે.

ટ્રેકિંગ ચિંતાનો વિષય કેમ છે?

નિષ્ણાતો કહે છે કે….

૧. આપણી ક્યા પ્રકારની ઈન્ફરમેશન ટ્રેક થઈ શકે એની કોઈ મર્યાદા નથી.

૨. આપણી માહિતી કેટલા સમય સુધી ટ્રેક કરવામાં આવે એની કોઈ મર્યાદા નથી.

૩. આપણી માહિતી કેટલા સમય સુધી સાચવી રાખવામાં આવે એની કોઈ મર્યાદા નથી.

૪. આપણી માહિતીનો કોણ કેવો ઉપયોગ કરશે એનેી પર આપણો કોઈ અંકુશ નથી.

૫. આપણી માહિતી કોણ કોની સાથે શેર કરશે એના પર પણ આપણો કોઈ અંકુશ નથી.

ઝોમ્બી તરીકે ઓળખાતી અમુક કૂકી, ડીલિટ કર્યા પછી આપોઆપ ફરી સક્રિય થઈ શકે છે!

આપણી કઈ કઈ માહિતી એકઠી કરવામાં આવે છે?

આઈપી એડ્રેસ

આઈપી એડ્રેસ એ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થતા દરેક ડિવાઈસની એક આગવી ઓળખ હોય છે(તમે રાઉટરની મદદથી એકથી વધુ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરેને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરો, તો અંતે એ બધાનું એક જ આઈપી એડ્રેસ ગણાય).

ફક્ત આઈપી એડ્રેસથી કોઈ પણ વ્યક્તિ આપણને ઓળખી શકે એવું સામાન્ય રૉતે બનતું નથી, પરંતુ જે તે આઈપી એડ્રેસ સંબંધિત ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની (આઈએસપી) અને તે ઉપરાંત, એ આઈપી એડ્રેસ ક્યા શહેર કે વિસ્તારનું છે તેનો અંદાજ મેળવી શકાય (એટલે જ તો પોલીસ આઈએસપી પાસેથી વિગતો મેળવીને આપણા દરવાજે આવી શકે છે).

વેબ બ્રાઉઝિંગની માહિતી

આપણે ઈન્ટરનેટ પર જે કોઈ વેબસાઈટ્સની મિલાકાત લઈએ અને તેમાં જે વેબ પેજીસ, ઈમેજ કે વીડિયો જોઈએ એ તમામની માહિતી જાહેરખબર આપનારી કંપનીઓ પોતપોતાની કૂકીઝની મદદથી એકઠી કરતી જાય છે.

સોશિયલ નેટવર્કિંગ પરનો પ્રોફાઈલ અને પ્રવૃત્તિઓ

સોશિયલ સાઈટ્સ પર આપણે પોતે જે માહિતી આપી હોય તે દેખીતી રીતે આપણા હાથમાં રહેતી નથી. આપણે જેને માટે ફક્ત પ્રાઈવેટ શેરિંગનો વિકલ્પ પસંદ કર્યો હોય, એ પણ – જે તે સાઈટ પોતાની પ્રાઈવસી પોલિસી બદલે તો – જાહેર થઈ શકે છે. એ ઉપરાંત, આ સાઈટ્સની પરની કૂકીઝને આધારે જે તે સિશિયલ સાઈટ અને ત્યાંથી આગળ બીજી સાઈટ પરની આપણી પ્રવૃત્તિ ટ્રેક થાય છે, પરીણામે, સોશિયલ નેટવર્ક્સ પરથી મેળવેલી માહિતી અને અન્ય સાઈટ્સ પરની આપણી પ્રવૃત્તિને આધારે જાહેરાત આપનારી કંપની આપણી ઓળખ સાથેનો, આપણા વિશે વિગતવાર માહિતીનો પોર્ટફોલિયો બનાવી શકે છે!

જાહેરખબર આપનારી કંપનીઓ આપણા વિશે શું શું જાણી શકે છે?

૧. જુદીજુદી બાબતોની આપણી પસંદ, નાપસંદ

૨. આપણા મિત્રો એમની પસંદ, નાપસંદ

૩. આપણી પર્સનલ ફાઈનાન્સ સંબંધિત માહિતી, જેમ કે કોઈ ચોક્કસ બેંકમાં ખાતું, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણું રોકાણ, આપણને કઈ વીમઆ કંપનીનીપ્રોડક્ટમાં રસ છે વગેરે.

૪. આપણી જાતિ સંબંધિત માહિતી

૫. આપણે ક્યા દેશ, રાજ્ય, શહેર કે ગામના છીએ તેની માહિતી.

૬. આપણે ક્યા રાજકીય પક્ષ તરફ ઝુકાવ છે તેની માહિતી.

૭. આપણો ધર્મ અને જે તે ધાર્મિક સંપ્રદાયમાં આપણી આસ્થાની માહિતી.

ઓનલાઈન શોપિંગ પેટર્ન

તમે કદાચ નોંધ્યું હશે કે તમે કોઈ ઓનલાઈન શોપિંગ સાઈટ પર જઈને કોઈ ચોક્કસ મોબાઈલ કે કી પુસ્તક કે બીજી કોઈ ચોક્કસ વસ્તુ સર્ચ કરી હોય અને તેના પ્રોડક્ટ પેજ સુધી પહોંચ્યા હો, પણ પછી તમે એ વસ્તુ ખરિદ્યા વિના બીજી સાઈટ્સ પર આગળ વધ જાઓ તો એ નવી સાઈટ પર થયેલી પેલી ઓનલઐન શોપિંગ સાઈટની જાહેરાતો જોવા મળે છે અને તેમાં આપણે સર્ચ કરેલા મોબાઈલ કે પુસ્તકની જ ઈમેજ જોવા મળે છે!

વેકેશનમાં તમે કોઈ સ્થળના હોટેલ બુકિંગ માટે જુદી જુદી બુકિંગ સાઈટ્સ ફેંદી રહ્યા હો તો, ત્યાર પછી આપણે અન્ય કોઈ પણ સાઈટ્સ જોઈ રહ્યા હોય ત્યારે પેલી હોટેલ બુકિંગની સાઈટ જોવા મળે છે અને તેમાં આપણને જે સ્થળ અને ચોક્કસ હોટલ સર્ચ કરી હોય એની જ ઈમેજ જોવા મળે છે. આનું કારણ એ છે કે જાહેરાત આપનારી કંપનીઓ જાણે છે કે આપણે શું સર્ચ કરી રહ્યા હતા. ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર આપણે ખરીદી કરી લઈએ તો પણ એ વસ્તુ ને સંબંધિત (જેમ કે જે લેખકનું પુસ્તક ખરીદ્યું હોય એ જે લેખકના અન્ય પુસ્તકો) જાહેરાતો બતાડવામાં આવે છે. આ ‘રીટાર્ગેટિંગનું’ પરિણામ છે!

આપણી સર્ચ પેટર્ન

આપણી સર્ચ ક્વેરીના આધારે સર્ચ એન્જિન જાણી શકે છે કે જે તે સમયે આપણો મૂડ કેવો છે કે આપણે બિમાર છીએ કે કેમ. આપણા વિશે આપણા કુટુંબીજનો ન જાણતા હોય એટલું આ સર્ચ એન્જિન જાણતું હોય છે. આ બધું જ તે લાંબા સમય સુધી સાચવી રાખે છે. આપણે જે પીસી, ટેબલેટ, સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોઈએ તેને સંબંધિત બધી મહિતી કંપનીને હોય છે. જેમ કે સ્માર્ટફોન કઈ કંપનીનો છે, ક્યું મોડેલ છે અને તેનો આઈએમઈઆઈ નંબર ક્યો છે તેની પણ તેને જાણ હોય છે. આપણે કઈ તારીખે, કયા સમયે, કયા ડિવાઈસ પર એક્ટિવ હતા એ પણ આ કંપની જાણતી હોય છે.

આપણે કોને કેટલા ઈ-મેઈલ મોકલીએ છીએ, કઈ વ્યક્તિ આપણને વધુ ઈ-મેઈલ મોકલે છે, આપણા કોન્ટેક્ટસમાં કોણ કોણ છે, આપ્ણે ક્યા ડોક્યુમેન્ટસ ઓનલાઈન સ્ટોર કર્યા છે, કોની સાથે શેર કર્યા છે વગેરે બધું જ આ કંપનીઓ જાણતી હોય છે.

આપણે પોતે આપીએ છીએ આ બધું…

આપણે અલગ અલગ વેબસાઈટ, વેબસર્વિસ કે એપમાં આપણું એકાઉન્ટ ખોલાવીએ ત્યારે ઘણા પ્રકારની અંગત માહિતી એ કંપનીને આપી દઈએ છીએ અથવા આપવી પડે છે, જેમ કે…

નામ, જન્મસ્થળ, જન્મ તારીખ, હાલમાં નિવાસનું સ્થળ, આપણું પૂરૂં પોસ્ટલ એડ્રેસ, ફોનનંબર, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, હાલ ક્યાં નોકરી કરો છો, પરિણીત છોકે અપરિણીત, લગ્નતિથિ, ક્યાં જુદાં જુદાં નામથી આપણે ઈન્ટરનેટ પર સક્રિય થઈએ છીએ, આપણી આખી એડ્રેસ બુક, આપણા મિત્રોનાં નામ, આપણા કુટુંબીજનોનાં નામ અને બીજું ઘણું બધું…

આપણી માહિતીનો કઈ રીતે ઉપયોગ થાય છે?

આપણે એ તો જાણ્યું કે ઈન્ટરનેટ પર આપણે જે કંઈ કરીએ એ બધું જ જુદીજુદી કંપનીઓ પોતપોતાના લાભ માટે ટ્રેક કરતી હોય છે. હવે એ જાણીએ કે આપણી આ માહિતીના આધારે, આપણને કૈ વસ્તુ કે સર્વિસ ખરીદવામાં વધુ રસ છે તે જાણીને એ જ વસ્તુ કે સર્વિસની જાહેરાત આપણને કેવી રીતે બતાવવામાં આવે છે!

ઈન્ટરનેટ અર્થતંત્રમાં ચાર પ્રકારના લોકોની મુખ્ય ભૂમિકા છેઃ

૧. આપણે પોતે એટલે કે યૂઝર કે વિઝિટર

૨. જાહેરાત બતાવતી વેબસાઈટ્સ જે પબ્લિશર કહેવાય છે.

૩. પબ્લિશર અને એડવર્ટાઈઝર વચ્ચેની કડી બનતાં એડવર્ટાઈઝિંગ એક્સચેન્જ નેટવર્કસ

૪. જાહેરાત આપવા માંગતી કંપની, જે એડવર્ટાઈઝર કહેવાય છે.

હવે વિગત જોઈએ..

૧. ધારો કે આપણે કોઈ વેબસાઈટ પરનું એક વેબપેજ ઓપન કર્યું. આ વેબપેજ પર આપણે ડાયાબિટીસ સંબંધિત કોઈ માહિતી વાંચી રહ્યા છીએ.

૨. આ વેબપેજ પર અમુક ચોક્કસ જગ્યાઓ જાહેરાત બતાવવા માટે ફાળવવામાં આવી છે. વેબસાઈટ આપોઆપ એડ એક્સચેન્જને જાણ કરે છે કે તેના વેબપેજ પર એક વિઝિટરછે.

ટેકનોલોજીની કમાલ અને ઝડપ જુઓ. આ આખું ચક્ર આંખના પલકારા કરતાં પણ વધુ ઝડપે પૂરું થાય છે.

૩. એડ એક્સચેન્જ એ વિઝિટરનો પ્રોફાઈલ એટલે કે આપણી અગાઉ એકઠી કરેલી માહિતી, આપણે અત્યારે ક્યા પબ્લિશરનું કયું વેબપેજ જોઈ રહ્યા છીએ તથા એ પેજ પર સાઈઝની જાહેરાત માટે જગ્યા છે વેગેરે મહિતીનો તાળો મેળવે છે.

તેના આધારે એ વેબપેજ પર કઈ કઈ કંપનીઓને પોતાની જાહેરાત બતાવવામાં રસ છે તે તપાસવામાં આવે છે.

જાહેરાત આપવા માંગતી કંપનીઓએ પહેલેથી તેઓ કયા પ્રકારના વેબપેજ પર, ક્યા પ્રકારની વ્યક્તિને કઈ જાહેરાત બતાવવા માગે છે અને એ માટે કેટલો ખર્ચ કરવા તૈયાર છે તે એડએક્સચેન્જ ને જણાવી રાખ્યું હોય છે.

૪. માની લો કે આપણી વિગતોને આધારે ચાર કંપનીને પોતાની જાહેરાત આપણને બતાવવામાં રસ છે.

૧. ડાયાબિટીસની આયુર્વેદિક દવા બનાવતી કંપની, કારણકે આપણે અત્યારે ડાયાબિટીસને લગતું લખાણ વાંચી રહ્યા છીએ.
૨. કોઈ હોટેલ બુકિંગ સાઈટ, કારણકે ત્રણ દિવસ પહેલાં આપણે તે સાઈટ પર કોઈ હોટેલ સર્ચ કરી હતી, પણ બુકિંગ કર્યું હતું.
૩. કોઈ શોપિંગ સાઈટ, કારણકે આપણે તેના પર કોઈ પુસ્તક ખરીદ્યું હતું. હવે તે એ પ્રકારનાં બીજાં પુસ્તકો બતાવી ને આપણને લલચાવવા માગે છે.
૪. આપણી નજીકનું કોઈ રેસ્ટોરાં, જે તેની કોઈ સ્પેશ્યલ ઓફર આપણને બતાવવા માગે છે.

ધારો કે આપણે જે વેબપેજ પર હોઈએ તેના પર એક જ જાહેરાત બતાવવાની જગ્યા હોય તો ઉપરની ચારેય કંપનીઓમાંથી જે કંપની એ જગ્યાના સૌથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર હોય તેની જાહેરાત એડ એક્સચેન્જ વેબ પેજ પર મોકલી આપે છે.

૫. આપનને તે જાહેરાત જોવા મળે છે. જો આપણે તે જાહેરાત પર ક્લિક કરીએ તો જાહેરાત આપનાર કંપનીના ખાતામાંથી તેની નિશ્વિત રકમ બાદ થાય છે અને એડ એક્સચેન્જ તેમાંથી પોતાનું કમિશન કાપીને આપણે જે વેબસાઈટ પર હોઈએ તેના પબ્લિશરને બાકીની રકમ મોકલી આપે છે. જેની જાહેરાત બતાવવામાં આવી નથી તે કંપનીઓને કોઈ ખર્ચ થતો નથી!

– હિમાંશુ કીકાણી
(‘સાયબર સફર‘ સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૬ના અંકમાંથી સાભાર.)


8 thoughts on “કેવી રીતે ચાલે છે ઈન્ટરનેટનું અર્થતંત્ર? – હિમાંશુ કીકાણી