દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૭) – નીલમ દોશી 1


પ્રકરણ ૭ શણગારેલી ઢીંગલી…

“ચાલે નહી હકૂમત,
સમય સ્વયંમનો જપ્યા કરે છે,
પળપળ પૂરો જપ.”

Dost Mane Maaf Karish ne

અમેરિકા પહોંચ્યા પછી અનિકેતના ફોન નિયમિત આવતા રહેતા. તેના મમ્મી પપ્પા પણ ઇતિ સાથે અને તેના મમ્મી પપ્પા સાથે વાતો કરતા રહેતા. અનિકેતની કોલેજ ચાલુ થઇ ગઇ હતી. તેને ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડયું હતું. શૈશવથી સતત સાથે રહેલ બે વ્યક્તિ ભૌગોલિક રીતે તો દૂર થઇ હતી. પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું? જયાં અંતરનો સેતુ રચાયેલ હોય ત્યાં માઇલોના અંતરની શી વિસાત? જોકે છતાં કયારેક ઇતિ એકલતા જરૂર અનુભવતી. અનિકેતના ગયા પછી થોડાં સમય સુધી તો શું કરવું તેની સમજ જ ઇતિને નહોતી પડતી. અનિકેત સિવાય એકલાં કેમ જઇ શકાય, ક્યાં જઇ શકાય તે પ્રશ્ન દિવસો નહીં મહિનાઓ સુધી ઇતિને મૂંઝવતો રહ્યો. આખો દિવસ હવે કરવું શું? ભણવાનું પણ હાલ પૂરતું તો પૂરું થયું હતું. હવે આગળ શું કરવું તે વિચારવાનું હતું અને છેલ્લે અનિકેતના જવાની તૈયારીની ધમાલમાં અનિને પૂછવાનું પણ રહી ગયું હતું.

ઠંડીના દિવસો શરૂ થઇ ચૂકયાં હતાં. પક્ષીઓ કામકાજેથી વહેલાં વહેલાં આવીને પોતાના માળામાં ઉષ્મા મેળવવા લપાઇ જતાં હતાં. સાંજના રંગો પૂરા ખીલે ન ખીલે તે પહેલાં જ જાણે ઉતાવળ આવી ગઇ હોય તેમ રાત્રિ જલદી જલદી રૂપેરી ઓઢણી માથે નાખી, ન નાખી અને આવી પહોંચે. ઠંડો વાયરો રાતરાણીની મહેક લઇને ફરતો રહે. ડાળીઓ નવા પર્ણની આશાએ જલદીથી જૂના પર્ણો ખંખેરવા માગતી હોય તેમ આખી રાત પર્ણો ખેરવ્યા કરે. શાંત રાત્રિમાં પર્ણના ખરવાનો ખર ખર અવાજ વાતવરણમાં અથડાયા કરે. ઇતિની આંખો જલદીથી બિડાવાનું નામ ન લે. ઇતિના મનની મોસમ પણ ઠીંગરાઇ ગઇ હતી. હમણાં વાતાવરણ કેવું શુષ્ક, સાવ નિર્જીવ બની ગયું હતું. હકીકતે બધું રાબેતા મુજબ જ હતું. પરંતુ ઇતિ એકલી પડી ગઇ હતી..સાવ એકલી… તેને કશું સુંદર નહોતું લાગતું. સૃષ્ટિનું બધું સૌન્દર્ય જાણે અનિકેત હરી ગયો હતો. બધું વીણીચૂણીને પોતાની સાથે અમેરિકા ઉપાડી ગયો હતો કે શું?

ઇતિ હવે દરિયે જાય છે તો ત્યાં પણ સમુદ્રનો ઘૂઘવાટ, એનું સંગીત ક્યાં? મોજાઓ પણ કેવાં ગમગીન બની ગયાં છે. નાળિયેરીના વૃક્ષો અણોહરા બનીને ચૂપચાપ ઉભા રહે છે. ઇતિ સાથે વાત કરવાની તકલીફ પણ કયાં લે છે? સૂર્યદાદા પણ પોતાની રંગલીલા જલદીથી સમેટી ઇતિ સામે નજર ન નખાતી હોય તેમ વિદાયના બે બોલ કહ્યા સિવાય પાણીમાં ડૂબકી મારી જાય છે. ઇતિની ગમગીનીમાં બધાં જાણે અનાયાસે સામેલ થતાં રહે છે. હથેળીમાં ભીની રેતી લઇ ઇતિ તેની સામે જોઇ રહે છે. થોડીવારમાં રેતી આપોઆપ સરકી જાય છે. ઇતિની પણ જાણ બહાર. ઇતિ થોડીવાર આમતેમ આંટા મારીને આવતી રહે છે. મજા નથી આવતી. મનોમન અનિકેત સાથે વાતો કરતી રહે છે. અને દિવસ માંડ પૂરો કરે ત્યાં શિયાળાની આ લાંબી લાંબી રાત. બારીમાંથી દેખાતાં તારાઓ ઇતિ ગણ્યા કરે. અમેરિકામાં પણ આ જ તારાઓ દેખાતાં હશે? પણ ત્યાં તો એ તારાઓ નિહાળવા કયાં મળે? અનિકેત શું કરતો હશે અત્યારે? ઇતિના મનમાં પ્રશ્ન પડઘાતો રહેતો.

અનિકેતનો ફોન આવે ત્યારે શું શું પૂછવાનું છે.. શું વાતો કરવાની છે બધું ઇતિ નક્કી કરી રાખતી. પરંતુ અનિકેતનો ફોન આવે ત્યારે બધું ભૂલાઇ જવાય. ફોન અનિકેત જ કરતો રહેતો. કેમકે તેની પાસે હજુ મોબાઇલ નહોતો. અને તે કયારે રૂમ ઉપર કે કયારે કોલેજે હોય તે સમય કશો નિશ્વિત નહોતો. ફોન આવે ત્યારે જે પૂછવાનું નક્કી કરી રાખેલ હોય તે બધું ઇતિ ભૂલી જતી. અને અનિ ત્યાં શું કરે છે તે વાતો જ થતી રહે.

અનિકેત ફોનમાં ઇતિને ત્યાંની વાતો કરતો રહેતો. અને ઇતિના પ્રશ્નોનો તો પાર જ કયાં હતો? “આજે શું બનાવ્યું? શું ખાધું? કયાં ગયો? શું કર્યું?”

ઇતિ અહેવાલ લેતી રહેતી. અને અનિકેત હોંશે હોંશે આપતો રહેતો. કયારેક અનિકેતે કશું બનાવ્યું ન હોય.. અને ‘સમય નથી મળ્યો’ એવું અનિકેત કહે ત્યારે ઇતિ તેને ખખડાવવાનો પોતાનો અબાધિત અધિકાર ભોગવવાનું ચૂકતી નહીં. “એટલો સમય પણ ન મળે?” એમ કહી ઇતિ બહુ ખીજાય ત્યારે અનિકેત કહેતો,

“એ તો તું અહીં આવીશ ત્યારે જ તને સમજાશે.”

ઇતિ ત્યાં કેમ આવશે.. શા માટે આવશે? એવા પ્રશ્નોનો કોઇ અર્થ નહોતો. એવો વિચાર તેમના મનમાં કદી ઉગ્યો જ નહીં. એકાદ વરસ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ પછી…

કાળે ફરી એકવાર કરવટ બદલી હતી. અને કાળ કરવટ બદલે ત્યારે…!

બે વરસની ઉંમરથી અસ્તિત્વ સાથે વણાઇ ગયેલું એક નામ જીવન ક્ષિતિજમાંથી એકદમ અણધારી રીતે કેમ, કયાં અદ્રશ્ય થઇ ગયું તે સમજાયું નહીં. અચાનક અનિકેત, તેના મમ્મી, પપ્પા સૌના ફોન આવતા બંધ થઇ ગયા! ઇતિએ જુદી જુદી ઘણી રીતે.. ઘણાં દ્વારા પ્રયત્નો કર્યા.. પરંતુ દરેક સંપર્કસૂત્ર કપાઇ ગયા. ઇતિ ફોન કરતી તો શરૂઆતમાં વોઇસ મેઇલ પર જતા. પછી તો એ પણ બંધ. મેઇલના પણ કોઇ જવાબ નહીં. અનિકેત કયા વિશ્વમાં અદ્રશ્ય થઇ ગયો તે સમજાયું નહીં. ઇતિના મમ્મી પપ્પાએ પણ ઘણાં પ્રયત્નો કરી જોયા.. પરંતુ આ તો કાળની કરવટ હતી.. એનો તાગ કોને મળી શકે? મઘમઘ થતું પુષ્પ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક ખરી પડયા. જો કે પુષ્પ ખરી શકે.. તેની સૌરભ તો કયાં ખરવાની હતી? કેટલીક મહેક શરીરને જ નહીં આત્માને.. પ્રાણને સ્પર્શી હોય છે.. જે કયારેય…

ઇતિ સ્તબ્ધ! સાત જનમ બેસીને વિચારે તો પણ એનું કોઇ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે? પણ.. બન્યું હતું એ હકીકત હતી. અને ઇતિને કોઇ ફરિયાદ વિના હકીકતનો સ્વીકાર કરવાનો હતો. ઇતિના મમ્મી, પપ્પાને પણ આશ્ચર્ય થયું પણ એ ડોલરિયા દેશમાં જઇને ભલભલા બદલાઇ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે? કદાચ કોઇ ધોળી છોકરી ગમી ગઇ હોય અને… અને શરમનો માર્યો અનિકેત કે તેના માતા પિતા જણાવી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્યા.. કે પછી..! જાતજાતના વિચારો કરતાં રહ્યા. જોકે કોઇ પણ વિચાર મગજમાં બેસતો તો નહોતો જ. પરંતુ જે પણ હોય તે.. પરંતુ હવે તે લોકો કોઇ સંબંધ રાખવા નથી માગતા એ તો દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું.

અને અંતે.. જે હોય તે.. ક્યારેક તો જાણ થશે ને? આવું વિચારી ઇતિના મમ્મી પપ્પાએ તો મન મનાવી લીધું અને પુત્રીને પણ એ જ સમજાવી.

જો કે આ બધું ઇતિની સમજ બહારનું હતું. પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકારવાનું તો હતું જ ને? આ પળે તો જે સામે આવ્યું તે એક માત્ર સત્ય હતું. બાકી અત્યાર સુધી અનુભવેલું બધું…!

ઇતિ કશું વિચારવા માગતી નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભાવ.. બધું સ્વીકારી લેવાની આદતને લીધે તે એટલું જ વિચારતી ‘અનિ જયાં રહે ત્યાં ખુશ રહે.. બસ અનિની જે ઇચ્છા હોય તે ઇતિને મંજૂર જ હોય.’ અનિની ઇચ્છાને ઇતિ માન ન આપે તેવું તો બને જ નહીં ને? કોઇ ફરિયાદ વિના પૂર્ણ શ્રધ્ધાથી તેણે હકીકત સ્વીકારી લીધી. એક ક્ષણ માટે પણ કોઇ કડવાશ તેના મનમાં પ્રવેશી શકી નહીં. આમ પણ તેમણે કયાં કયારેય સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા? તેથી દગો કે વિશ્વાસઘાત એવા કોઇ સવાલો તો ઉપસ્થિત જ નહોતા થતા. બસ.. અનિ ખુશ રહે. અંતરની અમીરાતથી ધબકતા, મધુરતાથી ધબકતા હૈયામાં કડવાશની કોઇ કણી માટે જગ્યા કયાં હતી? અનિની છબી તેના મનમાં એ જ રહી. બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હવે અંદર ઊંડે ઉતરતી ગઇ.. બસ.. એક માત્ર ફરક…

કોઇ પીડા વિના પૂરી સહજતાથી દરેક વાત.. દરેક પરિસ્થિતિનો સ્વીકાર એ કદાચ ઇતિની પ્રકૃતિ હતી. અનિકેત ભૌતિક અર્થમાં તેનાથી દૂર ભલે ગયો હોય.. બાકી ઇતિથી દૂર તે જઇ શકે તેવી તો ઇતિ કલ્પના પણ કરી શકે તેમ નહોતી.

સમયની એક વામન ક્ષણમાં કેટલી વિરાટ.. અનંત શકયતાઓ…આશ્ચર્યો.. ભરેલ હોય છે.. તે એહસાસ તો સ્વાનુભવે જ સમજાય ને?

ઇતિનું ભણવાનું હવે પૂરુ થયું હતું. કોઇપણ માતા પિતાની જેમ ઇતિના મા બાપ પણ દીકરીના લગ્નની ચિંતામાં… છોકરો શોધવામાં પડ્યા. ઇતિ તો કશું વિચારતી જ નહોતી. ત્યાં તેના જીવનમાં અરૂપનું આગમન એકદમ અણધાર્યું થયું. ઇતિના માસીએ તે બતાવ્યો હતો. ભણેલગણેલ, દેખાવડો, સારું કમાતો, અને કુટુંબમાં પણ ખાસ કોઇ નહોતું. તે પણ અમેરિકાથી આવ્યો હતો.

વાત ચાલી અને એક દિવસ અરૂપ ઇતિને જોવા આવ્યો. તે તો ઇતિને જોઇને જ મુગ્ધ થઇ ગયો. ઇતિની ભાવવાહી, વિશાળ ચમકતી, પાણીદાર આંખોમાં તે ખોવાઇ ગયો. તેણે તો ત્યાં જ હા પાડી દીધી. કશું પૂછવાની તેને જરૂર જ ન લાગી. જાણે પહેલી નજરે જ તે ઇતિમાં ખોવાઇ ગયો. તેણે ઇતિને પણ કોઇ સવાલો ન પૂછયાં. ઇતિને તો શું પૂછવું તે સમજાયું જ નહોતું. અરૂપ અમેરિકાથી આવ્યો હતો. અનિકેતને ઓળખતો હશે? તેના વિશે પૂછું? અરૂપ સામે બેઠી બેઠી ઇતિ અનિકેત વિશે જ વિચારી રહી હતી. અરૂપની સામે તે કેમ બેઠી છે તેનો વિચાર પણ એ ક્ષણે તેને સ્પર્શ્યો નહોતો. અમેરિકા અને અનિકેત.. બસ… એટલો જ સંબંધ મનમાં ઉગતો હતો. અરૂપ સામે જોવાની કોઇ જરૂરિયાત તેને નહોતી લાગી. અરૂપ અમેરિકાથી આવ્યો હતો અને અમેરિકામાં અનિકેત હતો.. બસ રહી રહીને આ એક જ વાત તેના મનમાં આવતી હતી.

અમેરિકામાં હોય તે બધા જાણે અનિકેતને ઓળખતાં જ હોય! ઇતિ તો એવું જ વિચારી રહી હતી. જોકે પૂછવાની લાખ ઇચ્છા છતાં ઇતિના હોઠ એ ક્ષણે કોઇ શબ્દો ઉચ્ચારી ન જ શકયા. ‘અનિકેત’ નામ અંદર જ થીજી રહ્યું.

ઇતિના મમ્મી, પપ્પાને પણ અરૂપ ગમ્યો. ઇતિને પૂછતાં તે જવાબ ન આપી શકી. આ બધું શું થઇ રહ્યું છે તેની જિંદગીમાં? ના પાડવાનું કોઇ દેખીતું કારણ નહોતું. તો હા પાડવાની? લગ્ન કરવાના? સાસરે જવાનું? જોકે સાસરાનો અર્થ હવે કોઇને પૂછવો પડે તેમ નહોતો. અને પૂછવું હોય તો પણ જવાબ આપનાર પોતે જ એક સવાલ બનીને રહી ગયો હતો.

ઇતિની જિંદગી વિશે વિચાર તો અનિકેતે કરવાનો હોય. ઇતિનું જીવન કેવું હશે તેની કલ્પના તો અનિકેત કરતો. અત્યાર સુધી પોતે કયારેય કોઇ ચિંતા.. કોઇ કલ્પના.. કોઇ વિચાર પોતાના ભાવિ વિશે કયાં કર્યો હતો? એ બધું ઇતિનું કામ થોડું હતું? એને તો અનિ કહે એમ કરવાનું હોય.. બસ… બાકી બધું એની જવાબદારી. પણ હવે? હવે આ ક્ષણે અનિને શોધવો ક્યાં? તેને એટલી પણ ભાન નથી પડતી કે ઇતિ એકલી શું કરશે? કેમ કરશે? આવો મોટો નિર્ણય તે અનિ વિના કેમ લઇ શકે?

’તે અનિને પરણી શકે? અનિ હોત તો પોતે અને અનિ પરણ્યા હોત? ઇતિના મનમાં પહેલીવાર આ વિચાર વીજળીની જેમ ઝબકી ગયો. અનિ સાથે લગ્ન? આવો વિચાર તો આજ સુધી કયારેય નથી આવ્યો.. આજે આમ અચાનક? તે અને અનિ પ્રેમી, પ્રેમિકા થોડા હતા? હા, એકબીજાનું સર્વસ્વ જરૂર હતા. પણ.. આવું તો બેમાંથી કોઇએ કદી કયાં વિચાર્યું હતું? કે એકબીજાને કદી કહ્યું હતું? હકીકતે તે અને અનિ છૂટા પડી શકે એવી કોઇ કલ્પના જ નહોતી આવી. ઇતિ અજબ અસમંજસમાં અટવાઇ. એક તરફ માતા પિતા હતા જે તેને સમજાવતા હતા કે અરૂપ જેવો છોકરો નસીબદારને જ મળે. ઇતિને તો કોઇ બહેનપણી.. કોઇ મિત્ર પણ કયાં હતા? એવી જરૂરિયાત જ કદી નહોતી લાગી. જે હતો તે એકમાત્ર અનિકેત… અને તે આમ ઇતિની પરમ જરૂરિયાતની પળે ખોવાઇ જાય.. રિસાઇ જાય.. ઇતિની આંખો છલકાઇ આવી. એક અકથ્ય મૂંઝારો તેના પ્રાણને ઘેરી વળ્યો. જેની આરપાર તે કશું જોઇ શકવા અસમર્થ હતી. માતાપિતાને તે કશો જવાબ આપી શકી નહીં.

તેના મૌનને સંમતિ માની ઇતિની સગાઇ નક્કી થઇ ગઇ. બે દિવસમાં તો સગાઇની બધી તૈયારી પણ થઇ ગઇ. જેમ અનિકેતના અમેરિકા જવાની વાત ઇતિના મગજમાં આગલા દિવસ સુધી નોંધાઇ નહોતી. તેવી જ રીતે સગાઇની વાત પણ ઇતિનું મગજ નોંધી શકયું નહીં. ઇતિ તરફથી કોઇ વિરોધ ન આવ્યો. અને વિરોધનો અભાવ એટલે સ્વીકાર એ સત્ય માની લેવામાં કોઇને વાંધો ન આવ્યો. આમ પણ કોઇના મૌનનો મનગમતો અર્થ કાઢવો હમેશાં આસાન હોય છે. ઇતિના ઘરમાં બધાને અરૂપ ખૂબ ગમી ગયો હતો. અને અરૂપમાં ના પાડવા જેવું કે ન ગમવા જેવું શું છે? ઇતિને ન ગમ્યું હોય તો તો બોલે ને? ઇતિના માસીએ પણ કહ્યું, “દીદી, આ તો લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. વધાવી લો. સારા કામમાં સો વિઘ્ન.” અને બહેનની વાત ઇતિની મમ્મીને પણ યોગ્ય લાગી. અને તુરત સગાઇનો દિવસ નક્કી થઇ ગયો. આમ પણ અરૂપે જેમ બને તેમ જલદી કરવાનું કહ્યું હતું.

ઇતિને તો જાણે આ બધા સાથે કોઇ નિસ્બત જ નહોતી. જે થાય તે.. ત્યાં હતો એક માત્ર સાક્ષીભાવ કે પછી ઉદાસીન ભાવ. પહેલા કશું વિચાર્યા સિવાય અનિકેત કહેતો તેમ તે કરતી રહી હતી.. આજે માતા પિતા કહે તેમ તે કરતી રહી.

અરૂપને ઉતાવળ હતી.. તરત સગાઇ… અને અઠવાડિયામાં તો લગ્ન.. નક્કી થયું.

સગાઇને બીજે દિવસે અરૂપે ઇતિને એક સરસ મજાની બાર્બી ડોલ ભેટ આપી. જે દુલ્હનના શણગારથી શોભતી હતી. ઇતિ સ્તબ્ધ..! મૂઢની માફક તે ઢીંગલી હાથમાં લઇ બેસી રહી. આ ભેટમાં તેને અનિકેતની હાજરી.. તેની સુવાસ કેમ અનુભવાતી હતી? ઘડીકમાં ઢીંગલી તરફ તો ઘડીકમાં અરૂપ તરફ જોઇ રહી.

અરૂપે કહ્યું.. “આ તો જસ્ટ મસ્તી.. મજાક..”

પણ ઇતિ માટે આ મજાક કયાં હતી?

તેની સાથે પોતાના શૈશવની કોઇ અણમોલ યાદ સંકળાઇ હતી એની જાણ અરૂપને થોડી જ હોય?

તેની નજર સમક્ષ તો દસ વરસનો અનિકેત હસતો હતો. અને ઇતિને કહેતો હતો.. “તારા લગ્ન થશે ને ત્યારે હું તને શું ભેટ આપીશ ખબર છે?”

ગૌરીવ્રતના ત્રીજા વરસે પૂજા કરીને આવેલ શણગારેલ ઇતિને જોઇને અનિકેતે કહ્યું હતું. અને ઇતિ ચંચળતાથી બોલી ઉઠી હતી, “શું આપીશ?”

“તારા જેવી જ શણગારેલ ઢીંગલી… બાર્બી ડોલ…!” અને બંને ખડખડાટ હસતા હતા!

આજે અરૂપની આ ભેટ…! તેનાથી અરૂપને પૂછાઇ જ ગયું, ’તમે અનિકેતને ઓળખો છો? એ પણ અમેરિકામાં જ છે.”

“અનિકેત.. કોણ અનિકેત?” જવાબમાં ઇતિ મૌન રહી. અને અરૂપે પણ આગળ કોઇ પૂછપરછ કરી નહીં.

એ ઢીંગલી આજે પણ કબાટમાં મોજુદ છે. બિલકુલ મૌન બનીને ચૂપચાપ બેઠી છે.

તે પછી પણ અરૂપે અનેક ભેટો ઇતિને આપી જ હતી ને? પણ…

(ક્રમશઃ)

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૭) – નીલમ દોશી