સુખદ મૃત્યુની ઈચ્છાની અભિવ્યક્તિ (દેવેન્દ્ર દવે) કાવ્યાસ્વાદ – હેમન્ત દેસાઈ


સુખદ મૃત્યુની ઈચ્છાની અભિવ્યક્તિ

મુમૂર્ષા

હર્યું ભર્યું ઘાસ હોય
ખુલ્લુ આકાશ હોય.
આછો અજવાસ હોય
પછી ભલે છૂટતા આ જીવતરના શ્વાસ હોય…

હોય નહીં નસોં ને નીડલનાં ઝૂમખાં,
આમતેમ વળગીને અંગે અંગ ચૂભતાં
સ્વાર્થ અને સગપણનાં હોય નહીં ફૂમતાં

હોય તો બસ હોય એક –
લીલેરા વાંસ હોય
ગમતીલી ફાંસ હોય
ઝાકળની ઝાંસ હોય…હર્યું ભર્યું,

અડીખમ ઊભેલા ગઢની ના રાંગ હોય,
આઘેરા ગામના કૂકડાની બાંગ હોય,
હોય ભલે પવનોની સૂસવતી સાંગ હોય
નીડેથી પ્હેરેલા ટહુકાના પ્રાસ હોય
મંત્રોના ત્રાસ ન્હોય
ઉગમણા સૂરજની સાખે પ્રવાસ હોય…
હર્યું ભર્યું.

– દેવેન્દ્ર દવે

કોઈનેય મરવું ગમતું નથી, પણ મૃત્યુ અનિવાર્ય છે. અને એથી જ માણસને સૌથી મોટો ભય હોય છે મૃત્યુનો. મૃત્યુને સહજભાવે સ્વીકારવા -આવકારવાની ઇચ્છા વિરલ ગણાય તેમ છતાં એ’વી વિભૂતિઓ જોવા મળી છે કે જેમણે સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાનું પસન્દ કર્યું હોય.માણસ ઇચ્છે અને એ’ને મૃત્યુ મળે એ ઘટનાને ઇચ્છામૃત્યુ કહે છે. અલબત્ત, ઇચ્છામૃત્યુ આત્મહત્યા નથી. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાંખે તે આત્મહત્યા. એથી ભિન્ન; વ્યક્તિ પૂરી સ્વસ્થતાથી જીવનને સમાપ્ત કરવા ઇચ્છે, સામેથી મૃત્યુને નિમંત્રે અને મૃત્યુ થેને આવી મળે તે ઇચ્છામૃત્યુ, મૃત્યુના યોગ્ય સમયના આગમનને આમ ઘણા માણસો – દુઃખથી કે રોગથી તપ્ત-ત્રસ્ત માણસો – ઇચ્છે છે ખરા, પણ બહુ જ જૂજ વ્યક્તિઓની એ’વી ઇચ્છા ફળે છે. પણ તો ઇચ્છાના ‘હોવા’ને થેની સફળતાનિષ્ફળતા સાથે ક્યાં કોઈ નિસબત હોય છે જે. તો એવી જ રીટે મૃત્યુ અનિવાર્ય છે તો સુખપૂર્વક મરવાનું માણસ ઇચ્છે તે સ્વાભાવિક નથી? એવા ઇપ્સિત સમયના નહિ, ઇપ્સિત પ્રકારના મૃત્યુના આ ગીતમાં કવિએ સુખદ – સુખાવહ મૃત્યુની ઇચ્છા પ્રગટ કરી છે.સુખદ એટલે એમની પોતાની દ્રષ્ટિએ સુખદ. હા. એમની દ્રષ્ટિ સાથે સરેરાશ માણ્સની દ્રષ્ટિનો મેળ સધાય છે. કારણ એમના જેવી દ્રષ્ટિ ધરાવનારા અનેક માણસો હોવાના અને એથી જ એ ઇચ્છાની અભિયક્તિ રૂપ આ કૃતિ ‘કાવ્ય’ની કક્ષાએ પહોંચે છે.

માણસનૂમ પોતાનું મરણ આવે ત્યારે, જ્યારે અને જેવું આવે તેવું – પણ એ સતત પોતાના સગાં – સંબંધી તથા મિત્રો પરિચિતોનાં આઘાતક મરણ જુએ છે. એ અવલોકનથી એનામાં મૃત્યુની સંવિત્તિ વિકસે છે. માણસની જિજિવિષા પ્રબળ હોવા છતાં જીવનના પરિતાપોથી એ વ્યથિત થાય છે. એ અનુભવનોય પેલી સંવિત્તિના વિકાસમાં ફાળો હોય છે. પરિણામે મૃત્યુ વિષયક ચિન્તન- મનન માણ્સ હંમેશા કર્યા કરે છે; તેની કવિતાય કરે છે. આપણે ત્યાં સર્જાયેલી અ’વી પુષ્કળ કવિતામાં સ્વકીય વિશેષતાથી જુદું તરી આવતું આ સરળ સુંદર ગીત ખરે જ આકર્ષક છે. એના કવિ દેવેન્દ્ર દવે મુખ્યત્વે સૉનેટ- સર્જક છે, પરંતુ ગીત રચનામાંય એમણે નોંધપાત્ર ગતિ કરી છે.

મરવાની ઇચ્છા એટલે મુમૂર્ષા નહિ, મૃત્યુ સંવિત્તિજન્ય યથેચ્છ મૃત્યુની આકાંક્ષા અહીં વ્યક્ત થઈ છે. એટલે પ્રસ્તુત ગીત માટે યોજાયેલું શીર્ષક યથોચિત નથી. પણ એ બિન ગૌણ છે; કેમકે કોઈપણ કૃતિનું કોઈપણ શિર્ષક તેનું અન્તરંગ હોતું નથી, તેના પર આરોપિત બાહ્યા.. જ હોય છે. સર્જકો જોકે એ બાહ્યા…નીય સૂચકતા અને સચોટતા અત્રે ઘણી સાવધાની રાખતા હોય છે.

નિતાન્ત સ્વાતંત્ર્ય માણસને ખરેખર અલભ્ય છે. અને એથી જ કદાચ સ્વતંત્ર્યતા માનવજીવનનું પરમ મૂલ્ય છે. જીવનની ઘણી બાબતોમાં માણસ સ્વતંત્ર્ય નથી પણ જન્મ અને મૃત્યુ બાબત તો બિલકુલ નથી. એટલે જ સાત્રેને કહેવું પડ્યું કે ‘ ‘ ઉર્દૂ કવિ જોકે એક શેરમાં આ વાત આગવી છટાથી અનેસરસ રીતે કહે છે;

લાઇ હયાત આએ, કજા કે ચલી ચલે,
અપની ખુશી ન આએ ન અપની ખુશી ચલે.

જે નથી થેને જ ઇચ્છવું એ મનુષ્ય પ્રકૃતિ છે. ‘જે નથી’ તે ‘હોય’ તો કેવું સારું આ વિચાર પોતે જ ખૂબ સોહામણો છે. હોયની આરતથી મનોમન સમૃદ્ધ થવું માણ્સ માત્રને ગમે છે. એ’ની એ જ તો ખરી સંપત્તિ છે, જેની ઉપલબ્ધિથી પ્રેરાઈને મૃત્યુ અત્રેના સબળસઘન ‘હોય’ને કવિ આ ગીતમાં સ્થાપિત કરે છે. અને એમની અંતઃપ્રેરિત ઇચ્છા આકાક્ષાને વ્યક્ત કરતો એ ‘હોય’ શબ્દ જ કવિસંવેદનના સંચાલક બળ સમો આખા ગીતમાં આદિથી અંત લગી વ્યાપી રહે છે. વળી’નહીં’ ‘ના’ ‘ન્હોય’ની સહોપરિસ્થિતિથી એ ‘હોય’ વધુ તીવ્ર, વધુ પ્રભાવક નીવડે છે.

અકસ્માતે વીસ-બાવીસ વર્ષનો આશાસ્પદ જુવાન ફાટી પડે, કારકિર્દીની ટોચે બેઠેલો કોઈ પ્રોઢ ગોળીએ દેવાય કે જીવન માણી ચૂકેલો ખાઈ-પી પરવારેલો વૃદ્ધ જન પણ મહિનાઓ સુધી અસાધ્ય રોગથી પીડાઇ-કષ્ટાઇ-રીબાઈને પથારીમાં તરફડતો મૃત્યુ પામે ત્યારે ભારે અરેરાટી થાય છે. એથી વિપરીત કુટુંબની લીલી વાડી મ્હોરી હોય અને પોતે પૂર્ણ આયુષ્ય ભોગવ્યું હોય એવે ટાણે ટૂંકી માંદગીમાં જ હસતાં બોલતાં માણસ ચાલ્યો જાય તે મૃત્યુ ઇષ્ટ લેખાય. વૃક્ષનું પીળું પાન ખરી પડે કે ઘીનો ધીમો દિવો બુઝાઈ જા તેવું – શાંત – સ્વસ્થ – સુખમય મૃત્યુનું નામ લીધું નથી, લિધું છે જીવનનું નામ, તેય હોશથી . જિવનની સમાપ્તિ અત્રેની કવિ કથિત વાત તેથી ક્લેશકર નહિ, સુખકર પ્રસન્નકર બની રહે છે.

હર્યું ભર્યું ઘાસ હોય
ખુલ્લુ આકાશ હોય
આછો અજવાસ હોય
પછી ભલે છૂટતા જીવતરના શ્વાસ હોય.

પ્રભાતના પ્રસન્ન ઉઘાડ સમી ઉપાડની આ પંક્તિ ભાવકને પરિતોષના કોઈ પરિસમાં મૂકી દે છે. એ પરિસર સંસ્કૃતિનો નહિ, પ્રકૃત્તિનો છે.સમજાય છે કે કવિ પ્રકૃતિના સાનિધ્યમાં જીવનનો પ્રાકૃતિક અંત વાગ્છે છે. પ્રકૃતિ પ્રત્યેનો કવિનો એ પક્ષપાત ગીતના આદિમાં તેમ અંંતમાંય જણાઈ આવે છે.

નીડેથી વ્હેલેરા ટહુકાના પ્રાસ હોય
મંત્રોના ત્રાસ ન્હોય
ઉગમણા સૂરજની સાખે પ્રવાસ હોય.

અવર લોકનાં તેડાં આવ્યાં છે તો ઊગતા સૂરજની સાક્ષીએ આનંદભેર જવાનું છે. ત્યારે યાંત્રિક રીતે થતા મંત્રોચ્ચાર પણ ત્રાસરૂપે લાગે છે. એને બદલે માળામાંથી વછૂટેલા પક્ષીના શ્રવણે પડતા પહેલવહેલા ટહુકાની લહાણ જ ઇચ્છનીય છે. કારણ ટહુરવ નીરવને દુભવે નહિ, શણગારે.

સંસ્કૃતિ-પ્રકૃતિનો વિરોધ અનુક્રમે પહેલા અને બીજા અંતરામાં પ્રકટ થાય છે. ખરું જોતા એ બંનેનું સહ-સ્થાપન કરીને કવિએ પ્રકૃતિનો મહિમા સ્કુટ કર્યો છે. પ્રકૃતિપ્રિય છે એથી સ્તો એ એકાંત સ્થળે અને રમ્ય સમયે શાંત મૃત્યુની અભીપ્સા સેવે છે. આપણા સંસ્કૃત સમાજે જીવનની દરેક અવસ્થા અત્રે નિશ્વિત વ્યવસ્થા ગોઠવેલી છે. અને ત્હેનું મને કમને યેનકેન પ્રકારે પાલન કરાય છે. સંસારીજનોની એ વ્યવસ્થાથી પ્રેરિત મૃત્યુ સમયની રૂઢ પ્રવૃત્તિ અને તે સાથેની ઔપચારિક વૃત્તિ કવિને માન્ય નથી. માણસ માંદો પડતા એની ઉપર ઔષધ પ્રયોગો થાય. માંદગી ગંભીર બનતા એ’ને હોસ્પિટલમાં ખસેડાય ત્યાં આત્યન્તિક સારવાર અપાય અને છતાં તે બચવાનો નથી એમ લાગતં (હોસ્પિટલે નહિ તો ઘરે પણ) છેલ્લી ઘડીએ મંત્રોચ્ચાર કરાય. બસ પત્યું! (પછી તો રહે છે શેષ શરીરની અન્ત્યેષ્ટિ, જેની સાથે કોઇ નિસબત જનારાને નથી.) આ બધું જીવનમાં જોઈ જાણીને વિક્ષુબ્ધ થયેલું કવિચિત્ત પોતાને માટે એ સર્વ કાંઇનો કેવો પરિહાર કરે છે તેનું સ-વીગત આલેખન ગીતના બેઉ અંતરામાં થયું છે તે કેવું તે જોઈએ;

હર્યા ભર્યા ઘાસની વચ્ચે ખુલ્લા આકાશની નીચે આછાં આછાં અજવાળામાં જીવન સમેટવાનું છે. આ પૃથ્વીના છેલ્લા શ્વાસ શ્વસી લઈને અગોચરનું પ્રયાણ આદરવાનું છે. ત્યારે કોઈ નિરર્થક ધાંધલ ધમાલ અને ભીડ હોયતે સહ્ય નથી. ઇષ્ટ તો એ છે કે ઝાકળ છાયાં વાતાવરણમાં વાંસ અને તેય લીલા વાંસની એક મનગમતી બની રહેતી ઝીણી કરચ ખૂંપે અને પ્રાણ નીકળી જાય. એટલે અદ્યતન સુસજ્જ હોસ્પિટલમાં ડૉક્ટરો – નર્સો છેલ્લામાં છેલ્લી ચિકિસ્તા કરતાં હોય, એક ઉપર એક ઇન્જેક્શનો દેવાતાં હોય અને સ્વાર્થી સ્વજનો દર્દીની હાલત જાણવા કે મરનારનાં અંતિમ વચનો સાંભળવા વીંટળાઈ વળ્યા હોય તે ન જ ગમે. એ બધાંએ એક દીવાલ, અડીખમ ઊભેલા ગઢની રાંગ, રચી હોય એ ન જોઈએ. એ કરતાં તો દૂરદૂરથી પ્રભાતની છડી પોકારતા કૂકડાનો અવાજ આવતો હોય અને સાંગ સમા વાગતા ને સાલતા પવનો સૂસવાતા હોય તેને ઝીલતાં ઝીલતાં ભલે જીવતરના શ્વાસ છૂટતા> અહીં સૂચવાય છે કે મરણ આવું, ગમી જાય એવું નિરાંતવું હોય.

જીવનની અંતિમ ક્ષણની સુખદ પરિસ્થિતિની આકાક્ષા – ઝરનાને સ્થિરાકૃત કરતી આ રચનાની શબ્દયોજના પણ એકન્દરે શ્રવણસુખદ થઈ છે. ‘દાદા દાલ’ બીજનાં અનુકળ આવર્તનો દ્રારા થતાં લયનિષ્પાદનથી સરળ તેમ સળંગ ચાલતા આંતરપ્રાસથી મધુરરીતે કોળી ઊઠેલું એનું સાદું સીધું પદ્યરૂપ આડંબર વિના કામણ કરે એવું છે. ‘પછી ભલે છૂટતા આ જીવતરના શ્વાસ હોય’ એ પ્રથમ પંક્તિનો ઉત્તરાર્ધ સમગ્ર કૃતિના કેન્દ્રમાં રહેલો છે. એ’ના છેલ્લા શબ્દ ‘હોય’નું થતું સાદ્યન્ત આવર્તન ભાવાભિવ્યક્તિને દ્રઢ કરે છે. ‘હોય’ ની પૂર્વેના ‘શ્વાસ’ શબ્દના બધા પ્રાસ યુક્તિપૂર્વક રચાયા છે. આયાસ તેમાં જણાઈ આવે છે. છતાં અપુષ્ટાર્થનો દોષ જવલ્લે જ જણાય આવે છે. એમ તો’ઝાંખ’ ને બદલે ઝાંસ’ તથા ગમતી ને બદલે ‘ગમતીલી’ જેવાં શબ્દરૂપોમાં સંદર્ભગત અર્થ અવરોધાય છે. પણ કવિએ લીધેલી એ છૂટ નિર્વાહ્ય છે. ‘ઝૂમખાં’, ‘ચૂભતાં’, ‘ફૂમતાં’ તથા ‘રાંગ, બાંગ, સાંગ’ જેવા સપ્રાસ શબ્દો અવાજ સાથે અર્થનુંય વિલક્ષણ સૌંદર્ય સાધે છે. એ જ રીતે ‘લીલેરા, આઘેરા, પ્હેલેરા,’ સન્નિકટ ન હોવા છતાં પ્રાસ જેવા જ સુખકર લાગે છે. ‘નર્સ’ અને ‘નીડલ’ જેવા પર ભાષાના શબ્દો ખુંચતા નથી. ઊલટું, ‘નીડલ’ ‘નીડ’નું વર્ણસામ્ય એ બન્ને શ્બ્દોના અર્થભેદને પ્રબળતાથી ચીંધે છે. કહી શકાય કે આ સઘળું ગીતના સંવિધાનના જમા પક્ષે છે. ખાસ નોંધવાનું કે ભાષાપ્રયોગમાં ક્યાંક વરતાતી સૌરાષ્ટ્રની લાક્ષણિક છાંટ રૂચીર લાગે છે.

અને છેલ્લે, ભાવની સચ્ચાઈને સાહજિકતાથી પ્રગટાવતી અભિવ્યક્તિની સરળતા અહીં પ્રતીત થાય છે. કવિનો ભાવ – અને એમનો નિજી વિભાવ પન સર્વજનીન રૂપે અને સહજગમ્ય રીતે આવિષ્કાર પામતાં કાવ્યરસિકને અહ્લાદક નીવડે એવી સફળ ગીતકૃતિની નિર્મિત થઈ છે.

(‘કવિલોક’ સામયિકમાંથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો....