થાઇલેન્ડનો પ્રવાસ : શ્યામ દેશ છે રંગીન – પરીક્ષિત જોશી 5


થાઇલેન્ડમાં જોવાલાયક મુખ્ય શહેરો અને એના મુખ્ય સ્થળો

ફૂકેટમાં
ફિ ફિ આઇસલેન્ડ
ફાન્ગ નગા બૅ
-હત કતા બીચ
-હત પાટોન્ગ બીચ
ફૂકેટ એક્વેરિયમ

બેંગકોકમાં
ગ્રાન્ડ પેલેસ
જાયન્ટ સ્વીંગ
રોયલ બાર્ગે નેશનલ મ્યુઝિયમ
ડ્રીમ વર્લ્ડ
સિઆમ પાર્ક
સિઆમ ઓશન વર્લ્ડ
સિઆમ નિરામિત
સફારી વર્લ્ડ

ચિયાંગ માઇમાં
ડોઇ ઇન્થુનોન નેશનલ પાર્ક
સન્ડે માર્કેટ
ફરા થાત ડોઇ નોઇ મંદિર
ચિયાંગ ડાઓ ગુફા
મોક ફા ધોધ

પતાયામાં
અન્ડર વોટર વર્લ્ડ
થન્ડર રોક ડાયનોસોર પાર્ક
ખાઓ ચિ ચાન કર્વ્ડ બૌદ્ધ માઉન્ટેન
કોક્રોડાઇલ ફાર્મ
રોયલ થિયેટર

* * *

દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત પ્રાચીન ‘શ્યામદેશ’ કે જેને આજે આપણે ‘થાઇલેન્ડ’ તરીકે ઓળખીએ છીએ એ દેશ ૧૧ મે, ૧૯૪૯ સુધી ‘સિયામ’ તરીકે ઓળખાતો હતો. દેશની થાઇ પ્રજાની ઓળખ એવા ‘થાઇ’ શબ્દના થાઇ ભાષામાં થતાં ‘આઝાદ’ એવા અર્થસંદર્ભ સાથે આજે એ થાઇલેન્ડ તરીકે ઓળખાય છે. એની પૂર્વે લાઓસ અને કંબોડિયા, દક્ષિણે મલેશિયા અને પશ્ચિમે મ્યાનમાર આવેલા છે.

અત્યારે અહીં રાજા રામ નવમા તરીકે ઓળખાતા હિઝ મેજીસ્ટી રાજા ભૂમિબોઇ અદુલ્યાદેજનું રાજ ચાલી રહ્યું છે. જે તેના સમગ્ર રાજ્યતંત્ર ઉપરાંત સશસ્ત્ર દળો સહિત બૌદ્ધ ધર્મના વડા છે. થાઇલેન્ડની ૮૦ ટકા વસતી થાઇ પ્રજા છે. અન્યમાં ૧૦ ટકા ચીની, ૩ ટકા મલાયા અને બાકીના લોકો વસે છે. એક ભારતીય રૂપિયાની કિંમત થાઇ ચલણ બાહટ (ટીએચબી) બાસઠ પૈસા થાય છે. બીજી રીતે કહેવું હોય તો એક બાહટ બરાબર ૧.૬૦ રૂપિયા થાય.

બેંગકોક છેલ્લી બે સદીઓથી એની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. અહીં અનેક એવી જગ્યાઓ છે જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં બૌદ્ધ ધર્મના ૨૦૦ વર્ષથી પણ જૂના ૪૦૦થી પણ વધુ મંદિરો આવેલાં છે. અહીંના અન્ય સૌથી વધુ પ્રસિદ્ધ સ્થળો છે, મરીન પાર્ક અને સફારી. મરીન પાર્કમાં પ્રશિક્ષિત ડોલ્ફિન પોતાના જાતજાતના કરતબ બતાવે છે. આ કાર્યક્રમ બાળકો સાથે સૌને આકર્ષે છે. સફારી વર્લ્ડ વિશ્વનું સૌથી મોટું ખુલ્લું પ્રાણીસંગ્રહાલય છે. જ્યાં એશિયા અને આફ્રિકાના લગભગ બધાં જ વન્ય જીવોને જોઇ શકાય છે. એ સિવાય દરરોજ સવારના ૮.૩૦થી બપોરના ૩.૩૦ સુધી ખુલ્લો રહેતો ગ્રાન્ડ પેલેસ પણ જોવાલાયક છે. રાજા રામ પહેલાના વખતમાં સ્થપાયેલો આ મહેલ એના સ્થાપત્યને લીધે થાઇરાજ પરિવારના એક સ્ટેટસ સિમ્બોલ સમો છે. સિઆમ ઓશન વર્લ્ડ પણ એક નવું ઉમેરાયેલું નજરાણું છે. ડિસેમ્બર ૨૦૦૫માં શરૂ થયેલું આ પ્રવાસન સ્થળ આજે તો સાઉથઇસ્ટ એશિયાનું સૌથી મોટું એક્વેરિયમ બની ચૂક્યું છે. તો સિઆમ નિરામિત એ થાઇલેન્ડની વૈશ્વિકસ્તરના આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજનો એક અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. અહીં થયેલાં એક પર્ફોમન્સનો ઉલ્લેખ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ થયેલો છે.

બેંગકોક પછી પતાયા થાઇલેન્ડનું સૌથી મહત્ત્વનું પ્રવાસન સ્થળ છે. માછીમારીના વ્યવસાય માટે જાણીતું નાનકડું ગામડું આજે પર્યટન અને સહેલાણીઓને લીધે થાઇલેન્ડનું એક મહત્ત્વનું પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. અહીં હરવાફરવા યોગ્ય અનેક જગ્યાઓ છે. એમાં મુખ્ય છે રિપ્લેજ બિલીવ ઇટ ઓર નોટ સંગ્રહાલય. અહીંના ઇન્ફીનીટી મેજ અને ૪-ડી મોશન થિયેટરનો અનુભવ ઘણો રોમાંચક છે. ભૂતિયા સુરંગમાં એક સમયે તમને ભૂતોના અસ્તત્વનો અહેસાસ થઇ આવે છે. ભૂતિયા સુરંગ ડરાવણી હોવા છતાં તેના મુલાકાતીઓની સંખ્યા કદીયે ઓછી થતી નથી. અહીંના કોરલ આઇલેન્ડ ઉપર પેરાસેલિંગ અને વોટર સ્પોર્ટસનો આનંદ માણી શકાય છે. પાણીની અંદર અનેકવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતા પતાયામાં આ બાબતનો લહાવો લેવો એક અનેરો અનુભવ છે. આ માટે અહીં વિશેષ પ્રકારની કાંચના તળિયાવાળી હોડીઓ હોય છે જેમાં બેસીને તળિયાની કાચની સપાટીમાંથી દરિયામાંના જલીય જીવો અને કોરલ જોઇ શકાય છે. અહીં એક રત્ન ગેલેરી પણ છે જ્યાં વિવિધ કિંમતી રત્નો વિશેની જાણકારી મેળવી શકાય છે. અહીં પૃથ્વી ઉપરથી લુપ્ત થઇ ગયેલી ડાયનોસોર જેવી પ્રજાતિના અવશેષોની જાળવણી કરેલો પાર્ક પણ જોવાલાયક છે. નૃત્ય, સંગીત અને એવા અન્ય કાર્યક્રમોમાં રસ ધરાવનારા પતાયા જાય અને અલકાજર કેબરટની મુલાકાત ન લે એવું તો ક્યાંથી બને. કારણકે અહીંના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનારી દરેક સુંદર સ્ત્રી કળાકાર વાસ્તવમાં પુરૂષ જ હોય છે. એમને સુંદર સ્ત્રી તરીકે જોવા એ પણ એક લહાવો છે.

ફૂકેટ એ થાઇલેન્ડનો સાૈથી વધુ વસતી ધરાવતો દ્વીપ છે. થાઇલેન્ડના અનેક બીચીઝમાંથી ફૂકેટ એના વિવિધ રંગોથી છલકતી જગ્યાને લીધે રજાઓના સમય ગાળવા માટેનું ઉત્તમ સ્થળ છે. પ્રવાસીઓ અને પર્યટનને લીધે જ આ સ્થળનો વિકાસ પણ થયો છે. સૌથી વધુ થાઇ અને નેપાળી વસતી ધરાવતા આ દ્વીપ ઉપર ચીની-પોર્ટુગલ સભ્યતાનો અનોખો સંગમ જોવા મળે છે.

નદીકિનારે આવેલું અયૂથયા ઉદ્યાન યૂનેસ્કોની વિશ્વવારસાની સૂચિમાં છે. અહીં ચારેય તરફ મંદિરો જ મંદિરો છે. કોઇક કાળે અહીં આખું શહેર વસતું હશે એવા અવશેષો અહીં જોવા મળે છે.

બેંગકોકથી લગભગ ૭૦૦ કિમી. દૂર આવેલું ચિયાંગ માઇ થાઇલેન્ડનું બીજું સૌથી મોટું શહેર છે. પુરાતન કાળનો અહેસાસ કરાવતા આ શહેરમાં બૌદ્ધ ધર્મના ૭૦૦ વર્ષથી પણ જૂના લગભગ ૩૦૦થી વધુ મંદિરો છે. એમાં વાત ચિયાંગ મન સૌથી જૂનું મંદિર છે. એને ‘વાત ચેડી લુયાંગ’ એ ૯૮ મીટર ઊંચી અને ૫૪ મીટર પહોળી ચેડી છે. ‘વાત ફરા થાત ડોઇ સુથેપ’ એ ચિયાંગ માઇની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ મુલાકાત લેવાતી જગ્યા છે. આસપાસ પર્વતો અને નદીઓની પૃષ્ઠભૂમિ ધરાવતા આ શહેરમાં આધુનિકતાએ પ્રવેશ કર્યા પછી આખી દુનિયા અહીં મળી આવે છે. જેમને ખાણીપીણી કે ખરીદીનો શોખ છે એમના માટે તો આ સ્વર્ગ છે.

બેંગકોકની પશ્ચિમે આવેલું નકોન પથોમ થાઇલેન્ડનું સૌથી પ્રાચીન શહેર છે એવું માનવામાં આવે છે. અહીંના ‘ફ્રા પથોમ ચેડી’ સ્મારકને વિશ્વનું સૌથી ઊંચું બૌદ્ધ સ્મારક માનવામાં આવે છે. ૬ઠ્ઠી સદીમાં બૌદ્ધો દ્વારા રચવામાં આવેલું તેરાવડનું સ્મારક આજે એક વિશાળ ગુંબજ નીચે સચવાયું છે.

ખરીદીના શોખીનો માટે બેંગકોકમાં કંઇકેટલીય જગ્યાઓ છે. ઇન્દ્રા માર્કેટ હાથ બનાવટના સામાન માટે પ્રખ્યાત છે. એમબીકે પ્લાઝા બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ખરીદી માટે યોગ્ય સ્થળ છે. ધ સુપ્રીમ ટોક્યોમાંથી કપડાં અને થાઇ નાઇફ ચાકુની ખરીદી કરી શકાય છે. આ સિવાય રેશમ, કિંમતી રત્ન અને પેન્ટિંગ્સની ખરીદી પણ કરી શકાય છે.
-અહીં પરિવહન માટેના ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં બીટીએસ સ્કાય ટ્રેન્સ કે જે બેંગકોકની મુખ્ય હોટેલ્સ અને મુખ્ય શોપિંગ વિસ્તારોને સાંકળે છે, ખાસ્સી લોકપ્રિય છે. એ સિવાય સબવેમાંથી પસાર થતી મેટ્રો પણ એક વધુ ઉપયોગમાં લેવાતા પરિવહનનો વિકલ્પ છે. એ સિવાય બસ, ટેક્સી, થ્રી વ્હિલર ઓટોરિક્ષાને મળતી આવતી ટુક-ટુક, બોટ જેવા પરિવહન વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

થાઇલેન્ડના લગભગ દરેક શહેરમાં એકબીજાથી ભિન્ન પડતું અને પોતાનો આગવો વિષય-વૈવિધ્ય ધરાવતું કોઇને કોઇ મ્યુઝિયમ આવેલું છે. તો દરેક શહેરમાં લગભગ કોઇને કોઇ બૌદ્ધ ધર્મનો વારસો અને વૈભવ જાળવતા ધર્મસ્થાનો પણ જળવાયેલા છે. જોકે થાઇલેન્ડ એના પ્રવાસન સ્થળો અને એમાંય ખાસ તો એના બીચીઝને લીધે ઘણું પ્રખ્યાત પર્યટન સ્થળ બન્યું છે.

થાઇલેન્ડના પ્રવાસનમાં સૌથી મહત્ત્વની બાબત તો એનો ડ્રેસકોડ છે જે દરેક સહેલાણીએ પાળવો આવશ્યક છે. જેમાં શોર્ટસ, મિનીસ્કર્ટસ, ટાઇટ ફિટ ટ્રાઉર્ઝસ, સ્લીવલેસ શર્ટસ, વેસ્ટસ જેવા વસ્ત્રો અન્ય કેટલાંક વસ્ત્રો બિલકુલ ચલાવી લેવાતા નથી. એટલું જ નહીં, ચપ્પલ અને સેન્ડલ બાબતે પણ એક ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે જે દરેકને બંધનકર્તા છે.

થાઇલેન્ડમાં રજાઓ મનાવવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળાનો શિયાળો હોય છે. જોકે કેટલાંકના મતે એના વિવિધ વિસ્તારોની મુલાકાત આ સમયગાળા સિવાયના સમયમાં પણ સારી રહે છે.

એટલે હવે આટલું વાંચ્યા પછી તમે પણ થાઇલેન્ડ જવાનો વિચાર ધરાવતો હો, તો ડ્રેસકોડનું ખાસ ધ્યાન રાખશો. અને હા, જતાં પહેલાં એકવાર એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નજર નાંખી જશો. ચોક્કસ ઘણી ઉપયોગી માહિતી મળશે.

– પરીક્ષિત જોશી


Leave a Reply to Tumul BuchCancel reply

5 thoughts on “થાઇલેન્ડનો પ્રવાસ : શ્યામ દેશ છે રંગીન – પરીક્ષિત જોશી