ચાર ગઝલરચનાઓ – પારસ એસ. હેમાણી 8


૧. જાઉં છું

રોજ એની યાદ પાછળ દોરવાતો જાઉં છું.
તોય લાગે છે મને કે ખોરવાતો જાઉં છું

બ્હાર મારાંથી જવા છો લાખ કોશિશો કરું
હસ્તરેખાઓમાં કાયમ ગૂંચવાતો જાઉં છું

ભાવ દ્વારા હું કવિતા ના ગગનમાં ઉડવા
ભાર છ અક્ષરનો લઈને પોરસાતો જાઉં છું

છે હજી થોડીક યાત્રા, શબ્દ ને માટે કરી
શબ્દ સૃષ્ટીમાં છતાં હું ઓળખાતો જાઉં છું

કેટલા આયાસ ‘પારસ’ મેં કર્યા ઉકેલવા,
જિંદગી ના પ્રશ્ન સામે ધૂંધવાતો જાઉં છું.

૨.

ચાંદ પર એક દુકાન કરવા દે,
સર નવું પાયદાન કરવા દે.

બે-ઘડી આજ ધ્યાન કરવા દે
ધરતી પર આસમાન કરવા દે.

શબ્દને તીર કમાન કરવા દે,
સ્હેજ તીખી જબાન કરવા દે,

મ્હેલમાં તો રહીને થાક્યો છું,
તારા મનમાં મકાન કરવા દે.

પત્થરોને કદી તો પડશે ખપ,
બે’ક આંસુનું દાન કરવા દે.

પ્રાર્થના કોઈ કાજ કરતો રહું,
એ રીતે યોગદાન કરવા દે.

૩.

વિપદાઓ આવે ત્યારે સામટી આવે
ના ખબર કે ક્યારે ને ક્યાં નામ થી આવે

ક્યાં મળે છે કોઈ દિ’ પણ ચાલવાનું સુખ
એમને લેવા તો કાયમ પાલખી આવે

મે ફક્ત માંગી હતી ચપટીક ખુશ્બુ બસ
ફૂલની લઈને અહીં એ ડાળખી આવે

યુદ્ધ લડવા કાયમી તૈયાર છું હું તો
મારી સાથે કૃષ્ણ જેવા સારથી આવે

રાહ જોતો એમની ઊભો હતો ‘પારસ‘
દોટ મૂકું આવકારો માનથી આવે

૪.

શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે
મારી અંદર ક્યાંકતો ભીનાશ પણ છે

દૂર જાવા આમતો મથતો રહું છું
આમ તો તારા ઉપર વિશ્વાસ પણ છે

ક્યાંય દેખાતું નથી અસ્તિત્વ એનું
બંધ આંખે જોઉ તો ચોપાસ પણ છે

છું છલોછલ હું, છતાંય તું જો આવે
તો ઘણોય મારામાં અવકાશ પણ છે

હો ઉદાસી ચહેરે, ‘પારસ’ના ભલેને
આવો અંતરમાં અહીં ઉલ્લાસ પણ છે.

– પારસ એસ હેમાણી

આજે પ્રસ્તુત છે જાણીતા ગઝલકાર પારસભાઈ હેમાણીની ચાર સુંદર ગઝલરચનાઓ.. અક્ષરનાદને આ ચારેય સુંદર ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ તેમનો આભાર. તેમનો સંપર્ક તેમના સરનામે – પારસ એસ. હેમાણી, હેમાણી હોસ્પિટલ, ભક્તિનગર સોસાયટી, રાજકોટ-૩૬૦૦૦૨ પર અથવા મોબાઈલ નંબર ૯૯૦૪૯ ૦૦૦૫૯ પર કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ચાર ગઝલરચનાઓ – પારસ એસ. હેમાણી

    • પારસ એસ. હેમાણી

      સુરેશ ભાઈ,
      મને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ખૂબ આભાર.

  • નટુભાઈ મોઢા

    પારસભાઈની ગઝલમાં આશ, ખૂશ્બુ, ભીનાશ અને અને ઉદાસીમાં પણ ઉલ્લાસ હોય તો જીવન છલોછલ લાગે જ ને?

    • પારસ એસ. હેમાણી

      નટુ ભાઈ,
      જી સર.
      “આવો અંતરમાં ઉલ્લાસ પણ છે.”
      પ્રોત્સાહન માટે આભાર.

  • Sanjay Thorat

    પારસ ભાઈ લઘુ કાવ્યમા માસ્ટર… એમને સામ્ભળવા એટલે આનાન્દનો અવસર… આજની ચારેય ગઝલ મસ્ત… એમના જેવા પ્રેમાળ મિત્ર હોવા એ ગૌરવની વાત… અનેક શુભકામનાઓ…

    • પારસ એસ. હેમાણી

      સંજય ભાઈ,
      જી સર.
      આપ બધાનો પ્રેમ છે.. એ મારા જીવનનું ભાથું છે.
      મારા માટે કાવ્યો / ગઝલો / ગીતો /ટૂંકી વાર્તા એ ઈશ્વરે આપેલી ટપાલ, જે હું ટપાલી બની વ્હેંચું છું.
      પ્રોત્સાહન માટે આભાર.