ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ 3


આપણા સાહિત્યમાં માત્ર ભાષા કે અર્થોપાર્જનની જ વાત નથી. આપણી અને કદાચ વિશ્વની સર્વ કહેવતો અનુભવમાંથી પ્રાપ્ત થતી હોય છે. જે સમયે જે કાર્ય કરવાનું કુદરતે નિર્ધારિત કર્યું છે તે ફરજ આપણે ચૂકી જઈએ તો આપણે તેનાં માઠાં ફળ ભોગવવાં જ પડે છે. જીવનના જે વિવિધ તબક્કા છે એને પ્રત્યેક વયની એક વિશેષ જવાબદારી હોય છે, જ્ર નિભાવવી જરૂરી છે. જો આપણે તે ચૂકી જઈએ તો સમય આપણને કદી માફ કરતો નથી.

બાળઉછેર એ પ્રત્યેક મમ્મી – પપ્પાની ફરજ છે. બાળકના જન્મ બાદ તેનો વ્યવસ્થિત, યોગ્ય અને સંપૂર્ણ ઉછેર થાય તે જવાબદારી સ્વીકારવાની તૈયારી સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ. આપણને આપણી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધુ મહત્ત્વની અને અગત્યની લાગતી હોય તો સંતાનપ્રાપ્તિની આશા – અપેક્ષામાંથી દૂર રહેવું બધુ સલાહભર્યું તેનો અર્થ એવો નથી કે જીવનમાં સંતાનના આગમન બાદ વ્યક્તિએ પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું નહીં. પરંતુ સંતાનના વિકાસના ભોગે કારકિર્દી, પૈસા, પ્રતિષ્ઠા મળતાં હોય તો બેમાંથી કોને અગ્રતાક્રમે રાખવું તે મમ્મી – પપ્પાએ સાથે બેસીને નિરાંતે વિચારી નિર્ણય લેવો જોઈએ. નહીં તો અવિકસિત, અર્ધવિકસિત અથવા બળવાખોર સંતાનોના વડીલો તરીકે સમાજમાં ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.

આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ભૌતિકસંપત્તિ તરફ આંધળી દોટ મૂકાઈ ચૂકી છે તે સંજોગોમાં બાળકો કેટલીક વાર આગ્રતાક્રમે રહેતા નથી. પિતા અને માતા બાળકને પ્લે ગ્રુપ કે નર્સરીમાં એક કે બે વર્ષની નાની ઉંમરે પણ મૂકવા આતુર છે. પોતે શિક્ષીત હોત અને બાળકને શીખવી શકે તેટલા સક્ષમ હોય તેમ છતાં ખાનગી ટ્યૂશનના પૈસા ખર્ચીને પોતાની ફરજમાંથી છટકબારી શોધે છે. માતા-પિતાના સમયના અભાવે બાળકો આને છાત્રાલયમાં ધકેલાઈ રહ્યાં છે. પૈસા છે તો પછી બાદશાહી ઠાઠવાળાં છાત્રાલયોમાં બાળકોને શા માટે મૂકવાં નહીં? પરંતુ ભવિષ્યનો વિચાર તેઓ ભાગ્યે જ કરે છે.

મારા એક મિતે લગભગ પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા પરદેશ જઈને પૈસા કમાવાનું નક્કી કર્યું. પહેલાં પોતે ગયા અને થોડાક વર્ષો બાદ પત્નીને બોલાવ્યા. પરદેશમાં સ્થાયી થતાં અને તે દેશમાં શિક્ષણ સારું ન હોવાથી બે નાની દીકરીઓને તો સાથે લઈને ગયાં, પરંતુ મોટા પુત્ર મનહરને પોતાના મોટા ભાઈ વકીલ હતા તેમને ત્યાં મૂકીને જવાનું નક્કી કર્યું. થોડાક દિવસ બાદ મનહરને વડોદરાની તે સમયની અગ્રગણ્ય અંગ્રેજી માધ્યમની શાળાની હોસ્ટેલમાં મૂકવાની પરિસ્થિતિ સમાજિક સંજોગોને કારણે ઊભી થઈ.

બાળક ચોથા ધોરણમાં આભ્યાસ કરતો હતો. સારા અને સંસ્કારી ભવદીય કુંટુંબમાંથી આવતો હોવાથી બાળકમાં કોઈપણ દૂષણો પ્રવેશ્યાં નહોતા. પણ મનહરને હૉસ્ટેલનું વાતાવરણ ગોઠતું ન હતું. ફોન દ્વારા અનેક વાર મમ્મીને આ વાતની તે જાણ કરતો. મમ્મી ક્યારેક એકલાં એકલાં રુદનનો સહારો લઈ લેતાં, પરંતુ પપ્પા તો પઈસા ભેગા કરવામાં મશગૂલ હતા. બાળકે હૉસ્ટેલમાં જ રહેવું તેવું પુનઃ નક્કી થયું.

આ પરિસ્થિતિમાં બાળકની ઉંમર જોતા તે કાંઈ કરી શકે તેમ નહોતો. એક દિવસ બાળક હૉસ્ટેલના જે રૂમમાં રહેતો હતો ત્યાં કોઈ વિદ્યાર્થીના કંપાસ-બોક્સની ચોરી થઈ. ગૃહપતિશ્રી એ સહુની બેગ તથા ખાનું તપાસવામાં આવશે તેમ જાહેરાત કરી. કોઈ પાસે હોય તો તે આપી દેવા જણાવ્યું. સૌને પોતપોતાની બૅગ તપાસવા જણાવવામાં આવ્યું. પરંતું મનહરને ખબર હતી કે, તેણે તો ચોરી કરી જ નથી તેથી તેણે પોતાની બેગ તપાસી નહીં. તે નિશ્ચિંત હતો. કંપાસ મળ્યો નહીં. ગૃહપતિએ સૌની બૅગ તપાસતાં મનહરની બૅગમાંથી કંપાસ મળતાં તે ભયભીત થઈને રડવા લાગ્યો. તેને રડતો જોઈને ગૃહપતિએ માની લીધું કે તે પકડાઈ ગયો હોવાથી હવે ઢોંગ કરે છે. મનહરે અનેક વાર વિનવણી અને કાકલૂદી કરી, પરંતુ ગૃહપતિ માન્યા જ નહીં. સાચ વાત તો એ હતી કે બપોરે તેને હૉસ્ટેલમાં રહેતા એક અન્ય વિદ્યાર્થી સાથે જમવાની લાઈનમાં ચાલતાં-ચાલતાં ઝઘડો થયો હતો. તેણે મનહરને પજવવા આ કાર્ય કર્યું હતું.પરંતુ ગૃહપતિ તો શિસ્તપાલનના સકહત આગ્રહી હોવાથી તેને આચાર્ય પાસે લઈ ગયા.

કમનસીબે આચાર્યશ્રીએ પણ ઊંડી તપાસ કરવાને બદલે મનહરને ચોર માની લીધો. ચોરી કરી નહોતી છતાં આખીય હૉસ્ટેલમાં ‘મનહરચોર’નું લેબલ સમગ્ર જિંદગી માટે મનહરને લાગી ગયું. મનહર મનથી ભાંગી પડ્યો. રજાઓમાં ઘરે ગયો ત્યારે કાકાને વાત કરી, પરંતુ તેમણે તે બાબતને બહુ ગંભીર ગણી નહીં. ફોન ઉપર માતાને વાત કરતાં કરતાં માતા પુત્ર બંન્ને રડી પડ્યાં. પરંતુ પિતાએ આ વાતને હૉસ્ટેલમાંથી ઊઠી જવાનું બહાનું કાઢી સ્વીકારી નહીં.

નિઃસહાય મનહરે નાછૂટકે હૉસ્ટેલામાં જ રહેવું પડ્યું. તેની તમામ આજીજીઓ નિષ્ફળ નીવડી. તેની માનસીક હાલત તદ્દન ખરાબ થઈ ગઈ અને પરિસ્થિતિએ અવળો વળાંક લેતા મનહર બળવાખોર બની ગયો. ક્યારેક-ક્યારેક ઘેરથી પૂરા પૈસા ન મળે તો નાની-મોટી ચોરી કરવાના રવાડે ચડી ગયો.

મનહરે ધોરણ અગિયારની પરિક્ષા પાસ કરી. હવે આગળ શું કરવું તે બાબતે ઘરમાં ચર્ચા ચાલતી હતી. એક દિવસ પિતાનો ફોન આવો કે તારા વધુ અભ્યાસની ચર્ચા કરવા માટે ભારત આવું છું. તે દિવસનો પિતાપુત્રનો વાર્તાલાપ પિતાની આંખ ખોલે તેવો બન્યો. પિતાએ ભારત આવવાની વાત કરતાં જ મનહરે કહ્યું,”આજે તમારે મારા વધુ અભ્યાસના માર્ગદર્શન માટે ભારત આવવાની સહેજ પણ જરૂર નથી. જે દિવસે મારા ઉપર ચોરીનો ખોટો આરોપ મુકાયો ત્યારે મારાં પપ્પા – મમ્મીની જરૂર હતી. તે દિવસે તો તમે મારી પડખે રહ્યાં નહીં. તે જે દિવસથી તમે મારા માટે મૃત્યુ પામયા છો, તેથી હવે દોડીને આવશો નહીં. હું મારા જીવનમાં તમારા સહકાર અને સહારા વિના આગળ વધીશ. હવે તમે મારાં મમ્મી-પપ્પા છો જ નહીં.”

આ વાત મારા મિત્રે મને સજળ નયને કરી. હું પણ તે જે દેશમાં શિક્ષક હોવાથી મને પુત્ર મનહરને સમજાવવા માટે વિનંતી કરી. ખરેખર મનહરને તો મેં માત્રે એકવાર ભારત આવ્યો ત્યારે જોયો હતો તેથી મારું કેટલું માનશે કે સાંભળશે તે મારા માટે પણ એક પ્રશ્ન હતો. મારા મિત્રની વારંવાર વિનંતીઓ પછી મેં ફોન ઉપર મનહર સાથે લાંબી વાતો કરી, પરંતુ મનહર એકનો બે ન થયો. તેન અવાજમાં મમ્મી અને પપ્પા તરફ નફરતનો રણકાર એટલો જબરદસ્ત હતો કે મને લાગ્યું કે હવે આ બાબતે કાંઈ થઈ શકશે નહીં. મને હાલની પરિસ્થિતિ કરતાં વિશેષ તો ભવિષ્યની ચિંતા થવા લાગી. આ કુંટુંબનું ભવિષ્ય જમીનદોસ્ત થતું દેખાઈ રહ્યું હતું અને છતાં હું લાચાર હતો. સમય તો વહી ગયો હતો. ધો. ૪ ના નવવર્ષની વયે અભ્યાસ કરતો મનહર આજે ૧૭ વર્ષનો યુવાન થઈ ગયો હતો. હવે તેને સમજાવવાની ઉંમર વહી ચૂકી હતી.

ભવિષ્યમાં જે બાબતે વિચાર્યું હતું તેવું જ બન્યું. મનહર ભણીગણીને ભારતથી ઇંગ્લૅન્ડ ગયો. ત્રેવીસ-ચોવીસ વર્ષની ઉંમરે હૉલેન્ડની એક છોકરી સાથે લગ્ન કરી ત્યાં જ સ્થાયી થયો. માતાપિતાને લગ્નમાં બોલાવ્યાં પણ નહીં અને જાણ પણ કરી નહીં. મમ્મીએ એકના એક દીકરાને ગુમાવ્યો તેનું અપાર દુઃખ હતું, પરંતુ તે પ્ણ લાચાર હતી.

આજે આ મિત્ર અને પત્ની ભારતમાં વૃદ્ધાશ્રમમાં કપરા દિવસો વિતાવે છે. પોતાની નાનક્ડી ભૂલ આજે હિમાલય જેવડી દેખાય છે, પરંતુ તે કાંઇ કરી શકે તેમ નથી. ખાસ તો તેનાં પત્નીનું પુત્રવિયોગનું દુઃખ જોઈ પતિ પણ ચોધાર આસુએ રડવા સિવાય કાંઈ કરી શકતા નથી.

– રણછોડ શાહ
સમુદગાર સામયિક, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૦માંથી સાભાર


3 thoughts on “ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ

  • gopal khetani

    રણછોડ ભાઇ, આવી જ હકીકત મારા સહકાર્યકર ના મિત્ર જોડે થઇ છે. ફર્ક એટલો છે કે તેમનો દિકરો બળ્વાખોર કે માતા – પિતા પ્રત્યે ગુસ્સો નથી ધરાવતો. પિતા વર્ષોથી વિદેષ મા ધન એકઠુ કરતા અને માતા દિકરાના ભવિષ્ય માટે ભારત મા જ રહી. પણ દિકરાને પિતા ની જરુરિયાત સ્નેહ લગભગ દસ વર્ષ સુધી ના મળ્યો. જ્યારે તેના પિતા ભારત મા જ સ્થાયી થવાનુ વિચારતા હતા (થાકિને , કામ કરીને) ત્યારે પુત્ર એ પિતાને કહી દિધુ કે ઉજ્જ્વળ કારકીર્દી માટે પૈસાની વધુ જરુર છે માટે હજુ ૫ વર્ષ બહાર કામ કરી લો અહી મમ્મી ને હુ સંભાળી લઇશ. પિતા જોડે બિજો વિકલ્પ ના હતો કારણા જો એમ ના કરે તો પુત્ર એમના પ્રત્યેની સંવેદના ખોઇ બેસશે એવો ડર પણા સામેલ હતો.