૬ અનુદિત અસમિયા કવિતાઓ.. – અનુ. યોગેશ વૈદ્ય 3


૧. અહીંથી આગળ પાણી જ પાણી.. – નીલમણિ ફુકન

અહીંથી પાણીનો વિસ્તાર ક્ષિતિજની પણ પેલી પાર સુધી

તું બાજુઓને ફેલાવ ને કેળનાં પાન ઝૂલવા લાગે
તું તારો કેશકલાપ છોડે ને વરસાદ તૂટી પડે

મારા હૃદયમાં એક બીજ થઈને ફણગાયું છે કશુંક
ખાતાં ખાતાં છોડી દીધેલું જે કોઈ અલ્લડ અલગારીએ.
એક પંખી ઊડીને આવ્યું છે તેની ચાંચમાં એક તણખલું
કે જસ્મિનની માળા !
હવે કોઈ પણ મરતું નથી કશેય ન બાળક ન વૃદ્ધ

અહીંથી દેખાય સૂરજ આથમતો
અને
અહીંથી ચંદ્ર ઊગતો દેખાય

અહીંથી દ્વાર ઊઘાડીએ તો દેખાય નિતાંત ભ્રમણશીલ
સ્નેહહૂંફાળી એક પૃથ્વી
પેલી બે ચિરયૌવના સ્ત્રીઓ
દા-પ્રબાતીયાના* દ્વારે ઉભેલી સ્વાગતમુદ્રામાં

તારા પગતળેથી જ
નીકળીને વિસ્તરતું પાણી
છેક ક્ષિતિજની પેલી પાર સુધી.

અનુ. યોગેશ વૈદ્ય (હીરેન ગોહાઈના અંગ્રેજી અનુવાદ પરથી)

* દા-પ્રબાતીયા – બ્રહ્મપુત્રાના ઉત્તરેય કાંઠે, તેજપુર પાસેનું નાનું ગામડું. જ્યાં ગુપ્તવંશીય મંદિરના દરવાજાની બન્ને બાજુએ બે જળ-દેવીઓના શિલ્પ જળવાયેલા છે.

૨. માપ – નવકાંત બરુઆ

બપોર થઈ છે

તો ચાલો દરજીને ત્યાં જઈને માપ લેવડાવીએ
માપ લેવડાવીએ ગળાનાં, છાતીનાં, હાથ અને બાવડાનાં
માપ હથેળીનાં અને હૈયાનાં
માપ આપીશું આપણે આંતરડાંનાં
ગુરદાનાં અને પિત્તાશયનાં
આપણા હોર્મોનનાં માપ દઈએ અને માપ દઈએ અનુરાગનાં
ચલો જિંદગીનાં માપ આપીએ
ફલાણાનાં અને ઢીકણાનાં માપ આપીએ
ફક્ત માપ જ આપીએ
કપડાં સિવડાવવાનું તો આપણે છે….ક પછીથી વિચારીશું
અત્યારે ફકત માપ આપીએ.

આપણે ફક્ત ગણતરી જ માંડી શકીએ આપણે નોંધીએ કે
આપઘાતો વધી પડ્યા છે ઠીકોઠીક
આપણે અક્ષરોની ગણતરી કરી બતાવશું ભાષણોમાંથી કે અરબસ્તાનમાં વસતા ખ્રિસ્તીઓની વસ્તીનો આંક આપીએ. ફકત માપ જ આપીએ.
કપડાં સિવડાવવાનું તો આપણે પછીથી વિચારશું. તે પણ કેવળ વિચારશું જ.

આપણાં પછી
કોઈનાં નવાં માપ આવશે
કહેશે કે આપણાં માપ ખોટાં લેવાયાં હતાં
નવા નક્કોર માપ લેશે તેઓ. ફકત માપ જ લેશે.
તો, કોઈ ક્યારે સીવશે
માણસને બંધબેસતું કપડું ભલા?

અનુ. યોગેશ વૈદ્ય ( પ્રદીપ આચાર્યના અંગ્રેજી અનુવાદ પરથી)

૩. મારી પાંસળી – રામ ગોગોઈ

મારી પાંસળીમાંથી
મેં બનાવી હતી વાંસળી ગોવાળિયાની
અને એક વાર મારું ઉચ્છંગ મન નાચ્યું છે તેની ધૂનમાં. મારું મન હવા થઈને ભળી જતું તંતુવાદ્યનો એક આછો તરંગ થઈને
મહાસાગરોના અફાટ જળરાશિમાં

ભયાવહ જંગલોની પ્રગાઢ શાંતિ સાદ પાડે છે
મારું હૈયું ઊગી નીકળે છે સહસા
સંવેદન ઝાકળનું બુંદ થઈને ટપકે છે મારી વાંસળીમાંથી
જે બનાવી છે મેં મારી પાંસળીમાંથી
મારી ઊર્મિઓ, પેલો પ્રગટ ઉચ્છૃંખલ પ્રેમ ફૂંક થઈ જઈને ઊઠતા સૂરમાં
બ્રહ્માંડના ॐમાં ભળી જાય છે

પરસેવો
ખેતરમાં કામ કરતા મારા બાપનો
અને કારખાનાઓમાં ઢસરડા કરતા સંબંધીઓનો
ભીંજવી નાખે છે મારી વાંસળીને
જે બનાવી છે મેં મારી પાંસળીમાંથી
આ ગોવાળિયાની વાંસળીને મેં ખંગાળી છે
મારી માનાં આંસુઓથી અને પછી ફૂંકના અંતરાલોમાં પડઘા પાડ્યા છે મેઘગર્જના જેમ
મારા બાપના, મારા સંબંધીઓના સાચુકલા અવાજોના આંસુઓ પાડ્યાં છે કરુણાનાં,
મારી અને બીજી અનેકો અજાણી માતાઓ માટે
મારી વાંસળીમાં પછી નાચ્યું છે અદમ્ય યૌવન જેણે મને મૂકી આપ્યો છે જીવનના ઉન્મત્ત રસ્તા ઉપર
વાંસળી મારી પાસળીમાંથી બનેલી
મારી શક્તિ, મારો સંવાદ.

અનુ. યોગેશ વૈદ્ય ( પ્રદીપ આચાર્યના અંગ્રેજી અનુવાદના આધરે)

૪. એ પાછો આવી રહ્યો છે કદાચ.. – હેમાંગ બિસ્વાસ

બે’ક લીટર જેવડી તરસ લઈને
ગોળીઓથી વીંધાઈને ચાળણી થઈ ગયેલી થેલી
ખાબોચિયા પાસે પડી છે ભર બપોરે
કીચડથી ખરડાયેલી.
છોકરો આજે પણ પાછો નથી આવ્યો
તે ઊભો હતો રોજીરોટીની કતારમાં તેની ભૂખે મરતી મા ભીની આંખે રાહ જોયા કરે છે રાહ જોયા કરે છે
પછીના જ દિવસે
પાણીની એક છાલકે પાકા રાજપથ પરના તે લોહીના ડાઘાને ધોઈ નાખ્યા.
પોપડા અને લોહીનાં ખાબોચિયાં
તપસ્વી જેવા સંયમ સાથે આછરી ગયાં કાંટાળા પારિજાત પર
ફૂલ બનીને ઊગી જવા માટે.

વસંત બેઠી છે લાલ ધજાના સપાટા અને ફડફડાટ અને દૂરની દિશામાં કૂચના સૂત્રોચ્ચારો.
આજે તે હિંમત કરીને બહાર નીકળી આવી છે
કદાચ તે પાછો આવી રહ્યો છે…

અનુ. યોગેશ વૈદ્ય
( પ્રદીપ આચાર્યના અંગ્રેજી અનુવાદ પરથી )

૫. કવિ – અનિસ ઉઝ ઝમાન

અજાણ્યા શબ્દો રણક્યા કરે
કવિના હૃદયમાં

એકલી અટૂલી રાત જાગે
પાવાના સૂરમાં
ક્યારેક મોકો મળે તો
કવિના હૈયે મારા કાન ચાંપું
કવિ કોઈ મદિરા પીધેલ છાકટો લાગે.

એકાંત અને પંખીઓનો ચહકાટ
ઊભા ઘાસનું હવામાં હલવું
ઝરણાંનું કરાડ પરથી દડદડવું
બધા અવાજો મારામાં ઊંડે ઊતરી રહ્યા છે.
રાતે હું મારી પત્નીના નીકળેલા, આશાવાન પેટ પર
કાન માંડું છું.

રાતની સ્તબ્ધતામાં
શબ્દોનો કોલાહલ ગીતોમાં વળી જાય છે
જેવી રીતે મારી એકાંતની પળો
સગર્ભા સ્તનોના ભારથી ઝૂકી જાય છે

શબ્દો કવિના હૃદયમાં શીર્ણ-વિશીર્ણ
બુદ્ધિ, સામાન્ય જન, યુદ્ધરત અશ્વો,
આ શબ્દોને જણનાર કવિએ
ગઈ રાતે આપઘાત કર્યો છે.

કવિને ફાટેલો અને રડતો છોડીને
શબ્દોની ટેક તરડાઈ છે
અર્થોની શોધ ગૂંચવાઈ ગઈ છે
પણ
બિલાડીનાં નવ નવ જન્મારા તો
કવિને વળગેલા જ રહ્યા છે

તે આદિપુરુષ છે તેણે તોફાનોને ખાળ્યાં છે પૃથ્વીને ઉજાળી છે
તેને તમે દેશનિકાલ કરો કે ઝેર પાઈ દો
તેના શબ્દો તો રહેશે ત્યાં ને ત્યાં જ, અવિચળ

હસ્ના હાનાની સુગંધમાં
ધૂંધળા કાચમાં
અને ભીંજાયેલા તારોડિયાઓમાં

કોઈ એકાંતવાસી યતિ, પૂજારી, કર્ણધાર
પ્રેમી, નટ, લડવૈયો દરેક કવિ
ચંદ્ર છે મકાઈના ખેતર પર નાચતો

ના, હું એકલો નહીં
તમે પણ જો સરવા કાને સાંભળશો તેના વક્ષને
તો સંભળાશે તમને એકાંતનો રઘવાટ.

અનુ. યોગેશ વૈદ્ય ( પ્રદીપ આચાર્યના અંગ્રેજી અનુવાદ પરથી)

૬. નદી અને માણસ – બિપુલજ્યોતિ સાઇકિયા

૧) નદી માણસનો ભૂતકાળ સંભારે છે રૂપાળાં અથવા કદરૂપાં વ્યક્તિચિત્રો
ભેગાં કરેલા બધાં જ ગીતો અને બધાં જ સપનાંઓ

પંખી થઈને ઘરડાં ગળાંઓમાં મૂકે છે ગીત યૌવનનું
યુવાનના હાથમાં મૂકે છે તારુણ્યનાં દીવાસ્વપ્નો
તરુણના હોઠમાં મૂકે છે
સોનેરી વારતાઓ શૈશવની

પોતાની જાતને ફરી શોધી કાઢવાની લ્હાયમાં સરનામાંઓના ફાંટા જ ભૂલી જતો તે.

૨) ક્યારેક નદી ગાય છે માણસની શિરાઓમાં
તેને ચિરંજીવિતાની ક્ષણ બક્ષે છે
તેના રક્તમાં ગ્લાનિ તરી આવતા
જીવનની બધી જ પાવન શ્રદ્ધાઓ માણસના તરસ્યા ખોબામાં મૂકી દે છે.

૩) નદી સ્પર્શની અનુભૂતિ આપે છે
આપે છે શ્રદ્ધાળુ હાથ, સાંભળતાં હૈયાં

જ્યારે માણસને યુદ્ધનાં બિયાં મળી આવે પોતાના હૈયામાંથી
તે દોડી જાય છે નદીની પાસે જેમ કોઈ ખિન્ન કવિ તેની સ્ત્રી પાસે જાય.
અનુ. યોગેશ વૈદ્ય
( પ્રદીપ આચાર્યના અંગ્રેજી અનુવાદ પરથી)

યોગેશ વૈદ્ય સામે આસામના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને સમજવાનો આ એક અનોખો અને દુર્લભ મોકો હતો અને તેને બન્ને હાથે વધાવી લેવાનો પ્રયાસ તેમણે કર્યો છે. હકીકતે આ કામે તેમને અંદરથી સમૃદ્ધ થવાની ઘણી તકો પણ આપી છે. કામ આગળ વધતું ગયું તેમ તેમ અનેક અસમિયા કવિઓની સાથે સંપર્ક સ્થપાયો.

અહીં થયેલા અનુવાદ મૂળ કવિતાના હિંદી કે અંગ્રેજી અનુવાદ પરથી થયા છે આથી મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચાયું છે કે કેમ તેની સતત મૂંઝવણ રહ્યા કરી છે. મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચવામાં ઘણી વખત અડચણો આવી છે. આ અનુવાદોને ત્રણ-ચાર વખત તપાસવામાં ખાસો સમય પણ વીત્યો છે. દરેક અનુવાદકે માધ્યમ દ્વારા ઊભા થતા આવા પડકારોનો સામનો કરવાનો હોય જ છે. યોગેશ વૈદ્યે પણ સુંદર કોશિશ કરી છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “૬ અનુદિત અસમિયા કવિતાઓ.. – અનુ. યોગેશ વૈદ્ય