નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ 4


થોડા વખત પહેલાં સોમાલિયાના કોઈ ગામનું બધું જ અન્ન ખલાસ થઈ ગયું. એક પિતા તેનાં આઠ બાળકોને લઈને શહેર તરફ ચાલવા માંડ્યો. ચાલીસ માઈલ ચાલ્યો. ચાલીસ માઈલ ચાલ્યો ત્યારે રાહત કેમ્પમાં પહોંચ્યો. તે પહેલાં એક પછી એક તેનાં સાત બાળકોએ ભૂખથી તરફડીને રસ્તામાં અંતિમ શ્વાસ લીધો. પિતાએ આઠમું બાળક ડૉક્ટરને સોંપ્યું ત્યારે નીચે પડી તેણે ભગવાનનો આભાર માન્યો. એ આભાર સાત બાળકોને ઈશ્વરે ઉપાડી લીધા તે માટે હતો કે આઠમા બાળકને ડૉક્ટરની સારવાર મળી તે માટે? ખબર નથી, પણ કહ્યું છે ને, જેને રામ રાખે તેને કોણ ચાખે.

ભારતમાં નિયમિત રીતે થતા કુંભમેળામાં ઘણાં શ્રદ્ધાળુઓ નિયમિતપણે ભીડમાં કચડાઈને રામશરણ થાય છે. એક ભાવકે મોટા સાધુને પૂછ્યું, ‘આવું કેમ? આમ તો કહેવાય છે ‘જે સારા કામે જાય છે તેનું કોઈ કાંઈ બગાડી શક્તું નથી, તેને સારું જ ફળ મળે છે.’ સાધુબાબાએ જવાબ આપ્યો, ‘આ તો જેમણે સારાં કર્મો કર્યા હશે તેમને ભગવાને આ સંસારના દુઃખોમાંથી ઉગારી લીધા. આ બધુંય મનુષ્યની પામર બુદ્ધિથી પર છે, બોલો ‘શ્રી રામ જય રામ જય જય રામ.’ બાજુના ઘરમાં ભજનની સીડી વાગી રહી હતી, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.’

યુગોસ્લાવિયામાં ક્રિશ્ચિયન પ્રજાના કેટલાક લોકોએ બોઝ્નિઆના ઘણાં મુસ્લિમોની કતલ કરી ત્યારે બીજા દેશના મુસલમાનોને એક ઈમામ તરફથી આશ્વાસન અપાયું – ‘અલ્લાહ મહાન છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. કુરાન કહે છે કે જે અલ્લાહનું શરણ લેશે તેને કયામતને દિવસે સ્વર્ગમાં સ્થાન મળશે અને જે અલ્લાહ વિશે શંકા કરશે તેને કડી સજા થશે.’ કોઈએ ચર્ચના પાદરીને સવાલ કર્યો, ‘જીસસ ફરી આવવાના છે તે ક્યારે આવશે?’ જવાબ મળ્યો, ‘જીસસ એક દિવસ જરૂર આવશે પરંતુ જે જીસસમાં જ શ્રદ્ધા રાખીને જીવશે તેનો જ ઉદ્ધાર થશે.’

આઉશવીઝ અને ડાકાઉ જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં હિટલરે લાખો જ્યુ પુરુષો અને સ્ત્રીઓને તેમના બાળકો સહિત ફરજીયાતપણે ખસેડ્યા, ત્યાં ઘણાં સમય સુધી અત્યાચાર અને ભૂખથી ટળવળી રહેલા લોકોએ આકાશ તરફ મીટ માંડીને પૂછ્યું, ‘તારણહાર, તમે ક્યાં છો? અમને ક્યારે મુક્ત કરશો?’ આકાશ નિરુત્તર હતું, છેવટે એક પછી એક માતા પોતાના બાળકને તેડીને ઉપર જોતાં જોતાં ગેસ ચેમ્બરમાં દાખલ થઈ ત્યારે પણ આકાશ નિરુત્તર રહ્યું. તે સમયના એક હિન્દુ ભક્તે સ્વામીજીને યાદ કરાવ્યું, ‘ગીતામાં તો શ્રીકૃષ્ણ કહી ગયા છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધે છે ત્યારે હું અવતાર લઉં છું.’ સ્વામીજી બોલ્યા, ‘શિષ્ય, પૃથ્વી પર પાપનો ભાર અસહ્ય થઈ જશે ત્યારે ભગવાન જરૂર અવતાર લેશે.’ ભક્તે મન વાળ્યું, ‘ચાલો, અત્યારે કદાચ ધરતી પર પાપ પૂરતાં નહીં વધ્યાં હોય. ભગવાન, તારી લીલા તો ન્યારી છે.’

– ડૉ. રમેશ શાહ


Leave a Reply to gopalkhetaniCancel reply

4 thoughts on “નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ

  • Naresh Machhi

    ખરેખર, માણસ કહેવાતા ધર્મોમા અટવાઇ ગયો છે. સારુ કર્મ કરો અને તમને પોતાને રુદિયામા શાન્તિ મળે એના જેવુ કશુ નથી.જ્યારે તમને બીજા ના દુખો જોઇ ને બીજા ને સુખી કરવાની ભાવના જાગશે ત્યારે જ માનજો કે તમે થોડા અન્શે ભક્તિમય બન્યા છો.
    નમઃ શિવાય.

  • Amee

    first of all we needs to be human. Human can follow any religion not animal. Religion is for human not human is for religion. We cannot touch or allow untouchable people in our home but to get bless from GOD we feed them. Why cant we see GOD in them. Actually religion make people blind and stop their imagination or thinking for being human. We all needs to come out from religion and caste… and needs to be human.

  • Kalidas V. Patel {Vagosana}

    ઉપરનાં ઉદાહરણો શાંતિથી સમજતાં લાગે છે કે … ” કહેવાતો ધર્મ ” અને તેનાં વિધિ-વિધાન એ માણસ જાતને પિવડાવેલું અફીણ માત્ર છે ! કોઈ પણ ધર્મનો જન્મ ” બીક ” માંથી થાય છે. ” ડર વિણ પ્રીતિ નાહિ ” ! કહેવાતા બધા જ ધાર્મિકો — God fearing people છે , નહિ કે God loving people !
    વળી, જ્યારે આ બધું સમજાવી ન શકાય ત્યારે, — ગયા જનમનાં પાપ, સ્વર્ગમાં તમારું સ્વાગત થશે, આત્માનો ઉધ્ધાર થશે , આ જનમમાં નહિ તો આવતા જન્મમાં જરૂર મળશે … … જેવાં અવાસ્તવિક અને ઠાલાં વચનો આપી ભક્તોને ભરમાવવામાં આવે છે. — ખરેખર તો આવા ધર્મો એ માણસને આળસુ અને પ્રારબ્ધવાદી બનાવ્યો છે ! … ખરેખર તો નિષ્ઠાપૂર્વકનું કર્મ , એજ ખરી ભક્તિ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • gopalkhetani

    કદાચ એવુ છે કે માણસ એ પોતે માની લિધેલા દેવ, જે તે સમયે સ્થાપીત વિધિ વીધાન (વૈગ્યાનીક અભિગમ ની સમજણ શક્તી ન હોવાથી તે સમય ના વૈગ્યાનીક તથ્યો ને ધર્મ સાથે જોડી દીધેલા જેથી માનવ ફરજીયાત પણે પાલન કરે અને તેનુ) નુ આંધળુ અનુકરણ કરવા ને લિધે જ (અને રાજનેતા તથા આડંબરી અને જુઠ્ઠા ધર્મધુરંધરો ને લિધે) માણસ માણસાઇ ભુલી ધર્મ, કોમ, પ્રાંત, દેશ અને રિતી રિવાજ ના નામ પર કુપ્રવ્રુત્તી ઓ કરતો રહે છે. કુદરત એ માણાસ ને જે વિવેક બુધ્ધી આપી છે તેનો ઉપયોગ કરે તો બધા નુ ભલુ થાય અને હા છેલ્લે એટલુ તો યાદ રાખવુ પડે કે કુદરત આગળ કોઇ નુ કશુ ચાલતુ નથી, સવ્યં અવતારીત મહાપુરુષો નુ પણ નહી.