લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર 2


(મમતા સામાયિક ફેબ્રુઆરી ૨૦૧૬ ‘અતીતરાગ’માંથી સાભાર)

સાત ફીટ લાંબી આ ખીણની સીમા પાર બ. છે.

ચશ્માના સ્વચ્છ કાચની પાછળ એની મેધાવી આંખોના પલકારા… તમિસ્ત્રની પેલી પાર બ. વચ્ચે તમિસ્ત્ર. આ કાંઠે બોરસલીના ઝૂલતા પડ – નેતરની ખુરશી પર શરીરને શિથિલ કરીને પડ્યો છું. બોરસલીની સૂકાયેલી ડાંખળી ખખડે છે. જોઉં છું તો એક કાગડો એને ચાંચમાં પકડીને ખેંચેં છે. ડાંખળીની શુષ્કતા ખખડે છે. પણ એ શુષ્કતામાં હજુ ભીનાશ છે. ડાંખળી તૂટતી નથી. ડાબા પગ પર એક કાળી કીડી સરકતી હતી. એની સ્પર્શ રેખા બરાબર વંચાતી હતી. મેં બોરસલીના થડપર જરા હથેળી ફેરવી. બ. ની ગોરી પીઠ પર ભીના કાળા વાળનો ઢગલો, અને એ ભીનાશ પર હું એક હંસનું નાનું શુભ્ર શાવક બનીને લપાઈને બેઠો છું. એવું સ્વપ્ન ત્રણે દિવસ પર મને આવ્યું હતું. પણ એ સ્વપ્ન ઉત્તરાર્ધમાં વિચિત્ર રીતે પલટાઈ ગયું હતું. પછી મારા ઘર પર, ઓસરીમાં, બારસાખ પર ધાબાની ધાર પર અસંખ્ય બચ્ચાં, હંસના ધોળાં ધોળાં બચ્ચાં બેઠા છે અને થોડી થોડી વારે જરા જરા પાંખો ફફડાવે છે, અચાનક બધાં ટ્રેનની વ્હિસલના અવાજથી પાંખો ફફડાવીને ઊડે છે. નીચે ઘરની દિવાલો બધી પડી ગઈ છે. ધસી પડેલા ધાબામાંથી ચૂનો અને સીમેન્ટ ખરતાં હોય છે. આંખ ઉઘડી જાય છે. તો સ્ટેશનમાં કોઈ ટ્રેન હાંફતી હાંફતી ઊભી હોય છે. આઠમના ચંદ્રનો ટુકડો બોરસલીની પાછળ બાની પીઠ જેવો તગતો હોય છે.

ઊભો થઈને ઘરમાં આવું છું. ટાઈમપીસને નેપકીનથી સાફ કરું છું અને કાંટા ફેરવું છું. ઘંટડી રણકી ઊઠે છે. ફોટાઊપર ચૂપચાપ બેઠેલી ચકલી પાંખો ફફડાવીને ઊડે છે. રૂમમાં અહીં તહીં એનો ફફડાટ અથડાયા કરે છે. વીજળીક પંખાના વાયવીય વર્તુળો એનેમલ સરફેસથી રંગાયેલી બ્લ્યૂ દિવાલોને ધક્કો મારીને બહાર પાંખઓ ફફડાવતા ઊડે છે – આંગણાની બોરસલીને પણ ઉંચકતાં જાય છે.

આંગણામાં બોરસલીના ખાડામાં પગ ખૂંપવીને હું ઊભો છું એની મને જાણ થાય છે. મારી ડોક ડાબી બાજુ નમી પડી છે અને આંખ મીંચાતી જાય છે. સૂકી ડાળખીને ચાંચમાં ભરાવીને કાળો કાગડો આંગણામાં અહીં તહીં ઊડાઊડ કરે છે. મારું મકાન રણની રેતીમાં ઢળી પડ્યું છે અને લોહી માંસ વગરના, વલાંસમાંથી બનાવેલા, ઊંટોની એક કારવાં એમાથી પસાર થઈ રહી છે. દરેક ઊંટ પર એક એક કાગડો બેઠો છે, કાગડાની ચાંચમાં હંસનું એક એક સફેદ બચ્ચું છે. કાગડાની સંખ્યા વધતી જાય છે. લાઈનસર અને ચપોચપ ગોઠવાતા જાય છે. દૂરદૂરસુધી ચપોચપ લંબાતા જાય છે. બે વચ્ચેનું અંતર ઓળખાતું નથી. કેવળ અંધકાર છે. દૂરદૂર સુધી કાળો ચળકતો અંધકાર પથરાયો છે. મીંચાતી આંખથી પેલી પાર કશું જોઈ શકાતું નથી. આંખના છેલ્લા મીંચકારા સાથે હોઠ બળપૂર્વક જરાક ફફડે છે.

બ… બ..

અને ચળકતા અંધકારનાં મોજામાં હું ઓગળીને એક થઈ જાઉં છું.

– લાભશંકર ઠાકર

પોતાના મૃત્યુને જ શીર્ષકના એક અંશ તરીકે પ્રયોજનાર લાભશંકર ઠાકર આ ૨૦૧૬ના જાન્યુઆરીની છઠ્ઠીએ વાસ્તવમાં મૃત્યુ પામ્યા. (જન્મ તા. ૧૪-૦૧-૧૯૩૫) મુખ્યત્વે તો સુરેશ જોશી યુગીન આધુનિક કવિ અને એવા કવિઓના બળવાખોર મુખિયા તરીકે જાણીતા. લા.ઠા. ની આ વાર્તા ૧૯૭૫થીય વહેલી લખાઈ હતી. પણ તેમાં પણ તેમણે પોતાના મૃત્યુની આંતરિકતાને પશુ, પંખી, વૃક્ષ, માટી, સિમેન્ટ અને એવા કેટલાય પ્રતીકોનો વિનિયોગ કરીને વર્ણવી છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી તેમણે સુવિખ્યાત વૈદ્ય પિતા સ્વ. જાદવજી નરભેરામ ઠાકરને પગલે આયુર્વેદ પ્રવીણની ઉપાધિ પણ હાંસલ કરી એથી પોતાને અનેક માનસમ્માન અપાવનારા અને આધુનિકો માટે પ્રયોગશીલતાની પ્રેરણા આપતા એક કરતા વધુ કાવ્યસંગ્રહો અને નાટ્યસંગ્રહો ઉપરાંત એક નવલકથા ‘કોણ?’ પણ આપી અને સમાંતરે વૈદકના પુસ્તકો પણ સારી સંખ્યામાં આપ્યા.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર

  • Kalidas V. Patel {Vagosana}

    લા.ઠા. દાદા ચાલ્યા ગયા ! … જાણે એક ખમતીધર સિતારો ખરી પડ્યો ! પ્રભુ એમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}