વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૮} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે જિંદગીનું આ પાનું ક્યારેય કોઈ સામે ખુલશે…’ આરતીએ ઊંડો શ્વાસ લીધો. જે વાત આખી દુનિયાથી, સગી દીકરીથી વિશેષ એવી માધવીથી વર્ષો ગોપિત રાખી શકી તે હવે રિયા સાથે કરવાની?

ને આ વાત જો મધુને ખબર પડે તો એનો પ્રતિભાવ કેવો હોઈ શકે? માત્ર વિચારથી આરતીના શરીરને કંપાવતી હળવી ધ્રુજારી માથાથી નખ સુધી ફરી વળી. એ સાથે આરતીને ઉભા થઇ ચાલી જવાની પ્રબળ ઈચ્છા થઇ આવી, પણ અમલમાં ન મૂકી શકી. એને બેસી જવું પડ્યું, એક જ વિચારે કે એથી ક્યાંક રિયાના ઘાવ પર વધુ એક ઘસરકો ન થઇ જાય..

‘નાની, હું તમને વચન આપું છું કે આ આખી વાત જાણ્યા પછી હું એ આખું પ્રકરણ ભૂલી જઈશ, સ્વપ્ને પણ યાદ નહીં રાખું કે તમે કંઇક કહ્યું હતું.. પછી? પછી છે કોઈ વાંધો?’

‘એ તો તું ભૂલશે જ, તારે ભૂલી જવું પડશે રિયા… પણ એટલી ખાતરી પૂરતી નથી. એ સાથે સાથે મને વચન જોઈએ છે કે આ જાણ્યા પછી તું તારી જીદ પડતી મૂકી દેશે…’ આરતીએ સમય અને માહોલ જોઇને રિયાને બાંધી લીધી. એ વાતનો પ્રતિસાદ રિયાએ ચૂપ રહીને આપ્યો એ જોવાનું વિસરી ગઈ આરતી. એનું મન તો પહોંચ્યું હતું દાયકા પહેલાની ગલીઓમાં, જ્યાં બાર વર્ષની બે અલ્લડ છોકરીઓ ધ્રુસકે ચડી હતી.

* * *

‘હું મોટી ને આરુષિ નાની, બંનેના જન્મ વચ્ચે ગાળો તો હતો માત્ર થોડી મિનિટનો છતાં એટલા નાનકડાં પરિમાણે મને મોટી બનાવી દીધી હતી ને આરુષિને નાની.’ આરતી સામે તાદશ થઇ રહ્યો એ ભૂતકાળ જે રાખમાં ધરબાયેલા અંગારાની જેમ હમેશા જલતો રહ્યો હતો.

પોતાનું રુદન તો ખાળી નહોતી શકી એ મોટી બેન હિબકે ચઢેલી નાનીનો ચહેરો છાતીસરસો ચાંપીને આશ્વાસન આપી રહી હતી. સામે પડ્યો હતો વિધવા માનો મૃતદેહ, જિંદગીની લડાઈમાં વીરગતિ પામી ગયેલી માનો જીવ છેલ્લે સુધી દીકરીઓમાં હતો. છતાં આખરે તો કાળ સામે નમતું જોખી દેવું પડ્યું હતું. કદાચ અભાગી દીકરીઓના નસીબમાં એ જ લખ્યું હતું. પિતાનો તો ચહેરો સુદ્ધાં યાદ નહોતો ને બાકી હતું બાકી હતું તેમ મા પણ આજે ચાલી નીકળી હતી પિતાની પાછળ પાછળ.

‘બિચારી છોકરીઓ, પહાડ તૂટી પડ્યો છે…’ ત્યાં બેઠેલા સ્ત્રી વર્ગમાંથી કોઈક સહાનુભૂતિભર્યો સૂર કાને પડ્યો.

‘હા, હવે તો ઓશિયાળા થઈને જ રહેવાનું ને…’

એક રાતમાં દુનિયા બદલાઈ ગઈ બહેનોની. સહુ કોઈની દયાનું પાત્ર, ઓશિયાળી દીકરીઓની દયા તો સહુએ ખાઈ લીધી પણ એમની સંભાળ માટે કોઈ ન ફરક્યું એટલે મામા શિવનાથ શાસ્ત્રીએ લોકલાજે પત્નીના ડરની અવગણના કરીને જવાબદારી લેવી પડી. આમ તો મામા શિવનાથ શાસ્ત્રીનું દિલ મોટું હતું, મોટીબેનની ગેરહયાતીમાં બંને દીકરીઓની જવાબદારી પોતાની જ લેખાય એવું માનીને કર્તવ્યપારાયણ ક્રિયાકાંડી ગૃહસ્થ બ્રાહ્મણ દિલથી માનીને બંને દીકરીઓને લઇ ઘરે પહોંચ્યા ત્યારે રંજન મામીનો મૂક આવકાર ને કરડી નજર બંને સમજદાર દીકરીઓને ફડકો બેસાડતી ગઈ.

‘માંગી ખાનાર ને આવા ધર્માદાના તૂત ક્યાંથી ઉપડ્યા? …તમે જે લોટ માંગી લાવો છો એમાં આપણાં પેટ તો ઠરતાં નથી તે બાકી હતું તે આ બેને સાથે લઇ આવ્યા?’ બંને છોકરીઓ જરા આઘીપાછી થઇ કે મામીએ ઉધડો લઇ લીધો હતો એ આરતીએ જોયું તો નહોતું પણ સાંભળ્યું જરૂર. કાન વધુ સરવા કર્યા એટલે સમજાયું કે મામાને ઘરે રહેવું મુશ્કેલ નહીં પણ દુષ્કર થઇ જવાનું હતું. મામીની કૃપાદ્રષ્ટિ એ માટે બની શકે એ પ્રયત્નો કરવા મંડી પડતી, છોકરીઓ વિના પગારે મળેલી નોકરડી બની રહી હતી. તે છતાં રંજનમામી દિનરાત ટોકતી રહેતી રોટલામાં ભાગ પડાવવા આવેલી આ બે છોકરીઓને.

‘અરે રંજન, ભગવાને પંડનું તો સંતાન આપ્યું નથી, એમ સમજ કે જતી જિંદગીએ આ છોકરીઓને આપીને ઘડપણ તો સાચવ્યું…’ શિવનાથ શાસ્ત્રી વધુ સફાઈ આપે એ પહેલા રંજને આંખો ઉલાળી, હોઠ વંકાવી પતિનું મોઢું તોડી લીધું હતું : ‘બેસો બેસો હવે… તમે હશો ઘરડાં, મા બનવાની આશા મેં મૂકી નથી હજી… જોયા મોટાં ધર્માધિકારી… હહ…’

બંને છોકરીઓએ મામીનું ઘર ઉપાડી લીધું હતું. રસોઈપાણીથી લઇ તમામ ઘરકામ કર્યા પછી સ્કૂલમાં અગિયાર વાગ્યે શરુ થતાં વર્ગમાં પહોંચવા રીતસર દોટ મૂકવી પડતી હતી. ‘અરુ, મને વિચાર આવે છે કે આપણે બંને ભણીએ એના કરતાં હું ઘરકામ સંભાળી લઈશ, તું આગળ ભણજે…’ આરતીએ એક દિવસે ભારે હૈયે નિર્ણય લીધો હતો. ખબર હતી કે ત્રણ કિલોમીટર દૂર કોલેજમાં ભણવાની મંજૂરી બંનેને મળવાની નથી. ઘરકામ કોણ કરશે એ પ્રશ્ન મામી સામે મૂકશે જ…

‘આ શું વાત થઇ? આપણાં બંનેના માર્કસમાં બહુ અંતર નથી.’ આરુષિએ હાથમાં રહેલું પરિણામપત્રક ફરી વાર જોયું : ‘આપણે એસ.એસ.સી પાસ થઇ ગયા એ જ મોટી વાત છે, હવે કોલેજમાં જવું હોય તો સ્કોલરશીપનું કંઇક કરવું પડશે!’

‘હા, એટલે જ મેં તું ભણજે ને હું ઘર સંભાળીશ, એ બહાને મામી ખુશ થતાં હોય ને મામા મંજૂરી આપે તો તારા કોલેજના ખર્ચ નીકળી જાય… બાકી જો ને મારા તો માર્ક્સ પણ એવા નથી કે મને સ્કોલરશીપ મળે…’ આરતીના અવાજમાં હળવી નિરાશા હતી.

‘મારે તો ગમે તે કરી આગળ ભણવું છે, જો ન ભણી તો…’ અચાનક આરુષિ ચૂપ થઇ ગઈ, કોઈક ગુપ્ત માહિતી મોઢામાંથી નીકળી ન જાય એની સાવચેતી લેતી હોય તેમ.

‘હા અરુ, એ તો વાત સાચી… જો તું નહીં ભણે તો વિશ્વજિત તારા નામ પર ચોકડી જ મારી દેશે એ વાત તો નક્કી, એ તો સાક્ષરોની હવેલી છે ને! ખરું ને?’

આરૂષિની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ એના ચહેરા પરનો રંગ ઉડી ગયો સાથે સાથે આશ્ચર્યથી પહોળી થઇ ગયેલી આંખો બીજી જ ક્ષણે ભારથી ઢળી ગઈ. ચહેરા પર તરી આવેલા ક્ષોભના ભાવ પર કાબૂ કરવાનો નિરર્થક પ્રયાસ કરતી હોય એમ આરુષિએ હોઠ ભીંસી રાખ્યા જે જોઇને આરતીએ દાબી રાખેલું હાસ્ય ફૂવારાની જેમ ઉછળ્યું.

‘ઓહ, તો હવે હું પરાઈ થઇ ગઈ આરૂષિ? મારાથી છુપાવીશ?’

આરુષિની જબાન સાથ નહોતી આપી રહી પણ થોડીવારે કળ વળી હોય તેમ આરતી સામે જોઈ રહી. એની આંખોમાં ઝળઝળિયાં છવાયા હતા. હોઠ પર નાનકડું સ્મિત હતું અને અવાજમાં ભીનાશ ભળી હોય તેમ ભારે થઇ ગયો હતો.

‘…સાચું કહું? મને પોતાને પણ બહુ ખરાબ લાગતું હતું કે તારાથી આ વાત છૂપાવી રાખી… પણ આ વિશ્વ… તને ખબર નથી એનો સ્વભાવ. એ કહે કે જે વાત છ કાન જાણે તે વાત ગોપિત રહી જ ન શકે. અને જો આ જાહેર થઇ ગયું તો એના પરિવારમાં શું ધરતીકંપ આવે પ્રભુ જાણે, એટલે જ્યાં સુધી ગ્રેજ્યુએટ ન થઇ જવાય એ વિષે કોઈને ગંધ પણ ન આવે એ જોવાનું છે… પણ, એ તો કહે કે તને આ વાતની ખબર પડી કઈ રીતે?’ ચોરી પકડાઈ ગયા પછી ગુનેગાર બાકીની વાત ઓકી નાખે એમ આરુષિએ મનમાં ભંડારી રાખેલી વાત ખુલ્લી મૂકી દીધી.

‘આરુષિ… તારું નામ ઘેલી કરી નાખીએ તો કેમ?’

‘તું એ ભૂલી ગઈ કે એ આપણે બંને સહોદર જ નહીં જોડિયા છીએ? એક જ અંશના ભાગ. બે શરીરમાં વહેંચાયેલો એક આત્મા. આ પહેલા પણ કેટલીયવાર એવું બન્યું છે કે મારું મન ઉદાસ હોય ત્યારે તું પણ અકારણે દુ:ખી થઇ ગઈ હોય. બાકી હું જે અનુભવું એ તું પણ અનુભવે એ વાત કંઇ પહેલીવાર તો નથી થઈને!’

‘એ બધી વાત છોડ આરતી, મને એ કહે કે તને ખબર કઈ રીતે પડી? કોણે કહ્યું તને?’

‘એ જ તો વાત છે, દિવાલોને પણ આંખ કાન હોય એમ જ કહેવાય છે? અને મુદ્દાની વાત તો એ કે તેં મને કોઈ વાત કરી હતી કે હું એ રહસ્ય ખોલું?’ આરુષિને સતાવવાની એકેય તક જતી કરવા ન માંગતી હોય તેમ હસતી જ રહી હતી.

‘પણ, હવે કહી તો દીધું ને!’ મોઢું ફુલાવીને આરુષિએ ખોટો રોષ કર્યો.

‘હા કહ્યું પણ એ તો ચોરી પકડાઈ ગઈ એટલે, બાકી તો તેં નહોતું જ કહ્યું ને!’ આરુષિને વિશ્વજિત વચ્ચે પાંગરી રહેલી કુંપળની વાત પોતાને કોણે કરી એ વાત કઈ રીતે કહેત? એ કહેતે તો વિશ્વજિતનો પરમ મિત્ર સત્યેન પર તવાઈ આવ્યા વિના થોડી રહેત?

બંને બહેનોની વાતચીત પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું મામીના આગમનથી. : ‘કેમ? કોઈ કામધંધો નથી કે ગામગપાટે ચઢી બેઉ જણીઓ? જો એટલી જ ફુરસદ હોય તો રસોડાનાં ખાના સાફ કરવા’તા ને! એક નંબરની કામચોર છે બંને જણીઓ…’

બંને બહેનો ચૂપચાપ કામે તો લાગી, પણ એક વાત નક્કી હતી, આગળ ભણવાની વાત સહેલી નહોતી જેટલી ધારી હતી. આખરે નક્કી થયું કે જ્ઞાતિના કેળવણી ભંડોળમાંથી મળતી સ્કોલરશીપ મળે તો આરૂષિ ભણશે અને આરતી ઘર સંભાળશે.

એક ચોઘડિયામાં, એક જ માની કૂખે જન્મેલી બંને બહેનો કેવા ભાગ્યમાં ઉત્તરદક્ષિણ લેખ લઈને આવી હતી. આરૂષિ કોલેજ જતી હતી અને આરતી ઘરકામ કરતી રહેતી. આરુષિની જિંદગીમાં મંઝિલ નક્કી હતી. એ પૂરી થતી હતી એક નામ પર, વિશ્વજિત સેનના નામ પર. આરુષિનું તો જાણે એકમાત્ર જીવનલક્ષ્ય હતું વિશ્વજિત સાથેની દુનિયા, ભણવું એ તો ત્યાં સુધી પહોંચતી સીડી હતી. ને આરતી? આરતીના મનમાં વસેલો વિશ્વજિતનો લંગોટીયો મિત્ર સત્યેન ચિત્રમાં હજી કોઈ રંગ ભરે એ પહેલાં જ જઈ રહ્યો હતો મુંબઈ.

‘આરતી, મારા ફાધરે નક્કી કર્યું છે કે મારે મુંબઈ જઈ લૉ કરવું… શું કરું?’ સત્યેનના ચહેરાની લાચારી બધી વાત બયાન કરવા પૂરતી હતી.

‘પણ તું શું ઈચ્છે છે?’ આરતીએ હળવી દહેશત સાથે પૂછ્યું હતું…

‘મારે શું કરવું એ મારે ક્યાં નક્કી કરવાનું છે?’ સત્યેનના અવાજમાં લાચારી પડઘાઈ.

‘તો પછી પૂછે છે કેમ?’

સત્યેન પાસે ઉત્તર જ ક્યાં હતો? એ જમાનામાં પિતાની આજ્ઞા વિરુદ્ધ જવાની તાકાત સંતાનમાં ક્યાં હતી! આરતી તરફ મન ખેંચાયું છે, કદાચ એ વાતની શિક્ષારૂપે જ તો મુંબઈ ભણવાને નામે મોકલી આપવા માંગતા હતા.

‘આરતી, મારું સરનામું આપીને જઈશ… નિયમિત પત્ર તો લખીશ ને?’

નીચી નજર કરીને સાંભળી રહેલી આરતીમાં હા કે ના કહેવાની સુધ જ ક્યાં હતી? એક વાત નક્કી હતી, અંદરથી કોઈક કહી રહ્યું હતું : સત્યેન સાથેની આ મુલાકાત છેલ્લી મુલાકાત હોવાની…

સત્યેન જતો રહ્યો. ચોવીસ કલાકનો દિવસ અચાનક ચારગણો લાંબો થઇ ગયો એવી પ્રતીતિ થતી રહેતી. વેકેશન પડી ગયું હતું. મામી પિયર ગયા હતા ને મામા અલ્હાબાદ કુંભમાં. આરુષિ કોઈ પણ બહાના કરીને વિશ્વજિતને મળવા ભાગી જતી ને ઘરમાં રહી જતી એકમાત્ર એકલતા.

વિના કોઈ ઉદ્દેશે બારીમાં ઉભા રહી સામે બંધ પડેલી હવેલી તાકતાં રહેવું એ હવે આદત બની રહી હતી. ખાલી મકાનમાં ઘટરઘૂ કરીને ગંદવાડ કરતા કબૂતર અચાનક અલોપ થઇ ગયા હતા તેને બદલે રંગરોગાન ચાલી રહ્યા હતા. વાત તો એવી ચાલી રહી હતી કે વર્ષોથી મુંબઈમાં સ્થાયી એ મકાનના માલિક મહેશબાબુએ અવસાન પૂર્વે કોઈકને મકાન વેચી દીધું હતું, જે રીતે મકાનમાં રંગરોગાન ને સજાવટ થઇ રહ્યા હતા ત્યારથી આરતીની કુતુહુલતાએ માઝા મૂકી હતી. આખરે એક દિવસ કાર આવીને ઉભી રહી. આરતી બારીએ જ ઉભી હતી.

કારમાંથી નીકળનાર જાજરમાન મહિલાનો ઠસ્સો જોઈ રહી. ગોરી, પાતળી, ઉંચી એ મહિલા માંડ ચાલીસીએ પહોંચી હોય એવી યુવાન લાગતી હતી. હળવા પીરોજી રંગની સાડી ને ગળામાં મોતીની માળા, કાનમાં હીરાના લવિંગીયા ચમકી રહ્યા હતા.

સાંજ સુધીમાં તો મહોલ્લામાં સમાચાર પ્રસરી ગયા એ બીજું કોઈ નહીં ને મહેશ બાબુની વિધવા હતી. આ મહેશ બાબુની વિધવા? પ્રશ્ન સહુને થયો હતો. મહેશ બાબુની ઉંમર તો સિત્તેરની આસપાસ હોવી જોઈએ ને આ માનુની તો ચાલીસની પણ માંડ હશે. પણ, અટકળથી ઉત્તર બદલાઈ નહોતો જવાનો. ઉત્તર એ જ હતો. એ હતી મહેશબાબુની પત્ની સરોજ, કોઈ કહેતું હતું કે એક સમયે ગાયિકા હતી પણ એની સાથે લગ્ન કરવાથી જે સામાજિક વંટોળ ઉઠ્યો એનાથી ડરીને મહેશબાબુ ક્યારેય વતન આવ્યા જ નહીં, પણ આ બાઈ જબરદસ્ત નીકળી. મહેશ બાબુના નિધન પછી એ તો હક્કથી આવીને રહી એ હવેલીમાં, જેમાં મહેશ બાબુ પોતે આવતાં ડરતા રહ્યા. થોડાં ખણખોદિયા શોધી લાવ્યા કે મહેશ બાબુની પત્ની નહીં ઉપવસ્ત્ર હતી, અન્યથા આટલી જવાન ક્યાંથી હોય? એ વાત શું ઉડી ને મહોલ્લાવાસીઓએ એનો મૂક બહિષ્કાર શરુ કરી દીધો.

…કોણ જાણે કેમ પણ આ બાઈ સમદુખિયાની ભેરુ લાગી રહી.

થોડાં દિવસમાં જ મૈત્રી થઇ ગઈ સરોજની. એનું મૂળ નામ તો હતું સરોજરાની પણ એ પોતે જ સૌને પોતાનું નામ સરોજ કહેતી, બંને બહેનો પ્રભાવિત થતી રહી હતી સરોજની એક એક વાતથી, એની હિંમતથી, એની વાક્છટાથી, એની રહેણીકરણીથી.

એકલી સ્ત્રી ને એ પણ વિધવા, નિસંતાન…

મામા મામી ઘરમાં ન હોય, આરૂષિ કોલેજ ગઈ ગઈ હોય એટલે મોકળું મેદાન મળી જતું.

‘તમને કોઈનો ડર ન લાગે?’ આરતીની નિર્દોષ આંખોમાં રમતા પ્રશ્નના જવાબમાં એ હસતી રહેતી.

‘ડર શાનો? આપણે સાચાં હોઈએ તો ડરવું શા માટે?’ એ જવાબ પાછળ હતી એક મક્કમતા, એક આત્મવિશ્વાસ જેનું ઉદગમસ્થાન તો પાછળથી સમજાયેલું.

સરોજ કોઈક પૂજાપાઠ કરતી રહેતી. પોતાની હવેલીના પાછલી બાજુના એક ઓરડામાં ચાલતાં પૂજાપાઠ કોઈને દેખાય એમ નહોતા, ન કોઈ શોર ન કોઈ ટોળાં, એ તો એકલી જ પૂજાપાઠ કરતી તે પણ રાત્રે.

પૂજાપાઠ દરમિયાન એક કેસરિયો પ્રકાશ છવાયેલો રહેતો જેની સેર મોડે સુધી જાગતી રહેતી આરતીની આંખોમાં અંજાઈ જતી. વારે તહેવારે, ચોક્કસ તિથિઓ પર આ નિયમિત થતું ચાલ્યું એટલે એક દિવસ પૂછી કાઢ્યું હતું. ‘સરુ દી, તમે રાત્રે શું કરો છો?’

સરોજ અવાચક થઈને સામે તાકી રહી. ત્યારે તો એને વાત ફેરવી કાઢેલી પણ મૈત્રી ગાઢી થઇ ને મામીનો ત્રાસ વધતો ગયો ત્યારે સરોજે જ પોતાની પૂજાનું રહસ્ય ખોલ્યું હતું.

‘ખબર નહીં કેમ પણ આરતી તું મને સદાય મારી નાની બહેન જેવી જ લાગી છે. તારી મામી જે અત્યાચાર કરે છે તે કદાચ તું સહન કરી શકે છે પણ હું નહીં. તને જે રીતે તારી મામી હડધૂત કરે છે મને પીડે છે ને આ આરુષિ… એ તારી બેન ખરી પણ એ તો એની દુનિયામાં મસ્ત છે. આરતી, તું તારા માટે ક્યારે વિચારીશ?’

સરોજની એ વાત દિમાગમાં ચમકારો કરતી ગઈ. એ વાત તો સાચી હતી. આરુષિ વિશ્વજિતના પ્રેમમાં પાગલ હતી. એક દિવસ પરણીને ઠરીઠામ થવા માંગતી હતી. એ પછી શું? મામી મફતની નોકરડીને ક્યારેય ન પરણાવે… ને એ સાથે યાદ આવ્યો સત્યેન. પોતે કેટલાં પત્રો લખ્યા એકનો ઉત્તર નહોતો આપ્યો.. ક્યાંક એ…

પોતે કરેલી અમંગળ કલ્પના પર બ્રેક મારવી પડી હતી : ‘તો હું કરું શું સરુ દી? આ વાત તો મેં કદીય વિચારી જ નહોતી.’

‘આરતી, આપણાં દરેક પશ્નના ઉત્તર એક પરબીડિયામાં બંધ હોય છે. અને જોવાની ખૂબી એ છે કે પરબીડિયું આપણાં જ હાથમાં હોય છે. હવે એ પરબીડિયું ખોલીને વાંચવું કે ન વાંચવું એ તો પોતપોતાની ફિતરત પર છે ને!’

‘એટલે? હું કંઈ સમજી નહીં!’ એ ક્યાં સમજી શકવાની હતી સરોજની ગુઢ દુનિયાનું ગર્ભિત રહસ્ય?

‘એ રહસ્ય છે સૃષ્ટિનું’ સરોજે આરતી સમજી શકે એ પ્રયત્ન કર્યો.

‘દરેક માણસના બે વજૂદ હોય છે. એક જે આપણે પળેપળ મહેસૂસ કરીએ છીએ, જે સાથે આપણો જન્મ થાય અને મૃત્યુ સુધી સાથે રહે છે, જેને આપણે શરીર કહીએ છીએ, અને બીજું છે સૂક્ષ્મ શરીર, જે જન્મ સાથે અવતરે છે તો ખરું પણ એનો અંત મૃત્યુ પછી પણ થતો નથી.. સમસ્યા એ છે કે એ શક્તિઓ જેનું સામર્થ્ય માણસ સમજી જ નથી શકતો, એવી અસમર્થ ને સમર્થ, અસંભવ ને સંભવ બનાવી શકવાની ઉર્જા એમાં હોય છે. જે હોય છે ચેતનાનો જ એક અંશ પણ મોટેભાગે એની ઉપસ્થિતિ જ ઉજાગર નથી થતી એટલે એ વજૂદ શક્તિહીન થઈને અંત પામે છે.’

એ અવાચક થઈને સરોજની સામે તાકી રહી હતી. સરોજ એવી વાતો કરતી હતી જેની પર વિચાર કર્યા કરવાથી પણ ન સમજાતી. ન તો એ કંઇ સમજી શકી ન એ વાત સરોજ ને કહી શકી. પણ, સરોજ પામી ગઈ કે વાત આરતીના માથા પરથી પસાર થઇ ગઈ છે. એટલે એને વધુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘માની લે સામે પડેલો પાણીનો ગ્લાસ મને જોઈએ છે તો?’

‘તો ઉઠીને લેવો પડે ને!’

‘ના પણ ઉઠ્યા વિના હું મારા સૂક્ષ્મ શરીરને ઓર્ડર કરું તો? આપણો પોતાનો પડછાયો આપણાં હુકમનું પાલન પાલન કરે?’

‘આ કેવી વાતો કરો છો સરુ દી?’

‘હા, બસ આ જ છે એ વિદ્યા, અશરીરી ઉર્જાની વાત. જેનો પડછાયો નથી હોતો, ચારે બાજુ પ્રકાશ હોય કે અંધકારનું સામ્રાજ્ય એ હમેશા હોય છે. એકવાર એની પર કાબૂ આવે તો અસંભવ કામ સંભવ બની જાય. એને ન કાળના બંધન નડે છે ન સ્થાનના.. ‘

એ સમજવા મથી રહી પણ ખરેખર તો કંઈ નહોતું રહ્યું, એનું મગજ બહેર મારી ચૂક્યું હતું.

‘નહીં સમજાય અત્યારે, એ ત્યારે સમજાશે જયારે એનો સમય આવશે….’

એ સમય ક્યારે આવશે? આરતીની આંખોમાં અંકાયેલા પ્રશ્નનો ઉત્તર સરોજ પાસે હાથવગો હતો. એને માટે સાધના જરૂરી છે. જે કરવી સરળ તો હરગીઝ નથી ને અશક્ય પણ નથી. એમાં બહાદૂરી કે ચતુરાઈની જરૂર નથી બલકે મન મજબૂત જોઈએ, જો કાળજું સાબૂત ન હોય તેણે તો આ બધાનો વિચાર સુદ્ધાં ન કરવો નહીતર…’

‘નહી તો શું થાય?’

‘શું થાય?’ સરોજે ઊંડો શ્વાસ લીધો ને પછી હળવેથી ઉમેર્યું : ‘કાળજું મજબૂત ન હોય એવી વ્યક્તિ જો સાધના કરે તો પાગલ થઇ જાય…’

સોપો પડી ગયો અચાનક. વાતાવરણમાં સીસાની કણી તરતી હોય એવું ભારેખમ વાતાવરણ થઇ ગયું. ‘પણ મને એ ન સમજાયું કે જો આ સાધના આવી જીવલેણ હોય તો કોઈ કરે શું કામ?’ નાની બાળકી જેવી નિર્દોષતાથી એણે પૂછ્યું હતું.

જવાબમાં સરોજ કેવું એવું તો ખડખડાટ હસી જેથી એને ઉધરસ ચડી ગઈ. ‘અરે પગલી, સિદ્ધિઓ એમ જ મળે? તે પણ જેવી તેવી નહીં. કેવી સિદ્ધિઓ… એક સ્થાનથી બીજે સ્થાને પહોંચી શકાય, ન ચાલીને, ન ઉડીને, અશરીરી રીતે… આકાશ, પાતાળમાં ચાલી રહેલી પરિસ્થિતિથી અવગત થઇ શકાય, અસાધ્ય બીમારીઓ મટાડી શકાય, ભવિષ્ય જોઈ શકાય, કોઈને વશમાં કરી શકાય, નામ દામ ઐશ્વર્ય, જે માંગો કદમોમાં હાજર… આ બધી જેવી તેવી સિદ્ધિઓ છે?’

‘શું વાત કરો છો સરુ દી? સાધના કરવાથી આ બધું મળે?’

‘માત્ર આટલું શું કામ? ચીરયૌવન મળે… ઘડપણ કદી પાસે ન ફરકે…’ એટલું બોલીને સરોજ અચાનક ગંભીર થઇ ગઈ : ‘આરતી, તું મને કેટલા વર્ષની ધારે છે?’

‘હમ્મ… પાંત્રીસ? છત્રીસ?’ એક અનુમાન કર્યું હતું.

‘તને ખબર છે મહેશ બાબુ, મારા પતિ મારાથી માત્ર દસ વર્ષ મોટા હતા…’

‘એટલે? તમે સાઠ….’

સરોજે આ રાઝ ખોલ્યું ન હોત તો ખ્યાલ પણ ન આવ્યો હોત કે આ કોઈ બીજી ત્રીજી વારની કે ઉપવસ્ત્ર સ્ત્રી નહોતી જે સમજી લોકો એનાથી દૂર ભાગતા હતા. અચાનક બંને ચૂપ થઇ ગયા. સરોજ કદાચ અવઢવમાં પડી ગઈ કે પોતે આ રાઝ ખોલીને શું કરી દીધું!

‘એક વાત તો નક્કી છે આરતી…’ સરોજે ડાબા હાથે એનો ખભો થપથપાવ્યો હતો. : ‘હું તો માત્ર નિમિત્ત છું. અન્યથા આ સાધના તારા ભાગ્યમાં ન હોત તો આ વાત આમ થાત જ નહીં.’

‘પણ, આ વિદ્યા કે સાધનાનું નામ શું છે? મેં તો કોઈ દિવસ સાંભળ્યું પણ નથી આવું કંઇક…’

આરતીને મૂંઝાયેલી જોઇને સરોજે ફરી એના વાળ પર હાથ ફેરવ્યો હતો. : ‘એ છે કલ્પદ્રુમ સિદ્ધિ સાધના.. માંગો એ પામો… કામના જ સિદ્ધિ બની જાય.’

‘માંગો એ પામો?’ હજી એના મગજમાં આ વાત બેસતી નહોતી.

‘હા, મન ચાહે તે બધું પણ એમાં એક શરત છે…’ સરોજના હોઠ પર રમી રહેલું સ્મિત થોડું થીજી ગયું ને એનો ચહેરો ગંભીર થઇ ગયો.

ક્રમશઃ

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૮}