વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૬} 2


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

વહેલી સવારે આરતીની આંખો ખૂલી ત્યારે ખ્યાલ આવ્યો કે રાત્રે તાવમાં ધખી રહેલી રિયાને પોતાં મૂકતાં બેઠાં બેઠાં ક્યારે આંખ મળી ગઈ તે ખબર જ ન રહી. સૂર્યોદય થઇ રહ્યો હતો. વાતાવરણમાં પીળા સોનેરી તડકાએ ઘર કરવા માંડ્યું હતું. આરતીએ હળવેકથી રિયાનું કપાળ સ્પર્શીને જોયું. તાવ સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. રિયા શાંતિથી ઊંઘી રહી હતી, જાણે કજીયો કરીને થાકેલું બાળક શાંતિથી ઊંઘતું હોય એવા જ કોઈક હાવભાવ એના ચહેરા પર અંકિત થયા હતા. અચાનક લાગ્યું કે બેઠાં રહેવાથી શરીર જકડાઈ ગયું હતું, આરતીએ ઉભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે રિયાએ ઊંઘમાં પણ સાડીનો છેડો પકડી રાખ્યો હતો. એ વાત આરતીને વિચાર કરતી મૂકી ગઈ. એનો અર્થ એ થયો કે રિયા કોઈક પરેશાનીથી પીડાઈ રહી છે. સાડીનો છેડો ઝાલીને ઊંઘવાની ટેવ નાનપણમાં હતી જયારે એ અતિશય વ્યગ્ર થઇ જતી ખાસ કરીને ત્યારે જયારે માધવીએ એને હડધૂત કરી હોય. હવે તો આ બધી વાતો તો ભૂતકાળ થઇ ગઈ હતી તો પછી અચાનક આમ? રિયાની હરકત વિચારમાં તો મૂકી ગઈ પણ એ વિષે વધુ વિચાર્યા વિના આરતી પોતાના કામમાં પરોવાઈ.

સવારના દસ થયા ને રિયાના દર્શન થયા. : ‘ગુડ મોર્નિંગ નાની…’ રિયાના અવાજમાં નબળાઈ છતી થઇ રહી હતી.

‘કેવું લાગે છે હવે? હું બે ત્રણવાર આવીને જોઈ ગઈ હતી. તાવ નહોતો પણ તું એવી શાંતિથી ઊંઘતી હતી કે ઉઠાડવી જરૂરી ન લાગ્યું.’ ડાઈનિંગ ટેબલ પર ચા પી રહેલી આરતીએ રિયાને બેસવાનો ઈશારો કર્યો.

‘શકુ, બેબી માટે કાવો કર્યો છે તે પહેલા આપી દે તો!’

‘તારા માટે મેં ઉકાળો બનાવ્યો છે તે પહેલા પી લે જે, મોઢું બગાડ્યા વિના.. સમજી?’

‘નાની, એ બધી વાત છોડો, મને એ કહો કાલે તમે આમ કેમ કર્યું?’ રિયા સીધી વાત કરવાના મૂડમાં હતી. એ ચેર ખેંચીને નાનીની સામે ગોઠવાઈ.

‘અરે! શું કામ કર્યું એટલે? અચાનક મને યાદ આવ્યું, મારા જપ અધૂરા રહી ગયેલા.. તે જોયું નહીં તું આવી ત્યારે હું જપ તો કરી રહી હતી.’ આરતીએ પહેલેથી ઘડી રાખેલું બહાનું એવું તો બખૂબીથી કહી દીધું કે એકદમ સ્વાભાવિક લાગે.

‘ને સવાર સવારમાં શું આ બધી વાત લઈને બેઠી? પહેલા જરા ખાઈ પી લે, દવા તો લઇ લે….’

નાની વાત ફેરવી રહ્યા હતા એનો ખ્યાલ રિયાને આવી ચૂક્યો હતો. એનો ચહેરો વધુ ગંભીર થયો. શકુએ લાવેલા કપમાંથી ગરમ ગરમ કાવાની ચૂસકી લીધી ને ગળું સાફ કર્યું.

‘નાની, મમે આવું કર્યું હોત ને તો મને કદાચ આટલું ન લાગતે પણ મમ્મી કરે એવું વર્તન તમે કેમ કર્યું?’ રિયાના અવાજમાં રહેલો રંજ આરતી અનુભવી શકી.

આ છોકરીને કહેવું શું? કે તારા પેલા બાપની સામે ન થઇ જવાય એ સાવધાની વર્તવા એને પ્રવેશતાં જોઈ મારે સરકી જવું પડ્યું? નાનીના મૌનનો અર્થ જુદી રીતે તારવ્યો રિયાએ. એ ઉઠીને પોતાના રૂમમાં જતી રહી, નારાજગી પ્રતીત કરાવવી હોય તેમ રૂમનું બારણું અફળાઈને બંધ થયું તેની ધાક આરતીના કાનમાં ક્યાં સુધી ગુંજતી રહી.

બે દિવસ સુધી એક અદ્રશ્ય આવરણ નાની ને દીકરી વચ્ચે દિવાલ બની તરતું રહ્યું. રિયાને સમજાઈ નહોતું રહ્યું કે નાનીનું વર્તન. નાનપણથી આજદિન સુધી દરેકેદરેક પરિસ્થિતિમાં પડખે ઉભા રહેનાર બીજું કોઈ નહીં ને નાની હતા ને એ જ નાનીનું વર્તન? કોઈક વાત તો હોવી જોઈએ પણ શું એ જ નહોતી સમજી શકાતી.

આરતીની દ્વિધા બેવડાઈ રહી હતી. માધવી સાથે ફોન પર વાત કરવા ચાહી તો એને પણ સરખો જવાબ ન આપ્યો. બલકે એ તો સામે તાડૂકી હતી : ‘માસી, સ્વાભાવિક છે કે આવી પાર્ટી હોય ને એ પણ મુંબઈમાં તો એ મહાશય તો પધારવાના ને! તમારે જ નહોતું જવું જોઈતું ને…’

‘પણ થવાકાળ થઇ ગયું, હવે તું મને કહે કે રિયાને શું કહું? આટલી નાની વાત એના મનમાં મારા માટે શું ખટાશ વાવી ગઈ છે કે શબ્દ પણ બોલતી નથી.’ આરતીની ચિંતા અસ્થાને નહોતી. બે દિવસ સુધી રિયા આમ ચૂપચાપ બેસી રહે એ વાત કોઈ સંજોગોમાં માની ન શકાય. પણ, આરતીને ક્યાં ખબર હતી કે રિયાના મૌનવ્રત પાછળ માત્ર પોતાનું આમ પાર્ટી છોડીને ઘરભેગા થઇ જવું એ એક વાત જ કારણભૂત નહોતી. આરતી તો અજાણ હતી કરણ ને રિયા વચ્ચે પડેલા અંતરથી.

ક્યારેય ન અનુભવેલી શૂન્યતા અનુભવાઈ રહી હતી. આટલો ખાલીપો તો માયાના જવા પર પણ નહોતો મહેસૂસ થયો. મમ્મી ને રોમાની તો ગણતરી કરવી તો ક્યારેય જરૂરી નહોતી સમજી પણ કરણની બેફિકરાઈ નાનીની નિસ્પૃહતા… ભીડનો કોલાહલ એકદમ શાંત થઇ જાય ને જેવી અનુભૂતિ થાય તેવી કોઈ લાગણી થઇ રહી હતી. પોતાનું કોઈ જ ન હોય એવું પણ બની શકે? રિયા ડ્રેસિંગ ટેબલ સામે પડેલી પફી પર પોતાનું પ્રતિબિંબ જોતી બેસી પડી. દિલમાં જામી રહેલો ભાર ગળામાં આવી ભેરવાયો હોય તેમ લાગ્યું, રિયાને મન થયું કે એ ખુલ્લે મોઢે રડી લે. પણ એ ન કરી શકી. એટલામાં જ લાગ્યું કે કોઈક બારણે ટકોરા દઈ રહ્યું હતું.

‘રિયા, કહું છું બારણું ખોલ…’ નાનીનો અવાજ કાને પડ્યો.

‘નાની, હમણાં નહીં, પછી…’

‘મારી વાત સાંભળી લે… પછી જે કરવું હોય એ કરજે…’

એમ વાત છોડી દે તે નાની નહીં ને! રિયાએ વિચાર્યું : નાની એમ નહીં જ માને… એને ઉભા થઈને બારણું ખોલ્યું ને સામે ઉભી રહેલી આરતીની હાજરી અવગણતી હોય એમ જઈને બેડ પર પડતું મૂક્યું.

‘કેટલા દિવસ નાની સાથે અબોલાનો પ્રોગ્રામ વિચાર્યો છે?’ નાનીએ રમૂજથી વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો. જવાબમાં રિયા ખામોશ જ રહી.

‘દીકરા તને એવું સાચે લાગે છે કે તારી આ નાની તારી નાનામાં નાની ખુશીમાં શામેલ થયા વિના રહી શકે?’ જવાબ મનમાં સૂઝ્યો પણ જબાન પર ન આવ્યો, રિયાએ માત્ર માથું ધુણાવી ના પાડવી પડી.

‘તો પછી?’

‘…..એક્ઝેક્ટલી નાની, એ જ તો પ્રશ્ન છે! એવું તો શું હતું કે તમે મને આમ કહ્યા વિના નીકળીને આવી ગયા? બોલો..’ રિયાની આંખોમાં ભીનાશ તરવરી રહી. દુઃખમાં તો સાથે કોઈ ન ઉભું રહે એનું દુખ તો લાગે પણ પોતાની ખુશી વહેંચવા સાથે કોઈ ન હોય એ કેવું વસમું લાગે એનો કોઈને અંદાજ પણ ક્યાંથી હોય?

‘રિયા, મારાથી તારો આ સંતાપ જોવાતો નથી એટલે આવી પણ એટલું તો માન કે કોઈ કારણ તો હશે ને! બાકી તને આમ એકલી મૂકીને હું નીકળી જાઉં….?’

‘નાની, ફરી એ જ ગોળ ગોળ વાત. મેં તમારી પાસે ન તો કોઈ ખુલાસો માંગ્યો હતો ને ન કોઈ સફાઈ, પછી શું કામ આ બધી મહેનત કરો છો?’

‘વાત એવી નથી બેટા…’ આરતીનો અવાજ વધુ ગંભીર થઇ રહ્યો : ‘ખબર નહીં માધવી આ વાત જાણશે તો કઈ રીતે લેશે, પણ…’

‘એટલે?’ રિયાની આંખોમાં અચરજ ડોકાયું. નાની પાર્ટીમાંથી ચાલી આવવાની વાતને મમ સાથે કેમ જોડી રહ્યા છે?

‘એટલે એ જ કે જો હું તને સાચું કારણ કહીશ તો મધુ નારાજ થઇ જવાની….’

‘એટલે? એવું તો શું કારણ છે નાની?’ રિયાએ બેઠા થઈને આરતીના બંને હાથ પકડી લીધા : ‘હવે તો તમારે એ વાત કરવી જ પડશે.’

‘તો સાંભળ રિયા, હું ત્યાંથી નીકળી ગઈ કારણ કે મારે એક વ્યક્તિનો સામનો નહોતો કરવો… હવે આગળ ન પૂછીશ…’

આરતી શું બોલી ગઈ એ રિયા સમજી ન શકી.

‘તમે કોની વાત કરો છો? એ પાર્ટીમાં એવું કોણ હોય શકે જેની સામે આવવામાં તમને સમસ્યા થાય? હું સાચે કંઈ નથી સમજી શકતી…’ રિયાની જિજ્ઞાસાએ માઝા મૂકી હતી. આટલું બોલ્યા પછી આરતીને આગળ વાત કરવી યોગ્ય નહોતી લાગી રહી પણ હવે બાજી રિયાના હાથમાં હતી. એ વાતના તંત સુધી ન પહોંચે એ શક્ય નહોતું.

‘નાની, તમારે મને કહેવું જ પડશે…’ એ તો જીદે ચઢી હતી.

‘ના રિયા, મેં મધુને હજી પૂછ્યું નથી ને જો એને ખબર પડશે કે મેં તને આ વાત કહી છે તો એનું પરિણામ શું આવે એ પણ મને ખબર છે, પણ તારો ઉદાસ ચહેરો નથી જોવાતો…’

‘પણ મમને જાણ કરશે કોણ? કે મને આ રાઝની વાત ખબર છે? હવે કહી દો પ્લીઝ…’ અધીરાઈથી રિયાના અવાજમાં કંપ વર્તાઈ રહ્યો હતો.

આરતીએ એક શ્વાસ ભર્યો. કોઈક અણગમતી વાત કહેવા પોતાની જાતને તૈયાર કરતી હોય તેમ. ‘એ પાર્ટીમાં એ વ્યક્તિ હાજર હતી જેને તું જીવનભર ધિક્કારતી રહી… તમારો પિતા…’

આરતી જાણીજોઈને નામ ગળી ગઈ. : ‘હું નહોતી ચાહતી કે એ મને ત્યાં જુએ, જો આમનેસામને થવાનું આવતે તો કદાચ એ એક જ ક્ષણમાં એ પામી જાત કે તું એની દીકરી છે…’ આટલું બોલતા તો આરતી હાંફી ગઈ. જાણે ઉંચાઈ પર પહોંચ્યા પછી પાતળી હવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય એમ શ્વાસ ભરાઈ આવ્યો હતો.

બે ઘડી રોકાયા પછી એને રિયા સામે જોયું. રિયાના ચહેરા પરના ભાવ જોઇને સ્તબ્ધ થઇ જવાનો વારો આરતીનો હતો. કોઈએ તીક્ષ્ણ છરી ફેરવીને એક ઘાથી બે ટુકડા કરી નાખ્યા હોય એમ રિયાનો ચહેરો પીળો પડી ગયો હતો. પહોળી થઇ ગયેલી આંખો સ્થિર હતી અને અધખુલ્લા હોઠ, ચાહવા છતાં બોલવા માટે શબ્દો મળી નહોતા રહ્યા.

‘નાની… તમે એમ કહેવા માંગો છો કે જેને મમની જિંદગીની તબાહ કરી નાખી, જેને કારણે હું વિના કોઈ વાંકે હડધૂત થતી રહી એ વ્યક્તિ ત્યાં હાજર હતી? ને શું હું જાણું છું એમને?’

‘હા રિયા, એ ત્યાં હતો ને તું એને જાણે છે પણ બસ, તને તારી નારાજીનું કારણ મળી ગયું છે, એથી વધુ હવે પૂછીશ નહીં, હું જવાબ નહીં આપી શકું…’

‘ના નાની, તમે એટલું કહી ને છટકી નહીં શકો, તમારે મને એ કોણ છે કહેવું જ પડશે…’ રિયાના સ્વરમાં આક્રમક્તા ઘડીભર આરતીને ચિંતામાં નાખતી ગઈ : પોતે આ કહીને કોઈ ભૂલ તો નથી કરી દીધી ને!

‘ના રિયા, ઈનફ…’ આરતીએ વધુ એક પ્રયત્ન રિયાને વારવાનો કરી જોયો.

‘ના… તમારે કહેવું તો પડશે જ નાની… તમે તો સાક્ષી છો એક એક વાતના, તમામ અવહેલનાના, વિના વાંકે મને મળતી રહેલી સજાના… છતાં આમ કહો છો?’

રિયાની વાતો હવે આરતીને ટેન્શન કરાવી રહી હતી. પોતે એની નારાજગી દૂર કરવાના પ્રયાસમાં આ વાત કહીને કંઈક કરવાનું તો નથી કરી દીધું ને? સમસ્યા તો ત્યારે થવાની હતી જયારે આ વાત માધવીને ખબર પડશે!

‘નાની, તમને ખબર છે કે જો હવે તમે નહીં કહો તો ય એ વ્યક્તિને શોધ્યા વિના હું જંપીશ નહીં, એના કરતાં બહેતર છે કે તમે જ કહી દો એ છે કોણ અને હા, હું વચન આપું છું કે મને આ વાતની જાણ છે એ વિષે હું મમ્મીને લેશમાત્ર ખ્યાલ આવવા નહીં દઉં… આ વાત તમારી ને મારી વચ્ચે રહેશે… પછી કઈ વાંધો છે?’

આરતી ચૂપ રહીને રિયાની વાત સાંભળી રહી. આમ તો વાત ક્યારેક તો સામે આવવાની જ હતી અને રિયા ને રોમા બાળકી નહોતી રહી. હવે એ બંને યુવાનીમાં પગ મૂકી ચૂકી હતી અને સમજદાર હતી. રોમાએ તો પોતાનો જીવનસાથી પણ શોધી લીધો હતો ને ગૃહસ્થાશ્રમ માંડી દીધો હતો. રિયાની ગાડી પણ મંદ છતાં મક્કમ ગતિએ તે તરફ આગળ વધી રહી હતી તો પછી આ વાતને કોઈ કલંકની જેમ છૂપાવવાનો અર્થ શું હતો?

‘નાની… કહો પ્લીઝ… કોણ છે એ?’ સામે બેઠેલી રિયા પઠાણી ઉઘરાણી કરી રહી હતી.

‘રિયા, એક વાત યાદ રહે કે હું અત્યારે જે કહું તે જાણ્યા પછી એ જ ક્ષણે તું એ નામ ભૂલી જઈશ. બરાબર છે? અને આ વાત આપણાં બે વચ્ચેની છે, ક્યારેય મધુ કે રોમા ન જાણે કે મેં તને આ વાત કરી છે અન્યથા મધુ કોઈ દિવસ મને માફ નહીં કરે…’

‘પ્રોમિસ નાની… હવે કહો..’

‘એ છે રાજા, તે દિવસે મેં એને મેઈન ડોરથી પ્રવેશતા જોયો ને મારો શ્વાસ અટકી ગયો હતો. એને જો મને જોઈ હોત તે પળમાં જાણી હોત આખી વાતને…’

‘રાજા? કોણ રાજા?’ રિયાએ દિમાગ પર જોર નાખ્યું, નાની કોની વાત કરી રહ્યા હતા?

‘એ સમયે તો સહુ કોઈ એને રાજા કહેતા, મધુનો રાજ, એ માણસે તો મધુની જિંદગી બરબાદ કરી નાખી… સફળતાના શોર્ટકટ માટે એને તે વખતે કોઈક નામી પ્રોડ્યુસરની ગાંડી છોકરી સાથે લગ્ન કરી નાખ્યા હતા. લગ્નનું વચન મધુને આપ્યું હતું ને ઘરજમાઈ બનીને જામી પડ્યો…’

‘નાની, તમે આર. સેતુમાધવનની વાત તો નથી કરતા ને?’ રિયાના મગજમાં ઝબકારો થયો.

આ બધી વાતો વાંચી સાંભળી હતી ત્યારે તો સ્વપ્ને ય કલ્પના ક્યાં હતી કે આ પોતાનો જ રિશ્તેદાર હશે? એકવાર કરણ પણ આ વિષે કશુંક કહેતો તો હતો, પણ પોતે ક્યાં ધ્યાન આપ્યું હતું? એ વાતો ની કિંમત ગોસીપના ટુકડાથી વિશેષ નહોતી ને આજે?

‘સેતુમાધવન? હા કદાચ હવે એ નામથી ઓળખાતો હશે! મધુને ખબર હોય બધી, કંઇક કહેતી તો હતી પણ સાચું કહું ને છેલ્લે કેટલાય સમયથી આ વિષે વાત કરવાનું જ બંધ જ કરી નાખ્યું હતું. જયારે જયારે પણ એના નામનો ઉલ્લેખ શું થતો મધુ દિવસો સુધી ડીપ્રેશનમાં સરી પડતી… જેના સ્મરણમાત્રથી ઘા ફરી લીલો થઇ જવાનો હોય તો એને ખોતરીને શું હાંસલ કરવાનું કરવાનું?’

વરસી ગયા પછી વાદળી જેમ હળવી થઇ જાય તેવી જ લાગણી આરતીએ અનુભવી. વર્ષો પછી આ છોકરીને સાચા અર્થમાં ન્યાય કરી શકવાનો સંતોષ તો હતો જ સાથે સાથે હળવો ડર પણ દિલમાં હાવી થતો રહ્યો. ક્યાંક વર્ષો સુધી મનમાં ઘૂંટાયેલી કડવાશ વ્યાજસહિત બદલાની કુંપળરૂપે ન ફૂટી આવે!!

નાનીએ આપેલા નામ સાથે મનમાં વંટોળ ઉઠ્યો હતો.

રિયાનો ચહેરો ભાવવિહીન હતો પણ મનમાં ધુમ્મસ જામ્યું હતું. એને યાદ આવી ગઈ મમ્મી સાથે થઇ ગયેલી શાબ્દિક ટપાટપી, જયારે ફિલ્મમાં કારકિર્દી બનાવવા માંગે છે એવું ઘરમાં જાહેર કર્યું હતું. રિયાની આંખો સામે એ દ્રશ્ય ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું.

‘મમ્મી, એ વાત સાચી કે મેં કોન્ટ્રક્ટ સાઈન નથી કર્યો પણ એ પણ નહીવત સમયમાં કરીશ.. અને એ પણ જેવાતેવા બેનર સાથે નહીં… પણ એથી તમે શું કામ ખુશ થાવ? તમને તો રોમા સિવાય કોઈ દેખાતું જ નથી ને! રોમા માટે તમે બધું કરતા રહ્યા છો, તમે મને એકવાર પૂછ્યું સુદ્ધાં છે કે મારે શું કરવું છે? મારી શું મરજી છે?’

‘હું કામિયાબ થઈને બતાવીશ, તમારા જોર પર નહીં, આપમેળે, પોતાની તાકાત પર. કારણકે હું રોમા નહીં રિયા છું. અને મમ્મી માત્ર તમારી જાણ માટે કહું કે ભલે આજે મારી પસંદગી ન થઇ હોય, કદાચ કાલે પણ ન થાય અને શક્ય છે કે મારે લાંબા રીજેકશન પછી રીજનલ ફિલ્મો કરવી પડે કે ડબ્બામાં કેદ થવા જ સર્જાતી ફિલ્મો નસીબ થાય પણ એક દિવસ જોજો ને હું બોલીવુડના બેતાજ બાદશાહ કહેવાય એવા કૃષ્ણકાંત દેસાઈ, મસાલા ફિલ્મમેકર હોય કે ઋષિ ભટ્ટાચાર્ય જેવા આર્ટ ફિલ્મ બનાવનાર કે પછી સહુના માથા પર બેસી ગયેલા આર સેતુમાધવન જેવા દિગ્ગજોના ફિલ્મોની હિરોઈન હોઈશ..’

‘કોની? કોની? ફરી બોલ જોઈએ’ આર. સેતુમાધવનના નામ સાથે પાણી પી રહેલી માધવીને અંતરાસ ચઢી આવી.

ગરમાગરમી પછીની ચુપકીદીથી વાતાવરણ ડોહળાઇ ગયું હતું. આખરે માધવીએ ચૂપકિદી તોડી હતી : ‘મને ઊંડે ઊંડે આ વાતની આશંકા હમેશ કોરી નાખતી હતી. હતું જ કે એક દિવસ તો પેલો વેરી ફરી આવશે જ, પણ આ રીતે?’

કોઈ જબરદસ્ત વિસ્ફોટ થયો હોવાનું રિયાએ અનુભવ્યું. મમ્મી શું બોલી ગઈ? કોણ વેરી? એને આંખોથી નાની સામે જોયું, જવાબ આપવો ન પડે એટલે એ નજર ચુકાવી ને બારી બહાર તાકી રહ્યા હતા.

આ વેરી કોણ? મમ્મીના એક શબ્દે રિયાના અસ્તિત્વને ઝકઝોરી મૂક્યું હતું. એ પિતા તો નહીં જેને પાપે પોતે વિના કોઈ વાંકગુનાએ હમેશ હડધૂત થતી રહી હતી?

તો આ હતો વેરી… આર. સેતુમાધવન, પોતાનો જન્મદાતા, પોતાનો એક માત્ર વેરી…

ક્રમશઃ

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૬}