અરે… ડોશી – રજનીકુમાર પંડ્યા 3


{‘મમતા’ વાર્તા સામાયિકના અતિતરાગ વિભાગમાંથી સાભાર (અંક નવેમ્બર – ડિસેમ્બર ૨૦૧૫)}

માત્ર એક ખંડેર, એક લાકડીવાળી ડોશી અને એક કૂતરી! આથી વધુ કશું જ ત્યાં નોંધ પાત્ર નથી. હા, ડોશીમાના હાથમાં બે-ત્રણ રોટલીઓ છે. પાણી એને અનિવાર્ય નહિં લાગ્યું હોય, નહિંતર પાણીનું ડબલું પણ હોય. બાકી, ઉપર કાળું ઘનઘોર આકાશને નીચે ઘરતી તો નહિ પણ ખંડેરના વેરાયેલા બેલાં, મંકોડાની થોડીક કતારો ને બાકી કીચડ.

ખંડેરનાં વળી ગયેલાં ને કાટ ખાઈ ગયેલાં સળિયાવાળાં બારીબારણાં બતાવે છે કે મકાન કોઈક આગમાં ખાખ થઈ ગયેલું હોવું જોઈએ.

આ બે-ત્રણ રોટલીઓના ટુકડા ડોશી ક્યાંથી લાવી એ ના પૂછશો. નહિતર વળી એ પોતાનું જ ગાણું ગાવા માંડશે. પોતે આવા કીચડમાં કેટલી ગલીઓ ભટકી, કેટલીવાર કેવા કેવા રાગડા તાણી, બૂમોપાડી એ જ તમને કહ્યા કરશે ને સાથોસાથ એ પણ કહેવાનું નહિ ભૂલે કે ચાર – છ રોટલીઓ તો ઓલ્યો ગાંડો લઈ ગયો. ગાંડાને તો ખાવું છે ને ભીખ માંગવી નથી. ડોશી દરરોજ એને એન આપવાનો નિર્ણય કરે છે ને દરરોજ ઓલ્યો ગાંડો હાથ લંબાવી રસ્તામાં ઊભો રહે છે. બસ, કશું બોલતો નથી, ડાબે હાથે મથું ખંજવાળે છે. જમણો હાથ લાંબો કરીને ઊભો રહે છે ને દાઢી વધી ગયેલું મોં તો ફક્ત હસ્યા જ કરે છે.

માથા ઉપર ખંજવાળતો હાથ છાતી સુધી આવી રહે ત્યાં સુધીમાં તો ડોશીએ એના હાથમાં પાંચ- છ રોટલીઓ મૂકી જ દીધી હોય! ને એનો સ્વાર્થ તો જુઓ! રોટલીઓ હાથમાં આવી કે ભાગ્યો જ છે! કશું બોલતો ય નથી, તેમ ડોશી સાથે આવતોય નથી.

એક વાર ડોશીએ એના હાથમાં રોટલી મૂકવાને બદલે, એનો હાથ પકડી, ખંડેરમાં લઈ જવાનો અને પોતાના હાથે ખવડાવવાનો ઈરાદો કર્યો, તો ‘ઊંહું’ એક તસુંય શાનો ચસકે? રોટલી લેવી છે, ખાવું છે, પણ ભેળું આવવું નથી.

આજે ડોશીના હાથમાં બે-ત્રણ રોટલીઓ જ છે, એથી તમારે સમજી જવું જોઈએ કે ગાંડો એને કલાક- અર્ધી કલાક પહેલાં જ ભેટી ગયો છે.

ડોશી અત્યારનો ટંક આટલી રોટલીથી જ પતાવશે.

પણ લાગે છે કે ઓલી કૂતરી એને સુખે નહિ જ ખાવા દે. કૂતરાંની જાત જ એવી. પૂછડી પટપટાવતી બસ ઊભી જ છે. અરે, બિચારી ડોશી ને તો ખાવા દે પહેલાં!

ગમે તેમ તોયે એ ભારતની જન્મસિદ્ધ નાગરિક છે. તું છે નાગરિક? એને તો મત આપવાનોય અધિકાર છે. છે તને? નાગરિક તરીકે રોટી મેળવવાનો એને હક છે, તને ક્યાં છે?

અરે, પણ કૂતરી કંઈ થોડી નાગરિકશાસ્ત્ર ભણી છે? જુઓને, ડોશી લાકડી ઉગામે તો ય એ બીએ નહિ! અરે, ડોશી બેલાં ઉપર લાકડી ઠપકારે પણ છે અને કૂતરી, જુઓને તોય પાસે ને પાસે આવતી જાય છે! ખરી છે. ને ડોશીનું મોં તો એકવાર જુઓ, કેવું વિકૃત થઈ ગયું છે? એક તો છે જ એવું, ને એમાં પાછી આ કૂતરી હેરાન કરે. ડોશીના કાળાકાળા હોઠ કેવા ચડી ગયા છે? પીંગળી થઈ ગયેલી આંખો ચમકતી તિરાડ જેવી લાગે છે, ને ધોળાં નેણ એકબીજાની એટલામ નજીક આવી ગયાં છે કે એક જ થઈ ગયાં છે. ડોશીની ઉપર નીચે હાલતી દાઢીથી એમ ન માનશો કે એ કંઈ ખાય છે. એતો એને એવો લકવો થઈ ગયો છે. બંને હોઠ ભેગા થઈને એટલા ઊંચે ચડે છે કે છેક લાંબા નાકની અણીને આંબી જાય છે. મોંમાં દાંત તો એકે નથી, એટલે મોં એવું તો ચપટું લાગે છે કે બસ. વાળમાં એકે કાળો વાળ તો શોધી દો. એવા રૂ જેવા સફેદ વાળનો અંબોડો વાળતાં એને કોણ શીખવી ગયું હશે?

ઉંમર તો એની સૌ કોઈ કલ્પી શકે.

પણ પાછી આ કૂતરી … હજુય ચસકતી નથી. અરે, કાં તો ડોશી ઉપર હુમલો કરીને લઈ લે તો સારું, ને કાં તો આમ આઘેરી જઈને બેસે તો સારું. પણ ડોશીને ક્યારનીય ભૂખ લાગી છે એટલેે એય કંટાળી લાગે છે! પડખે લાકડી મૂકીને પિંડીને ખંજવાળવા માંડે ત્યાં હાથ, વળી પાછો લાકડી ઉપર જાય છે. ધ્રુજતો હાથવળી પાછો લાકડી ઉગામે છે. વળી બેલા ઉપર ઠપકાર થાય છે ને વળી કૂતરીની પૂંછડી બમણા વેગથી હલવા માંડે છે. હવે એ આગલા પગો પહોળા કરીને બેસી ગઈ છે. મોઢું તો તોપની નાળની જેમ ડોશીના મોં ઉપર જ નિશાન તાકીને બેઠું છે. ને ઘડીક વળી એ તોપની નાળ, સૂરજમુખી જેમ સૂરજની દિશામાં ફરે તેમ, ડોશીનો રોટલીઓ વાળો હાથ જેમ ફરે છે તે દિશામાં ફરે છે.

લો… ડોશી તો વળી ઊભી થઈ. એટલી બધી વાંકી ચાલે છે કે જાણે ખોવાઈ ગયેલી જુવાનીને, અને ખોવાઈ ગયેલા ભૂતકાળને શોધતી ન હોય. લાકડીનો ટેકો ના હોત તો ડોશી ચાલી શકત કે કેમ એ શંકા છે. ને જુઓ, આ ઘનઘોર આકાશમાંથી વરસાદના છાંટણા ય શરૂ થયાં.

ખંડેર એટલું બધું શ્રીમંત છે કે માથે છાપરું જ નથી – છતાં ડોશીનો અને કૂતરીનો એ એકદંડિયો મહેલ છે. ને ડોશી એનો કાળો હજાર થીંગડાવાળો સાડલો ભલે માથે ઓઢે, વરસાદનું પાણી એને ભીજવ્યા વગર થોડું રહેવાનું છે?

આ કૂતરી વળી ક્યાં ચાલી? પૂંછડી પટપટાવી એણે કાં બંધ કરી દીધી? વરસાદથી બચવાની એને શું જરૂર? એ વળી ક્યાં માણસ છે? મને લાગે છે કે ડોશીએ રોટલાના ટુકડા સાડલામાં વીટી દીધા એટલે નિરાશ થઈને એ પાછી ચાલી જતી હશે.

હાશ, હવે ડોશી નિરાંતે ખાઈ શકશે.

પણ આ વરસાદ હવે છાલ નહીં છોડે, બેલાં ભીંજાય, પણ રોટલીઓ જો પલળી જશે તો ભારે ઉપાધિ થશે. ડોશી પછી ખાશે શું? ડોશી એમ તો પાકી છે, હોં!

છાતી ઉપર એણે રોટલીઓ છુપાવી છે. પણ ડોશી આમ બહાર ક્યાં જતી હશે? પિંડી ઉપર ચળ તો ઘણી આવતી હશે, પણ ખંજવાળવાનો ‘ટાઈમ’ નથી.

મોં પર વરસાદના ટીપાં બાઝી ગયાં છે. પરસેવાનાં ટીપાં જેવા જ દેખાય છે, નહિ?

ડોશી આમ રસ્તા ઉપર ના જાય તો સારું, ક્યાંક કોઈક મોટરની અડફેટે આવી જશે. જો કે એક તરફથી વિચારતા એમ પણ થાય છે કે કો’ક મોટરની અડફેટે આવી જાય તો સારું. છૂટે બિચારી! પણ શેનાથી છૂટે? જિંદગીથી? શું જિંદગી એને એટલી બધી બોજારૂપ નહિ લાગતી હોય? ના, ના હોં, નહિં જ લાગતી હોય, નહીંતર રોટલીની આટલી જાળવણી કરે? ભગવાને કંઈક એવું કરવું જોઈએ કે બધા ભિખારીઓને બસ, ટપોટપ આપઘાત જ કરવાનું મન થાય. આતો ધક્કો મારે તો રામ રમી જાય એવી ડોશીનેય જીવવાનું મન થાય છે. નવાઈ!

આ લે લે… આ મોટર નીકળી. સારું થયું, ડોશી તો હડફેટે ના ચડી, પણ કપડાં બધાં રંગી નાખ્યાં, ગારો ગારો કરી નાખ્યાં.

કોક પ્રધાનની મોટરે ડોશીનાં કપડાં રંગાય એવી કિસ્મત ક્યાંથી?

ડોશી પાછી વળી. એ જ ઠીક કર્યું છે!

વરસાદેય ભલે પડે. ડોશી ક્યાંક આશરો શોધી લેશે.

બિચારીના પેટમાં તો આગ લાગી હશે બરાબરની. પણ ક્યાંક બેસીને ખવાય એવું ઠેકાણું નથી. હતું ત્યારે સામે સખે ખાવા ન દે તેવી કૂતરી હતી. હવે કૂતરી નથી ત્યારે વરસાદ છે.

આમા ખંડેરની એકાદ ભીંતેય પડશે ને, તો ડોશી નથી એમ સમજીલેજો.

પણ ડોશી આમ ક્યાં ભાગ્યે જાય છે? આમ તો પેલી કૂતરી પાછી ભટકાશે! લે..લે…લે..લે. આ તો બરાબર કૂતરીના બેસવાના ઠેકાણાની સામે જ બેઠી. જો કે વરસાદ ઓછો થઈ ગયો છે. એટલે ખાસ વાંધો નથી. કૂતરી તો જુઓ, પાછી આવી ને પાછી માંડી પૂંછડી પટપટાવવા! ને આ વખતે તો એનાં ગલૂડિયાંય પાછળ પાછળ દોરાઈ આવ્યાં છે. પણ એમ સમૂહસત્યાગ્રહ કર્યો કંઈ ડોશી થોડી જ રોટલી આપી દેવાની છે? ભલે ને ડોશી સાવ પાસે આવી જાય! ડોશી પોતે જ ભૂખી છે ને એને શું આપશે?

ગલૂડિયાં ય માળા ધાવવા સારું કેવાં વલખાં મારે છે? કૂતરીની છાતીએ ચોંટે એ ને પાછાં છૂટાં થાય છે. મૂળ એમાં ધાવણ હોય તો આવે ને? કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

કૂતરીનું પેટ જ જ્યાં ખાલી હોય ત્યાં એબી છાતીએ ધાવણ આવે ક્યાંથી?

ને ડોશીનેય કોણ જાણે શોય રસ પડી ગયો છે આ ગલૂડિયાંની હિલચાલમાં. રોટલી ખાવાનું તો એક બાજુ રહ્યું. પણ ત્રણેય ગલૂડિયાં કૂતરીની છાતીએ ચોંટીને પાછાં વચકી જાય છે, એમાં જ આટલું બધું તે શું જોઈ રહી છે? હોય!કૂતરી કોક દિ’ ભૂખીય રહે, ગલૂડિયાં ય કો’ક દિ’ નકોરડો ખેંચી કાઢે, એમાં શું? અત્યારથી જ ભૂખા રહેવાની ટેવ ગલૂડિયાં ને પડી હોય તો આગળ ઉપર વાંધો ન આવે ને? અત્યારની પરિસ્થિતિ જોતાં માણસના બચ્ચાઓ એ પણ એ ટેવ પાડવા જેવી ખરી.

પણ ડોશી તો હવે છાની માની ખાવા માંડે તો સારું. એના પેટમાં જેટલી છે એટલી તો રોટલી નાંખે! વરસાદથી કંઈ પેટ થોડું ભરાઈ ગયું હશે? વરસાદ તો પાણીનો હતો. કંઈ રોટલીનો થોડો હતો? ખુદાએ ‘છપ્પર ફાડકે’ આપ્યું. પણ છે તો માત્ર પાણીને?

ડોશી જો કોક ખેતરની માલકણ હોત તો, હા, એનું પેટ આ વરસાદથી જ ધરાઈ ગયું હોત.

પણ ના, ડોશી છે જ અવળી. કોણ જાણે શાય વિચારમાં પડી ગઈ છે! ગલૂડિયાં કૂતરીની છાતીએ વચકીને છૂટાં પડે છે. કૂતરી જોરથી પૂંછડી પટપટાવે છે. ગલૂડિયા હવે વાઉ વાઉ કરે છે. ને કૂતરી તો ડોશીના પગ ચાટવા જેટલી હદે પહોંચી ગઈ છે.

ડોશી કાં તો એનાં ભૂતકાળની વા વિચારતી હશે. વરસાદ જોઈને એનેય પચ્ચીસ વર્ષ પહેલાંનું એનું ખેતર યાદ આવી ગયું હશે. એનો ગોવિંદો લખમણ અને રાજા યાદ આવી ગયા હશે. ખેતરેથી સાંજના આવીને એ સૌ થાળી પકડીને ખાવાનું માગતા એ વાત યાદ આવી ગઈ હશે.

એટલે ગલૂડિયાં હજુય કૂતરીની છાતીએ મફતનાં વચકાં ભરે છે. મફતનાં વાઉ વાઉ કરે છે.

ડોશી કાં તો આ ખંદેરનો કીચડ જોઈને એના ખેતરનો ગારો ખૂંદતા એનાં ત્રણેય છોરું યાદ આવી ગયાં હશે. પલળેલાં બેલા જોઈને એની વાડીનો પાકો બાંધેલો કૂવો યાદ આવી ગયો હશે. કાં તો ડોશીને એના છોરૂની થાળીમાંના ગરમાગરમ રોટલાને ઠંડી મજાની ચાશ યાદ આવી જતી હશે.

કૂતરી વરસાદના પાણીને ડીલ ધ્રુજાવી ખંખેરી નાંખે છે, ને ગલૂડિયાં તો હજી વાઉ વાઉ કરે છે. હજુય છાતીએ વચકે છે.

ને ડોશી ગામ્ડીને હજુ ઘણું યાદ આવતું હશે, ઓલ્યો દુકાળેય યાદ આવતો હશે. તિરાડો પડી ગયેલાં ખેતરનાં ભાઠોડાં નજર સામે તરતાં હશે. સૂકા બાવળનાં ઠુંઠા યાદ આવતા હશે. અનાજની ઊંડી અને ખાલીખમ કોઠી યાદ આવતી હશે.

ગલૂડિયાંએ હવે છાતીમાં બચકાં ભરવાનું છોડી દીધું છે હાર્યા છે! જમીન પર આળોટી રહ્યાં છે. પણ વાઉ વાઉ તો ચાલુ જ છે. પણ કૂતરી હજુય આતૂરતાપૂર્વક ડોશીના હાથની રોટલી તરફ જોઈ રહી છે.

ગલૂડિયાં ભીની જમીન સાથે મોં ઘસી રહ્યાં છે. પણ એમ ડોશી એક કટકોય નહિ નાખે.

જો કે ડોશીને ઓલી મહામારી મરકી ય યાદ આવતી હશે, હો! ડોશીને ટપ દઈને પડતો ઘોળૉ ઉંદર યાદ આવી જ જતો હશે; કાં તો શેરીમાંથી એક પછી એક ક્રમમાં નીકળતી નનામીઓ ય યાદ આવતી હશે હો!… ગોવિંદ, લખમન અને રાજાની એક પછી એક ઢળી પડતી લાશ યાદ આવી જતી હશે. ડોશીને ઉજ્જડ સ્મશાન જેવું ઘર યાદ નહિ આવતું હોય? પાંદડા ખરી ગયેલો સૂકો બાવળ પણ યાદ આવત્પ હશે ને મરકી તથા દુકાળથી બચેલા એની અડીખમ કાયા યાદ આવતી હશે.ડિશી દુકાળના વખતનાં એના ગોવિંદા, લખમણ અને રાજાનાં લોહીમાંસ વગરનાં ખાલીખમ હાડકાંના માળા જેવાં શરીરો, એ ત્રણેયની ખાલી થાળી, ને ઉજ્જડ ઘર એ ત્રણેયની નજર સામે એકકાર થઈ ગયેલા લાગતાં હશે બિચારીને!

અરે ડોશી, હવે એ બધું ય યાદ ના કરે તો સારું. બીજું તો ઠીક, પણ ક્યાંક ગાંડી થઈ જશે. પણ ના, હજુય ઓલ્યાં વાઉ વાઉ કરતાં ગલૂડિયાંની સામે ને કૂતરીની દૂધ વગરની છાતી સામે જ જોઈ રહી છે…..શું જોવાનું હશે એમાં?

પણ ના હો એમ તો પાક્કી છે ડોશી. એના પેટમાંય હવે ગલૂડિયાં નહિ બોલતાં હોય! જુઓ જુઓ છાતી ઉપર સાચવીને રાખેલી રોટલીઓ સામે જોયાં જ કાં કરે?

એના ગોવિંદો, લખમણ અને રાજા એમાં એને દેખાતા હશે કાં તો? છે ને સાવ ચસકેલ!

આ લે લે, ગજબ કર્યોને! રોટલીઓ તો બધીય એણે ઓલી કૂતરીને નાખી દીધી! બધીય નાખી દીધી! પંડના સારુ એક કટકોય એણે ના રાખ્યો! ને વળી પાછું એનું મોં હસી હસીને રોટલીઓ ખાતી કૂતરીને કેવું નીરખી રહ્યું છે! આંખો વળી સાડલાથી લૂવે છે. એ હસતી જાય છે ને રોતી જાય છે! ને એ.. ય.. ને લંબાવીને સૂતી. હવે સાંજ લગી ભૂખી જ રહેવાની. બીજુ શું? ખબર ના પડી કે ડોશીએ શું કામ કૂતરીને રોટલીઓ નીરી દીધી!

અરે… ડોશી!

– રજનીકુમાર પંડ્યા


Leave a Reply to Valibhai MusaCancel reply

3 thoughts on “અરે… ડોશી – રજનીકુમાર પંડ્યા

  • Valibhai Musa

    ગજબનું વાર્તાકૌશલ્ય ! વાંચન દરમિયાન વાર્તાઘટનાનું શબ્દચિત્ર નજર સામે રમ્યા જ કરે અને લેખકનું બયાન સંભળાતું રહે. વાર્તા દૃશ્યશ્રાવ્ય બની રહી. અભિનંદન.

  • Kalidas V. Patel {Vagosana}

    સારી વાર્તા. એક મા જ બીજી માની તકલીફ સમજી શકે, પછી ભલેને બીજી મા પ્રાણી હોય!…
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}