અત્યાર સુધીની શ્રેષ્ઠ હિન્દી ફીલ્મો કઈ કઈ? – યાસીન દલાલ 10


(‘આનંદ ઉપવન’ સામયિકના ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

અત્યાર સુધીની શ્રેષ્ઠ હિન્દી ફીલ્મો કઈ કઈ?

૧૯૩૧ થી ૨૦૧૪ના લગભગ ૮૫ વર્ષના ગાળામાં એક વર્ષની સરેરાશ એકસો ફિલ્મ ગણીએ તો લગભગ છ હજાર હિંદી ફિલ્મો બની હશે. આટલા સમયમાં હિંદી સિનેમાએ ક્યા કયા સીમાસ્તંભો આપ્યા, અને કઈ સ્વર્ણસિદ્ધિઓ મેળવી, એનો હિસાબ થવો જરૂરી છે. છ હજારમાંથી ઓછામાં ઓછી ૬૦ ફિલ્મો તો એવી હશે જ, જે આપણે વારંવાર જોઈ શકીએ અને માની શકીએ. અને, આ ૬૦માંથી એવી કઈ ૧૦ ફિલ્મો છે, જે આપણી શ્રેષ્ઠમાં સ્થાન પામે અને વિશ્વની ઉત્તમ ફિલ્મોની પંક્તિમાં સહેલાઈથી બેસી શકે? જો કે કેટલાક વિવેચકો આમિરખાનની ‘લગાન’ ને પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં મૂકે છે. આ ફિલ્મ ચોપરાની, ‘નયા દૌર’ની નકલ હતી એ જુદી વાત છે.

મહેબૂબે બે સુંદર રંગીન ફિલ્મો મોટા ફલક ઉપર બનાવી. એકનું નામ ‘આન’ અને બીજી ફિલ્મનું નામ ‘મધર ઈન્ડિયા’. ‘આન’માં એક મગરૂર રાજકુમારીના પ્રણયની વાત ડાબેરી ઝોક સાથે દર્શાવાઈ છે, અને રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાહીની બોલબાલા વણી લીધી હતી. આ ફિલ્મોની ફોટોગ્રાફી અદભુત છે, નૌશાદનું સુમધુર સંગીત અને મહેબૂબની હોલિવુડ શૈલીનું દિગ્દર્શન ફિલ્મને ઊંચી કક્ષા અર્પે છે. પણ, ‘મધર ઈન્ડિયા’ તો આપણા ફિલ્મ જગતનો એક સીમાસ્તંભ છે. દરેક સર્જકને એક લાડકવાયો વિષય હોય છે, તેમ મહેબૂબને આ વાર્તા વર્ષોથી ગમી ગયેલી, અને ૧૯૪૫ના અરસમાં એમણે આ જ વિષય ઉપર ‘ઔરત’ નામની ફિલ્મ બનાવેલી. એ જમાનામાં એ ફિલ્મ પણ પ્રેક્ષકોને ગમેલી અને અભિનય, દીગ્દર્શન, સંગીત એમ અનેક દ્રષ્ટિએ ફિલ્મ વખણાઈ હતી. પણ જ્યારે કલરનો જમાનો આવ્યો અને અભિનય ટેકનિકની બાબતમાં ખૂબ પ્રગતિ થઈ, ત્યારે મહેબૂબને એ જ ફિલ્મ ફરીથી બનાવવાનો વિચાર આવ્યો.

‘મધર ઈન્ડિયા’થી નરગિસની તો સમગ્ર કારકિર્દી જ બદલાઈ ગઈ. રાજક્પૂરથી એ હંમેશને માટે છૂટી પડી, અને સુનીલ દત્ત સાથે લગ્નથી જોડાઈ ગઈ. અને ‘મધર ઈન્ડિયા’ એ એને કાર્લોવીવોરીનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો. ભારતી ગ્રામ્ય નારી થઈ છે, એનો જોટો જડે તેમ નથી. ફિલ્મના કલાકારોની વરણીમાં મોટા ફેરફારો થતા રહ્યા. પહેલાં સુનીલ દત્તની ભૂમિકા હોલિવુડનો સાબુ નિભાવવાનો હતો. દિલિપકુમાર પણ આ ફિલ્મમાં ચમકવાનો હતો. પણ જેમ જેમ યોજના આગળ વધતી ગઈ, તેમ નવોદિત સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર અને રાજકુમારનો નંબર લાગી ગયો. આ ત્રણે અભિનેતાના ભાગ્ય આ ફિલ્મે ખોલી નાંખ્યા. ફરેદુન ઈરાનીએ ‘આન’ની કક્ષાની ફોટોગ્રાફી આ ફિલ્મમાં પણ આપી. આપણું ગામડું અને આપણું ખેતર હિંદી પડદા ઉપર ક્યારેય આટલા સુંદર નથી લાગ્યા.

mughal e azam posterમુગલે આઝમ’ કોઈ સમાંતર ફિલ્મ નથી, એમાં કલાત્મક ફિલ્મના બહુ થોડા અંશો છે. એમાં નાટ્યાત્મકતાને કે.આસિફે ઠાંસીઠાંસીને ભરી છે. પ્રસંગો અને ઘટનાઓનો ઉતાર-ચઢાવ એટલો તીવ્ર અને ઝડપી છે કે દર્શકને જકડી રાખે, પણ બીજી બાજુ, વાસ્તવિકતાનો થોડો લોપ પણ થઈ જાય. અને છતાં, આ બધાં પછી એકંદરે જે પરિણામ આવ્યું છે એ લાજવાબ છે, સુંદર છે, અતિસુંદર છે. આ ફિલ્મ મેં થિયેટરમાં દસ-બાર વખત તો જોઈ જ હતી. એ પછી ઘરમાં મિત્રો સાથે બેસીને અનેકવાર જોઈ છે, પણ ક્યારેય એક ક્ષણ માટે પણ કંટાળો અનુભવ્યો નથી. બલ્કે એનાં સંવાદો અને એની ટેકનિકનો કોઈ નવો, રહી ગયેલો મુદ્દો બહાર આવ્યો છે. ‘મુગલે આઝમ’ ના સંવાદો કોઈ પ્રશિષ્ટ સાહિત્યકૃત કે ધર્મગ્રંથ જેવા જ અર્થગંભીર અને સંકુલ છે. એને ઉકેલતા જ રહીએ, અને ક્યારેય થાકીએ નહી.

ઐતિહાસિક ફિલ્મો દુનિયામાં ઘણી બની છે, પણ ઐતિહાસિક સમયગાળો અને એનું વાતાવરણ જ એ રીતે કે.આસિફે ઝીલ્યાં છે, એ તો બસ બેનમૂન છે. એનો કોઈ જોટો નથી. જાણે મોગલકાળ આપણી સામે જીવંત થઈ જાય છે. સમગ્ર ફિલ્મમાં મોગલયુગનું વાતવરણ અદલોઅદલ ઊભું થયું છે. ફિલ્મના સેટ-સેટિંગ્સ ઉપરાંત, પાત્રોની વેશભૂષા, ફોટોગ્રાફી આ બધું એમાં ઉમેરો કરે છે. અકબરનું પાત્ર ભજવવા જ જાણે પૃથ્વીરાજ કપૂર પેદા થયા હોય એવું આબાદ કામ તેમની પાસેથી આસિફે લીધું છે. જેમ એટોનબરોના મનમાં સતત ગાંઘી રમતા હતા, પરિણામે ગાંઘીના પાત્રને એમણે પડદા પર જીવંત કરી દીધું, એમ જ આસિફના મનમાં સતત અકબરની છબી રહી હશે, અને એ માટે એ અકબરને આટલો ન્યાય આપી શક્યા. ફિલ્મનું ઐતિહાસિક વાતાવરણ ઊભું કરવામાં બીજી મદદ નૌશાદના પાર્શ્વસંગીતે કરી છે. હિંદી ફિલ્મોનું આટલું અદભૂત પાર્શ્વસંગીત ક્યારેય આવ્યું નથી. ફિલ્મીસ્તાનની ‘અનારકલી’ કરતાં આસિફની ‘મુગલે આઝમ’ અનેક રીતે ચડિયાતી હોય તો એમાં આ બધાં કારણો ભાગ ભજવી ગયા છે.

હિંદી સિનેમાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કઈ? રંગ, રૂપમાં અને અભિનયમાં? મીનાકુમારી? નરગિસ? વહિદા રહેમાન? સુરૈયા? નૂતન? વૈયજંતીમાલા? બિના રોય? નહીં, નહીં. જવાબ એક જ છે મધુબાલા. મધુબાલા જેવી ખૂબસુરત અભિનેત્રી તો થઈ જ નથી. એના અભિનયની બધી ખૂબીઓ ‘મુગલે આઝમ’ માં એક સામટી ઉતરી આવી છે. એના ચહેરાનું અદભૂત સૌંદર્ય જોવું હોય તો ‘તેરી મહેફિલ મેં કિસ્મત આજમા કર’ વાળી કવ્વાલીમાં એના હાવભાવ જોજો! એના હોઠ, આંખો અને ઓઢણીથી ઢાંકેલો ચહેરો એટલો બેમિસાલ છે કે કે.આસિફની પસંદગીને દાદ આપવાનું મન થાય. મધુબાલાની છાપ ચંચળ, રોમેન્ટિક અભિનેત્રી હતી. પણ આસિફે પુરવાર કર્યું કે ગંભીર ભૂમિકામાં પણ મધુબાલા એટલી જ કુશળ હતી.

શ્રેષ્ઠ દસ ફિલ્મોની યાદીમાં ‘પ્યાસા’નો સમાવેશ વિશે તો કોઈ વિવાદ જ નથી. બલ્કે આ દસમાંથી પણ પ્રથમ સ્થાને કઈ ફિલ્મ મૂકવી, એવો પ્રશ્ન થાય ત્યાં પણ ગુરુદત્તની આ ફિલ્મ માત્ર આપણા ફિલ્મ ઉદ્યોગનું નહીં, પણ સમગ્ર વિશ્વના ફિલ્મ ઈતિહાસનું એક અનોખું સંભારણું છે. આ ફિલ્મ મેં ૧૯૫૭માં રજૂ થઈ, ત્યારે અમારા ગામમાં એક અઠવાડિયું ચાલી, એ દરમ્યાન દરરોજ જોઈ હતી. પણ ૪૩ વર્ષ વીતી ગયા પછી પણ ‘પ્યાસા’નું આકર્ષણ બિલકુલ ઘટ્યું નથી, બલ્કે વધ્યું છે. આ ફિલ્મ સર્વકાળની, સર્વદેશની ફિલ્મ છે, જે ગઈ કાલે પ્રસ્તુત હતી, એટલી આજે’ય પ્રસ્તુત છે. ગુરુદત્તે માણસ નામના પ્રાણીના દંભ, છેતરપિંડી, સ્વાર્થ જેવા સનાતન દૂષણોને એટલી અસરકારક રીતે વાચા આપી છે કે જોનાર હચમચી જાય, અને સ્તબ્ધ બની જાય.

સિનેમેટિક આર્ટને સમજવા ઈચ્છનાર સૌને માટે ‘પ્યાસા’ કે ‘સાહેબ, બીબી ઔર ગુલામ’ જેવી ફિલ્મો પાઠ્યપુસ્તકની ગરજ સારે તેમ છે. ‘પ્યાસા’નું એક એક દ્રશ્ય ઉત્તમ છે. ગુરુદત્ત પ્રથમ વાર વહિદા રહેમાનને જુએ છે, ત્યારનું એક પુલની કમાનની પાછળથી એનો ચહેરો બતાવતું દ્રશ્ય તો યાદગાર છે જ પણ પછી ‘જાને ક્યા તુને કહી’ ગીત દરમ્યાનની દ્રશ્યાવલિ, ફિલ્મના અંત સુધી જળવાઈ રહે છે. ‘આજ સજન મોહે અંગ લગા લો’ ગીત વખતે વહિદાના ચહેરા ઉપર વિરહની જે વ્યથા ઊપસી આવી છે, એ રૂપેરી પડદાની ખરેખર કોઈ અણમોલ પળ છે. આ ફિલ્મની પરકાષ્ઠા આપણી ફિલ્મોમાં સર્વોચ્ચ સ્થાને બેસે તેમ છે. જાહેર સભાનામંચ પર વિજયનું અચાનક પહોંચવું અને ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ.’ શબ્દો વડે સમાજને ઠુકરાવી દેવું, એ બધું એટલું અસરકારક છે કે પ્રેક્ષક એમાં જકડાઈ જાય છે. ફિલ્મના માધ્યમની બધી તાકાતનો પુરાવો આ એક જ ફિલ્મ છે.

શાંતારામે પ્રભાત અને રાજકમલના નેજા હેઠળ અનેક ફિલ્મો બનાવી, એમાં એમની ઉત્તમ ફિલ્મ કઈ એ કહેવું થોડું મુશ્કેલ બને છે. કોઈ ‘ઝનક ઝનક પાયલ બાજે’નું નામ આપે, તો કોઈ ‘નવરંગ’ને ગણાવે. પણ મને એમની બે ફિલ્મો ખૂબ ગમી છે. એમાંથી એક છે ૧૯૩૭માં બનેલી ‘દુનિયા ના માને’ અને બીજી ૧૯૫૭ ના અરસાની ‘દો આંખે બારહ હાથ’. ‘દુનિયા ના માને’ એ સંદર્ભમાં જોઈએ તો એક હિંમતભર્યો વિચાર લઈને આવી હતી. એમાં શાંતા આપ્ટેનો અભિનય ઉલ્લેખનીય હતો. છતાં ‘દો આંખે બારહ હાથ’ અનેક રીતે એક નોખી ભાત પાડતી ફિલ્મ છે. જેલમાં કેદીઓની સુધારણા કરવાનો વિચાર પ્રથમ વાર શાંતારામ લાવ્યા, અને એને એટલી સુંદર રીતે ફિલ્માવીને રજૂ કર્યો કે પ્રેક્ષકો આફરીન પોકારી ગયા. છ કેદીઓ પાસેથી શાંતારામ જેવા કુશળ નિર્દેશક જ આવું સુંદર કામ લઈ શકે. વસંત દેસાઈ આ ફિલ્મમાં એની વાર્તાને બિલકુલ અનુરૂપ છતાં કર્ણપ્રિય સંગીત આપ્યું.

તે અરસામાં શરદબાબુની અમર કલાકૃતિ ‘દેવદાસ’ બે વાર રૂપેરી પડદે અવતરી. એક ૧૯૩૫માં ન્યુ થિયેટર્સના નેજા તળે, બરૂઆના દિગ્દર્શનમાં અને બીજી ૧૯૫૫માં બિમલ રોયના નિર્દેશનમાં. એક ફિલ્મ કલકત્તામાં ગૌરીપુરના રાજકુમાર પ્રથમેશચંદ્ર બરૂઆ દ્રારા કે.એલ.સાયગલના માધ્યમ વડે આકાર પામી તો બીજી ન્યુ થિયેટર્સના જ ફોટોગ્રાફ બિમલબાબુ દ્રારા દિલીપકુમારને દેવદાસનો મેકઅપ પહેરાવીને મુંબઈમાં સર્જાઈ. આ બેમાંથી ‘દેવદાસ’ની કઈ આવૃત્તિ સારી, વધુ ચડિયાતી, એનો વિવાદ વર્ષોથી ચાલતો આવ્યો છે. પણ મને તો પ્રથમથી જ બિમલરોયની આવૃત્તિ વધુ ગમી છે. અને અનેકવાર અનેક રીતે વિચારતાં એમ લાગ્યું છે કે કથા, પટકથા, દિગ્દર્શન, અભિનય, ફોટોગ્રાફી, સંગીત, સંપાદન એમ બધી જ રીતે બિમલ રોયની ફિલ્મ ચડિયાતી છે.

દેવદાસના પાત્રમાં દિલીપકુમારને જોઈએ એટલે પ્રશ્ન થાય કે આ પાત્ર માટે આથી વધુ સારો કે વધુ યોગ્ય અભિનેતા મળી શકે ખરો? આ મહાન કલાકારની આ જ ખૂબી છે. જે પાત્ર ભજવે, આપણા માનસપટ પર એની છબી અંકિત થઈ જાય અને પછી શરદબાબુ ખુદ આવીને કહે કે, નહી, મારી કલ્પનાનો આ દેવદાસ નહીઁ, કોઈ બીજો જ છે. ત્યારે એકવાર તો આપણે શરદબાબુને પણ ઘક્કો મારી દઈએ, અને પૂછીએ તું કોણ અમને અમારા દેવદાસ વિષે શિખામણ આપવાવાળો?

અભિનેતા મોતીલાલે અનેક યાદગાર ભૂમિકાઓ કરી, પણ’દેવદાસ’ના મિત્ર ચુનીલાલની ભૂમિકામાં એ છવાઈ ગયા. એ જ રીતે સુચિત્રા સેને જે થોડીઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું એમાં પાર્વતી જેવું પાત્ર એને કદી મળ્યું નથી. વૈજયંતીમાલા પણ ચંદ્રમુખીની ભૂમિકામાં ઓતપ્રોત થઈ ગઈ.

‘દેવદાસ’ અને ‘પ્યાસા’ એવી ફિલ્મો છે જે કચકડા ઉપરના કોઈ ચિત્રો નહીં, પણ જીવનની સંવેદનાનો અર્ક લાગે. આ ફિલ્મો જ્યારે જ્યારે જોઈ છે ત્યારે મનમાં જાણે લાગણીનો ધોધ ઉછળ્યો છે. ગમગીની નું એવું વાતાવરણ રચાય જે દિવસો સુધી મન ઉપર હાવી રહે અને છતાં આ ફિલ્મો વારંવાર જોવાની ઇચ્છા થતી રહે છે.

‘દેવદાસ’ના કેટલાં દ્રશ્યો યાદ કરીએ? ‘દેવદાસ’ જ્યારે પુખ્ત બનીને કલકત્તાથી પ્રથમ વાર આવે છે, અને પારોને મળવા આવે છે, ત્યારનું દ્રશ્ય યાદ છે. કેમેરા દેવદાસના ચહેરા ઉપર નહીં પણ એના પગ પર મંડાયેલો છે, દેવદાસ આંગણામાં આવે છે, પછી સીડી ચઢીને ઉપર પહોંચે છે, પગમાં પહેરેલાં નવાં પગરખાં ચમચમ થાય છે. ઉપર આવીને દેવદાસનો અવાજ સંભળાય છે, ‘પારો…’ પછી શાંતિ. થોડી ક્ષણો પછી એ ફરીથી બોલે છે, ‘કિતની બડી હો ગઈ હો તુમ…!’ અને એ દરમ્યાન દેવદાસનો ચહેરો દેખાય છે. અદભુત દ્રશ્ય છે.

આ ફિલ્મમાં દારૂડિયા તરીકેનો દિલીપકુમારનો અભિનય આજદિન સુધી લાજવાબ, બેનમૂન રહ્યો છે. એમાંય ‘કૌન કમબખ્ત બરદાસ કરને કે લિયે પીતા હૈ? મૈં તો બસ ઈસલિયે પીતા હું કે સાંસ લે સકું,’ એ સંવાદ તો ઘેરઘેર મશહૂર બનેલો. ચંદ્રમુખીના અડ્ડામાં શરાબના નશામાં ચકચૂર દેવદાસ માંદો પડે છે, પછી ત્યાંથી ભાગી જાય છે. એની શોધમાં ‘ધંધો’ બંધ કરીને ચંદ્રમુખી ગામેગામ ભટકે છે, અને એકવાર નશામાં રસ્તામાં પડેલો દેવદાસ મળી આવે છે. એને ઘરે લાવે છે અને સારવાર કરે છે, આ બધા દ્રશ્યો આપણાં ફિલ્મી ઈતિહાસના યાદગાર દ્રશ્યો છે. ડોક્ટર દેવદાસને હવાફેર માટે બહારગામ જવા સૂચવે છે. દેવદાસ જાય છે ચંદ્રમુખી પૂછે, ‘ફિર કબ મિલના હોગા?’ જવાબમાં દેવદાસ ચંદ્રમુખીના હાથમાં નોટોની થોકડી મૂકતાં કહે છે, ‘જીનેકા તો કોઈ ભરોસા નહીં, મગર જિંદગીમેં એકબાર તુમસે જરૂર મિલુંગા.’

દેવદાસના આ શબ્દો હ્રદય સોંસરવા ઊતરી જાય છે. કોઈ અભિનેતા કાલ્પનિક પાત્રને આટલી વાસ્તવિક હદે પણ ભજવી શકે ખરો? દિલીપકુમારના શબ્દો જાણે એના અંતરની વ્યથામાં ટપકે છે. એ પચીનાં અંતિમ દ્રશ્યો, ટ્રેનનાં પ્રવાસનાં દ્રશ્યો, અને ચુનીલાલનું અચાનક આગમન, દેવદાસનું દારૂ પીવું, અને અત્યંત બીમાર અવસ્થામાં પારોના ગામમાં પહોંચવું, અને ત્યાંના ચોરામાં જ શ્ર્લોકોના ઉચ્ચાર વચ્ચે એનું અવસાન પામવું. આ બધું કોઈપણ સંવેદનશીલ માણસને હચમચાવી નાંખવા માટે પૂરતું છે. અને અંત કેટલો ચોટદાયક! પાર્વતીને જ્યારે ખબર પડે છે કે મરનાર દેવદાસ છે, અને એ બાંવરી બનીને ભાગે છે, પણ એને રોકી દેવાય છે, અને ઘરની બહાર ન નીકળી જાય એટલા માટે દરવાજો બંધ કરી દેવાય છે! બરોબર એ જ ક્ષણે સામે દેવદાસ અંતિમ શ્વાસ લે છે. આપણું ખુદનું સ્વજન મરી રહ્યું હોય તેવો અહેસાસ આ દ્રશ્ય કરાવે છે.

વર્ષ ૨૦૦૨ માં સંજય લીલા ભણસાલીએ શાહરૂખ ખાનને મુખ્ય અભિનેતા તરીકે લઈ ત્રીજીવાર ‘દેવદાસ’ને રૂપેરી પડદે અવતારી હતી.

રાજકપૂરની ‘આગ’ અને ‘બરસાત’ પછીની ફિલ્મ ‘આવારા’ એ એની રજૂઆત સમયે જ મોટું આકર્ષણ જમાવ્યું હતું. અને દેશવિદેશમાં ટિકિટબારી ઉપર સફળતા મેળવવાની સાથે જ કલારસિક પ્રેક્ષકો અને સમીક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું. 85 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ ‘આવારા હું..’ શબ્દો કાને પડે છે અને શરીરમાં રોમાંચની એક લહેર પ્રસરી જાય છે, અને મન ચાર દાયકા પાછળ સરી જાય છે. નાનકડા એક ગામમાં એક પતરાની દિવાલો વાળા થિયેટરમાં જોયેલી આ ફિલ્મ માનસપટ પરથી ખસતી જ નથી. આમાં પણ બે-ત્રણ દ્રશ્યો યાદગાર બની ગયા. ‘આવારા હું..’ ગીત ગાતાં ગાતાં રાજકપૂર જે રીતે કોઈના ખિસ્સામાંથી ઘડીયાળ કાઢીને, પછી એક સાયકલ સવારની સાયકલ આંચકીને ભાગે છે, એ દ્રશ્ય પ્રેક્ષકોનું પ્યારું દ્રશ્ય હતું. અને ‘આવારા’ નું પેલું સ્વપ્નદ્રશ્ય તો કેમ ભૂલાય?

Awara-1951-film-images-f891e1a1-0b0a-42e6-8761-7ec23c4cd37‘આવારા’માં ટિકિટબારીને રીઝવવાની કોશિશ હતી, ગ્લેમર હતું. નરગિસને સ્નાનદ્રશ્યમાં બને તેટલી માદક બતાવાઈ હતી, એમાં ચમકદમક હતી, અને નૃત્યોની ભરમાર હતી, અને છતાં ‘આવારા’ માં એક વિચારસરણી હતી, એક સંદેશો હતો, એક પ્રકારની કલાત્મકતા હતી, એ જમાનામાં વિશ્વભરમાં ડાબેરી વિચારધારા ફેંકાઈ ગઈ હતી, અને કે.અબ્બાસ તો જાણીતા ડાબેરી હતા. પણ રાજકપૂરને બદલે અબ્બાસે પોતે આ ફિલ્મ બનાવી હોત તો આટલી સુંદર કલાકૃતિ સર્જાઈ ન હોત. ‘આવારા’ની ખૂબી એ છે કે એનો સંદેશો ક્યાંય ‘લાઉડ’ બનતો નથી. રાજકપૂરે જે ખૂબીપૂર્વક આ ફિલ્મમાં સ્વપ્નદ્રશ્ય મૂક્યું છે એ આજદિન સુધી લાજવાબ છે. માત્ર ‘પ્યાસા’માં ગુરુદત્તે એ કક્ષાનું સ્વપ્નદ્રશ્ય મૂક્યું હતું. ‘આવરા’ના સંવાદો પણ એકદમ ચોટપૂર્ણ હતા. ખિસ્સાકાતરૂ રાજ એક દિવસ નરગિસને ઘરે આવે છે એને ખબર પડે છે કે જજ રઘુનાથ નરગિસના પાલક પિતા છે. નરગિસ વાતવાતમાં એનો વ્યવસાય પૂછે છે. જવાબમાં રાજ કહે છે, ‘આ ઘરમાં એક વકીલ મોજૂદ છે, અને એક ન્યાયાધીશ પણ છે. હવે અદાલત પૂરી કરવા માટે એક ચોરની જરૂર છે, અને એ માટે હું હાજર.’

નવકેતન દ્રારા દેવ આનંદે ‘બાઝી’ થી પ્રારંભ કરીને, હિંદી સિનેમામાં અનેક નવી કેડીઓ કંડારી, પણ પોતાની લાંબી કારકિર્દીમાં ‘ગાઈડ’ જેવી નખશીખ સુંદર એવી બીજી કૃતિ આપી શક્યું નથી. ‘ગાઈડ’ની કથા તો જાણીતી જ હતી, પણ વિજય આનંદે એને જે રૂપેરી દેહ આપ્યો, એમાંથી એક સુંદર કલાકૃતિ જન્મી. ટિકિટબારીનું પૂરું ધ્યાન હોય, અને છતાં સસ્તું સમાધાન કર્યા વિના કલાત્મકતા પણ જળવાઈ રહે એનું એક ખૂબ સરસ ઉદાહરણ અહીં જોવા મળે છે. ‘ગાઈડ’માં દેવ આનંદે એની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. મધુબાલા માટે ‘મુગલે આઝમે’ જે કામ કર્યું, એ જ દેવઆનંદ માટે ‘ગાઈડે’ કર્યું. અને એ માત્ર રોમેન્ટિક અભિનેતા નથી, પણ આવી ગંભીર ભૂમિકા પણ એટલી જ કુશળતાથી ભજવી શકે છે, એ પૂરવાર કર્યું. રાજુ ગાઈડ તરીકે ફિલ્મના પરાકાષ્ઠાના દ્રશ્યોમાં તો એણે કમાલ જ કરી છે.

દિલીપકુમારે કારકિર્દીમાં બનાવેલી એકમાત્ર ફિલ્મ ‘ગંગાજમના’ આજે પણ રજૂ થાય છે ત્યાં ‘હાઉસફૂલ’ના પાટિયાં ઝુલાવે છે. ‘ગંગાજમના’ અને ‘મધરઈન્ડિયા’ની આ જોરદાર સફળતાનું રહસ્ય શું છે? દિલીપકુમારે ‘ગંગાજમના’ માટે જે વિષય લીધો, એ કોઈ તદ્દન તાજો વિષય ન હોતો. પણ એની માવજત અત્યંત તાજગીપૂર્ણ હતી. આ વિષય ભારતીય ગ્રામજીવનમાં સદીઓથી ચાલતા શોષણને લગતો હોવાથી હંમેશા તાજો રહ્યો છે અને હજી પણ એના પર ફિલ્મો અને ટી.વી. સિરિયલો બની રહી છે. પણ ‘ગંગાજમના’માં જે પકડ છે, એ બીજી કોઈ ફિલ્મમાં જોવા મળતી નથી. ઈગતપૂરી નામના ગામડામાં ફિલ્મનું શૂટિંગ અત્યંત વાસ્તવિક અને અધિકૃતતાની છાપ ધરાવનારું છે. એમાં દિલીપકુમાર અને વૈયજંતીમાલા પોતાના પાત્રોમાં એવા ઓગળી ગયા છે કે પ્રેક્ષક ભૂલી જાય છેકે આ જ દેવદાસ અને ચંદ્રમુખી છે!

‘ગંગાજમના’ ઉપર નિર્દેશક તરીકે ભલે નીતિન બોઝની છાપ હોય, પણ ન્યુ થિયેટર્સના આ નીતિન બોઝ નથી, એમ ફિલ્મ જોતાં લાગ્યા કરે છે, નિર્દેશનમાં દિલીપકુમારનો છુપો હાથ જોઈ શકાય છે. ફિલ્મનો અંત ‘મધર ઈન્ડિયા’ની સુધરેલી આવૃત્તિ છે, છતાં પ્રેક્ષકો એને સ્વીકારી લે છે. આ ફિલ્મમાં દિલિપકુમારે મૃત્યુના દ્રશ્યમાં જે અભિનય આપ્યો છે, એ જોઈને ‘દેવદાસ’નો અંત પણ ભૂલી જવાય છે. ‘હે રામ’ શબ્દો જ્યારે મુખમાંથી સરે છે, ત્યારે પ્રેક્ષકોનાં હ્રદય ઉપર વ્રજઘાત થાય છે. નૌશાદે ‘નૈન લડ ગઈ હૈ..’ જેવા ગીતથી બતાવ્યું કે ગ્રામ્ય કક્ષાના લોકસંગીત ઇપર એમની કેટલી હથોટી છે. ‘મધરઈન્ડિયા’ ના સુખીલાલ અહીં પણ એ જ પાત્રમાં હાજર છે! પણ અનવર હુસેન પણ અહીં ખલનાયક તરીકે જમાવટ કરે છે. આ ફિલ્મમાં ગંગાના પાત્રમાં દિલીપકુમાર કદી ભુલાશે નહિં.

સરદાર ચંદુલાલ શાહની રણજિત કંપનીએ અનેક યાદગાર ફોલ્મો બનાવી હતી, જેમાં ‘તાનસેન’, ‘ફુટપાથ’, વગેરે અનેક નામો ગણાવી શકાય. પણ, એ બધામાં કેદાર શર્માએ બનાવેલી ‘જોગન’માં એમણે એક સાધ્વી અને એક નાસ્તિક યુવાન વચ્ચેના પ્રેમની કથાને જે રીતે વણી લીધી છે, એ દાદ માંગી લે છે. સાધ્વીના પાત્રમાં નરગિસ અને યુવાનના પાત્રમાં દિલીપકુમાર હોય એટલે પૂછવાનું જ શું? એમાં બીજી ખૂબી એ થઈ કે બુલો સી. રાની જેવા ‘બી’ ગ્રેડના સંગીતકારે પણ ગીતા દત્તના કંઠે એવા દર્દનાક ભજનો ગવડાવ્યાં છે, જેને લીધે સમગ્ર ફિલ્મમાં કરૂણાનો એક આંતરપ્રવાહ સતત વહેતો રહે છે. ‘જોગી મત જા’ હોય કે ‘ડગમગ નૈયા ડોલે’ હોય, ગીતા ને જોગનમાં સાંભળવી એ એક લહાવો છે. એમાં પણ અંત ભાગમાં સાધ્વીનો દેહવિલય થાય છે, અને યુવાન ત્યારે લક્ષ્મણરેખાથી આગળ વધી શકતો નથી, એ પરિસ્થિતિનું ચિત્રણ ફિલ્મમાં ખૂબ જ ગરિમાથી થયું છે. પાશ્વભૂમિમાં ‘ઊઠ તો ચલે અવધૂત, મઢીમેં કોઈના બિરાજે’ શબ્દો ફિલ્મની કરૂણતાને વેગ આપે છે. ક્યાંક આછકલાઈ, સસ્તાપણું કે અશ્ર્લીલતા લાવ્યા વિના જીવનની વિફળતાનો જે સંદેશ આપે છે, એ એને કોઈ અનુપમ કાવ્યની કક્ષાએ લઈ જાય છે. નરગિસ સફેદ વસ્ત્રોમાં અસલ સાધ્વી જેવી લાગે છે. એક અરમાનભરી યુવતીનાં લગ્ન કોઈ બુઢ્ઢા સાથે થાય એમાંથી સર્જાતી આ એક કરૂણાંતિકા છે. જો કેદાર શર્માએ નરગિસને સાધ્વી પણું છોડીને દિલીપકુમાર માટે ફરીથી સંસારમાં આવતી બતાવી હોત તો? એનાથી ફિલ્મની ઊંચાઈને ધક્કો લાગત. બૌદ્ધિક દ્રષ્ટિએ એમાં કશું ખોટું નથી, પણ એક ઉત્તમ કલાકૃતિને હાની પહોંચત. એને બદલે એ દેહ ત્યાગ કરીને પોતાનું પ્રણ રાખે એમાં ઔચિત્ય છે. માનવીય મૂલ્યોનું આવું કલાત્મક ચિત્રણ હિંદી પડદા પર બહુ ઓછું થયું છે. ગીતા દત્તનો કંઠ આ ફિલ્મના ભજનોમાં એની ઉત્તમ કોટિએ છે.

૬૦ વર્ષોથી ફિલ્મોમાંથી ૧૦ ફિલ્મોની પસંદગી એ એક મુશ્કેલ કામ છે. આ પસંદગીનો માપદંડ વ્યક્તિ વ્યક્તિએ જુદો હોઈ શકે છે. કોઈને એક ફિલ્મ, એક કારણસર ગમે તો, કોઈને બીજી જ કોઈ ફિલ્મ બીજા કારણસર ગમે. આ ૧૦ ફિલ્મો સિવાય પણ બીજી થોડી ફિલ્મો એવી ખરી, જેનો ઉત્કૃષ્ટ ફિલ્મોમાં ઉલ્લેખ કરવો પડે, પણ કોઈને કોઈ કારણસર એ પ્રથમ દસની યાદીમાં ન આવી શકી હોય. આવી ‘સેકન્ડ રનર્સ અપ’ની યાદીમાં આટલી ફિલ્મોને અચૂક મૂકી શકાય:

૧) ‘દો બીઘા જમીન’
૨) શાંતારામની ‘દુનિયા ન માને’
૩) મહેબૂબની ‘રોટી’
૪) ગુરુદત્તની ‘કાગજ કે ફૂલ’
૫) રાજ કપૂરની ‘જાગતે રહો’
૬) ઝિયા સરહદીની ‘હમલોગ’
૭) બોમ્બે ટોકીઝની ‘બંધન’ અને અછૂત કન્યા’
૮) ન્યુ થિયેટર્સની ‘વિદ્યાપતિ’ અને ‘મુક્તિ’
૯) બેનેગલની ‘અંકુર’
૧૦) મૃણાલસેનની ‘ભુવન શોમ’

‘મધર ઈન્ડિયા’ ઓસ્કાર માટે નોમિનેટ થયેલી. આપણી પહેલી ફિલ્મ હતી એ પછી હમણા આમિરખાનની ભૂમિકાવાળી ‘લગાન’ આપણી ફિલ્મોમાંથી ઓસ્કાર માટે નોમિનેટ થઈ હોય એવી બીજી ફિલ્મ હતી પણ એવોર્ડ તો એકપણ ભારતીય ફિલ્મને મળ્યો નહી. મીરા નાયરની ‘વોટર’ પણ નોમિનેટ થઈ હતી પણ એ કેનેડા તરફથી થઈ હતી. આમિરની ‘લગાન’ ચોપરાની ‘નયા દૌર’ ને મળતી આવતી હતી. એમા બ્રિટીશ સરકાર અને ભારતીય ખેલાડીઓ વચ્ચેની ટક્કરની વાત હતી. ‘મધર ઈન્ડિયા’ ઓસ્કારની લગોલગ પહોંચી ગઈ હતી પણ ફેડરીકો ફેલિનીની ફિલ્મને માત્ર એક ગુણ વધુ મળ્યો અને ‘મધર ઈન્ડિયા’ પાછળ રહી ગઈ.

આ ઉપરાંત ઋષીકેષની ‘અનાડી’, બાસુ ચેટરજીની ‘રજનીગંધા’ અને ‘છોટી સી બાત’, સઈદ મિરઝાની ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’, ઋષીકેશની ‘સત્યકામ’, શક્તિ સામંતની ‘આરાધના’, મહેબૂબની ‘બહન’, રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’, દેવઆનંદની ‘બાઝી’, કારદારની ‘દિલ દીયા દર્દ લિયા’, આ બધી આપણી ઉલ્લેખનીય ફિલ્મો છે.

આ યાદી બનાવ્યા પછી એક ધ્યાન ખેંચે છે. આ બધી ઉત્તમ ફિલ્મો ૧૯૪૦-૫૦ અને ૧૯૫૦-૬૦ ના દાયકામાં જ બની છે! આમ શા માટે? ૭૦ અને ૮૦ ના ગાળા ઉપર નજર કરીએ એટલે ધીમે ધીમે શૂન્યાવકાશ સર્જાતો જાય છે.

– યાસીન દલાલ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “અત્યાર સુધીની શ્રેષ્ઠ હિન્દી ફીલ્મો કઈ કઈ? – યાસીન દલાલ

 • gopalkhetani

  બહુ જ સરસ, અને ઘણી જગ્યા એ ટેકનીકલ છણાવટ કરી એ ખુબ ગમ્યુ.
  છેલ્લા પ્રશ્ન નો જવાબ આપુ તો એમ કહી શકાય કે જાણ્યે અજાણ્યે વિવેચક ના માનસપટ્ટ પર એ જ વસ્તુનો મહદ્દ અંશે પ્ર્ભાવ હોય જ્યારે તે કિશોરાવસ્થા થી યુવાની મા ડગ માંડતો હોય્ (આ મારો અંગત અભિપ્રાય છે.) વય્સ્ક થઇ ને વિચારો સંતુલિત કરતા સીખી જાય પરંતુ માનસપટ્ટ પર અંકિત પ્રભાવ એમના નિશાન છોડે ?!! . મારા મતે અન્ય કેટલીક અદભુત ફિલ્મોની યાદી.
  ૧) ગોલમાલ – અમોલ પાલેકર ઉત્પલ દત અને દિના પાઠ્ક નો સહજ અભિનય
  ૨) એક રુકા હુઆ ફૈસલા – ઉત્તમ સ્ક્રિપ્ટ નુ અદભુત ઉદાહરણ
  ૩) આનંદ – કશુ કહેવાની જરુર ખરી !?
  ૪) પ્રહાર – નાના પાટેકર નો અભિનય અને મર્મવેદી કથાનક
  ૫) રોજા . બોમ્બે – મણિરત્નમ નુ અદભુત નિર્દેશન
  ૬) પિંજર – ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી નુ નિર્દેશન, અમ્રુતા પ્રિતમ ની સુપ્રસિધ્ધ નવલક્થા, અને તેને ન્યાય આપે તેવો અભિનય
  ૭) બોર્ડર, લક્ષ્ય – યુધ્ધકથા નુ સુપેરે નિર્દેશન બોર્ડર મા, કારગિલ નિ યુધ્ધકથા સાથે આજ ના યુવાનો નુ મનોમંથન ઉત્તમ રિતે દર્શાવાયુ લક્ષ્ય મા
  ૮) ઉપકાર – મનોજ “ભારત” કુમાર ની આવિસ્મરણિય ક્રુતી, મેરે દેશ કિ ધરતી નિ સાથ સાથ ચોટદાર અભિનેતા પ્રાણ પર ફિલ્માયેલુ ગીત ‘કસ્મે વાદે પ્યાર વફા” સૌ સંગીત પ્રેમી ઓ ને યાદ જ હશે.
  ૯) પાનસીંહ તોમર, ભાગ મિલ્ખા ભાગ – ચરિત્ર કથા પર થી બનેલી પ્રશંશનિય ફિલ્મો
  ૧૦) બ્લેક, રંગ દે બસંતી, ઓહ માય ગોડ.

  આ સુચી એટલામાટે આપી કે એવી પણ ફિલ્મો છે જે સહપરીવાર જોવી જોઇએ, જેમા કશૉક સંદેશો છે, ઇતિહાસ છે, દેશપ્રેમ છે, અને હા મનોર્ંજન પ્ણ ખરુ. આ સિવાય પ્ણ ઘણી ફિલ્મો હીન્દી તેમજ અન્ય પ્રાદેષીક ભાષા ઓ મા બનેલી છે.

   • gopalkhetani

    એટલે જ મે લખ્યુ કે એવિ ઘણી ફિલ્મો છે જેને યાદી મા સમાવી શકાય.
    જેમ કે શોલે, અભિમાન, કર્મા, મશાલ, આંધી, મુન્નાભાઇ MBBS, થ્રી ઇડીયટ્સ, કથા, સ્વદેશ, જિસ દેશ મે ગંગા બહેતી હૈ વગેરે વગેરે… દરેક ને પોત પોતાના અલગ મંતવ્યો હોય એ સ્વભાવીક જ છે.
    દિલીપકુમાર થી શરુ કરી રણવીર સીંઘ સુધી ના નાયક તથા દેવીકારાણી થી લઇ આલિયા ભટ્ટ સુધી ની નાયીકા ઓ ની ફિલ્મો મા થી કઇ ઉત્ત્મ એ વિશે મતમતાંતર તો રહેવાના જ. પણ એ વિશે નિ ચર્ચા ઓ “સર્જનાત્મક” રહેવી જોઇએ.