શકુનીની રોજનીશી (ભાગ ૧૪) લા’હસ્તિનાપુર સાયકલ મેરેથોન – જીજ્ઞેશ અધ્યારૂ 9


વત્સ દુર્યોધન પણ ઈમ્પોસિબલ છે.. ઘણી વાર એ મેન્ટલી એટલો બધો આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય છે કે મનેય ફેરવીને બે મૂકવાનું મન થાય..

વાત ગત અઠવાડીયાની છે. લા’હસ્તિનાપુર ગ્રીનાથોન અંંતર્ગત એક સાયકલ મેરેથોનનું આયોજન હતું. હું મારી સ્પેશીયલ “ક્રોમહાર્ટ ગાંધારવન કાર્વેલો લિમિટેડ એડીશન ૦૦૪૪” લઈને નીકળ્યો હતો. જ્યારે આ બાઈક મેં સ્પેશીયલ ઑર્ડર આપીને બનાવડાવેલી ત્યારે સામાન્ય ધારણા એ હતી કે રાજમહેલના તદ્દન સ્મૂધ રસ્તાઓ પર જ એ ચલાવવી, ખાડાઓમાં તેને ચલાવવાથી તેની બૉડી તૂટવાની કે ઘસાઈ જવાની શક્યતાઓ હતી.

પણ સાયકલિંગ ફેડરેશન ઑફ હસ્તિનાપુર આયોજીત આ મેરેથોનમાં એ લાવવી જ પડે એમ હતું, કારણ કે વત્સ દુર્યોધને તેની સાયકલ ‘ટ્રેક મડોના ૦૦૧૮’, વત્સ કર્ણની સાયકલ ‘અંગમેન ટાયર ૩ વેન્ચ્યુરી’ અને વત્સ દુઃશાસન તેની સાયકલ ‘મગધ માસ્ટર્સ ક્રિસ્ટલ એડીશન’ લઈને આવવાના હતા. તો વળી યુધિષ્ઠિર, અર્જુન અને કૃષ્ણ પણ પોતપોતાની ‘મેક ઈન ખાંડવપ્રસ્થ’ સાયકલ્સ લઈને આવવાના હતા. અમારી સાયકલ્સ શૉક રેઝિસ્ટન્ટ હતી, ગિયર વાળી હતી તો પાંડવોની લાકડાના પૈડાં વાળી હતી જેના પર રબ્બરનો જાડો ઢોળ ચડાવાયેલો અને પૈડાંઓ વચ્ચે સંકલન માટે કાથીના દોરડાં ગરગડી પર વીંટળાયેલા.. મને શંકા હતી એ એ લોકો સફર પણ પૂરી કરી શક્શે કે કેમ.. મેરેથોન જીતવાની વાત તો તેમના માટે અશક્ય હતી..

જીજાશ્રી અને દીદીશ્રી તેમના માટે સ્પેશીયલ બનાવાયેલ ત્રણ પૈડા વાળી સાયકલમાં બેઠેલાં, ભીષ્મ રાબેતા મુજબ તેમના રથમાં હતાં, જેનું પાછળનું એક પૈડું અને ધરી તેમણે કાઢી નાંખેલ, અને રથ કમ સાયકલ બનાવેલી. વિદુરજીએ અગ્નેયાસ્ત્ર હવામાં છોડી ને મેરેથોન શરૂ કરાવી, હું, દુર્યોધન અને દુઃશાસન નારીયેળ પાણી પીવા ઉભા રહેલા, ત્યાં પાંડવોએ તેમની સાયકલો મારી મૂકી.

મેરેથોન નો ટ્રેક હસ્તિનાપુરથી ઈન્દ્રપ્રસ્થ સુધીનો હતો જે વાયા ગાંધાર થઈને હતો. હસ્તિનાપુરથી પાંડવો આગળ તો નીકળ્યા, પણ અમે તરત જ તેમને આંબી ગયા. હસ્તિનાપુરના મુખ્યદ્વાર પાસે દુર્યોધને રોડ પર પતરાં મૂકાવ્યા, જેની નીચે અગ્નિદેવ પ્રજ્વલિત હતાં. પાંડવો ત્યાંથી નીકળે એટલે તેમની સાયકલના રબ્બર ઓગળવા માંડે એવો હેતુ, પણ ગતિનો નિયમ દુર્યોધનને ક્યાંથી આવડે? પાંડવો ગતિમાં હતા એટલે કોઈ પણ નુકસાન વગર એ પસાર કરી ગયાં. ફક્ત ભીમની સાયકલ ત્યાં ચોંટીને ઉભી રહી ગઈ.. એની મદદે બધા પાંડવો રોકાઈ ગયા એટલે અમે ખુશીથી આગળ વધ્યા.

પણ પાંડવો ગાંજ્યા જાય તેમ નહોતા, ભીમની સાયકલના લાકડાના પૈડાં પરનું રબ્બર ઓગળ્યું એટલામાં તો તેની સાયકલના સાઈડપેકમાંથી રબ્બરની બીજી પટ્ટી એ જ પતરા પર સહેજ ગરમ કરીને લાકડા પર ચડાવી દેવાઈ અને આખરે એ બધાં એક સાથે નીકળ્યા ત્યારે અમે લગભગ ત્રણેક ફલાંગ આગળ નીકળી ગયેલા.

છેક ગાંધાર સુધી અમે આગળ રહ્યાં, પાંડવો અને કૃષ્ણ ધીમે ધીમે પાછળ આવી રહ્યાં હતા. પણ જેવી ગાંધારની સીમા શરૂ થઈ કે રસ્તાના ખાડાઓ શરૂ થઈ ગયાં. અમે ખૂબ સંભાળીને ચાલવાનો પ્રયત્ન કરતા હતાં. પણ છતાંય મોટા ખાડામાં થઈને જવું કે નાના – એ પ્રકારના જ વિકલ્પો સતત મળી રહ્યાં. ગાંધાર નેશનલ હાઈવે ઑથોરીટીનો ચીફ હું જ હતો, મેં ૩૫% ડાઊનમાં ટેન્ડરો ભરાવેલા અને એમાંથી મારો કટ ૩૦% જેટલો હતો… એટલે પ્રધાન અભિયાંત્રિક પણ ડામર ઉમેરી શકે તેમ નહોતો.. બધાને આ વાતની ખબર હતી છતાં ઘરની વાત હતી એટલે કોઈ કંઈ બોલતું નહોતું, પણ બધાં આ પ્રકારના રસ્તાને લીધે અકળાઈ ગયાં, દુઃશાસનની સાયકલનો ચીપીયો વળી ગયો, કર્ણની સાયકલના બ્રેકરબર તૂટ્યાં, દુર્યોધનની સાયકલમાં પંચર પડ્યું અને મારી સાયકલની ચેન ઉતરી ગઈ.

પણ અમે અમારી સાયકલો રિપેર કરાવીએ એ પહેલા પાંડવો આરામથી ત્યાંથી નીકળી આગળ વધી ગયાં. તેમની સાયકલના જાડા રબ્બર ચડાવેલ ટાયર અને કાથીના ચસોચસ બાંધેલ દોરડા સાથેની ગરગડીઓને લીધે એ સાયકલો ચાલતી જ રહી. અમે પણ રિપેરીંગના પ્રયત્નો વધાર્યા અને લગભગ પાંડવો બે ફલાંગ આગળ ગયા હશે કે અમે અમારી સાયકલો ફરીથી દોડાવી..

હવે અમે રસ્તાની એકતરફ કાચા રસ્તે સાયકલ ચલાવવા માંડી, અને તે ખરેખર સરળ હતું. પાંડવોની બથડ સાયકલોને કોઈ તકલીફ ન થઈ અને આરામથી એ ગાંધારના રસ્તાઓ પસાર કરી ઈન્દ્રપ્રસ્થ તરફ આગળ વધ્યા.

છેલ્લા ચારેક ફલાંગ બાકી હતા, પાંડવો હજુ પણ અમારાથી આગળ જ હતાં. આખરે અમે જેમતેમ કરી તેમની લગોલગ પહોંચ્યા. દુર્યોધને ભીમને લલકાર્યો, રેસ પૂરી થવાની હોય ત્યાંની વિનિઁગ પોસ્ટ લગભગ એકાદ ફલાંગ લાંબી પુષ્પમાળાથી બનાવાઈ હતી, દુર્યોધન અને ભીમ તથા કર્ણ અને અર્જુન એ તરફ જોશભેર આગળ વધ્યા.. પણ ત્યાં અચાનક એક મેગ્નેટિક બ્રેક વાગી અને વત્સ દુર્યોધનની સાયકલ ઝાડ થઈ ગઈ. (પછીથી ખબર પડી કે ભીમે એ રસ્તાના ફાઉન્ડેશનમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ગોઠવણ કરી હતી.) આટલી સ્પીડમાંથી અચાનક બ્રેક લાગવાથી એ ઉછળીને આગળ પડ્યો અને ભીમની સાયકલ તેના પગના એન્કલ પાઈપને તોડતી આગળ વધી ગઈ. કડાકો થયો અને દુર્યોધનનો પગ બે ને બદલે ત્રણ ભાગમાં વળતો થઈ ગયો.

જો કે રેસ હજુ કર્ણ અને અર્જુન વચ્ચે બાકી હતી.. બંને લગભગ સમાન ગતિમાં અને સાથેસાથે જ હતાં, ત્યાં અચાનક અર્જુને દિશા બદલી અને એક દિવાલ તરફ ફંટાયો. વત્સ કર્ણ જીતનારની પોસ્ટ તરફના દરવાજા સામે આગળ વધ્યો અને એ દરવાજામાં પ્રવેશવા જતાં જ અથડાઈને માથાભેર પડ્યો, તેની સાયકલનો પણ ડૂચો થઈ ગયો. તો વત્સ અર્જુન જે દિવાલ તરફ વધી રહ્યો હતો એ દિવાલ નહોતી પણ દરવાજો હતો જે દિવાલ જેવો દેખાતો હતો, જ્યારે કર્ણ અથડાયો એ દરવાજો ખરેખર દિવાલ હતો. થીડી આર્ટિસ્ટને બોલાવીને કરાયેલી આ ચાલાકીથી વત્સ દુર્યોધન ખૂબ અકળાયો પણ તે શું કરી શકે?

પરિચારિકાઓએ તેના પગે પ્લાસ્ટર લગાવ્યું, સ્ટ્રેચરમાં તેને ઉઠાવીને ઓલ ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડીકલ સાયન્સિસમાં ભરતી કરાયો. પણ તેને ખૂબ ગુસ્સો હતો એટલે હવે એ સાયકલ પર જ હસ્તિનાપુર પાછું જવું એવો નિર્ણય તેણે કર્યો છે.. ને વચ્ચે ગાંધારના રસ્તાઓ પણ આવે છે.. મન તો થાય છે કે રથને બદલે સાયકલમાં પાછા જવાના મૂર્ખામીભર્યા વિચાર બદલ તેને બે ડાબા હાથની મૂકું પણ… વેલ, યુ શુડ નોટ કટ ધ બ્રાન્ચ ઓન વ્હીચ યૂ આર સિટીંગ…

આઈ ડોન્ટ નો હાવ વી વીલ ગો બેક ટુ હસ્તિનાપુર.. એની આઈડીયા? એની એપ્સ ફોર ઈઝી બુકીંગ? એની ડિસ્કાઉન્ટ્સ?

– જીજ્ઞેશ અધ્યારૂ

લગભગ પાંચેક મહીને આજે શકુનીજી પાછા ફર્યા છે, તેમની રોજનીશીના કેટલાક પાનાંઓ અહીં સમયાંતરે હું પ્રસ્તુત કરું છું, આ પહેલાના તેર પ્રસંગો કે પાનાંઓ આપ સંગ્રહપાના શકુનીજી પર ક્લિક કરીને માણી શકો છો.. આપને આ પરકાયાપ્રવેશ કેવો લાગ્યો એ પણ કહેશો તો આનંદ થશે.. જય ગાંધાર


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૪) લા’હસ્તિનાપુર સાયકલ મેરેથોન – જીજ્ઞેશ અધ્યારૂ